ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 12 ચોપડાની ઇન્દ્રજાળ (std 10 gujarati ch12) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.
પ્રકરણ – 12 ચોપડાની ઇન્દ્રજાળ
લેખકનુ નામ :- ચન્દ્રકાંત પંડ્યા
સાહિત્ય પ્રકાર :- આત્મકથા – ખંડ
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો, કારણ કે …….
A. લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા. B. પિતાજીનું અવસાન થયું હતું. C. જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. D. લેખક ખૂબ જ ભણેલા હતા.
ઉત્તર :- C. જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.
(2) જીવલાની કરુણ દશા જોઈને…….
A. લેખક રાજી થઈ ગયા. B. લેખકનું હૃદય દ્રવી ઊઠ્યું. C. લેખકને કશી અસર ન થઈ. D. લેખક હસવા લાગ્યા.
ઉત્તર :- B. લેખકનું હૃદય દ્રવી ઊઠ્યું.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં ઉત્તર આપો.
(1) ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લાગો(ભાગ) રહેતો?
ઉત્તર :- ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગો(ભાગ) રહેતો.
(2) ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો?
ઉત્તર :- ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો.
3. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.
(1) લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો.
ઉત્તર :- લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકનાં બા તેને અથાણું ને થોડી દાળ આપે; પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે.
(2) દર વર્ષે જીવલો લેખકના ઘરે કઇ – કઇ વસ્તુઓ આપવા જતો?
ઉત્તર :- દર વર્ષે જીવલો લેખકના ઘરે લાકડાં, ડાંગર,કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે આપવા જતો.
4. નીચેના પ્રશ્નનો સાત આઠ લીટીમાં જવાબ આપો.
(1) જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર :- અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણ સો રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવાં માઠાં વર્ષ ગયાં હોય અને પાક સારો ઊતર્યો હોય તોપણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડાં, ડાંગર,કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી તેનું બારમું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુઋતુનાં ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણાં બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાતદિવસ કાળી મજૂરી કરતો તોપણ તેનાં છોકરાં ભૂખે મરતાં. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.
(2) રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું?
ઉત્તર :- જીવલાને ત્યાંથી પાછા ફરતાં લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું, ‘બોડીને તાં વળી કાંહકી કેવી?’ આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી . એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યાં. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીટીકીને જોતા હતા એ દશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૂ.1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાનાં બધાં પાનાં ફાડી નાખી તેને લેણાંમાંથી મુક્ત કર્યો.
♦ વ્યાકરણ વિભાગ ♦
♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦
દાયકો – દસકો , દસ વર્ષનો સમયનો ગાળો ;
ઋણ – દેવું , કરજ
ઉજ્જડ જમીન – વેરાન જમીન ;
વેઠ કરવી – આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ ;
ધીરધાર – વ્યાજે નાણાંની આપ – લે કરવી ;
પુષ્કળ – ખૂબ અતિશય ;
શાહુકાર – ધનવાન , પૈસાદાર ;
મુક્ત – આઝાદ , સ્વતંત્ર ;
મુદ્દલ – મૂળ રકમ
તળપદા શબ્દો
હાઉકાર – શાહુકાર ;
સોંઘારત – સસ્તાપણું ;
આપદા – આપત્તિ ;
પોયરાં – છોકરાં ;
કોથે ગેયલો ઓઢ – ક્યાંક ગયો હશે ;
ડોહાડી – ડોશી ;
આલ્યું – આપ્યું ;
ની – નહીં ;
પૈહા – પૈસા ;
ભૂયખો – ભૂખ્યો ;
હાવ – સાવ ;
ચુહાઈ – ચુસાઈ ;
ગીયો – ગયો ;
હેર – શહેર ;
કાઠું – કઠણ , મુશ્કેલ
વિરુદ્ધાર્થી શબ્દો
શાહુકાર x ગરીબ ;
અજ્ઞાની × જ્ઞાની ;
પ્રામાણિક x અપ્રામાણિક ;
ઉદાર × કંજુસ ;
લેણદાર x દેણદાર
રૂઢિપ્રયોગ શબ્દો
ઘી કેળાં હોવા – પૈસાદાર હોવું , માલામાલ હોવું ;
અરેરાટી અનુભવવી – ત્રાસી જવું , દુઃખ અનુભવવું
આર્થિક સંકડામણ હોવી – આર્થિક તકલીફ હોવી , ગરીબ સ્થિતિ હોવી ;
નવે નેજા પડવાં – ખૂબ તકલીફ પડવી
હૃદય દ્રવી ઉઠવું – ખૂબ જ દુ : ખી થવું ;
સત્તર પંચા પંચાણું – અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
કહેવત
બોડીને તાં વળી કાંહકી કેવી ? – અત્યંત દરિદ્રતા હોવી (અહીં) જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?
બાંધી મૂઠી લાખની – જ્યાં સુધી વાત – બહાર ન જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય .
શબ્દસમૂહ માટે એક શબ્દ
ખરાબ દશા હોવી તે – દુર્દશા