Vichar Vistar Part-3 in gujarati

vichar-vistar-part-3 in gujarati ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (vichar-vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.અહીયાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (vichar-vistar-part-3) ભાગ – 3 રજુ કરવામા આવ્યો છે.

ભાગ- ૧ની આ પોસ્ટની નીચે લિક આપેલ છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

vichar-vistar-part-3

(1) અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો;

એકાંગે પાંગળો અંધ , અન્ન સર્વાંગે પાંગળો.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે, કારણ કે અંધજન પાસે માત્ર દૃષ્ટિ જ હોતી નથી જ્યારે અજ્ઞાની પાસે બધાં જ અંગો હોવાં છતાં પોતાની અજ્ઞાનતાને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે.

આંધળો માણસ અંધાપા સિવાયની બીજી કોઈ લાચારી ભોગવતો નથી. તેનું દુ:ખ આંખો પૂરતું જ મર્યાદિત હોય છે. ઘણા અંધજનો જુદાંજુદાં ક્ષેત્રોમાં કુશળતા પ્રાપ્ત કરીને સફળતાપૂર્વક જીવે છે. તેઓ સાહિત્ય, સંગીત અને હસ્તકલામાં નિપુણતા પ્રાપ્ત કરીને પોતાનો જીવનનિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. અંધજન રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે જ્યારે અજ્ઞાની તો ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે પાંગળો હોય છે. જ્યારે અજ્ઞાનીનાં બધાં જ અંગો પાંગળાં હોય છે.

આમ, કવિ કહે છે કે, આપણે જ્ઞાનમાર્ગે આગળ ધપતા રહીએ.

(2) મનુષ્યના કર્મની કાલિમાને સમર્થ ધોવા લઘુ અશ્રુબિંદુ.

ઉત્તર : આ પંક્તિમાં કવિએ પશ્ચાત્તાપનો મહિમા વર્ણવ્યો છે. મનુષ્યની આંખમાંથી ટપકતું પશ્ચાત્તાપનું એક નાનકડું અશ્રુબિંદુ પણ તેણે કરેલા દુષ્કર્મના કલંકને ધોઈ નાખવા માટે પૂરતું છે.

મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. એટલે મનુષ્યથી અવારનવાર ભૂલો થઈ જાય છે. મનુષ્ય પોતાની ભૂલનો હૃદયથી એકરાર કરે એ પૂરતું છે. ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ગંગાજળનો ધોધ વહાવવાની જરૂર નથી. પસ્તાવાનું એક અશ્રુબિંદુ મોટામાં મોટું પાપ ધોઈ નાખવા સમર્થ નીવડે છે. ભૂલ થઈ જાય એ ગુનો નથી, પરંતુ કરેલી ભૂલનો હૃદયથી એકરાર ન કરવો તે ગુનો છે. ગાંધીજીએ બાળપણમાં કરેલી ચોરીની ભૂલ બદલ તેમના પિતાજી પાસે પશ્ચાત્તાપ પ્રગટ કર્યો હતો. જેસલ નામના એક નામીચા બહારવટિયાએ કરેલાં અનેક પાપોનો સતી તોરલ સમક્ષ એકરાર કર્યો હતો. ભૂલોનો એકરાર કર્યા પછી હૃદય નિર્મળ થઈ જાય છે. માનવી એણે કરેલી ભૂલો ફરી ન થાય તેની કાળજી રાખે અને પશ્ચાત્તાપ કરે તો ઈશ્વર જરૂર ભૂલોની ક્ષમા આપે છે.

સાચા હૃદયથી પશ્ચાત્તાપ કરવો એ જ પાપને ધોઈ નાખવાનો એકમાત્ર ઇલાજ છે. તેથી જ કવિ કલાપીએ કહ્યું છે:

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”

(3) સંપત ગઈ તે સાંપડે , ગયાં વળે છે વહાણ ;

ગત અવસર આવે નહિ , ગયા ન આવે પ્રાણ.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિ કહે છે કે વીતી ગયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ કદી પાછા આવતા નથી. આ બંને તત્ત્વો સૌથી વધુ મુલ્યવાન છે.

નસીબનું ચક્ર સદા ફરતું જ રહે છે. તેથી આપણે ક્યારેક આપણી સંપત્તિ ગુમાવી બેસીએ છીએ. પરંતુ સખત મહેનત કરવાથી તે પાછી પણ મેળવી શકાય છે. વેપાર અર્થે દરિયો ખેડીને દેશાવર ગયેલાં વહાણ તોફાનોમાં સપડાઈ જાય તો કદાચ તેમાંથી હેમખેમ ઉગરી જઈને તે પાછાં આવી શકે છે. પરંતુ વીતી ગયેલો સમય અને શરીરમાંથી ઊડી ગયેલું પ્રાણપંખેરું કોઈ પણ સંજોગોમાં મૂળ સ્થાને પાછાં આવી શકતાં નથી.

આમ, કવિ સમયનું મૂલ્ય આપણને સમજાવે છે. સમય કોઈનીયે રાહ જોતો નથી માટે આપણે સમય વેડફવો ન જોઈએ. Time and tide wait for none. (સમય અને મોજું કોઈની રાહ જોતાં નથી.)

(4) ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ;

સાધુતા નહિ વાર્ધકયે, વ્યર્થ તો જિંદગીક્રમ.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ માનવજીવનની ત્રણ અવસ્થાનાં આવશ્યક લક્ષણો વર્ણવ્યાં છે. બાળપણનું મુખ્ય લક્ષણ રમતગમત છે. જો બાળકને શૈશવ અવસ્થામાં રમવાનું અને તોફાનમસ્તી કરવાનું ન મળે તો તેનું બાળપણ નકામું ગયું કહેવાય. રમતગમત અને તોફાનમસ્તીનો નિર્દોષ આનંદ લૂંટવો એ જ બાલ્યાવસ્થાનો અમૂલ્ય લહાવો છે.

પરાક્રમ એ યુવાનીનું આવશ્યક લક્ષણ છે. જે યુવાનોમાં ઉત્સાહ, ઉમંગ, તરવરાટ, ખુમારી અને પરાક્રમ કરવાની ભાવના ન હોય તેની યુવાની એળે જ જાય છે. યુવાનમાં કંઈક સાહસ કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઈએ. જે યુવાન માત્ર આનંદપ્રમોદમાં જ તેની યુવાવસ્થા પસાર કરી નાખે, તેની યુવાની વ્યર્થ છે.

વૃદ્ધાવસ્થાનું મુખ્ય લક્ષણ સાધુતા છે. જો વૃદ્ધ માણસને સાધુસંત જેવું સાદું અને સંયમ જીવન જીવવાનું ન ગમે, તેનામાં પરોપકારની ભાવના ન જન્મે અને તેના જ્ઞાનનો સમાજ લાભ ન મળે તો તેનું જીવન પણ વ્યર્થ છે.

vichar-vistar-part-3


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

One Reply to “Vichar Vistar Part-3 in gujarati”

  1. નથી દુર્ભેદ્ય બીજા કો બંધનો સ્નેહના સમા; કાષ્ઠને શકતો કોરી અલિ લાચાર પદ્મમાં. Vichar vistar

Leave a Reply