Site icon

Std 10 Social Science Imp Questions Section C

Std 10 Social Science Imp Questions Section C

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન વિષય (વિભાગ C)મા Std 10 Social Science Imp Questions Section C MARCH 2024 બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

વિભાગ માં આપેલ પ્રશ્ન નં. 38 થી 46 પૈકી 9 પ્રશ્નોમાંથી કોઇપણ 6 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે.  દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે.

પ્રકરણ-3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

(1) મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.

ઉત્તર :-

મોહેં-જો-દડો નગરના રસ્તાઓ:અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા હોવાનું મનાય છે.

નગરના રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એક્બીજાને કાટખૂણે છેદતા હતા.

મોહેં-જો-દડો નગરની ગટર યોજના:→ પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીકના ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.→ નગરમાંથી ગંદા પાણીના  નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.દરેક મકાનમાં ખાળકૂવો હતો.

→ આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.→ ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે.

→ ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. મોહેં-જો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી.

Std 10 Social Science Imp Questions Section C

પ્ર-4 ભારતનો સાહિત્યિક વારસો

(1) ભારતમાં વેદો કેટલા છે અને ક્યા ક્યા છે તે સમજાવો.

ઉત્તર :ભારતમાં વેદો ચાર છે.(1) ઋગ્વેદ (2) યજુર્વેદ  (૩) સામવેદ અને (4) અથર્વવેદ

ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદભૂત ગ્રંથ છે.તેમાં કુલ 1028 ઋચાઓ (સૂક્તો) છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે.આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે.

→ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.

સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને ‘સંગીતની ગંગોત્રી ’ કહે છે.

અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.

(2) તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.

ઉત્તર :તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.→ સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.

→ એક દંતકથા (મૌખિક વાર્તા) પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે.→ તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું.

→ વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરનાં શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા.→ ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું.

→ અર્થશાસ્ત્રના રચિયતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

→તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું.→ પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

(3) વલભી વિદ્યાપીઠની માહિતી આપો.

ઉત્તર :→ વલભી વિદ્યાપીઠ ઈ.સ. 7 મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું.ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું.→ વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો – શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો.

વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા; છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો.→ વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ – વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા.

→ એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં, બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું.→ 7 મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોનાં નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા.

→ આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદા પર નિમણૂક થતી.→ વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર, આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.

→ ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે, વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી.→ આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો.

(4) નાલંદા વિદ્યાપીઠ વિશે માહીતી આપો.

ઉત્તર:→ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે.→ ભારતીય સંસ્કૃતિમાં બૌદ્વ અને જૈન પરંપરામાં નાલંદાનુ મહત્વ ઘણુ છે.

→ મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું.→ ઈસુની 5 મીથી 7 મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ-પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા.

→ આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો.→ 7 મી સદીમાં ચીની પ્રવાસી યુઅન – સ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો.

→ નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાનખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મો હતા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલાં અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરાં પાડવામાં આવતાં હતાં.

→ નાલંદા વિદ્યાપીઠમાં તત્ત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.→ લગભગ 700 વર્ષ સુધી દેશ – પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે.

Std 10 Social Science Imp Questions Section C

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

(1) જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.

ઉત્તર:-તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે.તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલાં હોય છે.

→ જમીન ખનીજો અને જૈવિક તત્ત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે.

→ આમ, જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે.→ જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે.

(2) કાંપની જમીન વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

→ ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં આવેલી છે.

લક્ષણો :→ આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે.→ તેમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે; જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.→ તેમાં જુદાં જુદાં કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.→  તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.

(3) કાળી જમીન વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

→ આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે.→ આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે.

લક્ષણો :→ આ જમીનમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.→ તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે.

→ તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે.→ તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી પાસની જમીન તરીકે ઓળખાય છે.→ કાળી જમીન ‘રેગુર’ નામે પણ જાણીતી છે.

(4) ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.

ઉત્તર:-ભૂમિ – સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.

ભૂમિ – સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છેઃ

→ પડતર જમીનો પર જંગલો ઉગાડવાં જોઈએ, કારણ કે વૃક્ષોનાં મૂળ જમીનકણોને જકડી રાખે છે.→ પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ – ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય.

→ નદી – ખીણોમાં થતું કોતર – ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદીકાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય.

→ રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટાં વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક – મેખલા બનાવી શકાય.→ નદીઓનાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરનાં પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય.

Std 10 Social Science Imp Questions Section C

પ્રકરણ -15 આર્થિક વિકાસ

(1) જરૂરિયાતો અમર્યાદિત હોય છે. સમજાવો.

ઉત્તર : →માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે. → એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે. → ઘણી વાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે.

→ કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. → દા. ત.  જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાઇકલની જરૂરિયાત જણાય છે; પરંતુ સાઇકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઇચ્છા સેવે છે. → જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી.

→ માનવ – જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહિ, પરંતુ ગુણાકાર થાય છે. → માનવજીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે. → આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.

(2) બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો.

ઉત્તર : બજાર પદ્ધતિની – મૂડીવાદની – મર્યાદાઓ (ખામીઓ) નીચે પ્રમાણે છે : → આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે, તેથી દેશમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. → તેમાં બજારતંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે.

→ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે. → બજાર પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિરતા સર્જાય છે. → આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે. તે ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરે છે.

(3) સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો.

ઉત્તર : સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ – ખામીઓ – નીચે પ્રમાણે છે. → આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોય છે, તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. → તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્ત્વનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. → આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. → તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી અમલદાર શાહીનો ભય પ્રવર્તે છે.

Std 10 Social Science Imp Questions Section C

પ્રકરણ-16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

( 1 ) ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો.

ઉત્તર : આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા.

આર્થિક ઉદારીકરણના લાભ : ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતાં નીચે મુજબ લાભ થયા છે :

→ ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે. → વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો. → વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હૂંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે. → દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. → આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. → ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.

( 2 ) ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો.

ઉત્તર : ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે : → દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે. → મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. → જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે : → આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. → નાના ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે. → ભાવો અંકુશમાં રહ્યા નહિ, તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે.

(3) વૈશ્વિકીકરણના લાભો જણાવો.

ઉત્તર : વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે. → વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. → વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે. → ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.

(4) વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો.

ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) ના સભ્ય – દેશોએ 1 જાન્યુઆરી, 1995 ના રોજ વિશ્વ – વ્યાપાર સંગઠન (WTO– World Trade Organization) ની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.

વિશ્વ – વ્યાપાર સંગઠનનાં મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે : → આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા. → વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.  → વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ – બંને વચ્ચે સંકલન સાધવું. → વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું.

વિશ્વ – વ્યાપાર સંગઠન ઉપર્યુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેનાં કાર્યો હાથ ધરી રહ્યું છે : → બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. → તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા – વિચારણા અને વાટાઘાટો માટે ‘ફોરમ’ (ચર્ચા માટેનું સ્થાન) તરીકેની કામગીરી બજાવવી. → તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. → પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય – દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા – વધારા સૂચવે છે.

Std 10 Social Science Imp Questions Section C

પ્ર – 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

(1) ભાવનિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે ?

ઉત્તર :- ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે :

  → ફુગાવાજનક ભાવવધારો મૂડીસાધનના ઉપયોગનું ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે.

  → વધતી જતી ભાવસપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઇચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવવધારાને કારણે વપરાશીખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટે છે.

  → નાણાની ખરીદશક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિનઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો – નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે.

  → ભાવવૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા-રોજગાર શરૂ થઈ શકતા નથી

(2) ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો.

ઉત્તર :- સતત ભાવવધારાની અસરોથી બચવા ભાવનિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવવધારાની અસરો નીચે મુજબ છે :

  → ભાવવધારાને લીધે સરકારના ખર્ચા વધે છે. તેથી તેને ખાધપુરવણીનો આશરો લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતાં ભાવવૃદ્ધિ સર્જાય છે.

  → ભાવવધારાથી લોકોની બચતશક્તિ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે બચતો મળતી નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. મૂડીની તંગીને કારણે નવા ધંધા-ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી.

  → ભાવવધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતાં દેશમાં જ તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાતો વધે છે. આમ, દેશની નિકાસ કમાણી ઘટે અને આયાતખર્ચ વધે એ સંજોગોમાં દેશની વેપારતુલામાં ખાધ ઊભી થાય છે.

  → ભાવવધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે.

 → ભાવવધારાને લીધે લોકોની ખરીદશક્તિ ઘટે છે. તેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ કફોડી બને છે. જીવનનિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે.

  → દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થાય છે. તેથી દેશમાં વિદેશી હૂંડિયામણની તંગી સર્જાય છે.

  → ભાવવધારાને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન કથળતાં તેઓ નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહવેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. સમાજમાં અસામાજિક બદીઓનું પ્રમાણ વધી જાય છે.

std10 social science ch18

(3) ભાવનિર્ધારણ તંત્રની ભાવનિયમનમાં શી ભૂમિકા છે ?

ઉત્તર :- ભાવનિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસાઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.

  → સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો – 1955’ અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.

  → આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.

  → સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટિઝ ઍક્ટ) કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.

  → આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.

  → અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.

અન્ય ઉપાયો : બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે

(4) ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

ઉત્તર :- સામાન્ય રીતે ભાવો વધતાં ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવાં ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે.

→ પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે.

→ ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતાં તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે.

→ આમ, આમજનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદશક્તિ વધે છે. તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમનાં જીવનધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો  આર્થિક વિકાસ વેગ પકડે છે.

→ આમ, સ્થિર ભાવવધારો વિકાસને પોષક બને છે.

લગભગ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની ભાવસપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે (Too much money chasing to few goods leads into inflation) ત્યારે ફુગાવાજનક ભાવવધારો સર્જાય છે.

→ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઊથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનનાં સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવવધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે.

(5) કાળુનાણું ભાવવધારાનું એક કારણ છે – સમજાવો

ઉત્તર :- હિસાબી ચોપડે નહિ નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે.

→ કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.

→ કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.

→ કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે.

→ તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે.

આમ, કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે.

std10 social science ch18

(6) ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.

ઉત્તર :- ભાવવધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલા તરીકે ઈ. સ. 1977થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.

→ સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ(અંત્યોદય)ને, ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબો(BPL)ને તેમજ આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી’ હેઠળ ‘વાજબી ભાવની દુકાનો’ (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પૂરી પાડવામાં આવે છે.

→ આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે.

→ વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડીરૂપે ચૂકવે છે.

→ ભાવવધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે.

→ ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી, કાળાબજાર કરી, મનફાવે તેમ ભાવવધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.

(7) ગ્રાહકનું શોષણ થવાનાં કારણો જણાવો.

ઉત્તર:- ગ્રાહકનું શોષણ થવાનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

1. ગ્રાહક પોતે જવાબદાર : મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી, નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજારસંબંધી જાણકારી હોતી નથી.

→ તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે.

2. મર્યાદિત માહિતી : મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.

→ આ ઉપરાંત, ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવનિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી.

→ આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે.

→ આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વૉરંટી કે ગૅરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે.

3. મર્યાદિત પુરવઠો : જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવું પડે છે.

→ મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.

4. મર્યાદિત હરીફાઈ : જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર (ઇજારો) ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડાં થવાની સંભાવના વધી જાય છે.

→ આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવું પડે છે.

(8) ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો

ઉત્તર:- ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકારમાન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યાં છે.

  → તે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલાં હોય છે.

  → તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સ૨કા૨ને સૂચનો કરે છે.

  → તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશરૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે.

  → તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ‘ગ્રાહક સુરક્ષા’, ‘ઇનસાઇડ’, ‘ધી કન્ઝ્યુમર’, ‘ગ્રાહક મંચ’ જેવાં સામયિકો પ્રકાશિત કરે છે.

  → આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે.

  → તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે.

std10 social science ch18

(9) ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો.

ઉત્તર :- ફરિયાદ કોણ કરી શકે? :

(1) ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા

(2) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર, અથવા

(૩) કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ, અથવા

(4) એક કે તેથી વધુ ગ્રાહકોવતી પ્રતિનિધિરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા

(5) કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્દભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.

ફરિયાદ ક્યાં થઈ શકે ? : અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે-તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહકમંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.

ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે? : ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઇપ કરીને કે ઇ-મેઇલથી કરી શકાય છે.

  → જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે.

  → ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેનાં કારણો સ્પષ્ટ રીતે દર્શાવવાં.

  → આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહિ.

  → અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી, જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવવી.

  → અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ, પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ બીડવી.

(10) ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?

ઉત્તર :- ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે :

( 1 ) કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગૅરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગૅરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ. (BSI), આઈ. એસ. આઈ. (ISI) કે એગમાર્ક(Agmark)ના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.

( 2 ) ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવાં જોઈએ.

(૩) ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદોને ખાતરી કરાવવી જોઈએ.

( 4 ) ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાળાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

( 5 ) ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.

( 6 ) ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.

(7) ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પૅકિંગ, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ- સરનામું વગેરે જોઈ-તપાસીને ચકાસી લેવાં જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીનાં ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજુતી ન કરવી જોઈએ,

(8) ખરીદતી વખતે માલ ભળતો હોય તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ.

(9) ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી  ‘સેલ’માંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઇ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ.

(10) ગ્રાહકે તોલમાપનાં દરેક પ્રકારના સાચી અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવી જોઈએ. વેપારીએ તોલમાપનાં સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી.

(11) ગૅસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટૅક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.

(12) વીજળી, ટેલિફોન, વીમો, બૅન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી સંસ્થાને પહોંચાડવી, સેવાસંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચૅનલોમાં જણાવી બીજાંને શોષણનો ભોગ બનતાં અટકાવવાં જોઈએ.

(13) ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ.

Std 10 Social Science Imp Questions Section C

પ્ર – 19 માનવ વિકાસ

(1) ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?

ઉત્તર :- ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવલ પ્રકારે ભેદભાવ જોવા મળે છે :

    → મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેર કરે જેવાં કામો કરે તો તેનો કોઈ હિસ્સો – મૂલ્ય – આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.

   → મોટા ભાગનાં ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે.

   → નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળમૃત્યુનો દર ઊંચો રહે છે.

   → ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે.

   → ભારતીય સમાજમાં પુત્રજન્મનું વિશેષ મહત્ત્વ છે. પુત્ર માટેની તીવ્ર  ઝંખનાને કારણે સ્ત્રી-ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે.

   → પુરુષપ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે.

    → ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.

    → ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું-ફરવું, આચાર-વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.

    → મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે.

    → ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ઊંચાં પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોના જ વર્ચસ્વ છે.

     → સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓન ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

(2) ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.

ઉત્તર :- ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે :

   → વસ્તીનિયંત્રણ માટે ભારત સરકારે વસ્તીનિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યાં છે.

   → બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે, પોલિયો માટે ઓ.વી.પી, ક્ષય માટે બી.સી.જી., ઝેરી કમળા માટે હીપેટાઇટિસ – બી, ડિસ્થેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. આ ઉપરાંત, બાળકોને ઓરી, અછબડા અને ટાઈફૉઈડ વિરોધી રસીઓ આપવામાં આવે છે.

   → આયોડિન, વિટામિન્સ અને લોહતત્ત્વની ઊણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

   → દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે.

   → ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), એઇડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.

   → ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ-મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

   → દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.

   → દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે.

(3) ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે ? સમજાવો.

ઉત્તર :- ગુજરાત સરકારે મહિલા સમાનતા – સશક્તીકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે :

  → ગુજરાત સરકારે કન્યા-કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા-કેળવણી રથયાત્રા’ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.

  → રાજ્યમાં ૩૩ %થી ઓછો સ્ત્રી-સાક્ષરતા દર ધરાવતાં ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે ‘વિદ્યાલક્ષી બૉન્ડ’ આપવામાં આવે છે.

  → ‘સરસ્વતી સાધના યોજના’ અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઇકલો આપવામાં આવે છે.

  → પોતાના ઘેરથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.

   → રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે ‘સબલા યોજના’ અમલમાં મૂકી છે.

   → સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩% અનામતની જોગવાઈ કરી છે.

   → ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50 % અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

   → શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવનનિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

   → મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર ‘મિશન મંગલમ્’ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે.

   → સરકારે મહિલાઓના આરોગ્ય માટે ‘ઇ-મમતા’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઇલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે.

   → બેટી બચાવો’ અભિયાન દ્વારા જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ અભિયાન ચલાવવામાં આવે છે.

    → અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ‘ચિરંજીવી યોજના’ અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લૅબોરેટરી તપાસ, ઑપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

(4) માનવ વિકાસ એટલે શું

ઉત્તર :- સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) મુજબ ‘માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.’

  → માનવવિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે.

  → દેશનો સર્વાંગીણ વિકાસ સાધીને નાગરિકોના જીવનધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સો નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવવિકાસનો મુખ્ય ઉદ્દેશ છે.

  → દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવવિકાસ થઈ શકે નહિ.

  → માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહિ, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવવિકાસ આધારિત છે.

  → માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : (1) સમાનતા, (2) સ્થિરતા, (૩) ઉત્પાદકતા અને (4) સશક્તીકરણ.

(5) માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં ક્યા ક્યા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે ?

ઉત્તર :- માનવવિકાસ આંક (Human Development Index – HDI) માપનની નવી પ્રવિધિ ઈ. સ. 2010થી અમલમાં આવી છે. આ નવી પ્રવિધિમાં નીચેના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે :

       1. અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index – LEI) (સરેરાશ આયુષ્ય)].

       2. શિક્ષણ આંક [(Education Index – EI) (શિક્ષણ- – સંપાદન)].

       3. આવક આંક [(Income Index – II) (જીવનધોરણ)].

Std 10 Social Science Imp Questions Section C

પ્ર – 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

(1) આતંકવાદની સામાજિક અસરો જણાવો.

ઉત્તર :- આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે :

  → આતંકવાદ સમાજની એકતાને છિન્નભિન્ન કરે છે.

 → આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.

 → આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે.

 → આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી.

 → સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજવ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે.

 → જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી.

 → ગામડાં અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે.

(2) આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો.

ઉત્તર :‌ આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છેઃ

આતંકવાદ

  1. તે એક વૈશ્વિક સમસ્યા છે.

  2. તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે.

  ૩. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે.

  4. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે.

  5. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે.

બળવાખોરી

  1. તે જે-તે રાષ્ટ્રની સમસ્યા છે.

  2. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે.

  3. બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે.

  4. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે.

  5. બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે.

(3) નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો.

ઉત્તર :- નક્સલવાદી આંદોલન અંગેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે :

 → ચીનમાં માઓ-ત્સે-તંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું છે.

 → આ ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે, કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો.

 → ઈ. સ. 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું.

 → ત્યારપછી આ આંદોલન ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરલ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલ- વિસ્તારોમાં પ્રસર્યું છે. આજે ભારતનાં 13 રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે.

 → નક્સલવાદી આંદોલનમા ‘પિપલ્સવૉર ગ્રૂપ’ ( પી. ડબ્લ્યૂ.જી.) અને ‘માઓવાદી-સામ્યવાદી કેન્દ્ર’ ( એમ. સી. સી. ) નામનાં બે મુખ્ય સંગઠનો છે.

 → નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બૉમ્બવિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃતિઓ કરે છે.

 → તેમની પ્રવૃતિઓ મુખ્યત્વે રાજ્ય સરકારોની શાસનવ્યવસ્થા સામે છે.

Std 10 Social Science Imp Questions Section C


વિભાગ C ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

વિભાગ D ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post
Exit mobile version