ધો.9 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો (std9 social science ch8) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.
1.નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ લખો.
(1) ભારતના આમુખમાં ક્યા આદર્શો જણાવવામાં આવ્યા છે.?
ઉત્તર : ભારતના આમુખમાં જણાવેલા આદશોં નીચે મુજબ છે. ( 1 ) ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો; ( 2 ) દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના; ( 3 ) વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા; ( 4 ) ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા; ( 5 ) વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા; ( 6 ) વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા ( 7 ) રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદઢ કરે એવી બંધુત્વની ભાવના.
(2) સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય?
ઉત્તર : સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કૌમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર.
(3) ભારતીય બંધારણ સમવાયી છે. ચર્ચો.
ઉત્તર : બંધારણે ભારતને રાજ્યોના સંધ (Union of States) તરીકે ઉલ્લેખ કર્યો છે. ભારત સંઘીય રાજ્ય છે. → ભારતમાં સંઘ (કેન્દ્ર) અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે રાજ્યોને સંઘથી અલગ થવાનો અધિકાર નથી. રાજ્યસરકારો કરતાં સંઘસરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘસરકાર અને રાજ્યસરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
→ બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણ્યું છે. → દેશના સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે. → કાયદા ઘડવા માટેની સંઘયાદીમાં સૌથી વધારે વિષયોનો અને રાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. → રાજ્યસરકારોની સરખામણીમાં સંઘસરકારને શક્તિશાળી બનાવવા માટે બંધારણે સંયુક્ત યાદીમાં સંઘસરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપી છે.
→ કાયદા ઘડવાના વિષયોની ત્રણ યાદીઓમાંથી કોઈ પણ યાદીમાં ન આવતા હોય, તે અંગેના કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘસરકારને જ આપવામાં આવી છે. → કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનો પણ વહેંચવામાં આવ્યાં છે. સંઘસરકાર રાજ્યસરકારોને ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય આપે છે. → ભારતના નાગરિકો એકમ રાજ્યોની નહિ પણ સંઘની જ નાગરિકતા ધરાવે છે. જમ્મુ – કશ્મીર રાજ્ય સિવાય ભારતમાં નાગરિકોને માત્ર એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે.
→ કટોકટી સમયે દેશનું બંધારણ સમવાયતંત્રી મટી એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે.
(4) સંસદીય પદ્ધતિની સરકારનાં લક્ષણો જણાવો.
ઉત્તર : સંસદીય પદ્ધતિની સરકારનાં લક્ષણો નીચે મુજબ છે. → સંસદીય પદ્ધતિની સરકારમાં લોકો સર્વોપરી હોય છે. → ભારતીય સંસદ દ્વિગૃહી છે. સંસદના નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. → લોકસભાના સભ્યોને દેશના સામાન્ય મતદારો પુખ્ત વય મતાધિકારના ધોરણે, ગુપ્તમતદાન – પદ્ધતિથી ચૂંટે છે. લોકસભાની મુદત પાંચ વર્ષની છે.
→ દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં બેઠકો મળે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના ¹/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. → રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની હોય છે. → રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્યસંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રની નિષ્ણાત અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને નીમે છે.
→ સંઘસરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્યસરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. → આમ છતાં, વાસ્તવિક વહીવટ સંઘસરકારમાં વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ તથા રાજ્યસરકારમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ચલાવે છે. → દેશના અને રાજ્યના મંત્રીમંડળની રચના અનુક્રમે સંસદ તથા વિધાનસભામાંથી થાય છે. સમગ્ર મંત્રીમંડળ પોતાનાં બધાં જ કાર્યો માટે સંસદ (લોકસભા) ને જવાબદાર હોય છે. તેથી સંસદીય લોકશાહી સરકારને ‘જવાબદાર સરકાર’ કહેવામાં આવે છે.
→ સંસદીય લોકશાહીમાં સંસદ મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. → આમ, સંસદીય પદ્ધતિની સરકારમાં રાજકીય સત્તાનો સ્રોત પ્રજાએ ચૂંટેલી સંસદ પાસે જ હોય છે.
(5) એકીકૃત ન્યાયતંત્ર એટલે શું?
ઉત્તર : બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સમવાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યારપછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો (હાઈકોર્ટ), જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતો (તાબાની અદાલતો) નું સ્થાન છે. આમ, આપણા દેશમાં સળંગ એકત્રી ન્યાયતંત્ર છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘસરકાર અને રાજ્યસરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાનાં અર્થઘટનો અંગે વિવાદો સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર
(6) બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો.
ઉત્તર : ભારતના બંધારણમાં સુધારો કરવા માટે નીચેની ત્રણ કલમોની જોગવાઈ કરવામાં આવી છે: ( 1 ) સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતાં વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય છે. ( 2 ) કેટલીક બાબતોમાં સંસદનાં બંને ગૃહોની કુલ સભ્યસંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. ( 3 ) કેટલીક બાબતોમાં સંસદનાં બંને ગૃહોની કુલ સભ્યસંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતીની આવશ્યક્તા ઉપરાંત 50 % કરતાં વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે.
આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યોના આંતરિક સંબંધોમાં કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશનાં બધા રાજ્યો પૈકી ઓછામાં ઓછા 50 % રાજ્યોની સંમતિ હોવી આવશ્યક છે.
(7) સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. સમજાવો.
ઉત્તર : બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજરચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવી, દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
પ્રશ્ન 2. નીચેનાં વિધાનોનાં કારણો આપો.
(1) આમુખ ભારતીય બંધારણનો અર્ક છે.
ઉત્તર : કોઈ પણ કાયદાના ઘડતરમાં, કાયદાને સંપૂર્ણપણે સમજવામાં કે તેનો અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શો છે, તેનો આદર્શ કે નીતિ શું છે, તે જાણવામાં આમુખ મદદગાર બને છે. કયા પ્રકારની મુશ્કેલીઓ નિવા૨વા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે, તેનો નિર્દેશ આપણને આમુખમાંથી જાણવા મળે છે. આમ, આમુખ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતું હોવાથી તે ભારતીય બંધારણનો અર્ક મનાય છે.
(2) આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે.
ઉત્તર : બંધારણના ઘડવૈયાઓએ બંધારણના મહાન આદર્શો, ઉદ્દેશો, મૂળભૂત હેતુઓ અને સિદ્ધાંતો આમુખમાં દર્શાવ્યા છે. તેમણે આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કર્યું છે. આમુખ બંધારણના હેતુઓ દ્વારા ભારતમાં ‘કલ્યાણરાજ’ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માગે છે. આમ, આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ગુરુચાવી છે.
(3) આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે.
ઉત્તર : કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ, મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે. તે કાયદાને સમજવાની ગુરુચાવી છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.
(4) ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે.
ઉત્તર : સમવાયતંત્રી ભારતમાં સંઘસરકાર અને રાજ્યોની સરકારો એમ બે પ્રકારની સરકારો છે. બંને સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. રાજ્યોની સરકારો કરતાં સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે. દેશના નાગરિકોને માત્ર સંઘનું જ નાગરિક્ત્વ આપવામાં આવ્યું છે.
બંધારણમાં સમગ્ર દેશ માટે એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ બધી બાબતો ભારતનું બંધારણ સમવાય છે એ સ્પષ્ટ કરે છે. આમ છતાં, કોઈ રાજ્યમાં કે સમગ્ર દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તાઓ સંઘ (કેન્દ્ર) સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવે છે. આ સમયે ભારતનું બંધારણ સમવાયતંત્રી મટી એકતંત્રી બને છે. આમ, ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે.
(5) ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે.
ઉત્તર : ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં ‘સર્વધર્મ – સમદષ્ટિ’ અને ‘સર્વધર્મ – સમભાવ’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે, ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે.
(6) ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે.
ઉત્તર : ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજ્યતંત્ર ચલાવે છે. ભારતની સરકારે લોકશાહીના પાયાના સિદ્ધાંતો – સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ (ભ્રાતૃભાવ) સ્વીકાર્યા છે અને તેને અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, મૂળભૂત હકોની જાહેરાત, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા, સ્વાયત્ત ચૂંટણીપંચ વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે.
બંધારણમાં નક્કી કરેલી લાયકાતો ધરાવનાર ભારતનો કોઈ પણ નાગરિક સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા ચૂંટાઈ શકે છે. ભારતમાં કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશપરંપરાગત શાસન નથી, પણ પ્રજાનું શાસન છે. ભારતમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ સરકાર ચલાવે છે તેમજ રાજ્યના વડાઓના હોદાઓ ભોગવે છે.
ભારતમાં રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો વંશપરંપરાગત નથી. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી, નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. તેથી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે.
(7) ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે.
ઉત્તર : ભારતના બંધારણે ભારતને રાજ્યોના સંધ (Union of States) તરીકે દર્શાવ્યો છે. ભારતમાં હાલમાં કુલ 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્લી સહિત કુલ 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ (કેન્દ્ર) અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. સંધનાં એકમ રાજ્યો સંધમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. આથી કહી શકાય કે, ભારત એક અખંડ અને અવિભાજ્ય સંધરાજ્ય છે.
(8) ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે.
ઉત્તર : બંધારણમાં કુલ 22 ભાગ છે. તેમાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસનવ્યવસ્થા અને તેમના આંતરસંબંધો; નાગરિકના મૂળભૂત હકો અને ફરજો; રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો; ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું; ચૂંટણીઓ; લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્કર્ષ માટેની જોગવાઈઓ; કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી કહી શકાય કે, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે.
પ્રશ્ન 3. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો.
( 1 ) બેવડું નાગરિકત્વ
ઉત્તર : બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી (Fedral) શાસનવ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુ.એસ.એ.માં સમવાયતંત્રી શાસનવ્યવસ્થા છે. તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યૂ.એસ.એ.નું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું.
( 2 ) સંસદીય પદ્ધતિ
ઉત્તર : જે શાસનપદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને ‘સંસદીય પદ્ધતિની લોકશાહી’ કહેવામાં આવે છે. સંસદીય પદ્ધતિ લોકશાહી શાસનપદ્ધતિનો એક પ્રકાર છે. ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે. (યુ.એસ.એ.માં પ્રમુખપદ્ધતિની લોકશાહી છે.)
(૩) જવાબદાર સરકાર
ઉત્તર : આપણા બંધારણની જોગવાઈ n of અને મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. સરકારના બધા નીતિવિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર મંત્રીમંડળની સંયુક્ત ગણાય છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક મંત્રી સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે, તો એ અવિશ્વાસના વ રાજીનામું આપવું પડે છે. આમ, સમગ્ર મંત્રીમંડળ તેનાં કાર્યો માટે સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર મંત્રીમંડળન લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર ગણાય છે. તેથી સંસદીય સરકારે ‘જવાબદાર સરકાર’ કહેવાય છે.
(4) કેન્દ્રયાદી
ઉત્તર : કેન્દ્રયાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર (સંધ) સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બૅન્કિંગ, રેલવે, તાર અને ટપાલ, વીમો જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(5) રાજ્યયાદી
ઉત્તર : રાજ્યયાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્યસરકારો કાયદ ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, રાજ્યનો આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ થાય છે.
(6) સંયુક્ત યાદી
ઉત્તર : આ યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર (સંધ) સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે. આમ છતાં, કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય એ બંનેની સરકારો કાયદો ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે.
(7) શેષ સત્તા
ઉત્તર : જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય, તેમનો સમાવેશ ‘શેષ સત્તા’માં કરવામાં આવ્યો છે. એ વિષયો પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.
(8) સમાજવાદ
ઉત્તર : સમાજવાદ શાસનપદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનનાં તમામ સાધનો રાજ્યની માલિકીનાં હોય છે. તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય – સંચાલિત દુકાનો સંભાળે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતી ગરીબી, બેકારી, ભાવવધારો, નિરક્ષરતા જેવાં પરિબળોને અંકુશમાં રાખી; દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.
(9) લોકશાહી
ઉત્તર : લોકશાહી (Democracy) શબ્દ મૂળ ગ્રીક શબ્દો ‘Demos’ (લોકો) અને ‘Kratos’ (સત્તા) પરથી બન્યો છે. યુ.એસ.એ.ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ‘Democracy is of the people, for the people and by the people. ‘લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતુ રાજ્ય. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્યવહિવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે.
(10) અદાલતી સમીક્ષા
ઉત્તર : અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્યવહીવટ અંગેની કોઈ પણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાઓએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈ પણ કાયદાને, સુધારાને કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે.
પ્રશ્ન 4.નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:
(1) બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું.?
( A ) ઈ.સ. 1948 ( B ) ઈ.સ. 1949 ( C ) ઈ.સ. 1950 ( D ) ઈ.સ. 1947
ઉત્તર:- ( B ) ઈ.સ. 1949
( 2 ) કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે.?
( A ) 66 ( B ) 47 ( C ) 97 ( D ) 87
ઉત્તર:- ( C ) 97
( 3 ) ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.
( A ) કનૈયાલાલ મુનશી ( B ) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ( C ) શ્યામા પ્રસાદ ( D ) સરદાર પટેલ
ઉત્તર:- ( B ) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
( 4 ) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે.?
( A ) 26 નવે. 1949 ( B ) 26 જાન્યુ. 1950 ( C ) 15 ઓગસ્ટ 1947 ( D ) 9 ડિસે. 1946
ઉત્તર:- ( B ) 26 જાન્યુ. 1950
( 5 ) બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતાં.?
( A ) 389 ( B ) 545 ( C ) 250 ( D ) 166
ઉત્તર:- ( A ) 389
( 6 ) ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે …
( A ) તે સાર્વભૌમ રાજ્ય છે. ( B ) તે લોકશાહી રાજ્ય છે. ( C ) રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે. ( D ) પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે.
ઉત્તર:- ( B ) તે લોકશાહી રાજ્ય છે.