DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS – VIBHAG C

DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS - VIBHAG C

ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ C)મા DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS – VIBHAG C બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

વિભાગ C માં આપેલ પ્રશ્ન નં – 38 થી 46 પૈકી 9 પ્રશ્નોમાંથી 6 ના ઉત્તર લખવાના રહેશે. અને દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે.

અહીયા બોર્ડની પરીક્ષામાં પુછાય શકે તેવા ખૂબ જ અગત્યના 20 Most Important Questions with Solution આપવામા આવ્યા છે.

(1) (i) એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમા ઉર્જા-ઉષ્મા,પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામા આવે છે? (ii) વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શુ તફાવત છે?આ પ્રક્રિયાઓ માટેના સમી. લખો.

ઉત્તર:-

(i) ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા : CaCO3(s)→CaO(s)+CO2(g)

પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા : 2AgCl(s)→2Ag(s)+Cl2(g)

વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા : 2H2O(l)→2H2(g)+O2(g)

(ii) જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી દૂર કરે છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

જેમ કે , Zn અને Ag પૈકી Zn વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ Ag ને AgNO3 ના દ્વાવણમાંથી મુકત કરે છે.

Zn(s) + 2AgNO3(s) → Zn(NO3)2(aq) + 2Ag(s)

જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

2KBr(aq)+BaI2(aq)→BaBr2(s)+2KI(aq)

BaCl2(aq)+Na2SO4(aq)→BaSO4(s)+2NaCl(aq)

(2)(i) ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શુ.? ઉદાહરણો આપો. (ii) શ્વસનને  ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામા આવે છે? સમજાવો.

ઉત્તર:-  (i) જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક (Exothermic) પ્રક્રિયા કહે છે.

ઉદાહરણો :- કુદરતી વાયુ નું દહન :

CH4(g)+2O2(g)→CO2(g)+2H2O(l)+ઉષ્મા

જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્માનુ શોષણ થતુ હોય તેવી પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.

ઉદાહરણો :- સિલ્વર ક્લોરાઇડનુ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન 

2AgCl(s) →2Ag(s)+Cl2(g)

(ii) જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે.પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે.દા.ત. ભાત, બટાકા, અને બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થો નું વિઘટન થઈ ગ્લુકોઝ ઉદભવે છે.આ કાર્બોદિત (ગ્લુકોઝ) આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ, શ્વસન પ્રક્રિયા દરમ્યાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

C6H12O6(aq)+6O2(aq) → 6CO2(aq)+6H2O(l)+ઉર્જા

(3) (i)  વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુધ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે?  આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.(ii) અવક્ષેપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર:- (i) વિઘટન પ્રક્રિયામા એકલ અણુને ઊર્જા આપતા તે બે કે વધુ પરમાણુમા વિઘટન પામે છે. જયારે સંયોગીકરણ પ્રક્રિયામા વિઘટન પ્રક્રિયા કરતા વિરુદ્વ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામા બે કે વધુ પરમાણુઓ ભેગા થઇને એકલ અણુ બને છે. અને ઊર્જા મુકત થાય છે.

વિઘટન પ્રક્રિયા: 2AgCl(s)→2Ag(s)+Cl2(g)

સંયોગીકરણ પ્રક્રિયા : C(s)+O2(g) →CO2(g)+ઊર્જા

(ii)

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા (Precipitation Reaction) કહે છે.

ઉદાહરણ:- BaCl2 નો Ba2+ આયન તથા Na2SO4 નો SO42- આયન વચ્ચે પ્રક્રિયા થતા BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે.

Na2SO4(aq)+BaCl2(aq) →BaSO4(s)+2NaCl(aq)

                                                  સફેદ અવક્ષેપ

અન્ય ઉદાહરણ:-

AgNO3(aq)+2NaCl(aq) → AgCl(s)+NaNO3(aq)

(4) ઓક્સિડેશન અને રિડકશન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર:- (1) જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ,અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે.

ઉદાહરણ:-

C+O2 → CO2

2Mg + O2 → 2MgO

2Cu + O2 → 2CuO

ઉપરોક્ત પ્રક્રિયાઓમાં C, Mg અને Cu ઓક્સિજન મેળવે છે આથી આ બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે.

(2) જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઈડ્રોજન મેળવે તો તેને રીડક્શન કહે છે.

ઉદાહરણ:-

CuO + H2  →  Cu + H2O

CO2 + H2    →   CO + H2O

MgO + H → Mg + H2O

ઉપરોક્ત પ્રક્રિયાઓમાં CuO, CO2 અને MgO ઓક્સિજન ગુમાવે છે આથી આ બધી પ્રક્રિયાઓ રિડકશન છે.

(5). ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેની રિડક્શન પ્રક્રિયા રાસાયણિક સમી. સાથે સમજાવો.

ઉત્તર :- (i) નીચી સક્રિયતાના ધરાવતી ધાતુનાઓકસાઈડને ગરમ કરતા તેમાંથી ધાતુ છૂટી પડે છે.

દા.ત. 2HgO(s) → 2Hg(l) + O2(g)

(ii) મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓકસાઈડનું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ છૂટી પડે છે.

દા.ત. ZnO(s) + C(s) →  Zn(l) + CO(g)

(iii) ઉંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓકસાઈડના પિગલિત દ્રાવણનું વિદ્યુતવિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે.

દા.ત. NaCl ના પિગલિત દ્રાવણનું  વિદ્યુતવિભાજનીય રિડક્શન કરતાં કેથોડ પર સોડિયમ ધાતુ મળે છે.

(6). થર્મિટ પ્રક્રિયા સમજાવો.

ઉત્તર :- વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે.

દા. ત.આયર્ન(lll) ઓકસાઈડ(Fe2O3)ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે.

Fe2O3(s)+2Al(s) → 2Fe(l)+Al2O3(s)+ઉષ્મા

(7). મિશ્રધાતુ કોને કહે છે.? કોઇપણ બે મિશ્રધાતુઓના નામ અને તેમના ઘટકો જણાવો.

ઉત્તર :- બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્રધાતુઓ કહે છે.

     મિશ્રધાતુ             તેમા રહેલા ઘટકો

(i) પિત્તળ (બ્રાસ)     તાંબુ(Cu),ઝિંક(Zn)

(ii) બ્રોન્ઝ(કાંસું)       તાંબુ(Cu),ટિન(Sn)

(iii) સોલ્ડર              સીસું(Pb),ટીન(Sn)

(8). ક્ષારણ એટલે શુ.? લોખંડનુ ક્ષારણ અ‍ટકાવવાના બે ઉપાયો જણાવો.

ઉત્તર :- હવા, પાણી અને ભેજના સંંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે.

→ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઈઝિંગ,ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.

→ દા.ત. સ્ટીલ અને લોખંડ ને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંક નું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઈઝેશન છે. જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઈઝ વસ્તુ નું કાટ સામે રક્ષણ થાય છે.

(9). માનવ મગજની રચના સમજાવો.

ઉત્તર :- મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગો છે. (1) અગ્રમગજ (2) મધ્ય મગજ અને (3) પશ્ચ મગજ

(1) અગ્રમગજ:- તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનું મુખ્ય ભાગ છે. અગ્રમગજમાં શ્રવણ, ઘ્રાણ , દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ-અલગ વિસ્તારો હોય છે.અગ્રમગજમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે.માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. તેમાંઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા છે . તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે

(2) મધ્ય મગજ :- ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે .તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે.

(3) પશ્ચ મગજ:- પોન્સ( સેતુ ),લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક પશ્ચ મગજ ના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, ઊલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે.

(10). ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.

ઉત્તર :-

ચેતાકોષનું કાર્ય :- ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઊર્મિવેગ (વીજ – આવેગ) ઉત્પન્ન કરે છે. આ ઊર્મિવેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાંક રસાયણો ચેતોપાગમ પસાર કરી, તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઊર્મિવેગનો પ્રારંભ કરે છે. આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બાજા સુધી ઊર્મિવેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે.

(11). (i)પરાવર્તી ક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. (ii) પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શુ છે?

ઉત્તર :- (i) મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે.

ઉદાહરણ:- અજાણતાં પીન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો. → અજાણતાં ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. →ઉધરસ, બગાસું ,છીંક ખાવી. →ઉરોદરપટલનું હલનચલન. →ઘૂંટણને આંચકો લાગવો. →તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. →આંખના પલકારા. →પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોમાં પાણી વળવું વગેરે.

(ii) સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. આમ છતાં, પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી જાય છે. કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે, સ્વાદિષ્ટ ખોરક જોતાં મોંમાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વોસોચ્છવાસ, ઉરોદરપટલનું હલન ચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું છે.

(12). અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર :- અનૈચ્છિક ક્રિયાઓ → આ ક્રિયાઓ પશ્ચમગજના લંબમજ્જા વડે નિયંત્રિત થાય છે. → આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે. → આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે. દા.ત. હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ, પરિસંકોચન વગેરે. → તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે.

પરાવર્તી ક્રિયાઓ → આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે. → આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. → આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. દા.ત. ગરમ વસ્તુ અડકતાં હાથ પાછો ખેંચી લેવો. → તે અત્યંત ઝડપી ક્રિયા છે.

(13). એકલ સજીવો દ્વારા થતી પ્રજનન પદ્વતિઓ જણાવો અને કોઇ પણ એક પદ્વતિ ઉદાહરણ સાથે સમજાવો.

ઉત્તર :- એકલ સજીવો દ્વારા થતી પ્રજનન પદ્વતિઓ નીચે મુજબ છે.(i) ભાજન (ii) કલિકાસર્જન (iii) બીજાણુનિર્માણ (iv) પુન:સર્જન (v) અવખંડન (vi) વાનસ્પતિક પ્રજનન

(i) ભાજન :-  એક કોષી સજીવો કોષવિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષવિભાજનની આ પ્રજનનક્રિયાને ભાજન કહે છે.જીવાણુઓ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે.

ભાજનના પ્રકાર:- (1) દ્વિભાજન અને (2) બહુભાજન

દ્વિભાજન:- ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષવિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે છે.અમીબામાં કોષવિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે.કેટલાક એક કોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે.

ઉદા. કાલા અઝર રોગના રોગકારક લેશ્માનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે.

બહુભાજન:- મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે. તેને બહુભાજન કહે છે.

(14).માદા માનવ (સ્ત્રી) નુ પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર ધરાવે છે.

અંડપિંડ:- સ્ત્રીની ઉદરગુહા એક જોડ અંડપિંડ આવેલા છે. માદા જનન કોષો અંડપિંડમાં નિર્માણ પામે છે. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે.

અંડવાહિની (ફેલોપિયન નલિકા):- એક જોડ અંડવાહિની હોય છે. તે અંડપિંડ સાથે જોડાયેલી નથી. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે.

ગર્ભાશય:- બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક, સ્થિતિસ્થાપક, ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે. તેને ગર્ભાશય કહે છે. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશયના દુરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે.

યોનિમાર્ગ:- ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખુલે છે. યોનિમાર્ગ શરીરની બહાર યોનિદ્વાર રૂપે ખૂલે છે. જાતીય સમાગમ દરમ્યાન યોનિમાર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે.

(15). નર માનવ (પુરુષ) પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- પુરુષનું પ્રજનનતંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. (1) શુક્ર કોષોનું ઉત્પાદન કરતું અંગ અને (2) શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો.

શુક્ર કોષોનું ઉત્પાદન કરતું અંગ :-

શુક્રપિંડ:- ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37 કરતાં 2-3 C નીચું તાપમાન જરૂરી છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નરજાતીય અંત સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. છોકરામા ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદન નિયંત્રણ અને યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે.

શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો:-

શુક્રવાહિની :- શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્ર કોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે.

મૂત્રજનમાર્ગ:- મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે.

સહાયક ગ્રંથિઓ:- શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતર થાય છે. અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.

(16). માનવવસ્તી નિયંત્રણની પદ્વતિઓ વર્ણવો. અથવા ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઇ છે?

ઉત્તર :- જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણ રોકવા અનેક રીતો શોધાઈ છે. તેના ઉપયોગથી વસતિ- નિયંત્રણ થઈ શકે છે.

યાંત્રિક અવરોધ:- નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધન સાધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન(IUCD) –કોપર-T કે આંકડી સ્થાપિત કરવામાં આવે છે.

રાસાયણિક અવરોધ:-આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભનિરોધક ગોળીઓમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અંત:સ્ત્રાવના સંતુલનને બદલે છે. તેથી અંડપતનની ક્રિયા થતી નથી. અને ફલન થતું નથી.

શસ્ત્રક્રિયા:- પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. (વાસેકટોમી)

સ્ત્રીની અંડવાહિનીને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. (ટ્યુબેકટોમી)

આ બંને સ્થિતિમાં ફલન થતું નથી.

(17).શા માટે લિંગી પ્રજનન પદ્વતિથી પ્રજનન થવુ જરૂરી છે.? અથવા અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શુ લાભ થાય છે?

ઉત્તર :- અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છેઃ (1) લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડ(યુગ્મનજ) ની રચના કરે છે. આમ, સંતતિ બાળપેઢીને બે જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે. (2) લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનોનાં નવાં જોડાણ રચાય છે. તે ભિન્નતા તરફ દોરી જાય છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવાં જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે.

(3) લિંગી પ્રજનનમાં પેઢી – દર – પેઢી ભિન્નતા સર્જાય છે. તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.(4) લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉગ્નિકાસનું કારણ બને છે .

(18). પુષ્પના પ્રજનન ભાગો સમજાવો.તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો.

ઉત્તર :- સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે.

પુષ્પના ભાગો:-વજ્રપત્રો,દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર. આ પૈકી પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે.

પુંકેસર :- તે નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાસન નો બનેલો છે. પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે.

સ્ત્રીકેસર:-તે માદા પ્રજનન ભાગ છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાય છે. તે ત્રણ ભાગોથી રચાયેલું હોય છે.(i) અંડાશય -તલસ્થ ફૂલેલો ભાગ. (ii) પરાગ વાહિની -મધ્યનો લંબાયેલો ભાગ (iii) પરાગાસન -ચીકાશયુક્ત અગ્રભાગ

પ્રજનન ભાગો ના આધારે પુષ્પના પ્રકાર:-

એકલિંગી પુષ્પો :- જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ:-પપૈયુ, તડબૂચ.

દ્વિલિંગી પુષ્પો:- જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ:-જાસુદ, રાઈ, ધતુરો.

(19). કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રીભવનની અને પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના દર્શાવો.

ઉત્તર :- ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પીનોની મદદથી એક સફેદ કાગળ નું પાનું લગાડો. પાના પર મધ્યમાં એક કાચનું લંબઘન ચોસલું મૂકો. પેન્સિલથી લંબઘનની સીમાઓ આંકી લો .તેને ABDC નામ આપો. ચાર એક સમાન ટાંકણીઓ લો.

 

બે ટાંકણીઓ E અને F શિરોલંબ એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે. ટાંકણીઓ E તથા Fના પ્રતિબિંબોને લંબઘનની વિરુદ્ધ સપાટી પરથી જુઓ. બીજી બે ટાંકણીઓ G અને H ને એવી રીતે લગાડો જેથી ટાંકણીઓ G અને H તથા E અને Fના પ્રતિબિંબો એક સીધી રેખામાં દેખાય.

ટાંકણીઓ તથા લંબઘન ચોસલાને ઉપાડી લો.

E અને F ના સ્થાનને જોડો અને આ રેખાને AB સુધી લંબાવો. EF એ AB ને જ્યાં મળે ત્યાં O નામ આપો.

G અને H ના સ્થાનને જોડો અને આ રેખાને CD સુધી લંબાવો. HG એ CD ને જ્યાં મળે ત્યાં O’ નામ આપો.

બિંદુ O અને O’ જોડો.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખા EF ને તૂટક રેખા થી P સુધી લંબાવો.

O આગળથી રેખા AB ને લંબ NN’દોરો. O’ આગળથી રેખા CD ને લંબ MM’દોરો. રેખા OP ને લંબ O’Lદોરો.

અવલોકન:- પ્રકાશનું કિરણ EF, O આગળથી હવામાંથી કાચમાં પ્રવેશે છે તે લંબ NN’ તરફ વાંકું વળે છે. આ પ્રથમ વક્રીભવન છે.

O’ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે.તે લંબ MM’ થી દૂર વાંકું વળે છે અને GH રૂપે હવામાં ગતિ કરે છે આ બીજુ વક્રીભવન છે.

અહીં નિર્ગમન કોણ r2અને આપાતકોણ i1 સમાન મૂલ્યના છે. એટલે કે નિર્ગમન કિરણ એ આપાત કિરણની મૂળ દિશાને સમાંતર છે.

આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર છે પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું માલુમ પડે છે. આને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. જે આકૃતિમાં LO’ દર્શાવેલ છે.

નિર્ણય:- પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે.

પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે કે કાચમાંથી હવામાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર વાંકું વળે છે.

નિર્ગમન કિરણ, આપાત કિરણની સમાંતર રહીને બાજુની તરફ ખસે છે. પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની આ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે.

(20). નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો:

(a) કારની હેડલાઇટ (b) વાહનનો સાઇડનો અરીસો (c) સોલર ભટ્ટી તમારો ઉત્તર કારણ સહિત જણાવો.

ઉત્તર: (a) કારની હેડલાઇટ → અંતર્ગોળ અરીસો વપરાય છે. કારણ : પ્રકાશના સ્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી, અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે.

(b) વાહનનો સાઇડનો અરીસો → બહિર્ગોળ અરીસો વપરાય છે. કારણ : બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તોપણ તેનું આભાસી, ચત્તું, વસ્તુ કરતાં નાનુ પરંતુ વિશાળ દૃષ્ટિક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે. આથી ડ્રાઇવર પાછળનો વાહનવ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે.

(c) સોલર ભઠ્ઠી → અંતર્ગોળ અરીસો વપરાય છે. કારણ : સૂર્યનાં સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે સોલર ભઠ્ઠીમાં 180°C – 200°C જેટલું તાપમાન મેળવી શકાય છે.

(21). લેન્સના પાવરની વ્યાખ્યા આપો.તેનો SI એકમ જણાવો. લેન્સનો પાવર અને કેંદ્રલંબાઇ વચ્ચેનો સંબંધ દર્શાવતુ સૂત્ર લખો.

ઉત્તર :- → લેન્સની કેન્દ્રલંબાઈ f ના વ્યસતને લેન્સનો પાવર P કહે છે. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. તેને D વડે દર્શાવાય છે.લેન્સના પાવરનો લેન્સની કેંદ્રલંબાઇ સાથેનો સંબંધ દર્શાવતુ સૂત્ર નીચે મુજબ છે. P = 1/f

(22). પ્રકાશનું વક્રિભવન એટલે શું ?તેના નિયમો જણાવો.

ઉત્તર :- જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોની છૂટી પડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. અથવા

જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોની છૂટી પાડતી સપાટી આગળ વાંકું પડે છે. પ્રકાશના કિરણની વાંકા વળવાની ક્રિયાને પ્રકાશનું વક્રીભવન કહે છે.

પ્રકાશના વક્રીભવનના નિયમો:-

→ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની છૂટી પડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે.

→ પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઈન અને વક્રીભૂતકોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમ સ્નેલ ના નિયમ તરીકે ઓળખાય છે.

જો આપાતકોણ i અને વક્રીભૂતકોણ r  હોય તો,

 sin i / sin r = અચળ

જ્યાં,n21 ને માધ્યમ-1 ની સાપેક્ષે માધ્યમ-2નો વક્રીભવનાંક કહે છે.

(23). ઓહમનો નિયમ લખો.અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરવા માટે તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો.

ઉત્તર :- ઓહમનો નિયમ:- અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.

વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ(I) અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ(V) હોય તો,

ઓહમના નિયમ મુજબ, I ∝ V  (અચળ તાપમાને)

આ સંબંધ નીચે મુજબ પણ લખી શકાય.

V ∝ I

V = અચળાંક X I

V/I = અચળાંક

V/I = R

V = IR    ……………(1)

સમીકરણ (1)માં આપેલ R ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે જેને તારનો અવરોધ કહે છે.

અવરોધ વાહકનો એવો ગુણધર્મ છે જેને કારણે વાહકમાંથી વહેતા વિદ્યુતભારના વહનનો વિરોધ થાય છે.

અવરોધનો SI એકમ ઓહમછે.જેની સંજ્ઞા ગ્રીક અક્ષર Ω (ઓમેગા) છે.

ઓહમ નો નિયમ મુજબ R = V/I

અવરોધના SI એકમ ની વ્યાખ્યા:- જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1V હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1A હોય તો તે વાહકનો અવરોધ (R) 1 Ω છે તેમ કહેવાય.

(24). અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો.

ઉત્તર :- બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હોય.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધ કે જેમના અવરોધો R1, R2 અને R3 છે, તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે.

ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ V દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષાંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે.

અવરોધો R1, R2 અને R3ના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1,V2 અને V3 હોયતો,

V = V1 + V2  + V3      …….(1)

હવે ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ Rs પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો Rs ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે.

ઓહમ નો નિયમ લાગુ પાડતા V = IRs  …………..(2)

સમીકરણો (1) અને (2)પરથી,

IRs = V1 + V2  + V3  ………..(3) 

હવે, દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતા

V1 = IR1

V2 = IR2

V3 = IR3

 IRs = IR1 + IR2  + IR3

 Rs  = R1 + R2  + R3   …………(4)

આમ, શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ Rs  શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે. તેથી સમતુલ્ય અવરોધ Rs મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે.

(25). અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો.

ઉત્તર :- બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે.

સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધ કે જેમના અવરોધો R1, R2 અને R3 છે, તેમને A અને B બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડ્યા છે.

અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ A આગળ ત્રણ અવરોધમાં વહેંચાઈ જાય છે.

R1, R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 હોય તો,

I = I1 + I2  + I3       ……….(1)

અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે.

ઓહમના નિયમ મુજબ, I1 = V/R1 , I2 = V/R2  , I3  = V/R3

I = V/R1 + V/R2 + V/R3       ………..(2)

હવે ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ RP પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી  પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો RP ને આ સમાંતર જોડાણ નો સમતુલ્ય અવરોધ કહે છે.

 I = V/Rp  …………(3)

V/Rp = V/R1 + V/R2 + V/R3

1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 

અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતરમાં જોડેલા અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલું હોય છે.

RP નું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું હોય છે.

(26). હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે?

ઉત્તર :- અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. ઉપયોગ:- હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે.

(27). તમે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક ઍસિડને કેવી રીતે વિભેદિત કરશો?

ઉત્તર :

ભૌતિક ગુણધર્મોમાં તફાવત :- (1) ઇથેનોલની વાસ મીઠી અને ઇથેનોઇક એસિડની વાસ તીવ્ર છે. (2) ઇથેનોલનનો સ્વાદ તીવ્ર ખટાશયુક્ત અને ઇથેનોઇક એસિડનો સ્વાદ ખાટો  છે. (3) ઇથેનોલનુ ગલનબિન્દુ 156k અને ઇથેનોઇક એસિડનુ ગલનબિન્દુ 290k છે. (4) ઇથેનોલનુ ઉત્કલનબિન્દુ 351k અને ઇથેનોઇક એસિડનુ ઉત્કલનબિન્દુ 391k છે.

રાસાયણિક ગુણધર્મોમાં તફાવત :- (1)ઇથેનોલની પ્રક્રિયા સોડિયમ બાય કાર્બોનેટ સાથે કરતા વાયુ ઉત્પન્ન થતો નથી. જયારે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા સોડિયમ બાય કાર્બોનેટ સાથે કરતા વાયુ ઉત્પન્ન થાય છે.(2) ઇથેનોલની પ્રક્રિયા આલ્કલાઇન KMnO4 સાથે કરતા ગુલાબી રંગ દૂર થાય છે. જયારે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા આલ્કલાઇન KMnO4 સાથે કરતા ગુલાબી રંગ દૂર થતો નથી.

(28). સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો.

ઉત્તર : વ્યાખ્યા : કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન – શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે. અથવા

સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતાં જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા (-CH2) માં તફાવત ધરાવતો હોય, તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે.

 મિથેનોલ CH3 – OH

 ઇથેનોલ CH3 – CH2 – OH

 પ્રોપેનોલ CH3 – CH2 – CH2 – OH

 બ્યુટેનોલ CH3 – CH2 – CH2 – CH2 − OH 

→ આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે. આ શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ – OH (હાઇડ્રૉક્સિલ) છે.→ આ શ્રેણીમાં ક્રમિક સભ્યથી પહેલાંના કે પછીના સભ્યમાં પરમાણુની સંખ્યામાં – CH2 જેટલો તફાવત છે. તેથી આણ્વીય દળમાં 14u નો તફાવત છે.

(29). CH3Cl માં બંધ – નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો.

ઉત્તર : કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 6, 1 અને 17 છે. આથી તેમની ઇલેક્ટ્રૉનીય રચના નીચે મુજબ છેઃ

કાર્બન :- 2,4

હાઇડ્રોજન :- 1

ક્લોરિન :- 2,8,7

→ જે સૂચવે છે કે, કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રૉનની, હાઇડ્રોજનને ડબ્લેટ (duplet) પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રૉનની તથા ક્લોરિનને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.

→ આથી કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રૉન પૈકી ૩ ઇલેક્ટ્રૉન ત્રણ હાઇડ્રોજન પરમાણુના ૩ ઇલેક્ટ્રૉન સાથે, જ્યારે 1 ઇલેક્ટ્રૉન ક્લોરિન પરમાણુના 1 ઇલેક્ટ્રૉન સાથે નીચે પ્રમાણે ભાગીદારી કરી ચાર સહસંયોજક બંધ રચે છે.

→ આમ, 4 ઇલેક્ટ્રૉન સાથે ભાગીદારી કરી કાર્બન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન, હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ અને ક્લોરિન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રૉનીય રચના પ્રાપ્ત કરી; સ્થિરતા પ્રાપ્ત કરે છે. →ટૂંકમાં, ક્લોરોમિથેન ત્રણ C – H અને એક C – Cl એમ ચાર સહસંયોજક બંધ રચે છે.

(30). પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો?

ઉત્તર :-


ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ D)મા DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS – VIBHAG D બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE



હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply