Site icon

ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા

std 9 science ch15

ધો.9 વિજ્ઞાન નવનીત PDF (ગાઇડ) પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા (std 9 science ch15) પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 204

પ્ર – અનાજ (ધાન્ય), દાળ (કઠોળ) અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે ?

ઉત્તર : અનાજ (ધાન્ય) માંથી કાર્બોદિત, દાળ (કઠોળ) માંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનીજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 205

પ્રશ્ન – જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?

ઉત્તર : જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરેથી પાક ઉત્પાદકતા ઓછી થતાં નુકસાન પહોંચાડે છે.

પ્રશ્ન – પાક – સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે ?

ઉત્તર : પાક – સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ જ્યારે અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 206

પ્રશ્ન – બૃહદ્ કે ગુરુ પોષક તત્ત્વ કયાં છે ? અને તેમને ગુરુ પોષક તત્ત્વ કેમ કહે છે ?

ઉત્તર : બૃહદ્ કે ગુરુ પોષક તત્ત્વ :- નાઇટ્રોજન , પોટેશિયમ , કૅલ્શિયમ , ફૉસ્ફરસ , મૅગ્નેશિયમ અને સલ્ફર

તેઓને ગુરુ પોષક તત્ત્વ કહે છે. કારણ કે, વનસ્પતિને આ પોષક તત્ત્વની માત્રા વધારે જોઈએ છે.

પ્રશ્ન – વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે ?

ઉત્તર : વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્ત્વોનું શોષણ કરીને તેઓનું પોષણ કરે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્ત્વોમાંથી કાર્બન અને ઑક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણી દ્વારા અને બાકીનાં 13 પોષક તત્ત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 207

પ્રશ્ન – જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના કરો.

ઉત્તર :- 

જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા સેન્દ્રિય ખાતરના ઉપયોગ :- (1) તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનીજ પોષકો ઉમેરે છે.(2) તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મ જીવો અને અળસિયાંને ખોરાક મળી રહે છે. (૩) તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે. (4) તે રેતાળ જમીનમાં જલસંગ્રહક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે. (5) તે ભૂમિનો ભેજ જાળવી રાખી , ભૂમિનું ક્ષરણ અટકાવે છે .

જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે  ખાતરના ઉપયોગ:- (1) તે ભૂમિમાં માત્ર ખનીજ પોષકો ઉમેરે છે. (2) તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયાંને નુકસાન થાય છે. (3) તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. (4) તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ – પ્રદૂષણ પ્રેરે છે. (5) તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બને છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 208

પ્રશ્ન – નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે? કેમ?

(a) ખેડૂત ઉચ્ચ કક્ષાનાં બીજનો ઉપયોગ કરે, સિંચાઇ ન કરે અથવા ખાતરનો ઉપયોગ કરતો નથી.( b ) ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઇ કરે છે. અને ખાતરનો પણ ઉપયોગ કરે છે.(c) ખેડૂત સારી જાતનાં બીજનો ઉપયોગ કરે છે, સિંચાઇ કરે છે, ખાતરનો ઉપયોગ કરે છે અને પાક – સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે.

ઉત્તર : (c) કારણ કે , સારી જાતનાં બીજ સિંચાઈમાં મળતા પાણી અને ખાતરમાંથી મળતાં પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામે છે. સ્વસ્થ વૃદ્ધિ, વિકાસ ધરાવતો પાક મેળવે છે. પાક – સુરક્ષાની પદ્ધતિઓથી પાકને નુકસાન થતું રોકી ઉત્પાદન વધારે મળે . આમ પરિસ્થિતિ (c) માં સૌથી વધારે લાભ થશે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 209

પ્રશ્ન – પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ – નિયંત્રણ શા માટે સારું સમજવામાં (માનવામાં) આવે છે?

ઉત્તરઃ પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ – નિયંત્રણ સારું માનવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણ માટે સલામત, અન્ય સજીવ સ્વરૂપો માટે બિનહાનિકારક, ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય (જંતુ) પર અસર કરે છે.

પ્રશ્ન – સંગ્રહની પ્રક્રિયા દરમિયાન કયાં કારકો અનાજને થતા નુકસાન માટે જવાબદાર ગણવામાં આવે છે?

ઉત્તરઃ કૃષિ – ઉત્પાદનને વિવિધ પરિબળો (ઘટકો) દ્વારા નુકસાન થઈ શકે છે.

જૈવિક પરિબળો (ઘટકો) :- કીટકો, ખોતરીને ખાનારા (ઉંદર) પક્ષીઓ, ફૂગ, ઇતરડીઓ અને જીવાણુઓ.

અજૈવિક પરિબળો ( ઘટકો ) :- ભેજ અને તાપમાન.

આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણક્ષમતા, નીપજનો રંગ દૂર થવો આ કારણોથી ઉત્પાદનની બજારકિંમત ઘટે છે. આ  રીતે વિવિધ નુકસાન થાય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 210

પ્રશ્ન – પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે? અને શા માટે?

ઉત્તર : પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે – સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, સંકરણ માટે ઇચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતાં, સંતતિમાં બંને પિતૃનાં ઇચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત મળે છે.

પ્રશ્ન – નીચે આપેલા વિધાનનું વિવેચન કરો.

“એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા, ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે.(જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે.)”

ઉત્તર : મરઘા – પાલનનો પાયાનો ઉદ્દેશ ઈંડાં તેમજ મરઘાંના માંસનુ ઉત્પાદન વધારવાનો છે. મરઘાં ખેતી માટે ઉત્પાદનની આડપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર મનુષ્ય માટે ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારના મરઘાં ઉપયોગ કરી ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડાં સાથે પીંછાં અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે.આમ, ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે. તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડાંમાં પરિવર્તન કરવા મરઘાં સૌથી વધારે સક્ષમ છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 211

પ્રશ્ન – પશુપાલન અને મરઘાં – પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે?

ઉત્તર : પશુપાલન અને મરઘાં – પાલનની પ્રબંધન પ્રણાલીમાં નીચેની બાબતોમાં સમાનતા જોવા મળે છે : (1) નિવાસ : ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ, હવા ઉજાસયુક્ત, જંતુ રહિત નિવાસસ્થાન જરૂરી છે. (2) આહાર : સંતુલિત પોષણક્ષમ આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે  પશુઓ અને મરઘાંને જરૂરી છે. (૩) સ્વાસ્થ્ય : ડેરી પશુઓ અને મરઘાંને વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ વગેરે રોગકારકો સામે રક્ષણ આપી સ્વાસ્થ્ય જાળવણી જરૂરી છે.

પ્રશ્ન – બ્રોઇલર અને ઈંડાં આપવાવાળી (લેયર) મરઘીઓમાં શું ભેદ હોય છે? તેમનાં પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો.

ઉત્તર : બ્રોઇલર માંસ – ઉત્પાદન માટેની મરઘી કરતાં ઈંડાં ઉત્પાદનવાળી (લેયર) મરઘી કદમાં નાની હોય છે. બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડાં આપવાવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે.

પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 213

પ્રશ્ન – માછલીઓ કેવી રીતે મેળવાય છે?

ઉત્તર :- માછલીઓ બે રીતે મેળવાય છે : (1) પ્રાકૃતિક સ્રોત જેને માછલી પકડીને અને (2) મત્સ્ય – પાલન (માછલીનું સંવર્ધન) કરીને મેળવાય છે.

પ્રશ્ન – મિશ્ર મત્સ્ય – સંવર્ધનના શું લાભ છે?

ઉત્તર : મિશ્ર મત્સ્ય – સંવર્ધનના લાભ : (1) તળાવના પ્રત્યે ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. (2) એકસાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય. (3) આહર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો મળી રહે છે.

પ્રશ્ન – મધ – ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયાં ઐચ્છિક લક્ષણો હોય છે?

ઉત્તર : મધ – ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં, તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબા સમય સુધી રહે, મધ એકત્રિત કરવાની ક્ષમતા વધુ, ઓછા ડંખ મારે વગેરે ઐચ્છિક લક્ષણો હોય છે.

પ્રશ્ન – ચરાણ (ચારાગાહ) શું છે અને તે મધ – ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે?

ઉત્તર : ચરાણ (ચારાગાહ) મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો (પુષ્પો) છે. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક (મધુરસ અને પરાગ) પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા સંબંધિત છે.


સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો

(1) પાક – ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો, જેમાં વધારે ઉત્પાદન થઈ શકતું હોય.

ઉત્તર : વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક – ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકરજાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે.એક જ જાતિની ઉચ્ચ પસંદગીનાં લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે. સંકરણ દ્વારા મળતી સંકર જાતમાં બંને પિતૃનાં ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે. સંકરજાતમાં ઊંચી રોગપ્રતિકારક ક્ષમતા, નીપજની ગુણવત્તા વધારે, ઝડપી વૃદ્ધિદર, ઉત્પાદનક્ષમતા વધારે વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે. આવી સંકરજાત કે સુધારેલી જાત ઉગાડવાથી ઉત્પાદન વધારે મળે.

(2) ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે?

ઉત્તર : ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિમાં ખનીજ પોષકો ઉમેરવા, સારી વાનસ્પતિક વૃદ્ધિ (પર્ણો, શાખાઓ અને પુષ્પો) દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે.

(3) આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે?

ઉત્તર : આંતરપાક કે આંતરખેડના લાભ :- ( 1 ) પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે. ( 2 ) મજૂરી અને સમયનો બચાવ થાય છે. ( ૩ ) રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે. ( 4 ) બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.

પાક – ફેરબદલીના લાભ :- ( 1 ) ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ( 2 ) ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં ફેરફાર અટકાવે છે. ( ૩ ) એક જ વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. ( 4 ) ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું અટકાવે છે.

(4) જનીનિક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમા તે કેવી રીતે ઉપયોગી છે?

ઉત્તર:- જનીનિક ફેરબદલી કૃષિ પાકની જાતમાં ઐચ્છિક લક્ષણો વાળા જનીનને ઉમેરવાની પદ્વતિ છે. અથવા જનીનિક ફેરબદલી સજીવમાં ઈચ્છિત લક્ષણોવાળા જનીન ઉમેરી, તેના મૂળભૂત જનીનબંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા છે. ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનીનિક ફેરબદલી દ્રા દ્વારા જનીનિક રૂપાંતરિત પાકો (GMCs) મળે છે. તેમાં સારી ગુંુુઅત્તા વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને ઉત્પાદકતા વધારે જેવા લક્ષણો માટે ઉપયોગી છે.

( 5 ) ભંડારગૃહો (ગોદામો) માં અનાજને નુકસાન કેવી રીતે થાય છે?

ઉત્તર : ભંડારો (ગોદામો) માં અનાજને નુકસાન જૈવિક કારકો ફૂગ, ઇતરડી, બૅક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળોથી સંગૃહીત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા (બીજ) ની અંકુરણક્ષમતામાં ઘટાડો થાય છે.

( 6 ) ખેડૂતો માટે પશુપાલન – પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે?

ઉત્તર : ખેડૂતો માટે પશુપાલન – પ્રણાલીઓ નીચેની રીતે લાભદાયક છે : (1) પાલતૂ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય. (2) દૂધ, ઈંડાં, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવાય. (૩) પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે.આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા મદદરૂપ બને.

(7) પશુપાલનથી શું લાભ થાય છે ?

ઉત્તર : પશુપાલનથી નીચેના લાભ થાય છે : (1) દુધાળાં પ્રાણીઓની દુગ્ધસવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે. (2) ખેતી ઉપયોગી (હળ ચલાવવા, સિંચાઈ, ભારવહન) કાર્ય માટેનાં પશુઓની સારી ઓલાદો મેળવી છે. (3) સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે.

(8) ઉત્પાદન વધારવા માટે મરઘાં – પાલન, મત્સ્ય – ઉછેર, મધમાખી – ઉછેરમાં શું સમાનતાઓ છે?

ઉત્તર : ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા, વસવાટ, આહાર, સ્વચ્છતા, રોગોનું નિયંત્રણ વગેરે મરઘાં – પાલન, મત્સ્ય – ઉછેર અને મધમાખી – ઉછેરમાં સમાનતાઓ છે.

(9) પ્રગ્રહણ મત્સ્ય – ઉછેર , મેરિકલ્ચર (દરિયાઈ મત્સ્ય – ઉછેર) અને જલ – સંવર્ધનમાં શું તફાવત છે?

પ્રગ્રહણ મત્સ્ય – ઉછેર :- પ્રાકૃતિક સ્રોત નદી, સરોવર, દરિયામાંથી માછલીઓને પકડવી તેને પ્રગ્રહણ મત્સ્ય ઉછેર કહે છે.

મેરિકલ્ચર (દરિયાઈ મત્સ્ય – ઉછેર):-  આર્થિક મહત્ત્વ ધરાવતી દરિયાઈ મીનપક્ષયુક્ત માછલીઓ મુલેટ, ભેટકી, પર્લસ્પોટ અને કવચીય પ્રાણી જિંગા, મુસ્સલ, ઑઇસ્ટર વગેરેને દરિયાઈ પાણીમાં  સંવર્ધન કરાવવું તેને મેરિકલચર કહે છે.

જલ સંવર્ધન :- માછલીઓનુ પ્રગ્રહણ મીઠા જળના સ્રોત અને ખારા જળના સ્રોત, એમ બંને સ્થાનોએ કરવામાં આવે તેને જલ સંવર્ધન કહે છે.


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

ધો.9 વિજ્ઞાન પ્ર -1 આપણી આસપાસમાં દ્રવ્ય

ધો.9 વિજ્ઞાન પ્ર – 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્વ છે?

ધો.9 વિજ્ઞાન પ્ર -5 સજીવનો પાયાનો એકમ

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 10 ગુરુત્વાકર્ષણ 

ધો.9 વિજ્ઞાન પ્ર – 14 નૈસર્ગિક સ્ત્રોતો

ધોરણ 9 વિજ્ઞાન પ્ર – 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા

Plz share this post
Exit mobile version