Dhoran 10 Gujarati 4 Marks Imp Questions

Dhoran 10 Gujarati 4 Marks Imp Questions

ધોરણ ૧૦ ગુજરાતીમાં(Dhoran 10 Gujarati 4 Marks Imp Questions) વિભાગ – B(પદ્ય વિભાગ)માં  4 ગુણના કુલ 2 પ્રશ્નોના ઉત્તરો લખવાના હોય છે. અહીયા પરીક્ષામાં પૂછાય શકે તેવા ખૂબજ અગત્યના પ્રશ્નોના ઉત્તરો આપવામા આવ્યા છે.

પ્રકરણ – 1 વૈષ્ણવજન

કવિનુ નામ :- નરસિંહ મહેતા

કાવ્યપ્રકાર :- પદ

(1) નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયાં કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો .

ઉત્તર :નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતાં જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશાં પારકાનાં દુઃખદર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત્ તે સૌનો આદર કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેનાં મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતાં નથી, એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.

સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેણે ઇચ્છા / કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશાં રામનામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. આવો વૈષ્ણવજન  તીર્થરૂપ છે.

પ્રકરણ – 7  હું એવો ગુજરાતી

કવિનુ નામ :- વિનોદ જોશી

કાવ્યપ્રકાર :- ગીત

(1) આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયાં-કયાં કારણોસર અનુભવે છે?

ઉત્તર:-‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌ૨વ આ કારણોસર અનુભવે છે.ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીનાં તેમજ ચરોતરની મહીસાગરનાં પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્યમંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે.

અહીંની દ્વારકાનગરીમાં કૃષ્ણ પ્રેમભક્તિનો અમૃતરસ પાય છે. આ ભૂમિ પર જ દુહા – છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાં કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયાં છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી. ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો.

આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે.

Dhoran 10 Gujarati 4 Marks Imp Questions

પ્રકરણ – 9 માધવને દીઠો છે ક્યાંય?

કવિનુ નામ :- હરીન્દ્ર દવે

કાવ્યપ્રકાર :- ઊર્મિગીત

(1) માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :-‘માધવને દીઠો છે ક્યાંય?’ ગીતના આરંભનો પ્રશ્ન જ માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા સૂચવે છે. વાંસળીના સૂર અને કૃષ્ણ બંનેનો સંબંધ અવિનાભાવી છે. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલાં તમામ સજીવ નિર્જીવ તત્ત્વો પાસે જઈ ‘મારા માધવને દીઠો છે ક્યાંય?’ એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ.

એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી મારગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતાં એ યમુનાનાં વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાનાં વહેણને મૂંગાં જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિનાં પગલાંના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી જુએ છે, પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી.

કૃષ્ણના મુગટનું મોરપિચ્છ ઊડતું આવે તો એના સુંવાળા રંગ સાચવવાની એને ઇચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઊગતો દેખાય છે અને એ ચંદ્રનાં કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર (કૃષ્ણ) પરખાય (દેખાય) છે. અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે.

પ્રકરણ – 11 શિકારીને

કવિનુ નામ :- કલાપી

કાવ્ય પ્રકાર :-  ઊર્મિકાવ્ય

(1) કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?

ઉત્તર : કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણાં, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓનાં મધુરાં ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એનાં મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દૃષ્ટિ કેવળ. પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે, એમાં જ પરમતત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ, એમાં જ આપણું ભલુ છે.

Dhoran 10 Gujarati 4 Marks Imp Questions

પ્રકરણ – 13 વતનથી વિદાય થતાં

લેખકનુ નામ :- જયંત પાઠક

કાવ્ય પ્રકાર :-  સોનેટ

(1) વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય! વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે, ચાલો જીવ. (પોતાને આશ્વસ્ત કરે છે.) વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે એટલે આંખનાં આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે બે હાથ ઊંચા કરી તેમને કોઇ વારતી હતી, આ રિસાળ બાળકને તેની બા બોલાવતી હતી !!

પ્રકરણ – 15 બોલીએ ના કાંઇ

લેખકનુ નામ :- રાજેન્દ્ર શાહ

કાવ્ય પ્રકાર :-  ગીત

(1) ‘બોલીએ ના કાઈ ‘ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે?

ઉત્તર : ‘બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતાં કહે છે કે જીવનમાં દુ:ખ કે સંઘર્ષ તો આવવાનાં જ. એમને માણસે એકલા જ સહન કરવાં, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે. એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતાં ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત્ ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે.

પ્રકરણ – 17 દિવસો જુદાઇના જાય છે

લેખકનુ નામ :- ગની દહીંવાલા

કાવ્ય પ્રકાર :-  ગઝલ

(1) ‘દિવસો જુદાઈના જાય છે.’ – ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમનાં સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકનાં રતન સમા છો. એમનાં આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય, તો તમે હૃદયથી એ રાંકનાં નયનોમાંથી વહેતાં આંસુને લૂછવા પહોંચજો . ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઇ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઇશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હ્રદયમા જો વિયોગની વેદના વધી જાય અને એ વિરહાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઇશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઇ ગયા.

Dhoran 10 Gujarati 4 Marks Imp Questions

પ્રકરણ – 19 એક બપોરે

કવિનુ નામ :- રાવજી પટેલ

કાવ્યનો પ્રકાર :- ઊર્મિકાવ્ય

(1) સારસીના ઊડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :- કવિ ગ્રામજીવન સાથે સંકળાયેલા છે. ખેતર, શેઢો, સારસી, ભાથું, મહુડીના છાંયે કરાતો આરામ, બળદ, હળ વગેરે તેમના જીવનમાં વણાયેલાં છે. એમાં અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઊડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. કેવળ શૂન્યમનસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડ્યા રહેવું છે. ભલે આકાશમાંથી તડકો રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઊગે તોપણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે.

(2) ગ્રામજીવનમાં ખેતર-વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો.

ઉત્તર :- ગ્રામજીવનમાં ખેતર-વાડી ખેડૂતનું સારસર્વસ્વ ગણાય છે. સવારે નાહી-ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતરે જવા નીકળી પડે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરી કામ કરે. બપોર થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય. થોડી વાર મહુડીને છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમતેમ ફરે, ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય. શેરડી ઊગી હોય, તો શેરડીનો કોલુ પણ ફરતો હોય. એક બાજુ ગોળ તૈયાર થતો હોય, તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. આવનાર મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદુ-લીંબુ નાખીને શેરડીના રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાનાં બાળકો વડવાઈ પર ઝૂલતા હોય. આવું સુંદર દશ્ય તો ગામડાનાં ખેતરોમાં જ જોવા મળે.

Dhoran 10 Gujarati 4 Marks Imp Questions

પ્રકરણ – 21 ચાંદલિયો

કવિનુ નામ :- ‌‌‌‌‌  ——-

કાવ્યનો પ્રકાર :- લોકગીત

1. સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો.

ઉત્તર :- શરદપૂનમની રાતે ગરબે રમતી કાવ્યનાયિકાના હૈયામાં તેનાં સ્વજનો પ્રત્યે લાગણીનું પૂર ઊમટ્યું છે. મધુર કંઠે ‘ચાંદલિયો’ લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક-એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુસસરા એનાં પૂર્વજન્મનાં માતાપિતા છે. એનો જેઠ ચંપાના છોડ જેવો છે, તો જેઠાણી ચંપાના વૃક્ષની કૂણી પાંદડી જેવી કોમળ છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીનો મોર છે. કાવ્યનાયિકાએ એક-એક સ્વજનની ખૂબ સુંદરતુલના કરી છે.

અંતમાં ‘પોતાનો પતિ’ એમ કહેવાને બદલે ‘પરણ્યો મારો સગી નણંદનો વી૨’ જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ-બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્ત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ, શરદપૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઊગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે.

પ્રકરણ – 23 લઘુકાવ્યો : દુહા-મુક્તક-હાઈકુ

(1) પ્રથમ મુકતકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો.

ઉત્તર :- પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહિ. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલાં છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતાં એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી.

(2)પંક્તિઓ સમજાવો.

‘‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.’’

ઉત્તર :-  આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધ(નસીબ)માં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયાં હશે તો મળશે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતાં કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી  નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી.

Dhoran 10 Gujarati 4 Marks Imp Questions


ધોરણ ૧૦ ગુજરાતીમાં વિભાગ – A(ગદ્ય વિભાગ) પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply