Mara shaishav na sansmaran મારા શૈશવનાં સંસ્મરણો નિબંધ

Mara shaishav na sansmaran મારા શૈશવનાં સંસ્મરણો અથવા ફરી બનવા ચાહું હું, પ્રભુ! બાળ નાનું! અથવા મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ  નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં  લખો.

મુદ્દાઓ :-  1.પ્રસ્તાવના 2.બાળપણની ટેવો 3.બાલમંદિરનાં સંસ્મરણો 4.પહેલા ધોરણના સંસ્મરણો 5.પ્રાથમિક શાળાનાં સંસ્મરણો 6.રજાઓનાં સંસ્મરણો 7.ઉપસંહાર Mara shaishav na sansmaran

 ‘પ્રવાસની કથા સુંદર હોય છે.’ એ ઉક્તિ જેવી જ  ઉક્તિ છે : ‘બાળપણની કથા સુંદર હોય છે.’ મારા બાળપણના દિવસોની સ્મરણકથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ ગણું છું.

હું ત્રણેક વર્ષનો થયો, ત્યારપછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારાં માતાપિતા અને દાદાદાદી કરતાં હતાં. સૂર્યોદય પછી પણ નિરાંતે ઊઠવાનું; મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું; મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડું થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે પરાણે પીવાનું મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતાંરડતાં નાહવાનું – આ મારો રોજનો ક્રમ હતો. આખો દિવસ પાડોશીનાં છોકરાંની સાથે રમ્યા કરવાનું , બધાં સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર કિટ્ટા – બુચ્ચા કર્યા કરવાની, ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવાનો અને રડતાંરડતાં ઊંઘી જવાનું – બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી હતો.

ત્રણ વર્ષ પૂરાં થતાં મને બાલમંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી પરંતુ એ મને વર્ગમાં મૂકીને પાછી ફરતી, ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલમંદિરના બહેન ખૂબ પ્રેમાળ હતાં. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમેધીમે મને બાલમંદિર જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલમંદિરનાં બીજાં બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ. અમે બધાં સાથે રહીને ભણતાં, ગીતો ગાતાં અને રમતાં, અમને વર્ષમાં બે – ત્રણ વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે લઈ જવામાં આવતાં.

હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડુંથોડું વાંચતાં લખતાં આવડી ગયું હતું. હું મોટા – મોટા અક્ષરોવાળી વાચનમાળા મારી જાતે વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજીએ મને એક સરસ બૅટ ભેટ આપ્યું.

પ્રાથમિક શાળામાં ભણવાની મને ખૂબ મજા આવતી. અમને અવારનવાર પ્રવાસે લઈ જવામાં આવતા. પ્રવાસમાં મને મારા મિત્રો સાથે હરવા, ફરવા અને રમવાની ખૂબ મજા પડતી. શાળામાં અમે નાટક, રાસગરબા, રમતો, સ્કાઉટ વગેરે પ્રવૃત્તિઓમાં હોંશેહોંશે ભાગ લેતા.

રજાઓમાં અમે ક્રિકેટ મૅચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે ખેતરે લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કૂદાકૂદ કરવાની, ઘાસની ગંજી પરથી લપસવાની અને થપ્પો રમવાની મને ખૂબ મજા પડતી.

બાળપણના એ સોનેરી દિવસો આજેય મને યાદ આવે છે. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું નફકરું અને મોજમસ્તીવાળું હતું! ‘બસ, ખાઓ, પીઓ અને મજા કરો. ‘હવે તો પરીક્ષા, પરીક્ષા અને પરીક્ષા. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા. ત્યારે મારું મન પોકારી ઊઠે છે કે,

“ફરી બનવા ચાહું હું પ્રભુ! બાળ નાનું!”

પણ પછી તરત જ સંસ્કૃતના કવિ ભવભૂતિની એ પંક્તિ યાદ આવે છે – ‘એ દિવસો તો હવે ચાલ્યા ગયા.’

Mara shaishav na sansmaran


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ , ૨ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૧

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – ૨

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

Leave a Reply