ઉનાળાનો બપોર / ગ્રીષ્મ નો મધ્યાહન

ઉનાળાનો બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહ્ન વિષય પર નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં નિબંધ લખો.

ઉનાળાનો બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહ્ન અથવા

વૈશાખી વાયરા વાયા અથવા બળબળતા જામ્યા બપોર

મુદ્દા : ઉનાળાના બપોરનો વૈભવ – બપોરે વ્યાપેલી નિર્જનતા – પશુપંખીઓ પર અસર – માણસો પર અસર – ઉનાળાના લાભો – ઉપસંહાર

“આવો આવ્યો બળબળ થતો, દેખ જોગી ઉનાળો,

વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગનઝાળો.”

શ્રી ઉમાશંકર જોશીએ આ કાવ્યપંક્તિઓમાં ધોમધખતા ઉનાળાનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. ઉનાળાનો બપોર એ પ્રકૃતિનું એક રોદ્ર રૂપ છે. ઉનાળાના બપોરે સૂર્ય ધગધગતા અગનગોળા જેવો હોય છે. તેમાંથી અગ્નિની સેરો છૂટતી હોય એવું લાગે છે. આકાશ એકદમ સ્વચ્છ અને સ્તબ્ધ થઈ ગયેલું હોય છે. કોઈક વાર આકાશમાં એકાદ  શ્વેત વાદળી કે ચકરાવો લેતી સમડી દેખાય છે. પણ તે સિવાય આકાશમાં શુન્યતા જ નજરે પડે છે.

ઉનાળાના ધોમધખતા બપોરે સમગ્ર વાતાવરણ ધગધગતી ભઠ્ઠી જેવું બની જાય છે. ગામડાંનાં ભાગોળ, ચૌટાં, ગલીઓ, શેરીઓ અને શહેરોના રાજમાર્ગો સૂમસામ બની જાય છે. કામ સિવાય કોઈ પણ માણસ બહાર ફરકતો નથી. પશુપક્ષીઓ છાંયડાનો આશ્રય શોધે છે. ભેંસો તળાવના કાદવમાં પડી રહે છે તો ગાયો કોઈ ઘટાદાર વડલા કે લીમડાનો આશરો લે છે. કૂતરાં અને ઘેટાં-બકરાં પણ ખૂણે-ખાંચરે છાંયડો શોધીને લપાઈ જાય છે. જ્યારે રાની પશુઓ બોડમાં કે વૃક્ષોની છાયામાં પડ્યાં રહે છે.

આમ, ગ્રીષ્મની અસહ્ય ગરમીથી પ્રાણીમાત્ર ત્રાહિમામ પોકારી ઊઠે છે.

ગ્રીષ્મઋતુમાં તળાવો અને કૂવાઓ ૫૨ સૂનકાર છવાઈ જાય છે, ખેતરો નિર્જન બની જાય છે. વાહનવ્યવહાર અને ધાંધલ-ધમાલથી કાયમ ધમધમતાં રહેતાં શહેરો ઉનાળાના બપોરે નિષ્ક્રિય અને નીરવ થઈ જાય છે. સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે. આવા બળબળતા બપોરે લૂ લાગવાથી કેટલાય માણસો અને પશુપખીઓ તરફડીને મૃત્યુ પામે છે. ધરતી પણ ઊના નિ:શ્વાસ નાખી રહી હોય એવું લાગે છે.

આકાશમાંથી ઉગ્ર તાપ વરસી રહ્યો હોય ત્યારે મનુષ્યની અવદશાનો પાર રહેતો નથી. વૈશાખના બળબળતા બપોરે તે પોતાની પ્રવૃત્તિઓ થંભાવી દે છે. વગડામાં ધણને ચરાવવા નીકળેલા ગોવાળિયાઓ વડ કે પીપળાના છાંયડામાં વિશ્રામ કરે છે. કેટલાક લોકો માથે ભીનાં પોતાં મૂકે છે. બારીબારણાં પર ખસની ટટ્ટીઓ લટકાવવામાં આવે છે. શહેરોમાં લોકો વીજળીના પંખા, એરકૂલર અને એરકંડિશનર વડે ગરમી સામે રક્ષણ મેળવે છે.

તાપ અને ઉકળાટથી બચવા માટે કેટલાક લોકો માથેરાન, મહાબળેશ્વર કે માઉન્ટ આબુ જેવાં હવા ખાવાનાં સ્થળે (Hill Station) જાય છે. તન અને મનને ટાઢક આપવા માટે લોકો ઠંડાં પીણાંની તેમજ આઇસક્રીમની મોજ માલે છે. ગ્રીષ્મને પોતાનું આગવું સૌંદર્ય પણ છે. ચારે બાજુ ગરમાળો, ગુલમહોર, કેસૂડો, નીમમંજરી અને આમ્ર-મંજરી મહોરી ઊઠે છે. જાંબુ, કેરી, કલિંગર, સક્કરટેટી જેવાં મધુર અને ઠંડા ફ્ળો ગ્રીષ્મઋતુ પાસેથી આપણને મળતી ઉત્તમ બક્ષિસ છે.

કાકાસાહેબ કાલેલકર જેવા પ્રકૃતિપ્રેમીએ ગ્રીષ્મના મધ્યાહ્નમાંય રસ, સૌંદર્ય અને કાવ્યનું દર્શન કર્યું છે. ઋતુચક્રને નિયમિત ફરતું રાખવા માટે ગ્રીષ્મનું આગમન અનિવાર્ય છે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

Leave a Reply