ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

Gujarati Aheval Lekhan

(1) 5 મી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.

વૃક્ષારોપણદિનની ઉજવણી

અમદાવાદ, તા. 10/6/2022

અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5 મી જૂનને વૃક્ષારોપણદિન તરીકે ઊજવવામાં આવ્યો હતો. શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં, જેમાં ‘એક બાળ, એક ઝાડ’; ‘વૃક્ષ જતન, આબાદ વતન’; ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’; ‘વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’ વગેરે સૂત્રો લખેલાં હતાં. શાળાના ટ્રસ્ટી શ્રી સુહાગભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણદિન નિમિત્તે ઉદ્ઘાટનવિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી, તેને પાણી પાયું. ત્યારપછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણદિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ‘વૃક્ષો, આપણા મિત્રો’ નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્રસ્પર્ધા, ‘વૃક્ષો’ વિશેની વક્તૃત્વસ્પર્ધા, વૃક્ષો માટેનાં ટ્રી – ગાર્ડ્ઝ, વૃક્ષપ્રેમી સલીમ અલીનું વક્તવ્ય અને વનભોજન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણદિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું.

(2) તમારી શાળામાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો .

એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ

કપડવંજ, તા. 11/2/2022

એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ તા. 10/2/2022 ના રોજ શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવનાં તોરણો વડે પ્રાર્થનાખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન શ્રી જે.આઇ.પંચાલ સાહેબ આવી પહોંચતાં સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાયસમારંભ શરૂ થયો. અમારા વર્ગશિક્ષક શ્રી મહેંદ્રભાઇ સાહેબે સ્વાગતપ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્યશ્રી પી.બી.પટેલ સાહેબે મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો. અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળાજીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી. અમારા શિક્ષકોએ અમને એસ.એસ.સી.ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી જે.આઇ.પંચાલ સાહેબે વિદ્યાર્થીકાળને માનવજીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને જીવનઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી. તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે સૌને આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. અમે આઇસક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી.

(૩) તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાકદિનની ઉજવણીનો અહેવાલ એકસો શબ્દોમાં તૈયાર કરો.

પ્રજાસત્તાકદિનની ઉજવણી

દહિયપ, તા. 27/1 /2022

26 મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાકદિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાડા સાત વાગ્યે શાળામાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયાં હતાં. ધોરણ 10 ની પરીક્ષામાં 89 % ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી મિરઝા આદિલબેગના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. આદિલે તેના વક્તવ્યમાં દેશના નામીઅનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવાનો દઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સોને પતાસાં વહેંચવામાં આવ્યાં. પ્રજાસત્તાકદિન નિમિત્તે શાળાના પ્રાર્થનાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો, ‘અમર શહીદ’ નામનું એકાંકી અને એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ધોરણ 9 થી 12 ના લગભગ 200 વિદ્યાર્થી ભાઈબહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાકદિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો. કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી શ્રી સૈયદ સાહેબે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા. અગિયાર વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી.

(4) તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.

શાળામાં યોજાયેલો રમતોત્સવ 

બાલાસિનોર, તા. 29/01 /2022

જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો . આ રમતોત્સવમાં બાલમંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . કાર્યક્રમનો આરંભ સમૂહપ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામશિક્ષક શ્રી અલ્તાફભાઇ વ્હોરાએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ ‘રમતનું જીવનમાં સ્થાન’ વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાનશ્રી ડો. વિમલભાઇ પટેલે મંગલદીપ પ્રકટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વૉલીબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતો શરૂ થઈ. નાનાં બાળકો માટે સિક્કાશોધ, ચંપલશોધ, કોથળાદોડ, ત્રિપગી દોડ, સંગીતખુરશી, દેડકાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલાં અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળાફેંક, ભાલાફેંક, બરછીફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામશિક્ષક સાહેબની રમૂજીશૈલીમાં આપેલી ‘રનિંગ કૉમેન્ટરી’થી વાતાવરણ આનંદથી ઝૂમી ઊઠ્યું હતું. આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી શેખ સાહેબના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાં. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા.


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

Plz share this post

Leave a Reply