માતૃપ્રેમ ગુજરાતી નિબંધ નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં લખો.
માતૃપ્રેમ અથવા
જનનીની જોડ, સખી! નહિ જડે રે લોલ! અથવા
મા તે મા! બીજા બધા વગડાના વા!
પ્રાસ્તાવિક – માતાના અનન્ય ત્યાગ અને વાત્સલ્ય – નિઃસ્વાર્થ પ્રેમ – બાળકના ઘડતરમાં માતાનો ફાળો – જનનીની અજોડતા – માતાને ભવ્ય અંજલિ – પશુપક્ષીઓમાં માતૃપ્રેમ – ઉપસંહાર
“વરસે થડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ, સખી ! નહિ જડે રે લોલ.”
ઉપરની પંક્તિઓમાં કવિશ્રી બોટાદકરે માતૃપ્રેમની અપાર મહત્તા ગાઈ છે. જગતના સૌ સ્નેહસંબંધોમાં માતાનું સ્થાન, સર્વોચ્ચ અને અનન્ય છે.
માતા પોતાના બાળકના સુખને ખાતર કેટલો બધો ભોગ આપે છે. તે દિવસરાત બાળકની સુખાકારીની ચિંતા કરતી રહે છે. બાળકની સંભાળ રાખવામાં તે જરાય ઊણપ રહેવા દેતી નથી. બાળકનાં ઉછેર, વિકાસ અને શિક્ષણની પાછળ તે પોતાની બધી શક્તિ ખર્ચી નાખે છે. બીમાર કે અપંગ બાળક પ્રત્યે માતાના હૈયામાં વિશેષ પ્રેમ છલકાય છે. માતૃવાત્સલ્યની મીઠી વીરડી સંજોગોના ગમે તેવા સખત તાપમાંય સુકાતી નથી. ખરેખર, માતાનાં ત્યાગ અને વાત્સલ્યને કોઈ સીમા નથી હોતી એટલે જ કહેવાયું છે કે મા તે મા! બીજા બધા વગડાના વા!
પોતાનાં સંતાનો પ્રત્યેનો માતાનો પ્રેમ નિઃસ્વાર્થ અને નિરપેક્ષ હોય છે. પુત્ર કદાચ કુપુત્ર નીવડે, પણ માતા કદી કુમાતા બનતી નથી. બાળક અપંગ હોય, કદરૂપું હોય કે મંદ બુદ્ધિનું હોય તો પણ માના વાત્સલ્યમાં જરાય ફરક પડતો નથી.
બાળકના માનસિક ઘડતરમાં માતાનો ફાળો સૌથી વિશેષ હોય છે. શિક્ષકો બાળકને માત્ર પુસ્તકની કેળવણી આપે છે, પરંતુ બાળકને જીવનોપયોગી કેળવણી તો માતા પાસેથી જ મળે છે. માતા બાળકના જીવનમાં ઉચ્ચ સંસ્કારો સીંચે છે માતાના વાત્સલ્યથી અને સંસ્કારસિંચનથી બાળકનું જીવન ઘડાય છે. તેથી જ એવું કહેવાય છે કે, “એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.” છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક વગેરે મહાપુરુષોનાં જીવનઘડતરનું શ્રેય તેમની માતાઓને જ ફાળે જાય છે.
માતાની લાગણીની હૂંફ બાળકના જીવનની અણમોલ સંપદા છે. વ્હાલપના અમીથી છલકાતી માતાની આંખોમાં અજબ સંજીવની હોય છે. ખરેખર, માતા સર્વોત્તમ તીર્થધામ છે. માતૃપ્રેમથી વંચિત રહેનાર બાળકના જીવનમાં કદી પૂરી ન શકાય એવી અપૂર્ણતા રહી જાય છે. વિશ્વ પ્રેમાની થાય જ કહ્યું છે,
“ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુનો સંસાર”
માતાઓએ જગતને અસંખ્ય મહાપુરુષોની ભેટ આપી છે. જગત પર શાસન કરનારાઓનાં હ્રદય પર પોતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવાહનું હોય છે. એટલે જ કહેવાયું છે : જે કર ઝુલાવે પારણું , તે જગત પર શાસન કરે (The hand that rocks the cradle, rules he world). કવિશ્રી મલબારીએ ધરતીમાતાને જે ભવ્ય અંજલિ આપી છે તે દરેક માતાને પણ લાગુ પડે છે : “અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લહેનું!
પશુપક્ષીઓમાં પણ માતૃપ્રેમનું તત્ત્વ જોઈ શકાય છે.ચકલી પોતાના બચ્ચાને કેવી માવજતથી ઉછેરે છે! ગાય પોતાના વાછરડા પ્રત્યે કેવું વહાલ વરસાવે છે! પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે કરી સિંહ સાથે બાથ ભીડતા પણ અચકાતી નથી!
દેવોનેય દુર્લભ એવો નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ માતૃપ્રેમ , એ મનુષ્યને ઈશ્વરે પ્રદાન કરેલું અમૂલ્ય વરદાન છે.
આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.
Gujarati Nibandhmala