DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS – VIBHAG B

DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS - VIBHAG B

ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ B)મા DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS – VIBHAG B બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

વિભાગ B માં આપેલ પ્રશ્ન નં. 25 થી 37 પૈકી 13 પ્રશ્નોમાંથી કોઇપણ 9 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. અને દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે.

અહીયા બોર્ડની પરીક્ષામાં પુછાય શકે તેવા ખૂબ જ અગત્યના 51 Most Important Questions with Solution આપવામા આવ્યા છે.

(1) મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે?

ઉત્તર : મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતાં તેની બહારની સપાટી પર (MgO) મેગ્નેશિયમ ઓકસાઇડ નું નિષ્ક્રિય પડ બને છે.

  • Mg +   O2      →     MgO
  • આ MgO ના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે.

(2) પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે (i) પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો.(ii) (i) માં જેનુ નામ દર્શાવ્યુ છે તે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો.

ઉત્તર : (i) પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઈડ છે. જેનું સુત્ર CaO છે. (ii) કેલ્શિયમ ઓકસાઈડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી [Ca(OH)2] બનાવે છે. અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે.

    CaO (s) + H2O(l)   →  Ca(OH)2  (aq )  +  ઉષ્મા

(3) એક ચળકતા કથ્થાઇ રંગના તત્વ X ને હવામા ગરમ કરતા તે કાળા રંગનુ બને છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંંયોજનનુ નામ આપો.

ઉત્તર : અહી , તત્વ X એ કોપર(Cu) છે.તેને હવામા ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ(CuO) બને છે.

2Cu +   O2    →  2CuO

(4) લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ.?

ઉત્તર : ધાતુક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામા આવે છે. જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી.

(5) તેલ તેમજ ચરબીયુકત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામા આવે છે.? શા માટે ?

ઉત્તર : તેલ તેમજ ચરબીયુકત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અ‍ટકાવવા માટે તેમા એન્ટિ – ઓક્સિડ્ન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામા આવે છે.

(6). ધાતુના ભૌતિક ગુણધર્મો લખો.

ઉત્તર :- ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે. તે ઓરડાના તાપમાને ઘન (પારા સિવાય) અને સખત હોય છે. તે તણાવપણા અને ટીપાઉપણા નો ગુણ ધરાવે છે. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરે છે.

(7). અધાતુના ભૌતિક ગુણધર્મો લખો.

ઉત્તર :- અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. (અપવાદ- બ્રોમિન પ્રવાહી છે) તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે તણાવપણા અને ટીપાઉપણા નો ગુણ ધરાવતા નથી. તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરતા નથી.

(8). એવી ધાતુ નું ઉદાહરણ આપો જે (a)ઓરડાના તાપમાને પ્રવાહી છે. (b)છરી વડે આસાનીથી કાપી શકાય છે. (c)ઉષ્માની ઉત્તમ વાહક છે. (d)ઉષ્માના મંદવાહક છે.

ઉત્તર :-  (a)ઓરડાના તાપમાને પ્રવાહી છે. :- મરક્યુરી (પારો) (b)છરી વડે આસાનીથી કાપી શકાય છે. :- સોડિયમ ,પોટેશિયમ  (c)ઉષ્માની ઉત્તમ વાહક છે. :- સિલ્વર અને કોપર (d)ઉષ્માના મંદવાહક છે. : – લેડઅને મરક્યુરી

(9). નીચેના પદો ને વ્યાખ્યાયિત કરો. (a) ખનીજ (b) કાચી ધાતુ (અયસ્ક) (c) ગેંગ

ઉત્તર :- ખનીજ:- જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે. તેને ખનીજ કહે છે.

કાચી ધાતુ:-  જે ખનીજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનીજને કાચી ધાતુ (અયસ્ક-ore) કહે છે.

ગેંગ:- પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિ ને ગેંગ કહે છે.

(10). શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે?

ઉત્તર :-  સોડિયમએ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામા સળગી ઉઠે છે. આમ,સોડિયમની ઑક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણકે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી.

(11). કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.

ઉત્તર :- કોપર (તાંબુ) ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતુ નથી. તદઉપરાંત  તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતુ નથી. આથી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલ આયર્નનુ ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી.

(12). કારણ આપો. પ્લેટિનમ, સોનુ અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

ઉત્તર :- કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે. તે તણાવપણા કે ટિપાઉપણાનો ગુણ ધરાવે છે. પરિણામે આભૂષણોને યોગ્ય આકાર, ઘાટ આપી શકાય છે. તદઉપરાંત તે પાણી કે હવા સાથે કોઇ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ, સોનુ અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

(13). ક્ષારણ એટલે શુ? લોખંડનુ ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય?

ઉત્તર :-  હવા, પાણી અને ભેજના સંંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે.

→ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઈઝિંગ,ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.

→ દા.ત. સ્ટીલ અને લોખંડ ને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંક નું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઈઝેશન છે. જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઈઝ વસ્તુ નું કાટ સામે રક્ષણ થાય છે.

(14). સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?

ઉત્તર :- 
સ્વયંપોષી પોષણવિષમપોષી પોષણ
તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમા જોવા મળે છે.તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2Oનો ઉપયોગ કરી ખોરાકનુ સંશ્લેષણ થાય છે.આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.
આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે.આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની પ્રક્રિયા છે.

(15). જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.

ઉત્તર :- 
જારક શ્વસનઅજારક શ્વસન
આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે.આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.
આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે.આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે.
આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ સંપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુકત થાય છે.આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ અપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુકત થાય છે.
આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં અને બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે.આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.

અજારક શ્વસન કરતા સજીવોના નામ :- યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ,કેટલાક બેક્ટેરિયા અને અંત:પરોપજીવીઓ

(16). આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?

ઉત્તર :- આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ ( એનીમિયા) કહે છે. તેના પરિણામે , આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ , થાક , કંટાળો વગેરે જોવા મળે છે.

(17). આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે ?

ઉત્તર :- ખોરાક સાથે જઠર માં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.

(18). માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે? આ ઘટકો ના કાર્ય શું છે?

ઉત્તર :- માનવમાં પરિવહન તંત્રના ઘટકો  અને કાર્યો

1.રુધિર

(i) રુધિરરસ :- વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નું વહન
(ii) રક્તકણ(રાતા રુધિર કોષો) :- ઑક્સિજનનું વહન
(iii) શ્વેતકણ (શ્વેત રુધિર કોષો) :- રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
(iv) ત્રાકકણ :- રુધિર ગંઠાઈ જવાની ક્રિયા

2.હૃદય :- રુધિરના પંપ તરીકે કાર્ય કરે

3. રુધિરવાહિનીઓ

(i)ધમનીઓ :- હૃદયથી અંગો તરફ રૂધિરનું વહન
(ii)શિરાઓ :- વિવિધ અંગોથી હૃદય તરફ રૂધિરનું વહન
(iii)રુધિરકેશિકાઓ :- રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે

4. લસિકા :- નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતર કોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે.

(19). મૂત્રનિર્માણના પ્રમાણનુ નિયમન કેવી રીતે થાય છે.?

ઉત્તર :- મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.

(20). આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?

ઉત્તર :-  પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનુ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરાડામાં થાય છે.

(21) ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?

ઉત્તર :- લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.

સ્ટાર્ચ  →  માલટોઝ (શર્કરા)

(22). મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે.?

ઉત્તર :-  મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હ્રદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનુ બેવડુંં પરિવહન કહે છે.મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.

(23). પુષ્પના આયામ છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો .

ઉત્તર :

(24). યૌવનારંભના સમયે છોકરીઓ અને છોકરાઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે?

ઉત્તર : યૌવનારંભના સમયે છોકરીઓમાં → અંડપિંડ માદા જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.→ અંડપિંડ અંડકોષ મુકત કરે છે. → સ્તનગ્રંથિના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. માસિક ચક્ર શરૂ થાય છે. યૌવનારંભના સમયે છોકરાઓમાં → શુક્રપિંડ નર જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. → શુક્રપિંડ શુક્રકોષોનુ ઉત્પાદન શરૂ કરે છે. → ચહેરા પર દાઢી – મૂછનો વિકાસ શરૂ થાય છે. → શરીર વધારે સ્નાયુબદ્વ બને છે. →અવાજ કર્કશ અને જાદો બને છે. → ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે → શિશ્ન પ્રસંગોપાત મોટુ અને સખત થઇ ઊર્ધ્વસ્થ બને છે.

(25). કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

ઉત્તર : કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે (1) બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલાં પુષ્પ અને ફળ ધારણ થાય છે. (2) જે વનસ્પતિઓએ બીજનિર્માણ – ક્ષમતા ગુમાવી દીધી હોય, તેમનો પણ ઉછેર કરી શકાય છે. (3) પેઢી – દર – પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે.

(26) . દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદા. અમીબા, બૅક્ટેરિયા. બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદા. પ્લાઝ્મોડિયમ આમ, એક દ્વિભાજનને અંતે બે બાળસજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળસજીવ એકસાથે ઉત્પન્ન થાય છે.

(27). (a) માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? (b) શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?

ઉત્તર : (a) માનવના શુક્રપિંડનું કાર્ય :(1) શુક્રકોષોનું ઉત્પાદન અને (2) ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ. (b) પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે.

(28). પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો.

ઉત્તર : પાનફુટીના પર્ણોની કિનારીની ખાંચોમાં કલિકા ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ જમીન પર ખરી પડે છે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણની કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે.

(29). વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો તથા તેના SI એકમ લખો.

ઉત્તર :- વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુતપ્રવાહ કહે છે.

I = Q / t

વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આન્દ્રે મારી- એમ્પિયરના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે.

(30). વિદ્યુતસ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો તથા તેના SI એકમ લખો.

ઉત્તર :- અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન કહે છે.

V = W/Q

વિદ્યુત સ્થિતિમાનનો  SI એકમ  જૂલ(J) / કુલમ્બ(C) છે.જેને વોલ્ટ(V) કહે છે.

(31). ઓહમનો નિયમ લખો. અને તેની ચકાસણી માટેનો વિદ્યુતપરિપથ દોરો.

ઉત્તર :- અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.

(32). વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે?

ઉત્તર :- વાહકનો અવરોધ નીચેની બાબતો પર આધાર રાખે છે.

(1)વાહકની લંબાઈ

(2) વાહકના આડછેદનું ક્ષેત્રફળ (A)

(3) વાહકના દ્રવ્યની જાત કે પ્રકાર

(4) વાહકનુ તાપમાન. તાપમાન વધારતાં સુવાહકનો અવરોધ વધે છે જ્યારે અર્ધવાહકનો અવરોધ ઘટે છે.

(33). શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે?

ઉત્તર :- તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની (નિક્રોમ) બનાવવાના કારણો નીચે મુજબ છે.

⇒ મિશ્ર ધાતુની (નિક્રોમ) અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતા ઘણી વધારે છે.

⇒ મિશ્રધાતુઓ ઊંચા તાપમાને હોય (એટલે કે  તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય) ત્યારે ત્વરિત ઓક્સિડાઈઝ કે દહન પામતી નથી.

⇒ મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે.

(34). પરિપથની રેખાકૃતિમા વપરાતા નીચેના ઘટકોની સંજ્ઞાઓ જણાવો.વિદ્યુતકોષ,પ્લગ કળ, ચલિત અવરોધ, વોલ્ટમિટર, વિદ્યુત બલ્બ, બેટરી, અવરોધ, એમિટર ( કોઇપણ ચાર)

ઉત્તર :- 

(35). 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતાં દરેક 1 કુલંબ વિદ્યુતભારને કેટલી ઉર્જા આપે છે?

ઉત્તર :- V = 6 V , Q = 1 C , W = ?

હવે,W = VQ

=6 V x 1 C

= 6 J

(36). ગજીયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો.

ઉત્તર :

(37). ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.

ઉત્તર : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે.   ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે.

  ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાની વધુ નજીક હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે.  ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપિ એકબીજાને છેદતી નથી.

(38). સુરે વિદ્યુત પ્રવાહધારિત વાહની આસપાસ ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો. અને તે નિયમ લખો.

ઉત્તર :નિયમનું નામ:-  જમણા હાથના અંગુઠાનો નિયમ

કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી  અંગૂઠો વિદ્યુતપ્રવાહની દિશાનું સૂચન કરે તો તમારી આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટળાય છે.

(39). ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો.

ઉત્તર :- તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી (મધ્યમા) ત્રણેયને એવી રીતે ગોઠવો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠોએ વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે.

(40).વિદ્યુત શોર્ટસર્કિટ કયારે થાય છે?

ઉત્તર :- જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય ત્યારે બન્ને વારો એકબીજાના સીધા સંપર્કમાં આવે છે. તેને શોર્ટસર્કિટ કહે છે.

આ કિસ્સામાં પરિપથમાં  વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે, જેથી વાયર ખૂબ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે.

(41). ફ્યૂ વિશે ટૂંકનોંધ લખો.

 ઉત્તર :– ફ્યુઝ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યૂઝએ નીચા ગલનબિંદુવાળો ટૂંકો, પાતળો તાર છે.

પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે. જેથી પરિપથ ખુલ્લો બની જાય છે.

(42) ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે.? ઓઝોન સ્તરની અગત્ય જણાવો.

ઉત્તર :- ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર (સ્ટ્રેટોસ્ફિયર)માં આવેલું છે. ઓઝોન(O3) ઓક્સિજનના ત્રણ પરમાણુથી બને છે. ઓક્સિજન(O2)ના અણુઓ ઉપર પારજાંબલી(UV) વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જા વાળા પારજાંબલી કિરણો ઓક્સિજન(O2) અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુઓ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે.

O2 → O + O

O + O2 → O3

ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે .આમ, ઓઝોન પૃથ્વી પરના સજીવોનુ રક્ષણ કરે છે.

(43) ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે ? આ વિઘટનને સીમિત કરવા માટે ક્યાં પગલાં લેવાં જોઇએ ?

ઉત્તર :- ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે . આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે , કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે . મનુષ્યમાં તે ચામડીના કૅન્સર , આંખમાં મોતિયા ( Cataract ) વગેરે સમસ્યાઓ સર્જે છે . આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફલ્યુરોકાર્બન્સ ( CFCs ) નો ઉપયોગ ઘટાડવામાં આવે છે .

1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ( UNEP ) માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે , CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે . તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે.

(44) પોષક સ્તરો એટલે શું ? એક આહારશૃંખલાનુ ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો સમજાવો.

ઉત્તર :- આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ(પગથિયા) ને પોષક સ્તરો કહે છે.નિવસનતંત્રમાં પોષક સ્તર ઊર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય -ભક્ષક વચ્ચે ના ક્રમિક સંબંધ દર્શાવે છે.

ઘાસ  →  ઉંદર   →  સાપ  →   સમડી

ઉત્પાદક   પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી
પ્રથમ       દ્વિતીય                   તૃતીય                ચતુર્થ

(45) તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો.

ઉત્તર :- વધેલો ખોરાક(એઠવાડ), શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, અને બગીચાનો કચરો વગેરે જૈવવિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે જેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાનો નિકાલ કરી શકાય. ટીન , ખાલી ડબ્બા, પેપર ગ્લાસ, તૂટેલી વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય.

પદ્ધતિઓના નામ :-  (1) પુનઃઉપયોગ(REUSE) અને (2) પુનઃચક્રિયકરણ(RECYCLE)

(46) આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે ?

ઉત્તર :- ( 1 ) તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે. ( 2 ) તે પર્યાવરણમાં એકત્ર થઇ પ્રદૂષણ સર્જે છે. ( 3 ) જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે. ( 4 ) તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઇ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે. ( 5 ) આહારશૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસનતંત્રમાં સમસ્યાઓ સર્જે છે.

(47) તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો

ઉત્તર :-

જૈવ વિઘટનીય કચરોજૈવ અવિઘટનીય કચરો
જે કચરાનુ જૈવપ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કએ છે.જે કચરાનુ જૈવપ્રક્રિયાઓ વડે વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કએ છે.
વિઘટકોની પ્રવૃતિ દ્વારા તેનો નિકાલ થઇ શકે છે.વિઘટકોની પ્રવૃતિ દ્વારા તેનો નિકાલ થઇ શકતો નથી.
તેમા રહેલા કાર્બનિક પદાર્થો જૈવપ્રક્રિયાની નીપજો છે.તેમા રહેલા કાર્બનિક પદાર્થો માનવસર્જિત છે.
તેના યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે.તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે.
સડેલા શાકભાજી અને ફળ, છાલ, મૃતશરીર વગેરે જૈવ વિઘટનીય કચરો છે.કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ અવિઘટનીય કચરો છે.

(48) એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- જૈવવિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે.

(49) એવી બે રીતો દર્શાવોકે જેમાં જૈવઅવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- પેસ્ટીસાઈડ્સ (કીટનાશકો) જેવા જૈવઅવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવઅવિઘટનીય પદાર્થો નિવસનતંત્ર ના કાર્યો જેવા કે ઊર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે.

(50) નિવસનતંત્રમાં વિઘટકો ની ભૂમિકા શું છે?

ઉત્તર :- વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગદ્રવ્યો પર પોષણ માટે આધારીત સજીવોને વિઘટકો કહે છે. દા.ત. બેક્ટેરિયા અને ફૂગ. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રિય વહનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

(51) ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે?

ઉત્તર :- ઓઝોન( O3 ) પારજાંબલી ( UV )  કિરણો ની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુ વડે બનતો અણુ છે. ઓઝોન વાતાવરણના ઉપલા સ્તર માં એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગલંબાઇ ધરાવતા પારજાંબલી વિકિરણ નું શોષણ કરે છે. આ રીતે તે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.


ધોરણ ૧૦ વિજ્ઞાન વિષય (વિભાગ D)મા DHORAN 10 VIGNAN MOST IMP QUESTIONS – VIBHAG D બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE



હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post
5
1

Leave a Reply