નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA

નમો લક્ષ્મી યોજના - NAMO LAXMI YOJANA

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય આપવાની યોજના એટલે નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA” 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના 100% નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની જરૂરીયાત જણાયેલ છે.

જેથી કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રી દ્વારા ઠરાવવામાં આવે છે.

♦ યોજનાનું નામ ♦

આ યોજનાનું નામ “નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA” રહેશે.

♦ લાભાર્થીની પાત્રતા ♦

રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર રહેશે.

a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા

b) રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા

c) ઉપર (a) અને (b) સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોય.

♦ મળવાપાત્ર સહાય ♦

• આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ રૂ. 50,000/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

a) ધોરણ 9 અને 10ના મળી કુલ રૂ. 20,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 500/- મુજબ વાર્ષિક રૂ. 5,000/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 10,000/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. 10,000/- ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

b) ધોરણ 11 અને 12ના મળી કુલ રૂ. 30,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 750/- મુજબ વાર્ષિક રૂ. 7,500/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 15,000/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. 15,000/- ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

નમો લક્ષ્મી યોજના – NAMO LAXMI YOJANA

♦ સહાયની રકમની ચુકવણીની પ્રક્રિયા ♦

1. આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે.

2. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો લક્ષ્મી” પોર્ટલ બનાવવાનું રહેશે.

3. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થિનીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

4. શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9 થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થિનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.

5. નિયામકશ્રી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થિનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યાર બાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

6. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જૂન, જુલાઇની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.

7. ત્યાર બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

8. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ-8 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ- 9 થી 12માં પ્રવેશ મેળવે, તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થિનીઓનું પાત્રતાનું ધોરણ પારા-2માં જણાવ્યા પ્રમાણે જ રહેશે.

9. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જયાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થિનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમ્યાન જે વિદ્યાર્થિનીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહી જળવાતી હોય તેવા વિદ્યાર્થિનીઓની સહાય બંધ કરી દેવામાં આવશે.

10. કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થિની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થિનીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.

11. રિપીટર વિદ્યાર્થિનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થિની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ 2024-25ની રિપીટર વિદ્યાર્થિનીઓને ધોરણ-8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે.

12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે, જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે.

13. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. 

• આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25 થી કરવાનું રહેશે.

♦ આ પણ વાંચો ♦

શાળા પરિવહન યોજના – Shala Parivahan Yojana

વિદ્યાદીપ વીમા યોજના Vidyadip Vima Yojna

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના

Plz share this post

Leave a Reply