અહી,ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો (std 9 science ch14) પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 193 std 9 science ch14
1. શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણથી આપણું વાતાવરણ કેવી રીતે ભિન્ન છે ?
ઉત્તર : શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95 – 97 % સુધી કાર્બન ડાયૉક્સાઇડ છે. જ્યારે પૃથ્વીના વાતાવરણમાં 0.03 % કાર્બન ડાયૉક્સાઇડ છે. આ ઉપરાંત આપણા વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, પાણીની બાષ્પ વગેરેની હાજરી દ્વારા શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણથી આપણું વાતાવરણ ભિન્ન છે.
2. વાતાવરણ એક કામળા કે ચાદરની જેમ કેવી રીતે કાર્ય કરે છે ?
ઉત્તર : વાતાવરણની હવા ઉષ્માની મંદવાહક હોવાથી પૃથ્વીના તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન લગભગ નિયત રાખે છે. આ ઉપરાંત ઓઝોનસ્તરને કારણે વાતાવરણ એક કામળા કે ચાદરની જેમ કાર્ય કરે છે.
3. હવાની ગતિ (પવન) નું શું કારણ છે ?
ઉત્તર : પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણની હવા અસમાન રીતે ઉષ્ણ (ગરમ) થતાં અસમાન દબાણનાં ક્ષેત્રો સર્જાય છે. આવા વધુ દબાણવાળા ક્ષેત્ર અને ઓછા દબાણવાળા ક્ષેત્ર હવાની ગતિ (પવન) નું કારણ છે.
4. વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર : દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયાના પાણીનું બાષ્પીભવન થતાં પાણીની બાષ્પ બને છે. પાણીની બાષ્પ ગરમ હવા સાથે વાતાવરણમાં ઊંચે જાય છે. ચોક્કસ ઊંચાઈએ હવા ઠંડી પડતાં, પાણીની બાષ્પ સંઘનન પામી પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાય છે. આ રીતે વાદળોનું નિર્માણ થાય છે.
5. મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરો કે જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે.
ઉત્તર : હવાના પ્રદૂષણ તરફ દોરી જતી મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓ : ( 1 ) વાહનોના ધુમાડા ( 2 ) ઉદ્યોગોમાંથી મુક્ત થતા ધુમાડા અને ( 3 ) કોલસો, પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મિ બળતણનું દહન.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 194 std 9 science ch14
1. સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે ?
ઉત્તર : સજીવોને નીચેની પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂરિયાત હોય છે. ( 1 ) બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. ( 2 ) શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે. ( 3 ) પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે. ( 4 ) વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે પાણી જરૂરી છે.
2. જે ગામ/શહેર/નગરમાં તમે રહો છો ત્યાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્રોત શું છે ?
ઉત્તર : અમારા શહેરમાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્રોત સાબરમતી નદી ઉપરાંત શેઢી કૅનાલ અને નર્મદા કૅનાલ છે.
નોંધ : આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીએ પોતાના ગામ/શહેર/નગરનો શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્રોત લખવો.
3. શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્રોતને પ્રદૂષિત કરી રહી છે ?
ઉત્તર : હા, પાણીના સ્રોત ( 1 ) સુએઝ કચરો, ( 2 ) ઉદ્યોગોનો કચરો, ( 3 ) અંધશ્રદ્ધાને કારણે પૂજાની સામગ્રી નદીના પાણીમાં પધરાવવી તથા ( 4 ) મૂર્તિઓના વિસર્જન તેમજ અસ્થિવિસર્જન નદીના પાણીમાં કરવાથી પ્રદૂષિત કરવામાં આવે છે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 196 std 9 science ch14
1. ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર : પથ્થરો પર સૂર્યપ્રકાશ, પાણી, લાઇકેન દ્વારા મુક્ત થતાં દ્રવ્યો વડે તિરાડો પડે અને મોટી થતી જાય છે. તેના પર પવન અને પાણીની અસરથી નાના કણોમાં વિઘટન થઈ ભૂમિનું નિર્માણ થાય છે.
2. ભૂમિનું ક્ષરણ એટલે શું ?
ઉત્તર : ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા.
3. ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે ?
ઉત્તર : ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની રીતો : ( 1 ) વૃક્ષારોપણ, ( 2 ) ઘાસની રોપણી, ( ૩ ) ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, ( 4 ) નદીકિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવામાં આવે, ( 5 ) પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી (Terrace farming) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 201 std 9 science ch14
1. જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે ?
ઉત્તર : જલચક્રમાં પાણી પ્રવાહી, ઘન અને વાયુ અવસ્થામાં મળી આવે છે.
2. જૈવિક મહત્ત્વનાં બે સંયોજનોનાં નામ આપો કે જેમાં ઑક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે.
ઉત્તર : પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડ
3. હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધારતી હોય તેવી ત્રણ માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો.
ઉત્તર : પરિવહન માટે, રસોઈ માટે અને ઉદ્યોગોમાં અશ્મિ બળતણનો ઉપયોગ
4. ગ્રીનહાઉસ અસર એટલે શું ?
ઉત્તર : ગ્રીનહાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચનાં બંધ આવરણો.
ગ્રીનહાઉસ અસર :- કેટલાક વાયુઓ ( દા.ત. CO2) પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.
5. વાતાવરણમાં મળી આવતા ઑક્સિજનનાં બે સ્વરૂપો કયાં કયાં છે ?
ઉત્તર : વાતાવરણમાં ઑક્સિજન મૂળ સ્વરૂપે અને કાર્બન ડાયૉક્સાઇડ સ્વરૂપે મળી આવે છે.
સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 201 std 9 science ch14
( 1 ) જીવન માટે વાતાવરણની આવશ્યકતા શું છે ?
ઉત્તર : જીવન માટે વાતાવરણની આવશ્યકતા : ( 1 ) વાતાવરણ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક ચાદર છે. ( 2 ) વાતાવરણની હવામાં મુખ્ય ઘટક નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ સજીવોમાં કાર્બનિક સંયોજનના બંધારણમાં આવશ્યક છે. ( 3 ) સુકોષકેન્દ્રી અને ઘણા બધા આદિકોષકેન્દ્રી કોષોમાં ગ્લુકોઝને તોડી ઊર્જા પ્રાપ્ત કરવા વાતાવરણના ઑક્સિજન જરૂરી છે. ( 4 ) લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં વાતાવરણના કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવે છે. ( 5 ) પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખવા માટે વાતાવરણની આવશ્યકતા છે.
( 2 ) જીવન માટે પાણીની આવશ્યકતા કેમ છે ?
ઉત્તર : જીવન માટે પાણીની આવશ્યકતા :
( 1 ) સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિકક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે. ( 2 ) જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામે છે.
( ૩ ) બધા સજીવોએ જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી રાખવી જરૂરી છે. ( 4 ) જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે.
( ૩ ) સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે ? શું પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્રોતોથી સ્વતંત્ર છે ?
ઉત્તર : બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન પર નિર્ભર છે. વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે. કેટલાંક પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને વસે છે. આપણા ખોરાક માટે કૃષિ પ્રવૃત્તિ જમીન પર નિર્ભર છે. પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્રોતોથી સંપૂર્ણ સ્વતંત્ર નથી. પાણીના પ્રવાહ સાથે ભૂમીય સ્રોતનાં વિવિધ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં રહેવાવાળા સજીવોને પ્રાપ્ત થાય છે.
( 4 ) તમે ટેલિવિઝન પર અને સમાચારપત્રમાં હવામાનસંબંધી રિપૉર્ટને જોયા હશે. તમે શું વિચારો છો કે આપણે ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ ?
ઉત્તર : હા , હવામાનસંબંધી રિપૉર્ટમાં મુખ્યત્વે તાપમાન, ભેજ અને પવનની ગતિ આધારે અગાઉનાં વર્ષોના રિપૉર્ટ સાથે સરખામણી કરી ઋતુના પૂર્વાનુમાન કરી શકાય છે.
( 5 ) આપણે જાણીએ છીએ કે ઘણીબધી માનવીય પ્રવૃત્તિઓ હવા, પાણી તેમજ ભૂમિના પ્રદૂષણ સ્તરને વધારે છે. શું તમે વિચારો છો કે આ પ્રવૃત્તિઓને કંઈક અંશે વિશિષ્ટ રીતે સીમિત કરી શકાય કે જે પ્રદૂષણના સ્તરને ઘટાડીને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય ?
ઉત્તર : હા, વાહનોનો ઉપયોગ તેમજ અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડી, વધારે વૃક્ષોના ઉછેર અને ભૂમિ પર વનસ્પતિ આવરણ વધારી, ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા હાનિકારક દ્રવ્યોને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવ્યા બાદ જ મુક્ત કરવામાં આવે, કૃષિ પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો મર્યાદિત ઉપયોગ જેવી પ્રવૃત્તિઓ વડે પ્રદૂષણના સ્તરને ઘટાડી શકાય.
( 6 ) જંગલ હવા, જમીન અને પાણીના સ્રોતની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે તે વિશે નોંધ લખો.
ઉત્તર : જંગલ હવા, જમીન અને પાણીના સ્રોતની ગુણવત્તા પર નીચે મુજબ અસર કરે છે.
1. હવાના સ્રોતની ગુણવત્તા પર : જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડનું શોષણ કરી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા ઑક્સિજંન મુક્ત કરે છે. વૃક્ષોના બાષ્પીભવનથી ગુમાવાતી બાષ્પ ઠંડી પડી ઠંડકમય આવરણ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે.
2. જમીન સ્રોતની ગુણવત્તા પર : જંગલના વનસ્પતિઓ ભૂમિકણો પકડી રાખી ધોવાણ અટકાવે છે. તે ભૂમીય જળ કે ભેજ જાળવી રાખે છે. ભૂમીય સ્રોતમાં પોષક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે.
3. પાણીના સ્રોતની ગુણવત્તા પર : જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે. ભૂગર્ભીય પાણીનું સ્તર વધારવામાં મદદ કરે છે.
આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.
ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય
ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?
ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ
ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો
ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા