ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ ૧૯૫૨ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી આજ દિન સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે.
બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર Duplicate Marksheet/Certificate, ધોરણ ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહીસિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું.
ગુજરાતના જુદા – જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.
હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર Duplicate Marksheet/certificate, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે.
ઉપરોક્ત પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student → online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ. માઇગ્રેશન ફી ૧૦૦/-રૂ તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦/- રૂ રહેશે. દરેકનો સ્પીડ – પોસ્ટનો ચાર્જ ૫૦/-રૂ રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.