ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 18 ભૂખથીય ભૂંડી ભીખ (std 10 gujarati ch18) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.
પ્રકરણ – 18 ભૂખથીય ભૂંડી ભીખ
લેખકનુ નામ :- પન્નાલાલ પટેલ
સાહિત્ય પ્રકાર :- નવલકથા-અંશ
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે?
(A) શેઠ કાળુને કહે છે. (B) સિપાઈ કાળુને કહે છે.(D) કાળુ રાજને કહે છે.(C) રાજ કાળુને કહે છે.
ઉત્તર:- (A) શેઠ કાળુને કહે છે.
(2) કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ….
(A) કીર્તિની ભૂખ છે. (B) માનવીની જરૂરિયાત છે. (C) માનવીની ઈર્ષા છે. (D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.
ઉત્તર :- (D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.
૩. એક – એક વાકામાં ઉત્તર આપો.
(1) દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી છે.?
ઉત્તર :- ડેગડિયાના મહારાજે
(2) કાળુ અને રાજુ ભુંડામાં ભૂંડી બાબત કોને કહે છે?
ઉત્તર :- ભીખને
(3) સદાવ્રતમાં અનાજ લેવા કોણ – કોણ ઊભા હતા?
ઉત્તર :- દરિદ્રનારાયણો, પટેલ, બ્રાહ્મણ તથા વાણિયાના સ્ત્રી-પુરુષો, ઠાકોરો, ઘાંચી, સિપાઇ તથા ખેડુતો
૩. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો .
(1) અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે ?
ઉત્તર :- કાળુ અનાજ લેતાં અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું એટલે તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, તને હાથ લાંબો કરતાં સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી – તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહિ થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે. કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે.
(2) “બાવાનાં બેય બગડ્યાં” એમ કાળુ શા માટે કહે છે?
ઉત્તર : “તમારું છે ને તમને આપીએ છીએ. એમાં ધર્માદા જેવું કંઈ જ નથી.” સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો ‘બાવાનાં બેય બગડ્યાં’ જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહિ એ ટેક પળાઈ નહિ અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું.
(3) સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર : સુંદરજી શેઠ ડેગડિયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો: સફેદ ધોતિયું, અંગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા. કાળુએ જ્યારે ધર્માદું અનાજ લેવાની ‘ના’ પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દૃષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદીતકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું , “તમારું છે ને તમને આપીએ છીએ, ભાઈ, ધર્માદા જેવું એમાં કંઈ નથી.” આ વાક્યો સુંદરજીની મોટાઇ અને ઉદારતા દર્શાવે છે.
4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો.
(1) આ વાતને આધારે કાળુનું પાત્રાલેખન કરો.
ઉત્તર : ‘માનવીની ભવાઈ’ નવલકથાનાં મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છે. છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યાં છે. જાતિએ ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે. પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લંબાવ્યો નથી, પણ આ દુકાળે તો કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસનહસ કરી નાખ્યાં છે. ભૂખને લીધે એની આંખો ઊંડી ઊતરી ગઈ છે. ભીખ માંગવી એ તેના સ્વભાવમાં નથી.
આ પરિસ્થિતિમાં ડેગડિયાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો? ભીખ માંગવાની? રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. એ હતાશાથી કહે છે કે ધરતી પર પ્રલય થવા બેઠો છે એમાં કોઈ જીવવાનું નથી. ભીખ માટે કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર સમા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઊઠે છે. “દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવાનો! ધિક્કાર છે આ અવતારને! ધિક્કાર છે આ જીવવુંય! ”
સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતાં ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી – તકિયા પાથ૨વાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. આથી સુંદરજી શેઠ પર એને માન થયું અને પોતાના વિચારો એને બાલિશ લાગ્યા. એણે દોઢ પાશેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઊઠ્યું. એને થયું આ તો બાવાનાં બેય બગડ્યાં જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. એને સતત લાગે છે કે એમનું નસીબ જ કાણું છે ને ખોબોય કાણો છે.
આમ, કાળુની વેદના તેનાં વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ આખો દિવસ લવારો કર્યા કરે છે. એણે સાચું જ કહ્યું હતું કે “ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે!” લેખકે અંતમાં ભલભલાના હૃદયને કંપાવી મૂકી તેવી કાળુની મનઃસ્થિતિ વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે : “નથી વેઠાતાં, રામ ભૂખોય નથી વેઠતી ને આ ભીખોય! માટે ઝીંકવા માંડ! પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય.”
(2) આ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તર : બાર – બાર માસથી વરસાદ વરસ્યો નહોતો, મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી, પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલાં બધાં શબને દાટવાં ક્યાં? બાળવાં ક્યાં? ભૂખે માનવીઓનાં હાડમાંસ ગાળી નાખ્યાં હતાં.
ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાશેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતાં કપડાં નહોતાં. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું , “ભૂંડામાં ભૂંડી ભૂખ નહિ, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.” કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે .
( 3) રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તર : દુકાળની ભીષણતાથી ગામનાં સૌ દુઃખી અને પરેશાન હતાં, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે, બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી “મનેય તમારે મારી નાખવી છે!” એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે.
રાજુ પણ જાણે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઈ વળવાનું નથી. એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાશેર ખીચડી માટે? ધિક્ પડ્યો એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવુંય!” તથા “આપણું કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.” કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચિડાઈને કાળુને ઠપકો આપતાં કહે છે : “ડાકણ ભૂખ નથી , પણ ડાકણ ચિંતા છે. માનવીનાં કાળજાંને ખોતરી ખાય છે.” કાળુના આ શબ્દો આપણાં ગુમાન અને આતમાનેય ઓગાળી નાખે છે , પાણી કરી દે છે.” રાજુને બેચેન કરી મૂકે છે.
કાળુને ધમકાવી, તેનું બાવડું ઝાલીને હડસેલતી ‘છાનામાના ઘરે હેંડો ’ એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ, એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે.
♦ વ્યાકરણ વિભાગ ♦
♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦
અદેખાઈ – ઈર્ષ્યા , બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી ;
છપના – છપ્પનિયો દુષ્કાળ , (સંવત 1956 નો છપ્પનિયા દુકાળ) ;
શાળ – શાલિ, ડાંગર, કમોદ ;
કંગાળ – દરિદ્ર, ગરીબ ; હાર – કતાર
♦ તળપદા શબ્દો ♦
લાટ – મોટા સાહેબ , સત્તાધીશ ;
આણેલા – લાવેલા ;
સોગન – સોગંદ , કસમ ;
આભલું – આકાશ , વાદળ ;
આલવું – આપવું
મલક – દેશ , મુલક :
ધરમ – ધર્મ ,
હેંડો હેંડો – ચાલો ચાલો ;
પાશેર – પા ;
પરથમી – પૃથ્વી
ફડક – પહેરેલા કપનો લતા છેડો
પલ્લો – પ્રલય , વિનાશ ;
વાહે – લીધે ;
નઈ – નહીં ;
ધિક – ધિક્કાર ;
પેટિયું – રોજી , પેટના માટે મજરી કરનારું
ભૂંડુ – ખરાબ ;
લાગ – તક , મોકો ;
લવારો – બબડાટ ;
કુળ – કોણ ;
દિલ – શરીર , તન ;
નકુર – નક્કર
વિરુદ્ધાર્થી શબ્દો
ધરતી x આકાશ
સવાલ x જવાબ ;
સુંવાળુ x બરછટ , ખરબચડુ
દરિદ્ર x અમીર
સહ્ય x અસહ્ય
સદભાગ્ય x દુર્ભાગ્ય
રૂઢિપ્રયોગો
ચાલતા થવું – મૃત્યુ પામવું ;
પગ જડાઈ જવા – સ્તબ્ધ થઈ જવું , સ્થિર થઈ જવું ;
આંખો ભીની થવી – ધાગણીશીલ થઈ જવું ;
દાઝ ચઢવી – ગુસ્સો આવવો
શબ્દસમૂહ માટે એક શબ્દ
મરણ પાછળ રોવું, કુટવું અથવા લોકિક – કાણ ;
સગાસંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું – સૂતક ;
મરણ પાછળ ક્રિયા કરાવવી , શ્રાદ્ધ કરવું – સરાવવું ;
અનાજ ભરવાનો ઓરડો , વખાર , ભંડાર – કોઠાર ;
પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય છે તે રેખા – ક્ષિતિજ