Std 10 Science Board Exam Imp

Std 10 Science Board Exam Imp

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 થી  ધોરણ -10 ના વિજ્ઞાન વિષયના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. Std 10 Science Board Exam Imp

બ્લ્યુ પ્રિંટ પ્રમાણે જોઇએ તો અહી આપેલ ફકત 5 પ્રકરણ તૈયાર કરશો તો તમે બોર્ડની પરીક્ષામાં 50+ ગુણ મેળવી શકો છો. અને ભણવામાં નબળો વિદ્યાર્થી હોય તો પણ તે અમારા માર્ગદર્શન પ્રમાણે તૈયારી કરશે તો બોર્ડની પરીક્ષામાં 50+ ગુણ મેળવી શકે છે. તો આના માટે તમારે કયા પ્રકરણો તૈયાર કરવાના રહેશે તે નીચે આપેલ છે.

Std 10 Science Board Exam Imp

અહીં, આપેલ પ્રકરણોમાંથી બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા  પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

પ્રકરણ – 2 એસિડ, બેઇઝ અને ક્ષાર

(1) ટૂંકનોંધ લખો. બેકિંગ સોડા(ખાવાનો સોડા—NaHCO3) અથવા બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો.

ઉત્તર :- બનાવટ :- સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2(g) અને NH3(g) પસાર કરતા બેકિંગ સોડા બને છે.

NaCl(aq)+H2O(l)+CO2(g)+NH3(g) →  NH4Cl(aq)+NaHCO3(aq)

સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે.

Na2CO3(aq)+H2O(l)+CO2(g) →  2NaHCO3(aq)

બેકિંગ સોડાનુ રાસાયણિક નામ સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે.

ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે.

2NaHCO3(s) → Na2CO3(s)+H2O(l)+CO2(g)      

ઉપયોગો:- → તેને ગરમ કરવામાં આવે ત્યારે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદભવતા CO2 વાયુને લીધે પાઉં,કેક તથા ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ અને પોચા બને છે. → એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે. → સોડા ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા. → ચેપ નાશક તરીકે → પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. → ઘરગથ્થુ ઉપયોગ તરીકે

(2) ટૂંકનોંધ લખો. ધોવાનો સોડા (વોશિંગ સોડા – Na2CO3.10H2O) અથવા ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો.

ઉત્તર :- બનાવટ :- બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે.

2NaHCO3(s) → Na2CO3(s)+H2O(l)+CO2(g)

સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફ્ટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે.

Na2CO3(s)+10H2O(l) →  Na2CO3.10H2O(s)

ઉપયોગો:- → કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં. →બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં. →ઘરમાં સફાઈકર્તાતરીકે. →પાણીની સ્થાયી કઠિનતાદૂર કરવા માટે. →કાગળ અને કાપડ ઉદ્યોગમાં. →પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે

(3) ટૂંકનોંધ લખો. વિરંજન પાવડર (બ્લીચિંગ પાઉડર) અથવા બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો.

ઉત્તર :- બનાવટ: ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના(Ca(OH)2 ) સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.

Cl2+Ca(OH)→ CaOCl2 +H2O          

વિરંજન પાઉડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે. જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ છે.

વિરંજન પાઉડરનો ઉપયોગ:- →ટેક્સટાઈલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. → કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે. → લોન્ડ્રીમાં ધોયેલા કપડાંના વિરંજન માટે. → અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે. → પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે.

(4) ટૂંકનોંધ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અથવા પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગ લખો.

ઉત્તર :- બનાવટ:- જ્યારે જીપ્સમ (ચિરોડી) ને 373 K તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે.

CaSO4.2H2O(s) → CaSO4.½H2O(s)+1½ H2O(g)

 જિપ્સમ                        પ્લાસ્ટર ઓફ પેરિસ

આમ, પ્લાસ્ટર ઓફ પેરિસ કેલ્શિયમ સલ્ફેટનો હેમી (અડધો) હાઈડ્રેટ છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાઉડર છે.પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે.

CaSO4 .½H2O (s)+1½ H2O(g) → CaSO4.2H2O(s)

પ્લાસ્ટર ઓફ પેરિસ                                    જિપ્સમ    

ઉપયોગો:- → બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. → ફ્રેકચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે. → દાંતના ચોકઠા માટેના બીબાં બનાવવા માટે. →રમકડા અને પૂતળા બનાવવા માટે. → બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે. → પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે.

(5) સોડીયમ હાઇડ્રોક્સાઇડ્ના ઉત્પાદન માટેની ક્લોર આલ્કલી ક્રિયા અને ઉપયોગ લખો. અથવા ટૂંકનોંધ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ (NaOH)

ઉત્તર :- બનાવટ:- સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતા એનોડ પાસે ક્લોરિન વાયુ મુક્ત થાય છે. જ્યારે કેથોડ પાસે હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે. તથા દ્રાવણમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડ બને છે.

2NaCl(aq)+2H2O → 2NaOH(aq)+Cl2(g)+H2(g)                  

આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે. કારણ કે તેમાં ઉત્પન્ન થતી નીપજો ક્લોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.

ઉપયોગો:- → ધાતુ ઉપરથી ગ્રીસ દૂર કરવા માટે → સાબુની બનાવટમાં. → પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. → સુતરાઉ કાપડને સુંવાળું બનાવવા. → પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.

(6) દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો.

ઉત્તર :- 

સજીવના અસ્તિત્વમાં pHનું મહત્વ:-

સામાન્ય રીતે માનવ શરીરમાં થતી  દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 8 pHની મર્યાદામાં થાય છે. જો આ pHમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.

સામાન્ય પાણીની pH લગભગ 7 હોય છે જ્યારે વરસાદી પાણીની pH લગભગ 5.6ની આસપાસ હોય છે.જે વરસાદની pH 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડવર્ષા કહે છે.એસિડવર્ષાનું પાણી જ્યારે નદી, તળાવ કે જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની pH ઘટે છે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મ જીવો અને જલજ વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાય છે.

જમીનમાં pHનું મહત્વ:-

વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદા ની જરૂરિયાત હોય છે.

જે જમીનની pH 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ(CaO) ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ(CaSO4.2H2O) ઉમેરે છે.

પાચનતંત્રમાં pHનું મહત્વ:-

ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે.

એસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ થાય છે. જેને એન્ટાસિડ(પ્રતિ એસિડ પદાર્થ )કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા(NaHCO3) અને મિલ્ક ઓફ મેગ્નેશિયા Mg(OH)2 ઉપયોગમાં લેવાય છે.

દાંતનું ક્ષયન રોકવામાં pHનું મહત્વ:-

જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો(ક્ષયન) શરૂ થાય છે. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ(Ca3(PO4)2)જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. જે પાણીમાં ઓગળતું નથી પરંતુ મોંની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન કહે છે.

મોંમા હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમા બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે. જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થ હોય છે. જે વધારાના ઍસિડને તટસ્થ કરે છે પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે.

મધમાખીના ડંખની અસરના ઉપચારમાં:-

મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે. જેના લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે ખાવાના સોડા  જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે ઍસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે.

આ ઉપરાંત કૌવચ એની (Nettle) નામની એક વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.

7.(i) તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? બે ઉદાહરણ આપો. (ii) શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?

ઉત્તર :- (i) જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી

(i) NaOH+HCl → NaCl +H2O

બેઇઝ     એસિડ    ક્ષાર      પાણી

(ii) 2KOH + H2SO4 → K2SO4 +H2O

બેઇઝ       એસિડ         ક્ષાર      પાણી

(ii) દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે. જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકશાન કારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઇએ.

8.(i) શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી? જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે?. (ii) તાજા દૂધની pH 6 છે. જો તેનુ દહીમાં રૂપાંતર થાય તો તેની pHના ફેરફાર વિશે તમે શુ વિચારો છો?

ઉત્તર :- (i) નિસ્યંદિત પાણીએ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે. જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ, નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે.

(ii) દૂધનું જયારે દહીમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે.તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહી સ્વાદે ખાટું લાગે છે.

(9) એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ  માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.(a) તે તાજા દૂધની pHને 6 થી ઓછી બેઝિક તરફ શા માટે ફેરવે છે? (b) શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?

ઉત્તર :- (a) તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો pHનું મૂલ્ય 6થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. (b) દૂધમાં ખૂબ જ અલ્પ  માત્રામાં બેકિંગ સોડા ઉમેરતાં દૂધ બેઝિક બને છે.તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.

10.(i) સાંદ્ર એસિડની મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે?  (ii) ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર, અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે – બે ઉદાહરણ આપો.

ઉત્તર :- (i) સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા રહીને ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે પરિણામે કોઈ હાનિ થતી નથી.

(ii) એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે.

સોડીયમ ક્ષાર પરિવારના ઉદાહરણ: NaCl ,Na2SO4

ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ: NaCl , KCl

મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ: MgCl2  , MgSO4

પ્રકરણ -૩ ધાતુઓ અને અધાતુ

1. ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેની રિડક્શન પ્રક્રિયા રાસાયણિક સમી. સાથે સમજાવો.

ઉત્તર :- (i) નીચી સક્રિયતાના ધરાવતી ધાતુનાઓકસાઈડને ગરમ કરતા તેમાંથી ધાતુ છૂટી પડે છે.

દા.ત. 2HgO(s) → 2Hg(l) + O2(g)

(ii) મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓકસાઈડનું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ છૂટી પડે છે.

દા.ત. ZnO(s) + C(s) →  Zn(l) + CO(g)

(iii) ઉંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓકસાઈડના પિગલિત દ્રાવણનું વિદ્યુતવિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે.

દા.ત. NaCl ના પિગલિત દ્રાવણનું  વિદ્યુતવિભાજનીય રિડક્શન કરતાં કેથોડ પર સોડિયમ ધાતુ મળે છે.

2. થર્મિટ પ્રક્રિયા સમજાવો.

ઉત્તર :- વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે.

દા. ત.આયર્ન(lll) ઓકસાઈડ(Fe2O3)ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે.

Fe2O3(s)+2Al(s) → 2Fe(l)+Al2O3(s)+ઉષ્મા

3. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો.

ઉત્તર :- સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓકસાઈડને માત્ર ગરમ કરી તેનું રિડકશન થઈ ધાતુ  છૂટી પડે છે.

દા.ત. સિન્નાબાર(HgS)એ મરક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ મરક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે. ત્યારબાદ મરક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતા તે મરક્યુરીમાં રિડકશન પામે છે.

2HgS(s) + 3O2(g)   2HgO(s) + 2SO2 

2HgO(s) →  2Hg(l) + O2(g)        

આ જ પ્રમાણે કોપર કે જે કુદરતમાં Cu2S સ્વરૂપે મળે છે. તેને ગરમ કરવાથી નીચે મુજબ કોપર ધાતુ મળે છે.

2Cu2S(s) + 3O2(g)    2Cu2O(s)  +  2SO2 

2Cu2O(s) + Cu2S(s)  →  6Cu(s) +  SO2(g)

4. સક્રિયતા શ્રેણીમાં મધ્યમા રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો.

ઉત્તર :- સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝિંક,સીસું,કોપર વગેરે મધ્યમ સક્રિય હોય છે.આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓકસાઈડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. તેથી રિડક્શન કરતા પહેલા સલ્ફાઈડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલી ધાતુને ઓકસાઈડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે.

સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે.

કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે.

ઝિંકની અયસ્ક માટે ભૂંજન અને કેલ્શિનેશનની પ્રક્રિયાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય.

ભૂંજન: 2ZnS(s)+ 3O2(g)→ 2ZnO(s)+2SO2(g) 

કેલ્શિનેશન: 2ZnCO3(s)→ 2ZnO(s) +CO2(g)

આ ધાતુ ઓકસાઇડનું કાર્બન (કોક) વડે રિડક્શન કરતા ધાતુ મળે છે.રિડક્શન કર્તા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે.

5. સક્રિયતા શ્રેણીમાં ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો.

ઉત્તર :- સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે.આવી ધાતુઓના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી કારણ કે આ ધાતુઓ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. આથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનની રિડક્શન પધ્ધતિ વપરાય છે.

દા.ત.સોડિયમ,મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગળેલા ક્લોરાઈડના વિદ્યુતવિભાજન દ્વારા મેળવાય છે.વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ કેથોડ (ઋણધ્રુવ) પાસે જમા થાય છે. જ્યારે ક્લોરીન વાયુ એનોડ (ધનધ્રુવ) પાસે જમા થાય છે.

કેથોડ:- Na++ e  → Na

એનોડ:- 2Cl → Cl2 + 2e             

તે જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઈડના વિદ્યુતવિભાજન દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકાય છે.

6. મિશ્રધાતુ કોને કહે છે.? કોઇપણ બે મિશ્રધાતુઓના નામ અને તેમના ઘટકો જણાવો.

ઉત્તર :- બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્રધાતુઓ કહે છે.

     મિશ્રધાતુ             તેમા રહેલા ઘટકો

(i) પિત્તળ (બ્રાસ)     તાંબુ(Cu),ઝિંક(Zn)

(ii) બ્રોન્ઝ(કાંસું)       તાંબુ(Cu),ટિન(Sn)

(iii) સોલ્ડર              સીસું(Pb),ટીન(Sn)

7. ક્ષારણ એટલે શુ.? લોખંડનુ ક્ષારણ અ‍ટકાવવાના બે ઉપાયો જણાવો.

ઉત્તર :- હવા, પાણી અને ભેજના સંંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે.

→ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઈઝિંગ,ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.

→ દા.ત. સ્ટીલ અને લોખંડ ને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંક નું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઈઝેશન છે. જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઈઝ વસ્તુ નું કાટ સામે રક્ષણ થાય છે.

8. ધાતુના ભૌતિક ગુણધર્મો લખો.

ઉત્તર :- ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે. તે ઓરડાના તાપમાને ઘન (પારા સિવાય) અને સખત હોય છે. તે તણાવપણા અને ટીપાઉપણા નો ગુણ ધરાવે છે. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરે છે.

9. અધાતુના ભૌતિક ગુણધર્મો લખો.

ઉત્તર :- અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. (અપવાદ- બ્રોમિન પ્રવાહી છે) તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે તણાવપણા અને ટીપાઉપણા નો ગુણ ધરાવતા નથી. તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તે રણકાર ઉત્પન્ન કરતા નથી.

10. એવી ધાતુ નું ઉદાહરણ આપો જે (a)ઓરડાના તાપમાને પ્રવાહી છે. (b)છરી વડે આસાનીથી કાપી શકાય છે. (c)ઉષ્માની ઉત્તમ વાહક છે. (d)ઉષ્માના મંદવાહક છે.

ઉત્તર :-  (a)ઓરડાના તાપમાને પ્રવાહી છે. :- મરક્યુરી (પારો) (b)છરી વડે આસાનીથી કાપી શકાય છે. :- સોડિયમ ,પોટેશિયમ  (c)ઉષ્માની ઉત્તમ વાહક છે. :- સિલ્વર અને કોપર (d)ઉષ્માના મંદવાહક છે. : – લેડઅને મરક્યુરી

11. નીચેના પદો ને વ્યાખ્યાયિત કરો. (a) ખનીજ (b) કાચી ધાતુ (અયસ્ક) (c) ગેંગ

ઉત્તર :- ખનીજ:- જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે. તેને ખનીજ કહે છે.

કાચી ધાતુ:-  જે ખનીજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનીજને કાચી ધાતુ (અયસ્ક-ore) કહે છે.

ગેંગ:- પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિ ને ગેંગ કહે છે.

12. નીચેના પદોની સમજૂતિ આપો. (a) ભૂંજન  (b) કેલ્શિનેશન

ઉત્તર :-  (a) સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડ માં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે.

 2ZnS(s) + 3O2(g) → 2ZnO(s) + 2SO2(g) 

(b) કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ ને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે.

 2ZnCO3(s)→   2ZnO(s) + CO2(g)

13. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે?

ઉત્તર :-  સોડિયમએ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામા સળગી ઉઠે છે. આમ,સોડિયમની ઑક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણકે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી.

14. કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.

ઉત્તર :- કોપર (તાંબુ) ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતુ નથી. તદઉપરાંત  તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતુ નથી. આથી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલ આયર્નનુ ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી.

15. કારણ આપો. પ્લેટિનમ, સોનુ અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

ઉત્તર :- કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે. તે તણાવપણા કે ટિપાઉપણાનો ગુણ ધરાવે છે. પરિણામે આભૂષણોને યોગ્ય આકાર, ઘાટ આપી શકાય છે. તદઉપરાંત તે પાણી કે હવા સાથે કોઇ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ, સોનુ અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

16. ઉભયગુણી ઓક્સાઈડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઈડના બે ઉદાહરણ આપો.

ઉત્તર:-  ધાતુના જે ઓક્સાઈડ એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. તેવા ઓક્સાઈડને ઉભયગુણી ઓક્સાઈડ કહે છે. ઉદાહરણ :-  એલ્યુમિનિયમ ઓક્સાઈડ (Al2O3), ઝીંક ઓક્સાઇડ (ZnO)

17. ક્ષારણ એટલે શુ? લોખંડનુ ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય?

ઉત્તર :-  હવા, પાણી અને ભેજના સંંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે.

→ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઈઝિંગ,ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.

→ દા.ત. સ્ટીલ અને લોખંડ ને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંક નું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઈઝેશન છે. જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઈઝ વસ્તુ નું કાટ સામે રક્ષણ થાય છે.

પ્રકરણ – 5 જૈવિક ક્રિયાઓ

1. જૈવિક ક્રિયાઓ એટલે શું ? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો.

ઉત્તર :- બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે.

સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ નીચે મુજબ છે.

(1) પોષણ:-  ઊર્જાના સ્ત્રોતની ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે.

મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે.

(2) શ્વસન :-  સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્રોતનું  ઓક્સિજનનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. શ્વસન દ્વારા ખાદ્ય પદાર્થોનું વિઘટન થઈ મુક્ત થતી ઉર્જા ATPમાં રૂપાંતર થાય છે.

મોટાભાગના સજીવો શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જેવી સજીવો જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી તેને અજારકજીવી સજીવો કહે છે.

(3) વહન :- એકકોષી સજીવોમાં સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. આથી તેમાં ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપ લે માટે કે ઉત્સર્ગદ્રવ્યોને નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

જ્યારે બહુકોષી સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી તેથી બધા કોષો સુધી ખોરાક ઓક્સિજનને લઈ જવા તેમજ નકામા ઉત્સર્ગદ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહનતંત્રની આવશ્યકતા હોય છે.

(4) ઉત્સર્જન: આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં આવે છે. એક કોષીય પ્રાણીઓ કોષ સપાટી દ્વારા પ્રસરણની ક્રિયાથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. જ્યારે બહુકોષી સજીવો માં  ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી, અંગ કે તંત્ર હોય છે.

2. મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- મુખથી મળ દ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે.

આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે તેનું નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે.

મુખમાં પાચન:- મુખમાં દાંત વડે ખોરાક નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે.

લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.

સ્ટાર્ચ  →  માલટોઝ (શર્કરા)

ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જીભ ખોરાકને લાળ સાથે ભેળવે છે.

તરંગવત સંકોચન (પરિસંકોચન) :-

પાચનમાર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. આ હલન-ચલનથી ખોરાક પાચન નળીમાં પસાર થાય ત્યારે તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે

મુખથી જઠર સુધી ખોરાક અન્ન નળી મારફતે જાય છે.

જઠરમા પાચન :

જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ(HCl),પેપ્સીન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, આ મિશ્રણને જઠરરસ કહે છે.

જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર સાથે મિશ્ર કરે છે.

હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે.

શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે.

જઠરમાંથી ખોરાકનો આતરડાંમાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે.

નાના આંતરડામાં પાચન:-

નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન, અને ચરબીના પૂર્ણ પાચન કરે છે.

જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે.

પિતરસ નું કાર્ય: પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે.

પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોને ચરબીનાં ઘટકોમાં રૂપાંતરિત કરે છે. જેને તૈલોદીકરણ કહે છે.

સ્વાદુરસનું કાર્ય:  સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાયલેઝ અને ચરબીના પાચન માટે લાયપેઝ ઉત્સેચકો હોય છે.

આંત્રરસનું કાર્ય:‌ નાના આંતરડાની દીવાલમાં આવેલી ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંતરડામાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમીનો એસીડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, અને ચરબીનું ફેટી એસીડ અને ગ્લીસરોલમાં રૂપાંતર કરે છે.

3. મનુષ્યના શ્વસનતંત્રની આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- 

મનુષ્યના શ્વસનતંત્રમાં સંકળાયેલા અંગો:-

નસકોરા અને નાસિકા માર્ગ:- નસકોરા દ્વારા હવા શરીરમાં દાખલ થાય છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાય છે. જેમાં માર્ગનું શ્લેષ્મ અસ્તર મદદરૂપ થાય છે.

ગળામાં રહેલા અંગો :- કંઠનળી,સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે.

શ્વાસનળી ગળાથી ઉરસીયગુહામાં ફેફસાં સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી.

ફેફસા:- ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠો માં પરિણમે છે.

વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાની જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે.

4. મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- મનુષ્યના ઉત્સર્જનતંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે.

મૂત્રપિંડ :- એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની પાર્શ્વ બાજુએ આવેલા છે.

મૂત્રવાહિની:- મૂત્રપિંડ અને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્ર પિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે.

મૂત્રાશય :- તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે.

મૂત્રમાર્ગ:- મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે. તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે.

5. મનુષ્યના હ્રદયની અંત:સ્થ રચના દર્શાવતી નામનિર્દેશિત આકૃતિ દોરી તેમા રુધિરનુ પરિવહન સમજાવો.

ઉત્તર :-

હૃદય આપણી મૂઠ્ઠી કદનું એક સ્નાયુલ અંગ છે.મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજનવિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે .

મનુષ્યના હૃદયમાં પરિવહન પથ:-

હૃદયના ઉપરના રૂધિર એકત્ર કરતા બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો છે. જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે.

ડાબા ખંડોમાં

ફેફસામાંથી ફુપ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે.

હવે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે ડાબુ ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈ અને શરીરના વિવિધ ભાગોને રુધિર પૂરું પાડે છે.

જમણા ખંડોમાં

હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજનવિહીન રુધિર તેમાં આવે છે.  

જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે.આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે.

જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે.

જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રૂધિર પ્રવાહ ને અટકાવે છે.

ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં કે ક્ષેપકની દીવાલ જાડી અને સ્નાયુમય હોય છે.

6. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો.

ઉત્તર :-

 

પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે.

કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજન નો ઉપયોગ કરે છે જેને જારક શ્વસન કહે છે.

કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે જેને અજારક શ્વસન કહે છે.

ગ્લુકોઝનું વિઘટન:-

ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ (છ કાર્બનયુક્ત) અણુઓનું પાયરુવેટ (3 કાર્બનયુક્ત) અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસ માં થાય છે.

પાયરુવેટ નું અજારક ચયાપચય:-

ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે જેને અજારક શ્વસન કહે છે.આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે.

જ્યારે આપણી સ્નાયુપેશી માં ઓક્સિજન નો અભાવ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડ(3 કાર્બનયુક્ત)માં રૂપાંતર થાય છે.

પાયરુવેટનું જારક ચયાપચય:-

ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુંનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન થાય છે જેને જારક શ્વસન કહે છે.ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભસૂત્રોમા થાય છે.

અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે.

કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જાએ ATP ના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે.

પ્ર.- 7 સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?

ઉત્તર :- 
સ્વયંપોષી પોષણવિષમપોષી પોષણ
તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમા જોવા મળે છે.તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2Oનો ઉપયોગ કરી ખોરાકનુ સંશ્લેષણ થાય છે.આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે.
આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે.આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની પ્રક્રિયા છે.

પ્ર.- 8 જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શુ છે.? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.

ઉત્તર :- 
જારક શ્વસનઅજારક શ્વસન
આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે.આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.
આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે.આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે.
આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ સંપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુકત થાય છે.આ ક્રિયામા ગ્લુકોઝના અણુનુ અપૂર્ણ દહન થાય છે.તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઉર્જા મુકત થાય છે.
આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં અને બાકીનો તબક્કો કણાભસૂત્રમાં થાય છે.આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.

અજારક શ્વસન કરતા સજીવોના નામ :- યીસ્ટ અને અન્ય કેટલીક ફૂગ,કેટલાક બેક્ટેરિયા અને અંત:પરોપજીવીઓ

પ્ર.- 9 આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે શુ થઇ શકે છે.?

ઉત્તર :- આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ ( એનીમિયા) કહે છે. તેના પરિણામે , આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ , થાક , કંટાળો વગેરે જોવા મળે છે.

પ્ર.- 10 આપણા જઠરમાં એસિડનું શું કાર્ય છે ?

ઉત્તર :- ખોરાક સાથે જઠર માં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. ટ્રિપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.

પ્ર.- 11 માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે? આ ઘટકો ના કાર્ય શું છે?

ઉત્તર :- માનવમાં પરિવહન તંત્રના ઘટકો  અને કાર્યો

1.રુધિર

(i) રુધિરરસ :- વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નું વહન
(ii) રક્તકણ(રાતા રુધિર કોષો) :- ઑક્સિજનનું વહન
(iii) શ્વેતકણ (શ્વેત રુધિર કોષો) :- રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા
(iv) ત્રાકકણ :- રુધિર ગંઠાઈ જવાની ક્રિયા

2.હૃદય :- રુધિરના પંપ તરીકે કાર્ય કરે

3. રુધિરવાહિનીઓ

(i)ધમનીઓ :- હૃદયથી અંગો તરફ રૂધિરનું વહન
(ii)શિરાઓ :- વિવિધ અંગોથી હૃદય તરફ રૂધિરનું વહન
(iii)રુધિરકેશિકાઓ :- રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે

4. લસિકા :- નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતર કોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે.

પ્ર.- 12 મૂત્રનિર્માણના પ્રમાણનુ નિયમન કેવી રીતે થાય છે.?

ઉત્તર :- મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.

પ્ર.- 13 આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે.?આ પ્રક્રિયા કયાં થાય છે.?

ઉત્તર :-  પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે.સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે. અંતે આંત્રરસના લાયપેઝ વડે ચરબીનુ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરાડામાં થાય છે.

પ્ર.- 14 ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શુ છે.?

ઉત્તર :- લાળગ્રંથિમાંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસમાં રહેલો એમાયલેઝ (ટાયલિન) ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.

સ્ટાર્ચ  →  માલટોઝ (શર્કરા)

પ્ર.- 15 સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઇ છે અને તેની નીપજો કઇ છે.?

ઉત્તર :-  સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ:- (1) ક્લોરોફિલની હાજરી (2) પ્રકાશશક્તિનુ શોષણ (3) પાણીના અણુનુ વિઘટન (4) કાર્બન ડાયોકસાઇડનુ કાર્બોદિતમાં રિડકશન

તેની નીપજો:-  ગ્લુકોઝ , કાર્બોદિત અને ઓક્સિજન

પ્ર.- 16 મનુષ્યમાં રુધિરનુ બેવડું પરિવહનની વ્યાખ્યા આપો.તે શા માટે જરૂરી છે.?

ઉત્તર :-  મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હ્રદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનુ બેવડુંં પરિવહન કહે છે.મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.

પ્ર.- 17 જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે.?

ઉત્તર :- 
જલવાહકઅન્નવાહક
પાણી અને ખનીજ દ્રવ્યોનુ વહન થાય છે.મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનુ સ્થાળાંતરણ થાય છે.
તેમા વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતુ ખેંચાણબળ મુખ્ય પ્રેરક બળ છે.તેમાં સ્થાળાંતરણ માટે આસૃતિ દબાણ જવાબદાર છે.
તેમા દ્રવ્યોના વહન માટે ATP નો ઉપયોગ થતો નથી.તેમા દ્રવ્યોના સ્થાળાંંતરણ માટે ATP નો ઉપયોગ થાય છે.
જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે.ચાલનીનલિકા અને સાથીકોષો સ્થાળાંતરણમાં સંકળાયેલા છે.

પ્રકરણ – 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

1. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ?

ઉત્તર : પ્રજનનમાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. DNA પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ, આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ફેરફારો ઉદ્વિકાસ પ્રેરી શકે છે.

2. પુષ્પના આયામ છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો .

ઉત્તર :

3. યૌવનારંભના સમયે છોકરીઓ અને છોકરાઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે?

ઉત્તર : યૌવનારંભના સમયે છોકરીઓમાં → અંડપિંડ માદા જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.→ અંડપિંડ અંડકોષ મુકત કરે છે. → સ્તનગ્રંથિના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. માસિક ચક્ર શરૂ થાય છે. યૌવનારંભના સમયે છોકરાઓમાં → શુક્રપિંડ નર જાતીય અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. → શુક્રપિંડ શુક્રકોષોનુ ઉત્પાદન શરૂ કરે છે. → ચહેરા પર દાઢી – મૂછનો વિકાસ શરૂ થાય છે. → શરીર વધારે સ્નાયુબદ્વ બને છે. →અવાજ કર્કશ અને જાદો બને છે. → ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે → શિશ્ન પ્રસંગોપાત મોટુ અને સખત થઇ ઊર્ધ્વસ્થ બને છે.

4. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

ઉત્તર : કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે (1) બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલાં પુષ્પ અને ફળ ધારણ થાય છે. (2) જે વનસ્પતિઓએ બીજનિર્માણ – ક્ષમતા ગુમાવી દીધી હોય, તેમનો પણ ઉછેર કરી શકાય છે. (3) પેઢી – દર – પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે.

5. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

ઉત્તર : માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં આવેલા રસાંકુર પ્રવર્ષો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઑક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે.

6. DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?

ઉત્તર : DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્ત્વ નીચે મુજબ છેઃ (1) પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે. (2) DNA માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે.

7 . દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે?

ઉત્તર : દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદા. અમીબા, બૅક્ટેરિયા. બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદા. પ્લાઝ્મોડિયમ આમ, એક દ્વિભાજનને અંતે બે બાળસજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળસજીવ એકસાથે ઉત્પન્ન થાય છે.

8. (a) માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? (b) શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?

ઉત્તર : (a) માનવના શુક્રપિંડનું કાર્ય :(1) શુક્રકોષોનું ઉત્પાદન અને (2) ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ. (b) પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે.

9. પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો.

ઉત્તર : પાનફુટીના પર્ણોની કિનારીની ખાંચોમાં કલિકા ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ જમીન પર ખરી પડે છે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણની કિનારીની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે.

10. એકલ સજીવો દ્વારા થતી પ્રજનન પદ્વતિઓ જણાવો અને કોઇ પણ એક પદ્વતિ ઉદાહરણ સાથે સમજાવો.

ઉત્તર :- એકલ સજીવો દ્વારા થતી પ્રજનન પદ્વતિઓ નીચે મુજબ છે.(i) ભાજન (ii) કલિકાસર્જન (iii) બીજાણુનિર્માણ (iv) પુન:સર્જન (v) અવખંડન (vi) વાનસ્પતિક પ્રજનન

(i) ભાજન :-  એક કોષી સજીવો કોષવિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષવિભાજનની આ પ્રજનનક્રિયાને ભાજન કહે છે.જીવાણુઓ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે.

ભાજનના પ્રકાર:- (1) દ્વિભાજન અને (2) બહુભાજન

દ્વિભાજન:- ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષવિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે છે.અમીબામાં કોષવિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે.કેટલાક એક કોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે.

ઉદા. કાલા અઝર રોગના રોગકારક લેશ્માનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે.

બહુભાજન:- મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે. તેને બહુભાજન કહે છે.

11.માદા માનવ (સ્ત્રી) નુ પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર ધરાવે છે.

અંડપિંડ:- સ્ત્રીની ઉદરગુહા એક જોડ અંડપિંડ આવેલા છે. માદા જનન કોષો અંડપિંડમાં નિર્માણ પામે છે. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે.

અંડવાહિની (ફેલોપિયન નલિકા):- એક જોડ અંડવાહિની હોય છે. તે અંડપિંડ સાથે જોડાયેલી નથી. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે.

ગર્ભાશય:- બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક, સ્થિતિસ્થાપક, ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે. તેને ગર્ભાશય કહે છે. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશયના દુરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે.

યોનિમાર્ગ:- ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખુલે છે. યોનિમાર્ગ શરીરની બહાર યોનિદ્વાર રૂપે ખૂલે છે. જાતીય સમાગમ દરમ્યાન યોનિમાર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે.

12. નર માનવ (પુરુષ) પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો.

ઉત્તર :- પુરુષનું પ્રજનનતંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. (1) શુક્ર કોષોનું ઉત્પાદન કરતું અંગ અને (2) શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો.

શુક્ર કોષોનું ઉત્પાદન કરતું અંગ :-

શુક્રપિંડ:- ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37 કરતાં 2-3 C નીચું તાપમાન જરૂરી છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નરજાતીય અંત સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. છોકરામા ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદન નિયંત્રણ અને યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે.

શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો:-

શુક્રવાહિની :- શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્ર કોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે.

મૂત્રજનમાર્ગ:- મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે.

સહાયક ગ્રંથિઓ:- શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતર થાય છે. અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.

13. સ્ત્રીમા માસિક ચક્ર સમજાવો.

ઉત્તર :- માસિક ચક્ર સ્ત્રીમાં 28-30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે એક ચક્રીય ઘટના છે અને ગર્ભધારણ દરમ્યાન અવરોધાય છે. માસિકસ્ત્રાવ દરમિયાન યોનિદ્વારમાંથી રક્તસ્ત્રાવ બહાર નીકળે છે. આ સ્ત્રાવ દરમિયાન ભંગાર અને અફલિત અંડકોષનો શરીરની બહાર ત્યાગ થાય છે.

જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે. અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભ સ્થાપન માટેની તૈયારી કરે છે.

આ માટેની ગર્ભાશયની દીવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃઆવરણની જરૂર રહેતી નથી. તેથી આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિમાર્ગમાંથી બહાર નીકળે છે.

આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજો ધર્મ કહે છે. તેની અવધિ 2 થી 8 દિવસની હોય છે. સૌપ્રથમ વખત થતાં ઋતુસ્ત્રાવને રજોદર્શન કહે છે.

જ્યારે સ્ત્રી 45 -50 વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં માસિકચક્ર અનિયમિત બની છેવટે બંધ થઈ જાય છે. તેને રજોનિવૃત્તિ કહે છે.

14. માનવવસ્તી નિયંત્રણની પદ્વતિઓ વર્ણવો. અથવા ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઇ છે?

ઉત્તર :- જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણ રોકવા અનેક રીતો શોધાઈ છે. તેના ઉપયોગથી વસતિ- નિયંત્રણ થઈ શકે છે.

યાંત્રિક અવરોધ:- નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધન સાધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન(IUCD) –કોપર-T કે આંકડી સ્થાપિત કરવામાં આવે છે.

રાસાયણિક અવરોધ:-આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભનિરોધક ગોળીઓમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અંત:સ્ત્રાવના સંતુલનને બદલે છે. તેથી અંડપતનની ક્રિયા થતી નથી. અને ફલન થતું નથી.

શસ્ત્રક્રિયા:- પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. (વાસેકટોમી)

સ્ત્રીની અંડવાહિનીને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. (ટ્યુબેકટોમી)

આ બંને સ્થિતિમાં ફલન થતું નથી.

15.શા માટે લિંગી પ્રજનન પદ્વતિથી પ્રજનન થવુ જરૂરી છે.? અથવા અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શુ લાભ થાય છે?

ઉત્તર :- અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છેઃ (1) લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડ(યુગ્મનજ) ની રચના કરે છે. આમ, સંતતિ બાળપેઢીને બે જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે. (2) લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનોનાં નવાં જોડાણ રચાય છે. તે ભિન્નતા તરફ દોરી જાય છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવાં જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે.

(3) લિંગી પ્રજનનમાં પેઢી – દર – પેઢી ભિન્નતા સર્જાય છે. તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.(4) લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉગ્નિકાસનું કારણ બને છે .

16. પુનર્જનન અને પ્રજનન સમાન નથી. ઉદાહરણ આપી સમજાવો.

ઉત્તર :- પૂર્ણ સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે આ ક્રિયાને પુનર્જનન કે પુનઃસર્જન કહે છે.

જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવ વિકાસ પામે છે.

ઉદાહરણ:- હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલા ટુકડાઓમાં વિભાજીત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવ માં પરિણમે છે.આમ આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે.

પુનર્જનન  વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. આ કોષ સમૂહ વિભેદન થતાં ચોક્કસ પ્રકાર અને પેશી નિર્માણ પામે છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે.

આમ છતાં, પુનર્જનન પ્રજનન નથી કારણ કે મોટા ભાગના સજીવોમાં શરીરના ભાગ કે ટુકડાઓમાંથી સામાન્યત: નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી.

17. પુષ્પના પ્રજનન ભાગો સમજાવો.તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો.

ઉત્તર :- સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે.

પુષ્પના ભાગો:-વજ્રપત્રો,દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર. આ પૈકી પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે.

પુંકેસર :- તે નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાસન નો બનેલો છે. પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે.

સ્ત્રીકેસર:-તે માદા પ્રજનન ભાગ છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાય છે. તે ત્રણ ભાગોથી રચાયેલું હોય છે.(i) અંડાશય -તલસ્થ ફૂલેલો ભાગ. (ii) પરાગ વાહિની -મધ્યનો લંબાયેલો ભાગ (iii) પરાગાસન -ચીકાશયુક્ત અગ્રભાગ

પ્રજનન ભાગો ના આધારે પુષ્પના પ્રકાર:-

એકલિંગી પુષ્પો :- જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ:-પપૈયુ, તડબૂચ.

દ્વિલિંગી પુષ્પો:- જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ:-જાસુદ, રાઈ, ધતુરો.

પ્ર – 13 આપણુ પર્યાવરણ

(1) ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે.? ઓઝોન સ્તરની અગત્ય જણાવો.

ઉત્તર :- ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર (સ્ટ્રેટોસ્ફિયર)માં આવેલું છે. ઓઝોન(O3) ઓક્સિજનના ત્રણ પરમાણુથી બને છે. ઓક્સિજન(O2)ના અણુઓ ઉપર પારજાંબલી(UV) વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જા વાળા પારજાંબલી કિરણો ઓક્સિજન(O2) અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુઓ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે.

O2 → O + O

O + O2 → O3

ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે .આમ, ઓઝોન પૃથ્વી પરના સજીવોનુ રક્ષણ કરે છે.

(2) ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે ? આ વિઘટનને સીમિત કરવા માટે ક્યાં પગલાં લેવાં જોઇએ ?

ઉત્તર :- ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતાં અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઇ ધરાવતાં પારજાંબલી ( UV ) વિકિરણોનું શોષણ કરે છે . આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે , કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે . મનુષ્યમાં તે ચામડીના કૅન્સર , આંખમાં મોતિયા ( Cataract ) વગેરે સમસ્યાઓ સર્જે છે . આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફલ્યુરોકાર્બન્સ ( CFCs ) નો ઉપયોગ ઘટાડવામાં આવે છે .

1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ( UNEP ) માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે , CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે . તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે.

(3) પોષક સ્તરો એટલે શું ? એક આહારશૃંખલાનુ ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો સમજાવો.

ઉત્તર :- આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ(પગથિયા) ને પોષક સ્તરો કહે છે.નિવસનતંત્રમાં પોષક સ્તર ઊર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલા ભક્ષ્ય -ભક્ષક વચ્ચે ના ક્રમિક સંબંધ દર્શાવે છે.

ઘાસ  →  ઉંદર   →  સાપ  →   સમડી

ઉત્પાદક   પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી
પ્રથમ       દ્વિતીય                   તૃતીય                ચતુર્થ

(4) તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો.

ઉત્તર :- વધેલો ખોરાક(એઠવાડ), શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, અને બગીચાનો કચરો વગેરે જૈવવિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે જેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાનો નિકાલ કરી શકાય. ટીન , ખાલી ડબ્બા, પેપર ગ્લાસ, તૂટેલી વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે તો નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય.

પદ્ધતિઓના નામ :-  (1) પુનઃઉપયોગ(REUSE) અને (2) પુનઃચક્રિયકરણ(RECYCLE)

(5) આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે ?

ઉત્તર :- ( 1 ) તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે. ( 2 ) તે પર્યાવરણમાં એકત્ર થઇ પ્રદૂષણ સર્જે છે. ( 3 ) જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે. ( 4 ) તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઇ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે. ( 5 ) આહારશૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસનતંત્રમાં સમસ્યાઓ સર્જે છે.

(6) તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો

ઉત્તર :-

જૈવ વિઘટનીય કચરોજૈવ અવિઘટનીય કચરો
જે કચરાનુ જૈવપ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કએ છે.જે કચરાનુ જૈવપ્રક્રિયાઓ વડે વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કએ છે.
વિઘટકોની પ્રવૃતિ દ્વારા તેનો નિકાલ થઇ શકે છે.વિઘટકોની પ્રવૃતિ દ્વારા તેનો નિકાલ થઇ શકતો નથી.
તેમા રહેલા કાર્બનિક પદાર્થો જૈવપ્રક્રિયાની નીપજો છે.તેમા રહેલા કાર્બનિક પદાર્થો માનવસર્જિત છે.
તેના યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે.તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે.
સડેલા શાકભાજી અને ફળ, છાલ, મૃતશરીર વગેરે જૈવ વિઘટનીય કચરો છે.કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ અવિઘટનીય કચરો છે.

(7) એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- જૈવવિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે.

(8) એવી બે રીતો દર્શાવોકે જેમાં જૈવઅવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે?

ઉત્તર :- પેસ્ટીસાઈડ્સ (કીટનાશકો) જેવા જૈવઅવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવઅવિઘટનીય પદાર્થો નિવસનતંત્ર ના કાર્યો જેવા કે ઊર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે.

(9) નિવસનતંત્રમાં વિઘટકો ની ભૂમિકા શું છે?

ઉત્તર :- વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગદ્રવ્યો પર પોષણ માટે આધારીત સજીવોને વિઘટકો કહે છે. દા.ત. બેક્ટેરિયા અને ફૂગ. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રિય વહનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

(10) ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે?

ઉત્તર :- ઓઝોન( O3 ) પારજાંબલી ( UV )  કિરણો ની અસરથી ઓક્સિજનના ત્રણ પરમાણુ વડે બનતો અણુ છે. ઓઝોન વાતાવરણના ઉપલા સ્તર માં એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગલંબાઇ ધરાવતા પારજાંબલી વિકિરણ નું શોષણ કરે છે. આ રીતે તે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.વિભાગ B ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ C ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ D ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HEREહેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post

Leave a Reply