Site icon

Dhoran 10 Gujarati 2 Marks Imp Questions

Dhoran 10 Gujarati 2 Marks Imp Questions

ધોરણ ૧૦ ગુજરાતીમાં(Dhoran 10 Gujarati 2 Marks Imp Questions) વિભાગ – A(ગદ્ય વિભાગ)માં  2 ગુણના કુલ 3 પ્રશ્નોના ઉત્તરો લખવાના હોય છે. અહીયા પરીક્ષામાં પૂછાય શકે તેવા ખૂબજ અગત્યના પ્રશ્નોના ઉત્તરો આપવામા આવ્યા છે.

પ્રકરણ – 2 રેસનો ઘોડો

લેખિકાનુ નામ :- વર્ષા અડાલજા

સાહિત્યપ્રકાર :- નવલિકા

(1) “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.

ઉત્તર :બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણીગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું.

(2) ‘હવે અમેરિકા ક્યારે જશો?’ પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર :હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો.

પ્રકરણ – 4 ભૂલી ગયા પછી

લેખકનુ નામ :- રઘુવીર ચૌધરી

સાહિત્યપ્રકાર :- એકાંકી

(1) નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી?

ઉત્તર:-નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી.

(2) વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે ……

ઉત્તર :વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા સુકુમાર છે અને ડરપોક છે. એક ગરોળી પણ નહિ પકડી લાવે. સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. આથી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી.

Dhoran 10 Gujarati 2 Marks Imp Questions

પ્રકરણ – 6 વાઇરલ ઇન્ફેક્શન

લેખકનુ નામ :- ગુણવંત શાહ

સાહિત્યપ્રકાર :- નિબંધ

(1) લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?

ઉત્તર:કીડિયારાની જેમ ઓ.પી.ડી. પુષ્કળ દર્દીઓથી ઊભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથઆશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.

(2) લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે?

ઉત્તર:લેખકના મતે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે.

પ્રકરણ – 8 છત્રી

લેખકનુ નામ :- રતિલાલ બોરીસાગર

સાહિત્યપ્રકાર :- હાસ્ય – નિબંધ

(1) રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે …

ઉત્તર:-છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહિ, પણ મૂર્ખામીભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, એવો તેમનો દૃઢ મત હતો.

(2) રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી લાગતી હતી કારણ કે …

ઉત્તર:-અમદાવાદથી છેક રાજકોટ જવાના બસભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષાભાડાં તેમજ ચા-પાણી-નાસ્તા વગેરેનો વધારોનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો-સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી.

પ્રકરણ – 10 ડાંગવનો અને …

લેખકનુ નામ :- મહેન્દ્રસિંહ પરમાર

સાહિત્યપ્રકાર :- લલિત નિબંધ

(1) લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે …

ઉત્તર:-લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્તા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું.

(2) લેખક પોતાને ટચૂકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે કારણ કે …

ઉત્તર :-લેખક પોતાને ટચૂકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાંની રાહ જોતાં ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલાં નદી, ધોધ અને તળાવનાં રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઊર્જા મળે છે!

Dhoran 10 Gujarati 2 Marks Imp Questions

પ્રકરણ – 12 ચોપડાની ઇન્દ્રજાળ

લેખકનુ નામ :- ચન્દ્રકાંત પંડ્યા

સાહિત્ય પ્રકાર :-  આત્મકથા – ખંડ

(1) લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો.

ઉત્તર :- લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકનાં બા તેને અથાણું ને થોડી દાળ આપે; પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે.

(2) દર વર્ષે જીવલો લેખકના ઘરે કઇ – કઇ વસ્તુઓ આપવા જતો?

ઉત્તર :-  દર વર્ષે જીવલો લેખકના ઘરે  લાકડાં, ડાંગર,કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે આપવા જતો.

પ્રકરણ – 14 જન્મોત્સવ

લેખકનુ નામ :- સુરેશ જોષી

સાહિત્ય પ્રકાર :-  નવલિકા

(1) અસિતે કૃષ્ણજન્મની કઇ તરકીબ રચી હતી તે જણાવો.

ઉત્તર : અસિતે વીજળીની મદદથી કૃષ્ણજન્મની તરકીબ રચી હતી. રાત્રીના બાર વાગ્યે કિનખાબનો પડદો ખૂલે, આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય. ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. સાથે જ ઝાલર, મંજીરાં, કાંસા ને શંખનો ધ્વનિ સંભળાય, બિભાસના સૂર વાતાવરણને વધુ આહ્લાદક બનાવે એવી તરકીબ અસિતે રચી.

(2) કાનજી અને દેવજી બાળકને લઇને ક્યાં જતા હતા? શા માટે?

ઉત્તર : કાનજી અને દેવજી બાળકને લઈને, ઘૂંટણસમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા.

પ્રકરણ – 16 ગતિભંગ

લેખકનુ નામ :- મોહનલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  લઘુકથા

(1) ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે?

ઉત્તર : ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી તે અટકી ગઈ.

(2) “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું?

ઉત્તર : ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે બોલી ઊઠી : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય, એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે.

પ્રકરણ – 18 ભૂખથીય ભૂંડી ભીખ

લેખકનુ નામ :- પન્નાલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  નવલકથા-અંશ

(1) અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે ?

ઉત્તર :- કાળુ અનાજ લેતાં અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું એટલે તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, તને હાથ લાંબો કરતાં સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી – તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહિ થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે. કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે.

(2) “બાવાનાં બેય બગડ્યાં” એમ કાળુ શા માટે કહે છે?

ઉત્તર : “તમારું છે ને તમને આપીએ છીએ. એમાં ધર્માદા જેવું કંઈ જ નથી.” સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો ‘બાવાનાં બેય બગડ્યાં’ જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહિ એ ટેક પળાઈ નહિ અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું.

(3) સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.

ઉત્તર : સુંદરજી શેઠ ડેગડિયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો: સફેદ ધોતિયું, અંગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા. કાળુએ જ્યારે ધર્માદું અનાજ લેવાની ‘ના’ પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દૃષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદીતકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું , “તમારું છે ને તમને આપીએ છીએ, ભાઈ, ધર્માદા જેવું એમાં કંઈ નથી.” આ વાક્યો સુંદરજીની મોટાઇ અને ઉદારતા દર્શાવે છે.

પ્રકરણ – 20 વિરલ વિભૂતિ

લેખકનુ નામ :- આત્માર્પિત અપૂર્વજી

સાહિત્યપ્રકાર :- ચરિત્ર નિબંધ

(1) શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો ?

ઉત્તર:- શ્રીમદ્ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, ભણતા, ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં સાત વર્ષ લાગે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. આ પરથી કહી શકાય કે શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી.

(2) શ્રીમદ્ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે ?

ઉત્તર : શ્રીમદના નાનપણનો એક પ્રસંગ છે. તેઓ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી. નાનપણથી જ તેમનામાં જીવદયા અને કરુણા હતાં એ તેમના આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે.

(3) કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા ?

ઉત્તર : શ્રીમદના કાકાજી સસરા ડૉ. મહેતાએ ગાંધીજીને શ્રીમદને જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ્ સહજ રીતે, એક પછી એક, બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ! ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી ચક્તિ થઈ ગયા.

પ્રકરણ – 22 હિમાલયમાં એક સાહસ

લેખકનુ નામ :- જવાહરલાલ નેહરુ

સાહિત્યપ્રકાર :- પ્રવાસ નિબંધ

(1) પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહિ તે કારણો સાથે જણાવો.

ઉત્તર : પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું; કારણ કે રસ્તામાં ઠેકઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. એને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધનસામગ્રી નહોતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહિ. આથી પગ લપસવાની પૂરી શક્યતા હતી. એટલે આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું.

પ્રકરણ – 24 ઘોડીની સ્વામીભક્તિ

લેખકનુ નામ :- જોરાવરસિંહ જાદવ

સાહિત્યપ્રકાર :- લોકકથા

(1) આંબા પટેલને મણાર શા માટે જવું પડયું ?

ઉત્તર :- આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો કે ભાણેજને માલૂમ થાય કે જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણા૨ (ગામ) આવીને રોટલા શિરાવજો. મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું.

(2) પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું ?

ઉત્તર :- કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરાં ફુલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું.



ધોરણ ૧૦ ગુજરાતીમાં વિભાગ – B (પદ્ય વિભાગ) પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post
Exit mobile version