ધો.9 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 14 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – ΙΙ (std 9 social science ch 14) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.
1. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :std 9 social science ch 14
( 1 ) હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે ?
ઉત્તર : હિમાલય પર્વતશ્રેણીઓમાં શિપ્કી લા, જેલાપલા, નાથુ લા ઘાટ આવેલા છે.
( 2 ) રંગોલિથ એટલે શું ?
ઉત્તર : ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રંગોલિથ કહે છે.
( 3 ) ખડકોના મુખ્ય કેટલા અને ક્યા કયા પ્રકારો પડે છે .
ઉત્તર : ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે . (1) આગ્નેય ખડકો (2) પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો (3) રૂપાંતરિત ખડકો
( 4 ) જમીન – નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો .
ઉત્તર : તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ – આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, ૨જ વગેરે હોય છે, જે ‘રેગોલિથ’ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.
2. નીચેની શબ્દ – સંકલ્પનાઓ સમજાવો : std 9 social science ch 14
( 1 ) નિક્ષેપણ
ઉત્તર : ( 1 ) નદી, હિમનદી, પવન, દરિયાનાં મોજાં જેવાં ઘસારાનાં પરિબળો દ્વારા થતો કાંપ – માટીનો પથરાટ ‘નિક્ષેપણ’ કહેવાય છે. ( 2 ) પૂરનાં મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખત્રિકોણપ્રદેશો (ડેલ્ટા) વગેરે ઘણાં ભૂમિસ્વરૂપો નિક્ષેપણથી રચાય છે.
( 2 ) બાંગર
ઉત્તર : ( 1 ) તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાંપનો થર ‘બાંગર’ કહેવાય છે. ( 2 ) કાંપના નિરંતર થતા જમાવને કારણે તે નવાં પૂરનાં મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે.
( 3 ) ખનીજ
ઉત્તર : નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ‘ખનીજ’ કહે છે.
( 4 ) ખડક
ઉત્તર : પૃથ્વીના પોપડામાં કે ભૂ – કવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે.
( 5 ) જમીન
ઉત્તર : તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ – આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, ૨જ વગેરે હોય છે, જે ‘રેગોલિથ’ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.
3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદાસર આપો : std 9 social science ch 14
( 1 ) ભારતના દ્વીપસમૂહો
ઉત્તર : ભારત બે દ્વીપસમૂહો ધરાવે છે : ( 1 ) લક્ષદ્વીપ ટાપુઓ અને ( 2 ) અંદમાન તથા નિકોબાર ટાપુઓ. આ બંને દ્વીપસમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે.
→ લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરલના કિનારાથી 280 થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપસમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને ‘ઑટૉલ’ (atoll) કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુઓ છે, જેમાંના 11 પર વસ્તી છે.
→ અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં કોલકાતા અને ચેન્નઈથી લગભગ 1200 કિમીના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના – મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે.
→ આ ટાપુઓ નિમજ્જન – પર્વત શ્રેણીઓનાં શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60 થી 100 કિમી જેટલી છે. નિકોબાર દ્વીપસમૂહ લગભગ 350 કિમીના અંતરમાં ફેલાયેલો છે. અંદમાન – નિકોબાર દ્વીપસમૂહો દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દૃષ્ટિએ ઘણા મહત્ત્વપૂર્ણ છે.
( 2 ) ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો .
ઉત્તર : ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે : 1. કાંપની જમીન, 2. કાળી કે રેગુર જમીન, 3. રાતી જમીન, 4. પડખાઉ કે લેટેરાઇટ જમીન, 5. પર્વતીય જમીન અને 6. રણપ્રકારની જમીન.
1. કાંપની જમીન : કાંપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરનાં મેદાનો, કિનારાનાં મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે.
→ કાંપની જમીનના બે પ્રકાર છે : ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાંપની જમીન ખદર નામે ઓળખાય છે. આવી જમીનો મોટી નદીઓનાં નજીકનાં ક્ષેત્રોમાં જોવા મળે છે. → નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાંપની જમીનો બાંગર કહેવાય છે.
→ ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. → કાંપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાંપની જમીન આવેલી છે.
2. કાળી જમીન : કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશોમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે.
→ તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. → તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
→ તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી ‘કપાસની કાળી જમીન’ તરીકે ઓળખાય છે. તે ‘રેગુર’ નામે પણ જાણીતી છે.
૩. રાતી જમીન : ભારતમાં રાતી જમીન મોટા ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર – પૂર્વનાં રાજ્યોમાં આવેલી છે.
→ તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં છે. → તેનો રાતો રંગ તેમાં રહેલા લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને આભારી છે. → જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાઉ છે.
4. પડખાઉ કે લેટેરાઇટ જમીન : પડખાઉ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. → ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાઈને પડખાઉ જમીન બને છે.
→ ધોવાઈ ગયેલા પડમાં લોહ અને ઍલ્યુમિનિયમ તત્ત્વોનાં સંયોજનોનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે. → પડખાઉ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે.
5. પર્વતીય જમીન : ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતાં જમ્મુ – કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે.
→ જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. → શિવાલિક પર્વતશ્રેણી પર આ જમીન ઓછા કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે .
6. રણપ્રકારની જમીન : ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાનાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. → અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે, તો કેટલીક સિંધુખીણમાંથી ઊડી આવીને જમા થઈ છે.
→ કેટલાંક ક્ષેત્રોમાં ક્ષારણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. → અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે. ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે.
( 3 ) ખનીજોનું વર્ગીકરણ કરો.
ઉત્તર : ખનીજોનું સામાન્ય વર્ગીકરણ :
1. ધાતુમય ખનીજો :
( i ) કીમતી ધાતુમય ખનીજો : સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ
( ii ) હલકી ધાતુમય ખનીજો : મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ
( iii ) સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો : લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ
( iv ) મિશ્રધાતુના રૂપે વપરાતાં ખનીજો : ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ
2. અધાતુમય ખનીજો : ચૂનાના પથ્થર, ચૉક, ઍસ્બેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), ગંધક, હીરા
3. સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ
4.નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરો.std 9 social science ch 14
( 1 ) પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ : લૂસાઈ : …….
( A ) નાગાલૅન્ડ ( B ) મણિપુર ( C ) મિઝોરમ ( D ) મેધાલય
ઉત્તર : ( C ) મિઝોરમ
( 2 ) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? શોધો
( A ) કશીશ : સોનું, ચાંદી, પ્લેટિનમ કીમતી ધાતુમય ખનીજો છે.
( B ) કિન્ની : બૉકસાઇટ, ટીટાનિયમ અને મૅગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
( C ) ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
( D ) નિધિ : સીસું , તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.
ઉત્તર : ( C ) ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
( 3 ) સાચાં જોડકાં જોડો.
( 1 ) પ્રસ્તર ખડક ( A ) ગ્રેનાઈટ
( 2 ) રૂપાંતરિત ખડક ( B ) ચૂનાનો ખડક
( 3 ) આગ્નેય ખડક ( C ) આરસપહાણ (માર્બલ)
( A ) 1-B, 2-C, 3-A ( B ) 1-A, 2-C, 3-B ( C ) 1-C, 2-B, 3-A ( D ) 1-B, 2-A, 3-C
ઉત્તર : ( A ) 1-B, 2-C, 3-A
( 4 ) નીચેનાંમાંથી ક્યું વિધાન સાચું છે ?
( A ) પશ્ચિમઘાટ ઉત્તરક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે . ( B ) કર્ણાટકમાં પશ્ચિમધાટને નીલગિરિ કહે છે .
( C ) પશ્ચિમઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર – દક્ષિણમાં વ્યાપ્ત છે.
( D ) કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રિ કહે છે.
ઉત્તર : ( C ) પશ્ચિમઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર – દક્ષિણમાં વ્યાપ્ત છે.
( 5 ) અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
( A ) છોટા નાગરપુરનો ( B ) માળવાનો ( C ) દખ્ખણનો ( D ) શિલોંગનો
ઉત્તર : ( B ) માળવાનો