આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરો. ભાગ – ૧

વિચાર-વિસ્તાર Vichar Vistar

ધો.9 થી 12 ની પરીક્ષાઓમાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરવાનો હોય છે.જેના 4 કે 5 ગુણ હોય છે.અહીયાં આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) ભાગ – ૧ રજુ કરવામા આવ્યો છે.

ભાગ- 1,2,3 ની આ પોસ્ટની નીચે લિક આપેલ છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

(1) આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ;

     તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ , આદર આપે નહિ અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તોપણ આપણે ન જવું જોઈએ.

દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરનાં પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધનના મહેલના મેવામીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું.

આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહિ. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.

(2) કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;

      અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ આપણને દૃઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે.

કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી.

‘મન હોય તો માળવે જવાય’, ‘રોતો જાય એ મૂઆના સમાચાર લાવે’ જેવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઇચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે,

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં.’

આપણે પણ દૃઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.

(3) મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ,

      તેથી તો કાગા ભલા; તનમન એક જ રંગ.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ કહેવાતા સજ્જનોને ઉઘાડા પાડતાં કહ્યું છે કે તેઓ બગલા જેવા કપટી હોય છે. બગલાનું શરીર ઊજળું હોય છે, પરંતુ તેનું મન મેલું હોય છે. નદી કે તળાવમાં તે ધ્યાન ધરીને ઊભેલા તપસ્વી જેવો લાગે છે, પરંતુ તેનું ખરું ધ્યાન માછલાં પકડવામાં જ રહેલું હોય છે. તેના કરતાં તો કાગડો સારો કે જેનાં તન અને મન બંને એકસરખાં જ હોય છે.

આપણા સમાજમાં પણ બગલા જેવા અનેક કપટી લોકો હોય છે. બાહ્ય દેખાવ પરથી તેઓ સજ્જન લાગતા હોય છે, પરંતુ ખરેખર તો તેઓ બદલો લેવાની ભાવનાવાળા ભ્રષ્ટાચારી, લાંચિયા, કાળાંબજારિયા કે દાણચોરો હોય છે. લોકો તેમના બાહ્ય દેખાવથી અંજાઈ જઈ તેમના પર ભરોસો મૂકી દે છે અને અંતે તેમનાથી છેતરાય છે. એના કરતાં જેનાં તન અને મન એક જ રંગે રંગેલાં હોય તેવા દુર્જનો વધુ સારા ગણાય, કારણ કે તેઓ કોઈને છેતરવા માટે સજ્જન હોવાનો દેખાવ કરતા નથી.

આપણે દંભી સજ્જનોને ઓળખી લઈએ તો તેમની લોભામણી જાળમાં ફસાવાનો પ્રસંગ કદી નહીં બને.

(4) ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ;

      વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!

ઉત્તર : કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વેધકતાથી રજૂ કરી છે. સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત્ સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે, શ્રીમંતો કે રાજકારણીઓને નહિ.

કવિએ વાઘનું દૃષ્ટાંત આપીને આપણા સમાજની વિષમતા ખુલ્લી પાડી છે. ઘેટાં – બકરાં જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે. પણ વાઘ જેવા શ્રીમંતો, રાજકારણીઓ કે એના સ્વજનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે. તેને કોઈ કાયદા લાગુ પડતા નથી. તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. ઊલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવી તેને બદનામ કરાય છે.

સંત તુલસીદાસે કહ્યું છે: શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહિ. તેમને હાથ લગાડવાનો નહિ કે એની સામે આંગળી પણ ચીંધવાની નહિ. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખુનામરકી કરે કે બળાત્કાર કરે તોપણ પોતાની સંપત્તિ અને સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. ગુનો એ ગુનો છે. એ ગુનો સામાન્ય પ્રજા કરે, શ્રીમંત કરે કે રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ, પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી.

કવિએ ઉપર્યુક્ત પંક્તિઓમાં સમાજની વિષમતા અને ન્યાયની પોકળતા પર વેધક કટાક્ષ કર્યો છે .

(5) કડવા હોમ લીમડા, પણ શીતળ તેની છાંય,

      બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગુઓ લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈભાંડુ આપણી સાથે અબોલા રાખે તોપણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે.

બીજું, આપણાં માબાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવુ જોઇએ; કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમનાં કડવાં વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે. કહેવત પણ છે કે,

કડવી દવા મા જ પાય.

કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા

કડવાં વચન ન હોય કડવાં હો જી.

(6) ત્રણ વાનાં મુજને મળ્યાં: હૈયું, મસ્તક ને હાથ,

       બહુ દઈ દીધું નાથ! જા, ચોથું નથી માગવું.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ – હૃદય, મસ્તક અને હાથ આપ્યાં છે.

માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક(મગજ–બુદ્ધિ) આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દૃઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ ત્રણ અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે.

આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા, ચોથું નથી માગવું.

(7) સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ,

       ખીજ્યું કરડે પિંડીએ રીઝ્યું ચાટે મુખ.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે.

કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુ:ખ ભોગવવું પડે છે. જો તે ખિજાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે. પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય, તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતાં પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે, ‘મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.’ અર્થાત્ નાદાન કી દોસ્તી મે જાન કા ખતરા.

આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ .

(8) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,

       ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે.

જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતાં નથી. તે માટેનું ઉદાહરણ આપતાં તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે; ચણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે, એ જ રીતે હસ્તરેખાઓ – ભાગ્ય – ગમે તેટલી બળવાન હોય, પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે. ‘પુરુષાર્થ જ પારસમણિ’ છે. માત્ર ઇચ્છાઓ કરવાથી નહિ, ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે.

આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતાં સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ.

(9) પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.

ઉત્તર : આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે.

આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે, એવો એમને દૃઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. ‘ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે’ એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ, કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી, પ્રારબ્ધમાં હોય તોપણ તે મેળવવા માટે અને ઉજ્જ્વળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે.

નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શૉ, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે:

“પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દૈવને,

મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા.”

(10) સજ્જન ઉત્તમ પ્રકૃતિ, શું કરી શકે કુસંગ?

      ચંદન વિષ વ્યાપે નહિ લપટ્યો રહે ભુજંગ.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ સજ્જન છે, તેને ગમે તેવો કુસંગ પણ અસર કરી શકતો નથી.

કવિ પોતાના વિચારોના અનુમોદનમાં ચંદનવૃક્ષનું ઉદાહરણ ટાંકીને એવું જણાવે છે કે ચંદનના ઝાડ પર રાતદિવસ સાપ વીંટળાયેલા રહે છે. પરંતુ સાપના ઝેરથી ચંદનનું ઝાડ ઝેરી થતું નથી. તે તો અવિરતપણે શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે. એ જ પ્રમાણે સજ્જનોના ઉમદા ચરિત્ર અને સાત્ત્વિક સ્વભાવ ૫૨ દુર્જનોના સંગની કોઈ જ વિપરીત અસર થતી નથી. દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે જેવાં દૂષણો ધરાવતા લોકોની વચ્ચે રહેવા છતાં સાત્ત્વિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પર આ દૂષણોની કોઈ જ અસર થતી નથી. ખરાબ ગણાતા માણસના રંગે તે રંગાઈ જતો નથી, કેમ કે તે સારાનરસાનો ભેદ પારખી શકે છે. જેમ સોનાને કાટ લાગતો નથી તેમ કુળવાન અને ઉમદા માણસો પર દુર્જનની સોબતની ખરાબ અસર પડતી નથી.


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

 

Plz share this post

One Reply to “આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર (Vichar Vistar) કરો. ભાગ – ૧”

Leave a Reply