ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 10 ભારત – કૃષિ (std10 social science ch10) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

(1) કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છ છે :1.જીવનનિર્વાહ ખેતી, 2. સૂકી (શુષ્ક) ખેતી, 3.આર્દ્ર (ભીની) ખેતી, 4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, 5.બાગાયતી ખેતી, 6. સધન ખેતી

1. જીવનનિર્વાહ ખેતી : જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે ‘આત્મનિર્વાહ ખેતી’ કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.

→ ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે.→ વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.

→ અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે.→ ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

2. સૂકી (શુષ્ક) ખેતી : જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં ‘સૂકી ખેતી’ કરવામાં આવે છે.
→ આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.→ અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.→ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

3. આર્દ્ર (ભીની) ખેતી: જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં ‘આર્દ્ર ખેતી’ થાય છે.→ વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.→ અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.

4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી: ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.→ તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.
→ બે – ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે; આ પદ્ધતિને ‘સ્થળાંતરિત’ કે ‘ઝૂમ ખેતી’ પણ કહે છે.→ અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે.→ આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

5. બાગાયતી ખેતી :સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા મૂઢ માટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે.→ તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.

→ તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.→ અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.→ આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબુ, ખારેક (ખલેલા) વગેરે ફ્ળોની ખેતી કરવામાં આવે છે.

6. સઘન ખેતી : જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ – ઉત્પાદન કરી શકે છે.
→ તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે.→ આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.

→ તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.→ સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.→ તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને ‘વ્યાપારી ખેતી’ પણ કહે છે.

(2) ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

ઉત્તર:-ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છેઃ

→ જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારને જમીનમાલિકીનો હક આપવામાં આવ્યો છે.→ જમીન ટોચ મર્યાદા દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.

→ ‘જમીન એકત્રીકરણ કાર્યક્રમ’ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે.

→ ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.→ બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે.

→ ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

→ દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ – વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે.

→ સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.

(3) ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

ઉત્તર:-વૈશ્વિકીકરણની કૃષિક્ષેત્રે નીચે પ્રમાણે અસરો થઈ છેઃ

→ ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત – નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.→ તેના પરિણામે ગુજરાતનાં કપાસ, મરચાં, તલ વગેરે ચીનનાં બજારોમાં અને વિશ્વનાં વિવિધ ફળો ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યાં છે.

→ આ સંજોગોમાં ખેતપેદાશોનાં પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે.→ આપણાં કૃષિ – ઉત્પાદનોને પરદેશથી આવતાં એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઊતરવું પડે છે.

→ વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું ‘પેટન્ટ’ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે.

→ વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતાં મોંઘાં ભાવનાં ‘જીનેટિકલી મૉડિફાઇડ’ બી.ટી. બિયારણો ભારતમાં મળવા લાગ્યાં છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે, એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે.

(4) ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.

ઉત્તર:-ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો ધાન્ય પાક ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે.→ ભારતની ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.

→ તે દેશના ઉત્તર – પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે.→ ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવી પાક છે.

→ તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 ° સે જેટલું અને લણણી વખતે 20 થી 25 ° સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.

→ ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.

→ હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે.→ ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે.→ ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં – ઉત્પાદનનો ²/3 ભાગ આ રાજ્યોનો હોય છે.

→ આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ઘઉંનો કોઠાર’ કહેવાય છે.→ આ ઉપરાંત, ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.

→ ગુજરાતના ભાલ પ્રદેશમાં ‘ભાલિયા ઘઉં’ થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્ત્વોની દૃષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં તત્ત્વો હોય છે.

→ ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને ‘અનાજનો રાજા’ કહેવામાં આવે છે.→ ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.

(5) ‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો.

ઉત્તર:-ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.

→ આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફ્ળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે.

1. મગફળી : → બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

→ તેના પાને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 સે જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.→ તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.

→ તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. મગફ્ળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.→ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.→ ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાઘતેલ તરીકે વધારે વપરાય છે.

2. તલ : → તેનો પાક વર્ષા આધારિત છે.→ આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.→ તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.

→ તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં થાય છે. બધા તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.

(1) જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે?

ઉત્તર:-જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.

(2) તફાવત આપો : ખરીફ પાક – રવિ પાક

ઉત્તર:-

(3) ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.

ઉત્તર:-ભારતના અર્થતંત્રમાં કૃષિપ્રવૃત્તિનું બહુ મહત્ત્વનું યોગદાન છે , જે નીચે પ્રમાણે છે :

→ કૃષિપ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે.→ તે દેશના 60 % લોકોને રોજગારી પૂરી પાડે છે.→ તે રાષ્ટ્રીય આવકનો 22 % જેટલો હિસ્સો આપે છે.

→ તે દેશના કુલ ઘરેલું પેદ્યશ ( GDP ) નો લગભગ 17 % હિસ્સો ધરાવે છે.→ તે નિકાસ વ્યાપાર માટે ચા, કૉફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિપેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.

→ તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.→ તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે.→ કૃષિ – ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.

(4) ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક – સમજાવો.

ઉત્તર:-ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે.→ ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે.→ વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર ઉષ્ણ કટિબંધનો ખરીફ પાક છે.સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે.

તેને નદીઓના મેદાનની કે મુખત્રિકોણપ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુતમ 20 ° સે તાપમાન માફક આવે છે.

→ ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં વર્ષમાં તેના બે પાક લેવામાં આવે છે.

→ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે.ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે.

→ ભારતની લગભગ 50 % વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

(1) મકાઈનો ઉપયોગ જણાવો.

ઉત્તર:-(1) ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.(2) મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે.(3) મકાઈનો પશુઆહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્યતેલમાં ઉપયોગ થાય છે.

(2) કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.

ઉત્તર:-કૉફીના પાકને 15 ° થી 28 ° સે જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે.કૉફીના છોડને પહાડી ઢોળાવ પર, સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે.

( 3 ) ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને ક્યો પાક લેવાય છે?

ઉત્તર:- ભાલ પ્રદેશમાં સૂકી (શુષ્ક) ખેતી  થાય છે અને ઘઉં અને ચણાનો પાક લેવાય છે.

(4) હરિયાળી ક્રાંતિ એટલે શું?

ઉત્તર:-સુધારેલાં બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ – ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને ‘હરિયાળી ક્રાંતિ’ કહે છે.કૃષિ – ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો.હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે.

(5) કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનાં નામ લખો.

ઉત્તર:-

1. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ ( Natural Agri cultural Co – operative Marketing Federation of India – NAFED )

2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ ( Gujarat Co – operative Oilseeds Growers’ Federation – GROFED )

3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ( National Dairy Development Board – NDDB )

4. ગુજરાત સ્ટેટ કૉ – ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ ( GUJCOMASOL ) વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

(1) નીચેનામાંથી કઈ ખેતીમાં હૅક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે?

(A) બાગાયતી ખેતી (B) ઝૂમ ખેતી(C) સઘન ખેતી (D) આર્દ્ર ખેતી

ઉત્તર:-(B) ઝૂમ ખેતી

(2) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી.

(A) સજીવ ખેતી (B) મિશ્ર ખેતી(C) બાગાયતી ખેતી (D) ટકાઉ ખેતી

ઉત્તર:-(A) સજીવ ખેતી

(3) મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે?

(A) કેરલ (B) તામિલનાડુ(C) મધ્ય પ્રદેશ (D) ગુજરાત

ઉત્તર:-(D) ગુજરાત

(4) ચૉકલેટ શાનામાંથી બને છે?

(A) તલ (B) કોકો (C) રબર (D) ચા

ઉત્તર:-(B) કોકો

(5) નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે?

(A) ઈસબગુલ (B) મેથી (C) સરસવ (D) ધાણા

ઉત્તર:-(A) ઈસબગુલ

(6) નીચેનામાંથી ક્યું કઠોળ રવી પાક છે?

(A) અડદ (B) મગ (C) ચણા (D) મઠ

ઉત્તર:-(C) ચણા


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2
ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 સાચુ કે ખોટું
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ
ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું
ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


Plz share this post

Leave a Reply