ધો.10 વિજ્ઞાન ગાઇડ પ્ર – 2 એસિડ,બેઇઝ અને ક્ષાર (std 10 science guide) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.
સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો પેજ નંંબર – 34
std 10 science guide
( 1 ) એક દ્રાવણ લાલ લિટસમને ભૂરુ બનાવે છે. તેની pH લગભગ ………હશે.
(A) 1 (B) 4 (C) 5 (D) 10
ઉત્તર :- (D) 10
( 2 ) એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચુનાના પાણીને દૂધિયુ બનાવે છે, તો દ્રાવણ ……..ધરાવે છે
(A) NaCl (B) HCl (C) LiCl (D) KCl
ઉત્તર :- (B) HCl
( 3 ) 10 mL NaOHના દ્રાવણનું 8 mL આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે.જો આપણે તે જ NaOH નું 20 mL દ્રાવણ લઇએ, તો તેને તટસ્થીકરણ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ………. .
(A) 4 mL (B) 8 mL (C) 12 mL (D) 16 mL
ઉત્તર :- (D) 16 mL
( 4 ) અપચાના ઉપચાર માટે નીચેની પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?
(A) એન્ટિબાયોટિક(પ્રતિજીવી) (B) એનાલ્જેસિક(વેદનાહર) (C) એન્ટાસિડ(પ્રતિએસિડ) (D) એન્ટિસેપ્ટિક(જીવાણુનાશી)
ઉત્તર :- (C) એન્ટાસિડ(પ્રતિએસિડ)
( 5 ) નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલાં શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો.
(a) મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં,
(b) મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં,
(c) મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં,
(d) મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં,
ઉત્તર :-
(a) ઝિંક + મંદ સલ્ફ્યુરિક એસિડ → ઝિંક સલ્ફેટ + હાઇડ્રોજન વાયુ
Zn(s) + H2SO4 (aq) → ZnSO4(aq) + H2(g) ↑
(b) મેગ્નેશિયમ + મંદ હાઇડ્રોક્લોરિક એસિડ → મેગ્નેશિયમ ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ
Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) +H2 (g) ↑
(c) એલ્યુમિનિયમ + મંદ સલ્ફ્યુરિક એસિડ → એલ્યુમિનિયમ સલ્ફેટ + હાઇડ્રોજન વાયુ
Al(s) + H2SO4 (aq) → Al2(SO4)3(aq) + H2(g) ↑
(d) લોખંડ + મંદ હાઇડ્રોક્લોરિક એસિડ → આયર્ન ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ
Fe(s) + 2HCl(aq) → FeCl2(aq) +H2 (g) ↑
( 6 ) આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવાં સંંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી.તે સાબિત કરવા માટે એક પ્રવૃતિ વર્ણવો.
ઉત્તર :-
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ ઉમેરો અને અવલોક્ન નોંધો.ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનુ દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો.
અવલોકન :- બન્ને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બન્ને દ્રાવણોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો નથી.
આ પ્રયોગ સૂચવે છે કે, આલ્કોહોલ અને ગ્લુકોઝનુ આયનીકરણ થતું નથી.પરિણામે H+ આયનો મુકત થતા નથી. જયારે એસિડના દ્રાવણમાં H+ આયનો મુકત થતા હોવાથી તેના દ્રાવણોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આમ, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવાં સંંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી.
( 7 ) શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે, જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે?
ઉત્તર :- નિસ્યંદિત પાણીએ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ, નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે.
( 8 ) શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી?
ઉત્તર :- પાણીની ગેરહાજરીમાં એસિડ H+(aq) આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+(aq) આયનો જવાબદાર છે. આમ, પાણીની ગેરહાજરીમાં એસિડ H+(aq) આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી.
( 9 ) પાંચ દ્રાવણો A,B,C,D અને Eને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં તે અનુક્રમે 4,1,11,7 અને 9 pH દર્શાવે છે, તો કયુ દ્રાવણ …….
(a) તટસ્થ હશે? (b) પ્રબળ બેઝિક હશે? (c) પ્રબળ એસિડિક હશે? (d) નિર્બળ એસિડિક હશે? (e) નિર્બળ બેઝિક હશે? pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.
ઉત્તર :- (1) (a) દ્રાવણ D તટસ્થ હશે. (b) દ્રાવણ C પ્રબળ બેઝિક હશે. (c) દ્રાવણ B પ્રબળ એસિડિક હશે. (d) દ્રાવણ A નિર્બળ એસિડિક હશે. (e) દ્રાવણ E નિર્બળ બેઝિક હશે.
(2) pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં નીચે પ્રમાણે ગોઠવી શકાય.
pH :- 11 < 9 < 7 < 4 < 1
હાઇડ્રોજન આયનની સાંદ્રતા :-
10-11 < 10-9 < 10-7 < 10-4 < 10-1
( 10 ) કસનળી A અને Bમાં સમાન લંબાઇની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી Aમાં હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) ઉમેરવામાં આવે છે અને કસનળી Bમાં એસિટિક એસિડ (CH3COOH) ઉમેરવામાં આવે છે. કઇ કસનળીમાં અતિ તીવ્ર H2(g)ના ઊભરા મળે છે? શા માટે?
ઉત્તર :- હાઇડ્રોક્લોરિક એસિડ (HCl) એ એસિટિક એસિડ (CH3COOH) કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl– આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ ઉત્પન્ન થાય છે.આથી કસનળીમાં અતિ તીવ્ર H2(g)ના ઊભરા મળે છે.
( 11 ) તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીમાં રૂપાંતર થાય, તો તેની pH ના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો.
ઉત્તર :- દૂધનું જયારે દહીમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે.તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહી સ્વાદે ખાટું લાગે છે.
( 12 ) એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.(a) તે તાજા દૂધની pHને 6 થી ઓછી બેઝિક તરફ શા માટે ફેરવે છે? (b) શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?
ઉત્તર :- (a) તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો pHનું મૂલ્ય 6થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. (b) દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતાં દૂધ બેઝિક બને છે.તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.
( 13 ) પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુકત પાત્રમાં સંગૃહીત કરવું જોઇએ.શા માટે? સમજાવો.
ઉત્તર :- પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુકત પાત્રમાં સંગૃહીત કરવું જોઇએ, કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસનો ગુણ ધરાવતો નથી.
( 14 ) તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? બે ઉદાહરણ આપો.
ઉત્તર :- જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.
એસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
NaOH + HCl → NaCl + H2O
બેઇઝ એસિડ ક્ષાર પાણી
2KOH + H2SO4 → K2SO4 + 2H2O
બેઇઝ એસિડ ક્ષાર પાણી
( 15 ) ધોવાના સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો લખો.
ઉત્તર :- ધોવાના સોડાના ઉપયોગો:-
- કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં.
- બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં.
- ઘરમાં સફાઈકર્તા તરીકે.
- પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે.
- કાગળ અને કાપડ ઉદ્યોગમાં.
- પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે
બેકિંગ સોડાના ઉપયોગો:-
- તેને ગરમ કરવામાં આવે ત્યારે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદભવતા CO2 વાયુને લીધે પાઉં,કેક તથા ભજીયા ફૂલે છે પરિણામે તે નરમ અને પોચા બને છે.
- એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે.
- સોડા ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા.
- ચેપ નાશક તરીકે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.
- ઘરગથ્થુ ઉપયોગ તરીકે