ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnan

ભારતીય દર્શનશાસ્ત્ર અને કેળવણીના દાર્શનિક ઋષિતુલ્ય શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnanનો જન્મદિન પ્રત્યેક વર્ષે પાંચમી સપ્ટેમ્બરે, આનંદ – ઉલ્લાસ અને ઉચ્ચ હેતુઓ સંદર્ભે રાષ્ટ્રની પ્રત્યેક શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક દિન  તરીકે  ઉજવાય છે. ‘જ્ઞાનથી વધુ પવિત્ર બીજું કશું જ નથી’, એ વિચારને જીવનપર્યંત ચરિતાર્થ કરનાર બાળકેળવણીના કરુણામૂર્તિ અને માતૃવાત્સલ્ય શિક્ષણપરંપરાના અધિષ્ઠાતા ગુરુવર્ય ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnan આજીવન ‘સત્યમ્’, ‘શિવમ્’ અને ‘સુંદરમ્’ વિચારના કર્મપ્રધાન કેળવણીના ઉપાસક રહ્યાં.

જીવન અને કવન

પ્રજ્ઞાપુરુષ તત્ત્વજ્ઞાની ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnan નો જન્મ 5 મી સપ્ટેમ્બર, 1888 ના રોજ મદ્રાસ (હાલ ચેન્નાઈ) પાસેના તિરૂતની તીર્થસ્થાનમાં શિક્ષક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તિરૂતની દેવસ્થાનની તમિલ અને તેલુગુ માતૃભાષા ધરાવતી શાળામાં મેળવ્યું હતું. ઈ.સ. 1904 માં મેટ્રિક તથા 1910 માં ‘અધ્યાપનશાસ્ત્ર’ અને ‘ભારતીય દર્શનશાસ્ત્ર’ના પ્રાધ્યાપક તરીકે મદ્રાસની સરકારી કૉલેજમાં જોડાયા. ઈ.સ. 1921 થી 1926 દરમ્યાન ‘વૈદાંતનું નીતિશાસ્ત્ર’ અને ‘ભારતીય દર્શનશાસ્ત્ર’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (Ph.D) થયાં. આ વિષયો પર તેઓ જીવનપર્યંત અધ્યયન કરતા રહ્યાં.

અધ્યયનશીલતામાં પ્રકૃતિવાદ

અધ્યયન – અધ્યાપન કાર્ય દરમિયાન તેઓ ઈ.સ. 1921 માં કલકત્તા યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સંપર્કમાં આવતા ભારતીય કેળવણીની અધ્યયનશીલતામાં પ્રકૃતિવાદ અને સાહિત્યના નીતિધર્મનો ઉમેરો થયો. વેદો, ઉપનિષદો, ભારતીય સંસ્કૃતિ, નૈતિક આચારધર્મ અને નિષ્કામ કર્મપ્રધાન અધ્યાત્મના ઉપાસક બન્યા. આ જ સમય દરમિયાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક પામ્યા. સમકાલીન અધ્યાત્મગુરુ ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’ , ‘શારદામણી દેવી’ , ‘સ્વામી વિવેકાનંદ’, ‘શ્રી અરવિંદ’ અને ‘શ્રી માતાજી’ના વિચારોના પ્રભાવથી તેમની અધ્યયનશીલતા ભારતીય દર્શનશાસ્ત્રનાં સંદર્ભે કર્મ – ધર્મપરાયણ બની.

પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું સમન્વય

અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત જ્ઞાતા હોવાને કારણે તેઓની ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકે લંડન ઍજ્યુકેશન કાઉન્સિલ દ્વારા પસંદગી કરાતા સતત 15 વર્ષ સુધી તેમણે ભારતીય કેળવણી અને દર્શનશાસ્ત્રનો વિદેશના વિદ્યાર્થીઓને પરિચય કરાવ્યો. આ સમય દરમિયાન તેઓએ અમેરિકા, યુરોપ અને પશ્ચિમના અનેક દેશોની કેળવણી અને સંસ્કૃતિનો પરિચય મેળવ્યો. ભારતીય તત્ત્વજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાનના સંદર્ભે તુલનાત્મક મૂલવણી કરતા તેમનાં અનેક વ્યાખ્યાનો પૂર્વ અને પશ્ચિમના દેશોમાં યોજાયા.

ભારતીય દર્શનશાસ્ત્રના ‘પ્લેટો’

તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે અધ્યયન – અધ્યાપન કાર્ય દરમ્યાન તેઓએ ‘ધર્મદષ્ટિ’ , ‘હિન્દુ જીવનદૃષ્ટિ’ , ‘ભારતીય દર્શન’ , ‘બ્રહ્મસૂત્ર’ , ‘મનોવિજ્ઞાનના મૂળતત્ત્વો’ , ‘સમકાલીન દર્શનમાં ધર્મનો પ્રભાવ’ , ‘પૌર્વાત્ય અને પાશ્ચાત્ય’ , ‘ધમ્મપદ’ , ‘જગવંદના’ , ‘સ્વરાજ’ , ‘સંસ્કૃતિ’ , ‘વેદની વિચારધારા’ વગેરે 150 થી વધુ ભારતીય દર્શનશાસ્ત્રનાં પુસ્તકો લખેલા છે. ‘ભગવદ્ ગીતા’ અને ‘ધર્મદષ્ટિ’ નામનાં તેમના બે પુસ્તકો તેમણે મહાત્મા ગાંધીજીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યાં હતા. ભારતીય કેળવણી – અધ્યાત્મના આચાર, વિચાર, ધર્મ અને વિજ્ઞાનના આ સંદર્ભે તેઓ ‘પ્લેટો’ તરીકે ઓળખાયા હતા.

નિષ્કામ કર્મયોગી

ભારતીય કેળવણીની કર્મપ્રધાન વિચારધારાના તેઓ અધિષ્ઠાતા તરીકે ભારતના પ્રત્યેક જનમાનસમાં હરહંમેશ ઉત્કૃષ્ટ છાપ છોડતા ગયા, જે આજે પણ જીવિત છે. તેઓમાં મહાવીર સ્વામીના ‘પંચશીલ’ સિદ્ધાંતો, ભગવાન બુદ્ધની કરુણા, શાંતિ, દયા, ક્ષમા, ત્યાગ, સેવા અને ગુરુ – શિષ્ય પરંપરાના નખશિખ શિક્ષક તરીકેના ઉચ્ચતમ મૂલ્યો સાંપ્રત સમયમાં પણ આટલા જ પ્રસ્તુત છે.

૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું.

હાર્વડ યુનિવર્સિટીના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે 16 વર્ષ કામ કર્યું. ઈ.સ. 1952 થી 1962 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે તથા ઈ.સ. 1962 થી 1967 સુધી દેશના બીજા રાષ્ટ્રપતિ તરીકે ‘નિષ્કામ કર્મયોગી’ તરીકે સેવા આપી. આમ છતાં પોતાની ઓળખ માત્ર ‘શિક્ષક’ તરીકે વિનમ્રતાપૂર્વક આપતા હતા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.

ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.

ચારિત્ર્યશુદ્ધિની કેળવણીના હિમાયતી

ભારતના શિક્ષકો શુદ્ધ – પવિત્ર જ્ઞાન દ્વારા બાળકોમાં માતૃભાષાના માધ્યમ સ્વરૂપે ચારિત્ર્યશુદ્ધિની કેળવણી આપે તેમજ ગુરુ – શિષ્યની ભારતીય પંરપરાનું પરિશીલન કરીને અધ્યેતાઓને રાષ્ટ્રનિર્માણ માટે તૈયાર કરે તેવી ઉમદા જીવનપ્રણાલીનો ઉત્તમ સંદેશ સાંપ્રત શિક્ષણ જગતને તેઓ આપતા ગયા. ભારતીય કેળવણીના ઉત્તમ મૂલ્યોની સુવાસને સમગ્ર વિશ્વમાં પ્રસરાવનાર નખશિખ ઋષિતુલ્ય શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnan તા . 17-4-1975ના રોજ નિર્વાણ પામ્યા. શિક્ષકદિને આપણે સૌ નિષ્કામ કર્મના અધિષ્ઠાતા, પ્રજ્ઞાપુરુષ, તત્ત્વજ્ઞાની ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnan ના જીવનમાંથી પ્રેરણા લઈ નવી પેઢીને નૂતન રાષ્ટ્રના નિર્માણ માટે તૈયાર કરવા કટિબદ્ધ બનવાનો સંકલ્પ કરીએ.


શિક્ષક દિવસ નિમિત્તે ક્વિઝ આપો અને પોતાનુ જ્ઞાન ચકાસો. ક્વિઝ આપવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

teacher's day

Plz share this post
Exit mobile version