ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ B)મા STD 10 SCIENCE SECTION B MOST IMP QUESTIONS ANSWERS બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.
અહીયા પ્રકરણ – 2,3,5,6,8 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.
પ્રકરણ – 10,12,13,15,16 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
PDF FILE માટે અહી ક્લિક કરો.
પ્ર -2 એસિડ,બેઇઝ અને ક્ષાર
(1) શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?
ઉત્તર :- દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકશાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થો ને પિત્તળ કે તાંબાના વાસણો માં રાખવા ન જોઇએ.
(2) શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી?
ઉત્તર : HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં H+ (aq) આયન મુક્ત કરે છે. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવે છે. જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+ (aq) આયન મુક્ત કરતા નથી. આથી તેઓના જલીય દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવતા નથી.
(3) એસિડને મંંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે.?
ઉત્તર :- સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા રહીને ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે પરિણામે કોઈ હાનિ થતી નથી.
(4) નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલાં શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો.
(a) મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં,
(b) મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં,
(c) મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં,
(d) મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં,
ઉત્તર :-
(a) ઝિંક + મંદ સલ્ફ્યુરિક એસિડ → ઝિંક સલ્ફેટ + હાઇડ્રોજન વાયુ
Zn(s) + H2SO4 (aq) → ZnSO4(aq) + H2(g) ↑
(b) મેગ્નેશિયમ + મંદ હાઇડ્રોક્લોરિક એસિડ → મેગ્નેશિયમ ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ
Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) +H2 (g) ↑
(c) એલ્યુમિનિયમ + મંદ સલ્ફ્યુરિક એસિડ → એલ્યુમિનિયમ સલ્ફેટ + હાઇડ્રોજન વાયુ
Al(s) + H2SO4 (aq) → Al2(SO4)3(aq) + H2(g) ↑
(d) લોખંડ + મંદ હાઇડ્રોક્લોરિક એસિડ → આયર્ન ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ
Fe(s) + 2HCl(aq) → FeCl2(aq) +H2 (g) ↑
(5) શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે, જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે?
ઉત્તર :- નિસ્યંદિત પાણીએ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ, નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે.
(6) તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીમાં રૂપાંતર થાય, તો તેની pH ના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો.
ઉત્તર :- દૂધનું જયારે દહીમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે.તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહી સ્વાદે ખાટું લાગે છે.
(7) એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.(a) તે તાજા દૂધની pHને 6 થી ઓછી બેઝિક તરફ શા માટે ફેરવે છે? (b) શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?
ઉત્તર :- (a) તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો pHનું મૂલ્ય 6થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. (b) દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતાં દૂધ બેઝિક બને છે.તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.
(8) પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુકત પાત્રમાં સંગૃહીત કરવું જોઇએ.શા માટે? સમજાવો.
ઉત્તર :- પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુકત પાત્રમાં સંગૃહીત કરવું જોઇએ, કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસનો ગુણ ધરાવતો નથી.
(9) તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? બે ઉદાહરણ આપો.
ઉત્તર :- જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.
એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
NaOH + HCl → NaCl + H2O
બેઇઝ એસિડ ક્ષાર પાણી
2KOH + H2SO4 → K2SO4 + 2H2O
બેઇઝ એસિડ ક્ષાર પાણી
(10) ધોવાના સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો લખો.
ઉત્તર :- ધોવાના સોડાના ઉપયોગો:-
- કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં.
- બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં.
- ઘરમાં સફાઈકર્તા તરીકે.
- પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે.
- કાગળ અને કાપડ ઉદ્યોગમાં.
- પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે
બેકિંગ સોડાના ઉપયોગો:-
- તેને ગરમ કરવામાં આવે ત્યારે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદભવતા CO2 વાયુને લીધે પાઉં,કેક તથા ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ અને પોચા બને છે.
- એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે.
- સોડા ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા.
- ચેપ નાશક તરીકે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.
- ઘરગથ્થુ ઉપયોગ તરીકે
પ્રકરણ -૩ ધાતુઓ અને અધાતુ
1. ધાતુના ભૌતિક ગુણધર્મો લખો.
ઉત્તર :- ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે. તે ઓરડાના તાપમાને ઘન (પારા સિવાય) અને સખત હોય છે. તે તણાવપણા અને ટીપાઉપણા નો ગુણ ધરાવે છે. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરે છે.
2. અધાતુના ભૌતિક ગુણધર્મો લખો.
ઉત્તર :- અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. (અપવાદ- બ્રોમિન પ્રવાહી છે) તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે તણાવપણા અને ટીપાઉપણા નો ગુણ ધરાવતા નથી. તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરતા નથી.
3. એવી ધાતુ નું ઉદાહરણ આપો જે (a)ઓરડાના તાપમાને પ્રવાહી છે. (b)છરી વડે આસાનીથી કાપી શકાય છે. (c)ઉષ્માની ઉત્તમ વાહક છે. (d)ઉષ્માના મંદવાહક છે.
ઉત્તર :- (a)ઓરડાના તાપમાને પ્રવાહી છે. :- મરક્યુરી (પારો) (b)છરી વડે આસાનીથી કાપી શકાય છે. :- સોડિયમ ,પોટેશિયમ (c)ઉષ્માની ઉત્તમ વાહક છે. :- સિલ્વર અને કોપર (d)ઉષ્માના મંદવાહક છે. : – લેડઅને મરક્યુરી
4. નીચેના પદો ને વ્યાખ્યાયિત કરો. (a) ખનીજ (b) કાચી ધાતુ (અયસ્ક) (c) ગેંગ
ઉત્તર :- ખનીજ:- જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે. તેને ખનીજ કહે છે.
કાચી ધાતુ:- જે ખનીજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનીજને કાચી ધાતુ (અયસ્ક-ore) કહે છે.
ગેંગ:- પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિ ને ગેંગ કહે છે.
5. નીચેના પદોની સમજૂતિ આપો. (a) ભૂંજન (b) કેલ્શિનેશન
ઉત્તર :- (a) સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડ માં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે.
2ZnS(s) + 3O2(g) → 2ZnO(s) + 2SO2(g)
(b) કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ ને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે.
2ZnCO3(s)→ 2ZnO(s) + CO2(g)
6. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે?
ઉત્તર :- સોડિયમએ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામા સળગી ઉઠે છે. આમ,સોડિયમની ઑક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણકે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી.
7. કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.
ઉત્તર :- કોપર (તાંબુ) ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતુ નથી. તદઉપરાંત તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતુ નથી. આથી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલ આયર્નનુ ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી.
8. કારણ આપો. પ્લેટિનમ, સોનુ અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.
ઉત્તર :- કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે. તે તણાવપણા કે ટિપાઉપણાનો ગુણ ધરાવે છે. પરિણામે આભૂષણોને યોગ્ય આકાર, ઘાટ આપી શકાય છે. તદઉપરાંત તે પાણી કે હવા સાથે કોઇ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ, સોનુ અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.
9. ઉભયગુણી ઓક્સાઈડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઈડના બે ઉદાહરણ આપો.
ઉત્તર:- ધાતુના જે ઓક્સાઈડ એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. તેવા ઓક્સાઈડને ઉભયગુણી ઓક્સાઈડ કહે છે. ઉદાહરણ :- એલ્યુમિનિયમ ઓક્સાઈડ (Al2O3), ઝીંક ઓક્સાઇડ (ZnO)
10. ક્ષારણ એટલે શુ? લોખંડનુ ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય?
ઉત્તર :- હવા, પાણી અને ભેજના સંંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે.
→ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઈઝિંગ,ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.
→ દા.ત. સ્ટીલ અને લોખંડ ને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંક નું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઈઝેશન છે. જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઈઝ વસ્તુ નું કાટ સામે રક્ષણ થાય છે.
પ્રકરણ – 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ
1. ડોબરેનરના વર્ગીકરણ ની મર્યાદાઓ શું છે?
ઉત્તર :- ડોબરેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ કરી શકાયું નહીં. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ગણી શકાય નહીં.તે સમયમાં N,P,અને As એ ત્રણ તત્વો પણ જાણીતા હતા. પરંતુ આ તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કરી શકાયા ન હતા.
2. ન્યૂલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ શું છે?
ઉત્તર :- →ન્યૂલેન્ડના અષ્ટકના સિદ્ધાંત માત્ર હલકા તત્વો (પરમાણ્વીય દળ ) ને લાગુ પડ્યો. → અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ(Ca) સુધી જ લાગુ પડતો હતો કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મને મળતા આવતા નથી. →ન્યૂલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં અન્ય કોઇ તત્વ શોધાશે નહીં. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંત સાથે બંધબેસતા નથી.
→ન્યૂલેન્ડે એ પોતાના કોષ્ટકમાં તત્વોને બંધબેસતા બેસાડવા માટે બે તત્વો Co અને Ni એક જ સ્થાન ઉપર ગોઠવી દીધા હતા. ઉપરાંત કેટલાક અસમાન તત્વો ને પણ એક જ સ્થાન પર ગોઠવ્યા હતા. દા.ત. Co અને Ni તત્વોને ન્યૂલેન્ડે F, Cl અને Br સાથે ગોઠવ્યા હતા. →જ્યારે Fe એ Co અને Ni સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે પરંતુ Fe નું સ્થાન તેમના કરતા અલગ રાખ્યું હતું.
3. ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે, જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટક માં ખાલી સ્થાન છોડયું હતું?( ગમે તે બે)
ઉત્તર :- ગેલિયમ સિવાય જર્મેનિયમ(Ge) અને સ્કેન્ડિયમ(Sc) માટે મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટક માં ખાલી સ્થાન છોડ્યા હતા.
4. મેન્ડેલીફે તત્વોનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ લીધા?
ઉત્તર :- → તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળ ના આવર્તનીય હોય છે. →સમાન ગુણધર્મો વાળા તત્વોને એક સમૂહમાં ગોઠવવા. →તત્વો દ્વારા બનતા ઓકસાઈડઅને હાઈડ્રાઈડના આણ્વીય સૂત્રનો ઉપયોગ.
5. તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુ ને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા?
ઉત્તર :- નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ(He), નિયોન(Ne) અને આર્ગોન (Ar) નું વાતાવરણમાં અતિશય અલ્પ પ્રમાણ અને રાસાયણિક નિષ્ક્રિયતાને કારણે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા.
6. આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ દસ તત્વોમાં કઈ ધાતુઓ છે?
ઉત્તર :- આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ દસ તત્વો નીચે મુજબ છે. 1H , 2He , 3Li, 4Be, 5B, 6C, 7N, 8O, 9F, 10Ne →આ દસ તત્વો પૈકી Li અને Be એમ બે જ તત્વો ધાતુ તત્વો છે.
7. નાઇટ્રોજન (પરમાણ્વીય ક્રમાંક 7) તથા ફોસ્ફરસ (પરમાણ્વીય ક્રમાંક 15) આવર્ત કોષ્ટકના સમૂહ 15ના સભ્યો છે. આ બન્ને તત્વોની ઇલેક્ટ્રોનીય રચના લખો. આમાંથી કયુ તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે? શા માટે?
ઉત્તર :- નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના :- 2,5
ફોસ્ફરસની ઇલેક્ટ્રોનીય રચના :- 2,8,5
નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતા વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણતા ઘટે છે.
8. એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. (a) આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? (b) નીચેની પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતુ હશે? N(7) F(9) P(15) Ar(18)
ઉત્તર :- (a) આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક = 2+7+8= 17 (b) F(9) તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતુ હશે.
9. કયા તત્વમાં (a) બે કક્ષાઓ છે તથા બન્ને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે? (b) ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે? (c) કુલ ત્રણ કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે? (d) કુલ બે કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે છે? (e) બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન છે?
ઉત્તર :- (a) નિયોન (2,8) (b) મેગ્નેશિયમ (2,8,2) (c) સિલિકોન (2,8,4) (d) બોરોન (2,3) (e) કાર્બન (2,4)
10. નામ આપો. (a) ત્રણ તત્વો કે જેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. (b) બે તત્વો કે જે જેમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. (c) સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતા ત્રણ તત્વ
ઉત્તર :- (a) લિથિયમ, સોડિયમ, પોટેશિયમ (b) મેગ્નેશિયમ, કેલ્શિયમ (c) નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન
પ્ર – 6 જૈવિક ક્રિયાઓ
પ્ર.- 1 સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?
ઉત્તર :-
સ્વયંપોષી પોષણ વિષમપોષી પોષણ
તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમા જોવા મળે છે. તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2Oનો ઉપયોગ કરી ખોરાકનુ સંશ્લેષણ થાય છે. આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.
આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે. આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની પ્રક્રિયા છે.
પ્ર.- 2 જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.
ઉત્તર :-
જારક શ્વસન અજારક શ્વસન
આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે. આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.
આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે.
આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ સંપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુકત થાય છે. આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ અપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુકત થાય છે.
આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં અને બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.
અજારક શ્વસન કરતા સજીવોના નામ :- યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ,કેટલાક બેક્ટેરિયા અને અંત:પરોપજીવીઓ
પ્ર.- 3 આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?
ઉત્તર :- આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ ( એનીમિયા) કહે છે. તેના પરિણામે , આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ , થાક , કંટાળો વગેરે જોવા મળે છે.
પ્ર.- 4 આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે ?
ઉત્તર :- ખોરાક સાથે જઠર માં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.
પ્ર.- 5 માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે? આ ઘટકો ના કાર્ય શું છે?
ઉત્તર :- માનવમાં પરિવહન તંત્રના ઘટકો અને કાર્યો
1.રુધિર
(i) રુધિરરસ :- વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નું વહન
(ii) રક્તકણ(રાતા રુધિર કોષો) :- ઑક્સિજનનું વહન
(iii) શ્વેતકણ (શ્વેત રુધિર કોષો) :- રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
(iv) ત્રાકકણ :- રુધિર ગંઠાઈ જવાની ક્રિયા
2.હૃદય :- રુધિરના પંપ તરીકે કાર્ય કરે
3. રુધિરવાહિનીઓ
(i)ધમનીઓ :- હૃદયથી અંગો તરફ રૂધિરનું વહન
(ii)શિરાઓ :- વિવિધ અંગોથી હૃદય તરફ રૂધિરનું વહન
(iii)રુધિરકેશિકાઓ :- રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે
4. લસિકા :- નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતર કોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે.
પ્ર.- 6 મૂત્રનિર્માણના પ્રમાણનુ નિયમન કેવી રીતે થાય છે.?
ઉત્તર :- મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.
પ્ર.- 7 આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?
ઉત્તર :- પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનુ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરાડામાં થાય છે.
પ્ર.- 8 ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?
ઉત્તર :- લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.
સ્ટાર્ચ → માલટોઝ (શર્કરા)
પ્ર.- 9 સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઇ છે અને તેની નીપજો કઇ છે.?
ઉત્તર :- સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ:- (1) ક્લોરોફિલની હાજરી (2) પ્રકાશશક્તિનુ શોષણ (3) પાણીના અણુનુ વિઘટન (4) કાર્બન ડાયોકસાઇડનુ કાર્બોદિતમાં રિડકશન
તેની નીપજો:- ગ્લુકોઝ , કાર્બોદિત અને ઓક્સિજન
પ્ર.- 10 મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે.?
ઉત્તર :- મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હ્રદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનુ બેવડુંં પરિવહન કહે છે.મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.
પ્ર.- 11 જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે.?
ઉત્તર :-
જલવાહક અન્નવાહક
પાણી અને ખનીજ દ્રવ્યોનુ વહન થાય છે. મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનુ સ્થાળાંતરણ થાય છે.
તેમા વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતુ ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે. તેમાં સ્થાળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે.
તેમા દ્રવ્યોના વહન માટે ATP નો ઉપયોગ થતો નથી. તેમા દ્રવ્યોના સ્થાળાંંતરણ માટે ATP નો ઉપયોગ થાય છે.
જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે. ચાલનીનલિકા અને સાથીકોષો સ્થાળાંતરણમાં સંકળાયેલા છે.
પ્રકરણ – 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?
1. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ?
ઉત્તર : પ્રજનનમાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. DNA પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ, આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ફેરફારો ઉદ્વિકાસ પ્રેરી શકે છે.
2. પુષ્પના આયામ છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો .
ઉત્તર :
3. યૌવનારંભના સમયે છોકરીઓ અને છોકરાઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે?
ઉત્તર : યૌવનારંભના સમયે છોકરીઓમાં → અંડપિંડ માદા જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.→ અંડપિંડ અંડકોષ મુકત કરે છે. → સ્તનગ્રંથિના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. માસિક ચક્ર શરૂ થાય છે. યૌવનારંભના સમયે છોકરાઓમાં → શુક્રપિંડ નર જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. → શુક્રપિંડ શુક્રકોષોનુ ઉત્પાદન શરૂ કરે છે. → ચહેરા પર દાઢી – મૂછનો વિકાસ શરૂ થાય છે. → શરીર વધારે સ્નાયુબદ્વ બને છે. →અવાજ કર્કશ અને જાદો બને છે. → ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે → શિશ્ન પ્રસંગોપાત મોટુ અને સખત થઇ ઊર્ધ્વસ્થ બને છે.
4. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર : કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે (1) બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલાં પુષ્પ અને ફળ ધારણ થાય છે. (2) જે વનસ્પતિઓએ બીજનિર્માણ – ક્ષમતા ગુમાવી દીધી હોય, તેમનો પણ ઉછેર કરી શકાય છે. (3) પેઢી – દર – પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે.
5. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં આવેલા રસાંકુર પ્રવર્ષો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઑક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે.
6. DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?
ઉત્તર : DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્ત્વ નીચે મુજબ છેઃ (1) પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે. (2) DNA માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે.
7 . દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર : દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદા. અમીબા, બૅક્ટેરિયા. બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદા. પ્લાઝ્મોડિયમ આમ, એક દ્વિભાજનને અંતે બે બાળસજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળસજીવ એકસાથે ઉત્પન્ન થાય છે.
8. (a) માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? (b) શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?
ઉત્તર : (a) માનવના શુક્રપિંડનું કાર્ય :(1) શુક્રકોષોનું ઉત્પાદન અને (2) ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ. (b) પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે.