Dikri Gharni Divadi Nibandh દીકરી-ઘરની દીવડી નિબંધ

Dikri Gharni Divadi nibandh

Dikri Gharni Divadi nibandh દીકરી, ઘરની દીવડી નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં  લખો.

મુદ્દાઓ :- દીકરી પ્રત્યેનું સમાજનું વલણ – દીકરો અને દીકરીની પ્રકૃતિ – પિતાને વહાલી દીકરી – સ્ત્રી ભ્રૂણની હત્યા અને સ્ત્રી પુરુષ પ્રમાણમાં અસમતુલા – ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે. – જાગૃતિની જરૂર – ઉપસંહાર Dikri Gharni Divadi nibandh

ઉત્તર : પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને ‘સાપનો ભારો’, ‘પારકી થાપણ’, ‘માથાનો બોજ’ વગેરે માનવામાં આવે છે. આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘરદીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે.

એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે પણ દીકરી તો આજીવન માતા – પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઊજાળે છે. સમાજના વિકાસની પારાશીશી, જે – તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે. દીકરી, પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી ‘વહાલનો દરિયો’ છે.

‘બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા’ એવી કહેવત છે પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે ‘દુહિતા’ શબ્દ છે. ‘દુહિતા’ એટલે ગાય દોહનારી. પ્રાચીનકાળમાં ઘેર ઘેર ગાયો પાળવામાં આવતી. તેને દોહવાની જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરનાં મોટા ભાગનાં કામો કરતી રહી છે. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે.

તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે. પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા – પિતા બંનેને મદદરૂપ થાય છે.

અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ સ્ત્રી ભ્રૂણહત્યાનો સિલસિલો હજુ ચાલી રહ્યો છે. આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહે છે.

જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી – ભ્રૂણહત્યા રોકવામાં આવે, તો સ્ત્રી – પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય! અર્થાત્ તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર.

Dikri Gharni Divadi nibandh


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply