STD 10 SCIENCE MOST IMP – SECTION B Part-2

STD 10 SCIENCE MOST IMP - SECTION B Part-2

ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ B)મા STD 10 SCIENCE SECTION B MOST IMP QUESTIONS ANSWERS બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

અહીયા પ્રકરણ – 10,12,13,15,16 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

પ્રકરણ – 2,3,5,6,8 ના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

PDF FILE માટે અહી ક્લિક કરો. 

 

 પ્ર – 10 પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવન

પ્રશ્ન 1. આપણે વાહનોમાં પાછળનું દૃશ્ય જોવા માટેના અરીસા તરીકે (વાહનોના સાઇડ મીરર તરીકે) બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ?

ઉત્તર : → બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તોપણ બહિર્ગોળ અરીસો હંમેશાં વસ્તુનું આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે.  → બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દૃષ્ટિક્ષેત્ર ધરાવે છે, કારણ કે તે બહારની તરફ વક્રાકાર છે. → ઉપરનાં કારણોને લીધે ડ્રાઇવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનું દૃશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી શકે છે.

પ્રશ્ન 2. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 cm અંતરે રાખેલ વસ્તુનું ત્રણ ગણું મોટું (વિવર્ધિત) વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે?

ઉકેલ : અંતર્ગોળ અરીસા વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી ઋણ હોય છે, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ ઊંધું હોય છે. m= – 3

વસ્તુ – અંતર હંમેશાં ઋણ હોય છે. u = – 10 cm

પ્રતિબિંબ – અંતર v = ?

હવે, મોટવણી m = -v/u

-3 = -v / -10

v = – 30 cm

વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અરીસાના આગળના ભાગે (વસ્તુ તરફ) 30 cm અંતરે મળશે.

3. નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો:

(a) કારની હેડલાઇટ (b) વાહનનો સાઇડનો અરીસો (c) સોલર ભટ્ટી તમારો ઉત્તર કારણ સહિત જણાવો.

ઉત્તર: (a) કારની હેડલાઇટ → અંતર્ગોળ અરીસો વપરાય છે. કારણ : પ્રકાશના સ્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી, અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે.

(b) વાહનનો સાઇડનો અરીસો → બહિર્ગોળ અરીસો વપરાય છે. કારણ : બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તોપણ તેનું આભાસી, ચત્તું, વસ્તુ કરતાં નાનુ પરંતુ વિશાળ દૃષ્ટિક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે. આથી ડ્રાઇવર પાછળનો વાહનવ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે.

(c) સોલર ભઠ્ઠી → અંતર્ગોળ અરીસો વપરાય છે. કારણ : સૂર્યનાં સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે સોલર ભઠ્ઠીમાં 180°C – 200°C જેટલું તાપમાન મેળવી શકાય છે.

4. -2.0 D પાવર ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ શોધો . આ લેન્સ કયા પ્રકારનો હશે ?

ઉકેલ : પાવર P = – 2.0 D = -2.0 m-1 ,

f = ? , લેન્સનો પ્રકાર = ?

હવે , P = 1 / f

-2.0 = 1 / f

f = -1/2 = -0.50 m

f = -50 cm

લેન્સની કેન્દ્રલંબાઈ -50 cm છે.

લેન્સનો પાવર (તેમજ કેન્દ્રલંબાઈ) ઋણ હોવાથી તે અંતર્ગોળ લેન્સ છે.

5. પ્રકાશનું પરાવર્તન એટલે શું ?તેના પ્રકારો જણાવો. પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો.

ઉત્તર :- કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તેના બે પ્રકારો છે. (i) નિયમિત પરાવર્તન (ii) અનિયમિત પરાવર્તન

પ્રકાશના પરાવર્તનના નિયમો નીચે મુજબ છે.

→ આપાતકોણ(i)અને પરાવર્તન કોણ(r) સમાન હોય છે એટલે કે i=r.

→ આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધાજ એક જ સમતલમાં હોય છે.

6. પ્રકાશનું વક્રિભવન એટલે શું ?તેના નિયમો જણાવો.

ઉત્તર :- જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોની છૂટી પડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. અથવા

જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોની છૂટી પાડતી સપાટી આગળ વાંકું પડે છે. પ્રકાશના કિરણની વાંકા વળવાની ક્રિયાને પ્રકાશનું વક્રીભવન કહે છે.

પ્રકાશના વક્રીભવનના નિયમો:-

→ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની છૂટી પડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે.

→ પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઈન અને વક્રીભૂતકોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમ સ્નેલ ના નિયમ તરીકે ઓળખાય છે.

જો આપાતકોણ i અને વક્રીભૂતકોણ r  હોય તો,

 sin i / sin r = અચળ

જ્યાં,n21 ને માધ્યમ-1 ની સાપેક્ષે માધ્યમ-2નો વક્રીભવનાંક કહે છે.

7. લેન્સના પાવરની વ્યાખ્યા આપો.તેનો SI એકમ જણાવો. લેન્સનો પાવર અને કેંદ્રલંબાઇ વચ્ચેનો સંબંધ દર્શાવતુ સૂત્ર લખો.

ઉત્તર :- લેન્સની કેન્દ્રલંબાઈ f ના વ્યસ્તને લેન્સનો પાવર P કહે છે.લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. તેને D વડે દર્શાવાય છે.

લેન્સના પાવરનો લેન્સની કેંદ્રલંબાઇ સાથેનો સંબંધ દર્શાવતુ સૂત્ર નીચે મુજબ છે.

P = 1/f

8. ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા આપો.

ઉત્તર :-

ધ્રુવ:-  ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસા નો ધ્રુવ કહે છે.

વક્રતા કેન્દ્ર ;- ગોલીય અરીસા ની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના એક ભાગ છે તેના કેન્દ્રને ગોલીય અરીસા નું વક્રતાકેન્દ્ર કહે છે.

વક્રતા ત્રિજ્યા:- ગોલીય અરીસા ની પરાવર્તક સપાટી જે પોલા ગોળા નો એક ભાગ છે. તેની ત્રિજ્યા ને ગોલીય અરીસા ની વક્રતા ત્રિજ્યા કહે છે.

મુખ્ય અક્ષ:- ગોલીય અરીસા નાધ્રુવ (P) અને વક્રતા કેન્દ્ર(C) માંથી પસાર થતી કાલ્પનિક રેખાને ગોલીય અરીસાની મુખ્ય અક્ષ કહે છે.

મુખ્ય કેન્દ્ર :- અંતર્ગોળ અરીસા આપાત થતાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે. તે બિંદુને અંતર્ગોળ અરીસા નું મુખ્ય કેન્દ્ર કહે છે.

બહિર્ગોળ અરીસા પર આપાત થતાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ થી આવતા હોય તેવો ભાસ થાય છે તે બિંદુને બહિર્ગોળ અરીસા નું મુખ્ય કેન્દ્ર કહે છે.

કેન્દ્રલંબાઈ:- ગોલીય અરીસા અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્રલંબાઈ કહે છે.

દર્પણ મુખ:- ગોલીય અરીસા ની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે.

9. અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો.

ઉત્તર :-

  • ટોર્ચ સર્ચલાઈટ, વાહનોની હેડલાઈટ વગેરેમાં પરાવર્તક તરીકે.
  • દાઢી અને મેક-અપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે.
  • દાંતના ડોકટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે.
  • સૂર્યકૂકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશ કેન્દ્રિત કરી ગરમી મેળવવા.
  • ડૉક્ટરના હેડમિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા.
  • રિફ્લેક્ટ ટેલિસ્કોપ (દૂરબીન)માં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા.

10. બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો.

ઉત્તર :- બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં ‘સાઈડ મીરર’(Rear-view mirror) તરીકે થાય છે.

વાહનનો ડ્રાઇવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે.

મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે તેના વડે ગ્રાહક પર નજર રાખી શકાય છે અને ચોરી થતી અટકાવી શકાય છે.

11. બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો.

ઉત્તર :-

વક્રતા કેન્દ્ર:- લેન્સની જે વક્રસપાટી જે પારદર્શક ગોળા નો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને લેન્સની તે વક્રસપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે.

મુખ્ય અક્ષ:- લેન્સની બંને સપાટીઓના વક્રતાકેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા ને લેન્સની મુખ્ય અક્ષ કહે છે.

પ્રકાશીય કેન્દ્ર (ઓપ્ટિકલ સેન્ટર):- લેન્સ ના મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના મધ્યકેન્દ્ર ને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે.

લેન્સ નું મુખ:- વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારી ના અસરકારક વ્યાસને લેન્સ નું મુખ કહે છે.

વક્રતા ત્રિજ્યા:- બહિર્ગોળ લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળા નો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યા ને લેન્સની તે વક્રસપાટી ની વક્રતાત્રિજ્યા R કહે છે.

મુખ્ય કેન્દ્ર:- બહિર્ગોળ લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતાં પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી લેન્સની મુખ્ય અક્ષ પરનાં જે બિંદુ એ કેન્દ્રિત થતા હોય તે બિંદુને બહિર્ગોળ લેન્સ નું મુખ્ય કેન્દ્ર F કહે છે.

કેન્દ્રલંબાઈ:- લેન્સના પ્રકાશીય કેન્દ્ર(O) અને મુખ્ય કેન્દ્ર(F) વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્રલંબાઈ કહે છે.

પ્ર – 12 વિદ્યુત

1. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો તથા તેના SI એકમ લખો.

ઉત્તર :- વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુતપ્રવાહ કહે છે.

I = Q / t

વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આન્દ્રે મારી- એમ્પિયરના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે.

2. વિદ્યુતસ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો તથા તેના SI એકમ લખો.

ઉત્તર :- અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન કહે છે.

V = W/Q

વિદ્યુત સ્થિતિમાનનો  SI એકમ  જૂલ(J) / કુલમ્બ(C) છે.જેને વોલ્ટ(V) કહે છે.

3. ઓહમનો નિયમ લખો. અને તેની ચકાસણી માટેનો વિદ્યુતપરિપથ દોરો.

ઉત્તર :- અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.

4. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે?

ઉત્તર :- વાહકનો અવરોધ નીચેની બાબતો પર આધાર રાખે છે.

(1)વાહકની લંબાઈ

(2) વાહકના આડછેદનું ક્ષેત્રફળ (A)

(3) વાહકના દ્રવ્યની જાત કે પ્રકાર

(4) વાહકનુ તાપમાન. તાપમાન વધારતાં સુવાહકનો અવરોધ વધે છે જ્યારે અર્ધવાહકનો અવરોધ ઘટે છે.

5. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે?

ઉત્તર :- તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની (નિક્રોમ) બનાવવાના કારણો નીચે મુજબ છે.

⇒ મિશ્ર ધાતુની (નિક્રોમ) અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતા ઘણી વધારે છે.

⇒ મિશ્રધાતુઓ ઊંચા તાપમાને હોય (એટલે કે  તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય) ત્યારે ત્વરિત ઓક્સિડાઈઝ કે દહન પામતી નથી.

⇒ મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે.

6. અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો.

ઉત્તર :- અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા:-

  • અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથ નો કુલ અવરોધ વધારી શકાય છે. જેથી પરિપથમાં વહેતો પ્રવાહ ઘટાડી શકાય છે. આ રીતે પરિપથમાંવહેતા વિદ્યુત પ્રવાહ ને નિયંત્રિત કરવા અવરોધનું શ્રેણી જોડાણ ઉપયોગી છે.
  • ઘરવપરાશના વિદ્યુત જોડાણોમાં AC મેઇન્સ અને વિદ્યુત ઉપકરણ સાથે ફ્યૂઝ શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી કોઈપણ ઉપકરણમાં શોર્ટસર્કિટ થાય તો ફ્યૂઝ તાર પીગળી જાય છે અને પ્રવાહ બંધ થઈ જાય છે, પરિણામે વિદ્યુત ઉપકરણોને થતું નુકશાન અટકાવી શકાય છે.

અવરોધોના શ્રેણી જોડાણ ના ગેરફાયદા:-

  • જો વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે તો લાગુ પાડેલ વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે.

દા.ત. 240 V જેટલું સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા ત્રણ સમાન બલ્બને 240 V સાથે શ્રેણીમાં જોડતા દરેક બલ્બને 80 V જ મળે છે. આથી ત્રણેય ઝાંખા પ્રકાશિત થાય છે.

  • શ્રેણીમાં જોડેલા ઉપકરણો માંથી કોઈ એક ઉપકરણ બગડી જાય તો પરિપથમાં પ્રવાહ વહેતો નથી આથી બાકીના ઉપકરણો પણ કામ કરતા બંધ થઇ જાય છે દા.ત.શ્રેણીમાં જોડેલા ત્રણમાંથી એક બલ્બ ઊડી જાય તો બાકીના બે બલ્બ પ્રકાશિત થતા નથી .

7. અવરોધોના સમાંતર જોડાણ ના ફાયદા અને ગેરફાયદા જણાવો.

ઉત્તર :- અવરોધોના સમાંતર જોડાણના ફાયદા:-

  • સમાંતર જોડેલા ત્રણ બલ્બમાંથી કોઈ એક બલ્બ ઊડી જાય તો પણ બાકીના બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે.અને તેઓ પ્રકાશિત થાય છે. તેથી જ ઘરના જોડાણોમાં વિદ્યુત ઉપકરણો મુખ્ય લાઈન સાથે સમાંતર જોડવામાં આવે છે.
  • સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નું મૂલ્ય સમાંતરમાં જોડાયેલ કોઈ પણ અવરોધ ના મૂલ્ય કરતાં ઓછું હોય છે. તેથી અવરોધોને સમાંતર માં જોડવાથી વધુ પ્રવાહ મેળવી શકાય છે.

અવરોધોના સમાંતર જોડાણ ના ગેરફાયદા:

  • સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોવાથી કુલ પ્રવાહ વધી જાય છે. પરિણામે પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી.
  • જુદાજુદા વોલ્ટેજ રેટિંગ વાળા બલ્બને આપેલ વોલ્ટેજ ઉદગમ સાથે સમાંતર માં જોડતા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતા થી પ્રકાશિત થતો નથી.
  • દા.ત. 220V,230V,અને 240V પર કાર્યરત ત્રણ બલ્બને 220Vના પ્રાપ્તિસ્થાન સાથે સમાંતર માં જોડતા માત્ર 220V નો બલ્બ પૂર્ણ ક્ષમતા થી પ્રકાશિત થાય છે.

8. પરિપથની રેખાકૃતિમા વપરાતા નીચેના ઘટકોની સંજ્ઞાઓ જણાવો.વિદ્યુતકોષ,પ્લગ કળ, ચલિત અવરોધ, વોલ્ટમિટર, વિદ્યુત બલ્બ, બેટરી, અવરોધ, એમિટર ( કોઇપણ ચાર)

ઉત્તર :- 

9. 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતાં દરેક 1 કુલંબ વિદ્યુતભારને કેટલી ઉર્જા આપે છે?

ઉત્તર :- V = 6 V , Q = 1 C , W = ?

હવે,W = VQ

=6 V x 1 C

= 6 J

 

 

પ્ર – 15 આપણુ પર્યાવરણ

(1) ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે.? ઓઝોન સ્તરની અગત્ય જણાવો.

ઉત્તર :- ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર (સ્ટ્રેટોસ્ફિયર)માં આવેલું છે. ઓઝોન(O3) ઓક્સિજનના ત્રણ પરમાણુથી બને છે. ઓક્સિજન(O2)ના અણુઓ ઉપર પારજાંબલી(UV) વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જા વાળા પારજાંબલી કિરણો ઓક્સિજન(O2) અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુઓ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે.

O2 → O + O

O + O2 → O3

ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે .આમ, ઓઝોન પૃથ્વી પરના સજીવોનુ રક્ષણ કરે છે.

(2) ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે ? આ વિઘટનને સીમિત કરવા માટે ક્યાં પગલાં લેવાં જોઇએ ?

ઉત્તર :- ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે . આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે , કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે . મનુષ્યમાં તે ચામડીના કૅન્સર , આંખમાં મોતિયા ( Cataract ) વગેરે સમસ્યાઓ સર્જે છે . આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફલ્યુરોકાર્બન્સ ( CFCs ) નો ઉપયોગ ઘટાડવામાં આવે છે .

1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ( UNEP ) માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે , CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે . તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે.

(3) પોષક સ્તરો એટલે શું ? એક આહારશૃંખલાનુ ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો સમજાવો.

ઉત્તર :- આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ(પગથિયા) ને પોષક સ્તરો કહે છે.નિવસનતંત્રમાં પોષક સ્તર ઊર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય -ભક્ષક વચ્ચે ના ક્રમિક સંબંધ દર્શાવે છે.

ઘાસ  →  ઉંદર   →  સાપ  →   સમડી

ઉત્પાદક   પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી
પ્રથમ       દ્વિતીય                   તૃતીય                ચતુર્થ

(4) તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો.

ઉત્તર :- વધેલો ખોરાક(એઠવાડ), શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, અને બગીચાનો કચરો વગેરે જૈવવિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે જેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાનો નિકાલ કરી શકાય. ટીન , ખાલી ડબ્બા, પેપર ગ્લાસ, તૂટેલી વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય.

પદ્ધતિઓના નામ :-  (1) પુનઃઉપયોગ(REUSE) અને (2) પુનઃચક્રિયકરણ(RECYCLE)

(5) આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે ?

ઉત્તર :- ( 1 ) તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે. ( 2 ) તે પર્યાવરણમાં એકત્ર થઇ પ્રદૂષણ સર્જે છે. ( 3 ) જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે. ( 4 ) તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઇ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે. ( 5 ) આહારશૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસનતંત્રમાં સમસ્યાઓ સર્જે છે.

(6) તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો

ઉત્તર :-

જૈવ વિઘટનીય કચરોજૈવ અવિઘટનીય કચરો
જે કચરાનુ જૈવપ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કએ છે.જે કચરાનુ જૈવપ્રક્રિયાઓ વડે વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કએ છે.
વિઘટકોની પ્રવૃતિ દ્વારા તેનો નિકાલ થઇ શકે છે.વિઘટકોની પ્રવૃતિ દ્વારા તેનો નિકાલ થઇ શકતો નથી.
તેમા રહેલા કાર્બનિક પદાર્થો જૈવપ્રક્રિયાની નીપજો છે.તેમા રહેલા કાર્બનિક પદાર્થો માનવસર્જિત છે.
તેના યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે.તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે.
સડેલા શાકભાજી અને ફળ, છાલ, મૃતશરીર વગેરે જૈવ વિઘટનીય કચરો છે.કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ અવિઘટનીય કચરો છે.

(7) એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- જૈવવિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે.

(8) એવી બે રીતો દર્શાવોકે જેમાં જૈવઅવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- પેસ્ટીસાઈડ્સ (કીટનાશકો) જેવા જૈવઅવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવઅવિઘટનીય પદાર્થો નિવસનતંત્ર ના કાર્યો જેવા કે ઊર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે.

(9) નિવસનતંત્રમાં વિઘટકો ની ભૂમિકા શું છે?

ઉત્તર :- વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગદ્રવ્યો પર પોષણ માટે આધારીત સજીવોને વિઘટકો કહે છે. દા.ત. બેક્ટેરિયા અને ફૂગ. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રિય વહનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

(10) ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે?

ઉત્તર :- ઓઝોન( O3 ) પારજાંબલી ( UV )  કિરણો ની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુ વડે બનતો અણુ છે. ઓઝોન વાતાવરણના ઉપલા સ્તર માં એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગલંબાઇ ધરાવતા પારજાંબલી વિકિરણ નું શોષણ કરે છે. આ રીતે તે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.

પ્રકરણ – 16 નૈસર્ગિક સ્ત્રોતોનુ ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

1. પર્યાવરણને બચાવવા માટેના પાંચ R કયા છે.? ગમે તે એક વિશે સમજાવો.

ઉત્તર :-  પર્યાવરણને બચાવવા માટેના પાંચ R નીચે મુજબ છે. (1) Reduce (ઓછો ઉપયોગ) (2) Recycle (પુનઃચક્રિયકરણ) (3) Reuse (પુનઃઉપયોગ) (4) Refuse (ના પાડવી) અને(5) Repurpose (હેતુફેર કરવો)

Reduce (ઓછો ઉપયોગ):-  તે નૈસર્ગિક સ્ત્રોતો ના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે. દા.ત.→પાણીનો દુરુપયોગ અટકાવવો.→પાણી અને ગેસની કાણાંવાળી નળીઓનું સમારકામ કરવું.→ઉપલબ્ધ પાણીના વિતરણ નું યોગ્ય વ્યવસ્થાપન કરવું.→સૌર ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલર કૂકર, સોલર હીટર નો ઉપયોગ કરવો.→પ્રવાહી કૃત પેટ્રોલિયમ વાયુ (LPG)નો ઓછો ઉપયોગ કરવો.→જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો. →ખનીજ સ્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃ ઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું.

Recycle (પુનઃક્રિયકરણ):- ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુ ને પુનઃ પાછી મેળવવાની ક્રિયાને પુનઃચક્રિયકરણ કહે છે. દા.ત.→ઉદ્યોગોમાં ઉદભવતા મીણિયાં, પ્લાસ્ટિક, કાગળ ,કાચ ,ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરીને નવી ચીજ વસ્તુઓ બનાવી શકાય છે.→ધાતુમાંથી બનેલા જૂના વાસણો કે ઘરેણાંને ગાળી તેમાંથી નવા વાસણો કે ઘરેણાંબનાવી શકાય છે.

Reuse (પુનઃઉપયોગ) :- પુનઃચક્રિયકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણી પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે. દા.ત.→દીવાલો શણગારવા રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઇલ્સ ના ટુકડાઓ, ચિનાઈ માટીમાંથી બનેલા કપ,ડિશ-રકાબી નો ઉપયોગ કરવો.→અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટીકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતા તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા કરવો.

Refuse (ના પાડવી):- જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી. પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવા ની ના પાડવી. દા.ત.→એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી.→એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન માટે ના પાડવી.→પ્લાસ્ટિક રેપર,થર્મોકોલ પેકિંગ, પ્લાસ્ટીક ડિશ-કપ વગેરે માટે ના પાડવી.

Repurpose (હેતુફેર કરવો):- કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો તેને હેતુફેર કરવો કહે છે. દા.ત.→હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરવો.→પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો.

2. પર્યાવરણમિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયાં પરિવર્તનો લાવી શકો છો?

ઉત્તર : પર્યાવરણમિત્ર બનવા માટે અમે અમારી ટેવોમાં નીચેનાં પરિવર્તનો લાવીશું : (1) પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું. (2) ટૂંકા અંતર માટે સાઇકલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું. (3) કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશું. (4) પુનઃપ્રાપ્ય સ્રોતો અને જૈવ – વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું. (5) જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ – ઉપકરણોની સ્વિચ બંધ કરીશું. (6) પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં.

3. જંગલોની અગત્યતા જણાવો.

ઉત્તર :- → જંગલો ખૂબ જ કીમતી સ્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ નું લાકડું, ઔષધો, ગુંદર, કાથો, વાંસ વગેરે મળે છે.→ જંગલ માંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા થાય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ નું કુદરતી નિવાસ્થાન છે.→ જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વના છે.→ ઋતુચક્ર ના યોગ્ય સંચાલન દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા,ભૂમિ ફળદ્રુપતા ની જાળવણી માટે જંગલો અગત્યના છે.→ જંગલો ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણ ને નિયંત્રિત રાખે છે.

4. વન આચ્છાદન ઘટવાથી કઇ કઇ સમસ્યાઓ ઉભી થાય?

ઉત્તર :- → પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરે છે. → વરસાદનું પ્રમાણ ઘટે છે. → વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. →વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે. → વન્યજીવોના આશ્રય દૂર થતાં આહારજાળની કડીઓ તૂટે છે.પરિણામે ઘણા સજીવો નાશપ્રાય:અને લુપ્ત થાય છે. → નિવસનતંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે.

5. ટુંકનોંધ લખો. ચીપકો આંદોલન

ઉત્તર :- → ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે.→ આ આંદોલન 1970 ના શરૂઆત ના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું.→ ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા.

→ એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા.→ ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટીને વૃક્ષની ફરતે ઉભી રહી ગઇ અને વૃક્ષ કપાતા અટકાવ્યા.→ ચિપકો આંદોલન માનવ સમુદાયો અને લોક સંચાર માં ખૂબ જ ઝડપથી પ્રસરી ગયું.→ પરિણામે ભારત સરકારને જંગલના સ્રોતોના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનર્વિચારણા કરવાની ફરજ પડી.

6. જંગલ સરંક્ષણમા બીશનોઇ સમુદાયનો ફાળો જણાવો.

ઉત્તર :- → આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણ નું કામ કરતાં સ્થાનિક લોકોમાં બીશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. →બીશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. →બીશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્રોતોનો ઉપયોગ કરવાનો હક છે.

→બીશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. →1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરી (ખીજડા)ના વૃક્ષ ના રક્ષણ માટે અમૃતાદેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું.

→ભારત સરકારે અમૃતાદેવી બીશ્નોઈ ની યાદ માં વન્યજીવોના સંરક્ષણ માટે ‘અમૃતાદેવી બીશ્નોઈ નેશનલ એવોર્ડ’ ની ઘોષણા કરી છે.→આમ,બીશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમ જ વનસ્પતિઓ તથા પ્રાણીઓ ના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે.

7. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના નિયંત્રણ માટેના પગલાં સૂચવો.

ઉત્તર :- → પેટ્રોલ-ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મિબળતણ નો ઉપયોગ ઘટાડવો. → જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો. → અશ્મિબળતણ ના બદલે વૈકલ્પિક બળતણ CNG નો ઉપયોગ કરવો. → કચરો સળગાવવા ને બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવો. → મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો. → થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાં થી ઉત્પન્ન થતા ધુમાડા માંથી હાનિકારક તત્વો દૂર કરી પછી જ વાતાવરણમાં મુક્ત કરવો.

8. આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઇએ.શા માટે?

ઉત્તર :- આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. કારણ કે, → કોલસો અને પેટ્રોલિયમ અશ્મિબળતણ છે. તે ખૂટી જાય તેવા અને પુનઃઅપ્રાપ્ય સ્ત્રોત છે.→ તેના ભંડારો મર્યાદિત છે.→ કુદરતમાં આ સ્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે.→ તેમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઈટ્રોજન અને સફરના ઓકસાઈડ વાતાવરણને પ્રદૂષિત કરે છે.→  તેમના દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતાં ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.

9. બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા જણાવો.

ઉત્તર :- 

બંધ બાંધવાના ફાયદાઓ:- → બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ -પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે.→ બંધમાં સંગ્રહીત પાણીનો વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.→ વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે. તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ કરી શકાય છે.→ બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના અર્ધ શુષ્ક અને શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે.

બંધ બાંધવાના ગેરફાયદાઓ:- → ગરીબ સ્થાનિક લોકો તેમના વસવાટ ગુમાવે છે.→ મોટા પ્રમાણમાં કૃષિ જમીન ડૂબી જાય છે.→ મોટા નિવસનતંત્રનો નાશ થાય છે.→ પાણીનું સમાન વિતરણ થતું નથી. તેથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા લોકો વંચિત રહે છે. પાણીના સ્રોતની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણી દ્વારા ઉગતા પાકો લઈ શકે છે જ્યારે પાણી ના સ્રોત થી દુર રહેતા લોકોને પાણી મળી શકતું નથી.

10. વન – સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો.

ઉત્તર : વન – સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. (1) બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો. (2) બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યાવસાયિક હેતુ, વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસનતંત્રને સુરક્ષિત રાખવું. (3) વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતાં છોડ રોપી જંગલનો વિકાસ કરવો. (4) જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી. (5) વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી.


વિભાગ C મા પ્રકરણ – 1,3,7,9 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

વિભાગ C મા પ્રકરણ – 8,10,12,14 ના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply