ધોરણ ૧૦ ગુજરાતી વિભાગ – A(ગદ્ય વિભાગ) ૪ ગુણના પ્રશ્નોના ઉત્તરો

ધોરણ ૧૦ ગુજરાતીમાં(std-10-gujarati-4-marks-questions) વિભાગ – A(ગદ્ય વિભાગ)માં  4 ગુણના કુલ 2 પ્રશ્નોના ઉત્તરો લખવાના હોય છે. અહીયા પરીક્ષામાં પૂછાય શકે તેવા ખૂબજ અગત્યના પ્રશ્નોના ઉત્તરો આપવામા આવ્યા છે.

પ્રકરણ – 2 રેસનો ઘોડો

લેખિકાનુ નામ :- વર્ષા અડાલજા

સાહિત્યપ્રકાર :- નવલિકા

(1) ‘રેસનો ઘોડો’ વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો.

ઉત્તર :‘રેસનો ઘોડો’ વાર્તામાં સંજય-નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા-મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ-ઘડતરની વાત લેખકે સરસ કથાગૂંથણી દ્વારા રજૂ કરી આપી છે.

વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ, શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબહેન સિફતપૂર્વક અંક્તિને પોતાની તરફ લઈને, એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. આમ, બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે.

વિનુકાકા સૌરભને, રેસના ઘોડાની જેમ, એનાં સ્વતંત્રતા અને બાળપણને ભોગે, પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા-બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબહેન અંક્તિને, એનાં સ્વતંત્રતા અને બાળપણ આપીને, મા-બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે. પરિવાર સાથે રહે છે. પ્રેમ, સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા, બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોનું નિરૂપણ કર્યું છે.

(2) ‘આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.’ આ વિધાન વિગતે સમજાવો.

ઉત્તર :-આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતનાં મમ્મી નીનાબહેનનુ છે. નીનાબહેન પોતાના પુત્ર અંક્તિને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યાં. સાથે રહીને બાળસહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુમ્બિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું.

બાળકને (અંકિતને) ટોકતા રહેવાનું, ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. નીનાબહેન માનતાં હતાં કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું.

(3) ‘રેસનો ઘોડો’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.

ઉત્તર :‘રેસનો ઘોડો’ એટલે ઘોડદોડની રેસ. એમાં જે ઘોડો પ્રથમ આવે તે વિજેતા ગણાય. આ વાર્તામાં વિનુકાકાના વિચારો આ જ વાતને સ્વીકારે છે. એ માટે તેમણે પોતાના પુત્ર સૌરભ અને પડોશીના પુત્ર અંક્તિ બંનેની શૈક્ષણિક કારકિર્દી ઘડવા સવિશેષ ધ્યાન આપ્યું. તેઓ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે, અખબારમાં તેમની મુલાકાત લેવાય, તેમના ફોટા આવે એવું તેઓ ઇચ્છતા હતા. એ માટે તેઓ આ બાળકોને ટપારતા, ઓછા માર્ક્સ આવે તો ઉતારી પાડતા. આવી તો કંઈ કેટલીય હરકતો તેમના દ્વારા બાળકો પર થતી.

એમાં તેમની મહેનત તેમના પુત્ર સૌરભ પર સફળ થઈ. તે રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હૉસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામના વધી. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી; પરંતુ ધીરે ધીરે તેના વર્તનથી માબાપ દુઃખી થઈ ગયાં. ઘડપણનો સહારો છૂટી ગયો અને સૌરભે સંપત્તિને વહાલી ગણી. આમ, સૌરભ શિક્ષણક્ષેત્રે ‘રેસનો ઘોડો’ જીતી ગયો, પણ સંસ્કારક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ ‘રેસનો ઘોડો’ શીર્ષક યથાર્થ છે.

પ્રકરણ – 4 ભૂલી ગયા પછી

લેખકનુ નામ :- રઘુવીર ચૌધરી

સાહિત્યપ્રકાર :- એકાંકી

(1) મનીષાનું પાત્રચિત્રણ કૃતિને આધારે લખો.

ઉત્તર :મનીષા એક શિકારી પિતા વિરાટની પુત્રી છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહિ અને તેઓ બંને લગ્ન કરી શક્યાં નહિ. જોકે, તેમનો પ્રેમ જળવાઈ રહ્યો.

એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું. ‘એક નાજુક અને નમણી કન્યા ખડતલ અને નિર્ભય ન થઈ શકે?’ એ વિષય પર મનીષાએ એક દિવસ ભાષણ આપેલું અને એની વિગત છાપામાં એના ફોટા સાથે છપાઈ હતી. આ હકીકતથી અજાણ નરેનને તેની ખબર પડી ત્યારે તેણે  ‘તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમસ્વરૂપ બની ગઈ, આત્મસ્વરૂપ બની ગઈ … ‘ એવા શબ્દોથી મનીષાને બિરદાવી.

મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદવિભોર થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. “તે મારા કરતાં પણ ચડિયાતી છે; કારણ કે તે મારી દીકરી છે’’ એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને “તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો!” એવા આશીર્વાદ આપ્યા. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો.

પ્રકરણ – 6 વાઇરલ ઇન્ફેક્શન

લેખકનુ નામ :- ગુણવંત શાહ

સાહિત્યપ્રકાર :- નિબંધ

(1) આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.

ઉત્તર:આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્યસંબંધી કોઈ ફરિયાદ ન હોય, તોપણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ, વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ.

તમાકુના ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે.

માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય ‘લવ થેરપી’ છે.

(2) લેખકે સૂચવેલાં સામાજિક જાગૃતિનાં પગલાં જણાવો.

ઉત્તર:લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવાં પગલાં લેવાં તેનાં કેટલાંક સૂચનો કર્યાં છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હૉસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. તમાકુના ગુટકા, ધૂમ્રપાન, વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ.

પ્રકરણ – 8 છત્રી

લેખકનુ નામ :- રતિલાલ બોરીસાગર

સાહિત્યપ્રકાર :- હાસ્ય – નિબંધ

(1) છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી – કેવી સલાહો મળી હતી?

ઉત્તર:-છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી.

( 1 ) લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખૂલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખવો.

(2) લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઇવર રાખે છે તેમ તેઓ આવો બે – ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે.

(3) તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણાં કરવાં ને પ્રભુભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે. એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે !

(4) તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખાવવું. જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે.

(2) અમદાવાદ – રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો.

ઉત્તર:-લેખક અમદાવાદ – રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રી ભૂલી ગયા હતા, પણ ભૂલથી લેખકની છત્રી આવી ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટથી આવ્યો ત્યારે તેમણે જાણ્યું કે તેઓ છત્રી ભૂલી ગયા હતા. તેમાં પત્રલેખકે માફી માગી હતી અને એમની છત્રી લેખક પાસે ન આવી હોય તોપણ તેમની છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું.

હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું? એમાં રાજકોટ જવા-આવવાનાં બસભાડાં અને રિક્ષાભાડાંના તથા ચા-પાણી-નાસ્તો વગેરેના મળીને ત્રણસો-સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. આથી છેક રાજકોટ છત્રી લેવા જવું એ વ્યવહારુ નહિ, પણ મૂર્ખામીભર્યું કહેવાય એવો સૌનો મત હતો; પરંતુ છત્રી પરત કરવાની પત્રલેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એ વિચારથી લેખક મક્કમ રહ્યા. આથી તેઓ રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો.

વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા, પણ અમદાવાદ ઊતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા! ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તેઓ તરત બસની ઑફિસે ગયા, પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી. આમ કરવા જતાં રિક્ષાભાડાના જવા-આવવાના બીજા એંશી રૂપિયા થયા. આમ, ‘તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ’ એ કહેવત જેવું થયું.

પ્રકરણ – 10 ડાંગવનો અને …

લેખકનુ નામ :- મહેન્દ્રસિંહ પરમાર

સાહિત્યપ્રકાર :- લલિત નિબંધ

(1) આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો.

ઉત્તર :-આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવવસવાટની ઝાંખી કરાવતાં ધરો લાલ પર્ણોનાં હોય તેવાં લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી (રસ્તો) સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ (લીલાશ) છે. એ બંનેનો તોર (મિજાજ) સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દશ્ય નયનરમ્ય છે.

પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ – ગંધ – અવાજના ત્રિવિધ રૂપની, ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દશ્ય – શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વનસંપદાની મનોહર દુનિયા છે.

પ્રકરણ – 12 ચોપડાની ઇન્દ્રજાળ

લેખકનુ નામ :- ચન્દ્રકાંત પંડ્યા

સાહિત્ય પ્રકાર :-  આત્મકથા – ખંડ

(1) જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો.

ઉત્તર :- અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણ સો રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવાં માઠાં વર્ષ ગયાં હોય અને પાક સારો ઊતર્યો હોય તોપણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડાં, ડાંગર,કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી તેનું બારમું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુઋતુનાં ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો.

લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણાં બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાતદિવસ કાળી મજૂરી કરતો તોપણ તેનાં છોકરાં ભૂખે મરતાં. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.

(2) રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું?

ઉત્તર :- જીવલાને ત્યાંથી પાછા ફરતાં લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું, ‘બોડીને તાં વળી કાંહકી કેવી?’ આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી . એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યાં. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું.

જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીટીકીને જોતા હતા એ દશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૂ.1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાનાં બધાં પાનાં ફાડી નાખી તેને લેણાંમાંથી મુક્ત કર્યો.

પ્રકરણ – 14 જન્મોત્સવ

લેખકનુ નામ :- સુરેશ જોષી

સાહિત્ય પ્રકાર :-  નવલિકા

(1) નિજમંદિરમાં ઊભું કરેલું કૃષ્ણજન્મોત્સવનું દશ્ય વર્ણવો.

ઉત્તર : અસિતે પોતાના ટેક્નોલૉજિકલ જ્ઞાનના આધારે વીજળીની તરકીબથી કૃષ્ણજન્મોત્સવનું દૃશ્ય નિજમંદિરમાં ખડું કર્યું હતું. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો, દેવકીના ખોળામાં, બાળકરૂપે ઝૂલવા લાગ્યો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા સમદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિભાસ સૂર છેડ્યા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઈપૂર્વક કરી હતી.

વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળતાં દેવકી કરગરવા લાગી. આખરે વસુદેવે કૃષ્ણને હળવેકથી છાબમાં મૂક્યા. અંગૂઠો ધાવતા, વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવનમોહક હાસ્ય હતું. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતાં જ કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો, જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. ગોપબાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી, સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો, શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.

(2) નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો.

ઉત્તર : ‘જન્મોત્સવ’ વાર્તામાં સમયના એક જ બિંદુ પર, કૃષ્ણ અને કિસનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણજન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, કિસનના જન્મ વખતે કરુણા ને મજબૂરી છે. કિસનને લઈને કાનજી અને દેવજી વરસાદનાં પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો, કિસનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિસનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માગે છે.

બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતાં નથી. કિસનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારુણ ગરીબી છે, ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણજન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિસનનો જન્મ છે, બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા!

પ્રકરણ – 16 ગતિભંગ

લેખકનુ નામ :- મોહનલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  લઘુકથા

(1) પુત્રી ખોયાની માતા – પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કર્યો.

ઉત્તર : રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યાં હતાં. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી. અંતે માતાને આંગળાંની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ.

ખેતરે જતાં અને આવતાં આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે. ‘ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય.’ એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે, પણ તે ય પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહિ. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી. પતિ – પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતાં પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે.

પ્રકરણ – 18 ભૂખથીય ભૂંડી ભીખ

લેખકનુ નામ :- પન્નાલાલ પટેલ

સાહિત્ય પ્રકાર :-  નવલકથા-અંશ

(1) આ વાતને આધારે કાળુનું પાત્રાલેખન કરો.

ઉત્તર : ‘માનવીની ભવાઈ’ નવલકથાનાં મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છે. છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યાં છે. જાતિએ ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે. પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લંબાવ્યો નથી, પણ આ દુકાળે તો કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસનહસ કરી નાખ્યાં છે. ભૂખને લીધે એની આંખો ઊંડી ઊતરી ગઈ છે. ભીખ માંગવી એ તેના સ્વભાવમાં નથી.

આ પરિસ્થિતિમાં ડેગડિયાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો? ભીખ માંગવાની? રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. એ હતાશાથી કહે છે કે ધરતી પર પ્રલય થવા બેઠો છે એમાં કોઈ જીવવાનું નથી. ભીખ માટે કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર સમા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઊઠે છે. “દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવાનો! ધિક્કાર છે આ અવતારને! ધિક્કાર છે આ જીવવુંય! ”

સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતાં ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી – તકિયા પાથ૨વાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. આથી સુંદરજી શેઠ પર એને માન થયું અને પોતાના વિચારો એને બાલિશ લાગ્યા. એણે દોઢ પાશેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઊઠ્યું. એને થયું આ તો બાવાનાં બેય બગડ્યાં જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. એને સતત લાગે છે કે એમનું નસીબ જ કાણું છે ને ખોબોય કાણો છે.

આમ, કાળુની વેદના તેનાં વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ આખો દિવસ લવારો કર્યા કરે છે. એણે સાચું જ કહ્યું હતું કે “ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે!” લેખકે અંતમાં ભલભલાના હૃદયને કંપાવી મૂકી તેવી કાળુની મનઃસ્થિતિ વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે : “નથી વેઠાતાં, રામ ભૂખોય નથી વેઠતી ને આ ભીખોય! માટે ઝીંકવા માંડ! પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય.”

(2) આ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો.

ઉત્તર : બાર – બાર માસથી વરસાદ વરસ્યો નહોતો, મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી, પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલાં બધાં શબને દાટવાં ક્યાં? બાળવાં ક્યાં? ભૂખે માનવીઓનાં હાડમાંસ ગાળી નાખ્યાં હતાં.

ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાશેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતાં કપડાં નહોતાં. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું , “ભૂંડામાં ભૂંડી ભૂખ નહિ, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.” કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે .

( 3) રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો.

ઉત્તર : દુકાળની ભીષણતાથી ગામનાં સૌ દુઃખી અને પરેશાન હતાં, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે, બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી  “મનેય તમારે મારી નાખવી છે!” એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે.

રાજુ પણ જાણે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઈ વળવાનું નથી. એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાશેર ખીચડી માટે? ધિક્ પડ્યો એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવુંય!” તથા “આપણું કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.” કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચિડાઈને કાળુને ઠપકો આપતાં કહે છે : “ડાકણ ભૂખ નથી , પણ ડાકણ ચિંતા છે. માનવીનાં કાળજાંને ખોતરી ખાય છે.” કાળુના આ શબ્દો  આપણાં ગુમાન અને આતમાનેય ઓગાળી નાખે છે , પાણી કરી દે છે.” રાજુને બેચેન કરી મૂકે છે.

કાળુને ધમકાવી, તેનું બાવડું ઝાલીને હડસેલતી ‘છાનામાના ઘરે હેંડો ’ એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ, એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે.

પ્રકરણ – 20 વિરલ વિભૂતિ

લેખકનુ નામ :- આત્માર્પિત અપૂર્વજી

સાહિત્યપ્રકાર :- ચરિત્ર નિબંધ

(1) ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો.

ઉત્તર : ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદ્દ્ની સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે. ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મસંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. શ્રીમદજીની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દૃઢ થયા હતા. ગાંધીજીએ શ્રીમદજીના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદલિખિત કાવ્ય ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?’ ‘આશ્રમ ભજનાવલિ’માં સ્થાન પામ્યું છે. આ દષ્ટિએ જોતાં એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા.

પ્રકરણ – 22 હિમાલયમાં એક સાહસ

લેખકનુ નામ :- જવાહરલાલ નેહરુ

સાહિત્યપ્રકાર :- પ્રવાસ નિબંધ

(1) પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો.

ઉત્તર :- જવાહરલાલ નેહરુએ હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડયું. તેમણે પોતાની સાથે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભોમિયો સાથે લીધાં. અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો છતાં તેમને ઊલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તોપણ હિંમત કરીને આગળ વધતા ગયા. બાર કલાકના સતત ચડાણના  અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું. હિમાચ્છાદિત  શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દૃશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમસરોવર ઓળંગવું પડે; પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતાં લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા, પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા.

(2) લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો.

ઉત્તર :- ઝોજીલા ઘાટ તરફની સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો તો બંને બાજુ પહાડો ઊભા હતા. તેમનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. હિમના નાના નાના પ્રપાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઊતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી. આગળ જાઓ તો હિમાલયની આસપાસનાં વૃક્ષો અને વનસ્પતિ અદૃશ્ય થઈ જાય, પછી માત્ર ખડક, હિમ અને બરફ, ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. આ જંગલી અને વેરાન પ્રકૃતિમંદિરો જોઈને સંતોષ થાય. સતત ચડાણ ચઢો તો નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાય. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું.

પ્રકરણ – 24 ઘોડીની સ્વામીભક્તિ

લેખકનુ નામ :- જોરાવરસિંહ જાદવ

સાહિત્યપ્રકાર :- લોકકથા

(1) ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.

ઉત્તર : આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી પોતાને ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પા૨ કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો, એમ વિચારીને આંબા પટેલે કેડ્યે બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી; પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું.

ઢેલ ઘોડી તો જેમતેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરાં ફુલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી.

આમ, જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઢેલ ઘોડી જાતવાન હતી. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી.

Plz share this post

One Reply to “ધોરણ ૧૦ ગુજરાતી વિભાગ – A(ગદ્ય વિભાગ) ૪ ગુણના પ્રશ્નોના ઉત્તરો”

Leave a Reply