મારું વતન ગુજરાતી નિબંધ

મારું વતન વિષય પર નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં નિબંધ લખો.

મારું વતન

મુદ્દા : પ્રસ્તાવના – વતનની વિશેષતા – વતનપ્રેમના સંસ્મરણો – ઉપસંહાર

માતા અને માતૃભૂમિ (વતન) તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એનાં ઋણી છીએ. માતૃભૂમિ (વતન) સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની છેઃ માતૃભાષા અને માતૃસંસ્થા (શાળા)

આજે વતનથી ઘણો દૂર છું પણ વતનનાં સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડીરૂપે સચવાયેલાં પડ્યાં છે. મારું ગામ શમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે, તે ઐતિહાસિક છે. ચાર યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, છ દરવાજા છે. કીર્તિતોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની બે બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકીયુગનું મંદિર છે. આજુબાજુ એટલાં બધાં મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત!

મા મીઠી છે, તો માતૃભૂમિ (વતન) પણ મીઠી છે બાળપણનાં મિત્રો, શાળાજીવનનાં વર્ષે, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હ્રદય સાથે જડાઈ ગયેલાં છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક – સામાજિક કે રાજકીય દૃષ્ટિએ સમૃદ્ધિ ને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આળોટ્યાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી.

વતને શું નથી આપ્યું? શું ભૂલું, શું યાદ કરું? મા – બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી – વડીલોએ શીખવેલાં કર્તવ્યનિષ્ઠા ને ઉત્તરદાયિત્વ! વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી, જયારે જરૂર પડી ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવાં મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે.

તળાવ – વાવ તેમજ મંદિરો એના જૂના ઈતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂનાં શિલ્પો છે, સ્થાપત્યની દૃષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે. કુમારપાળે અગિયારમી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે.

‘માણ્યું એનું સ્મરણ કરવું,

એય છે એક લ્હાણું.’

ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહોજલાલીનો સુવર્ણકાળ! સ્મરણપોથીનું એક – એક પૃષ્ઠ કેટલું મજાનું! યાદ કરીને, સંસ્મરણોનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી! આદિલ મનસૂરીએ પોતાનું વતન છોડતાં રચેલી પંક્તિઓ યાદ આવે છે:

વતનની ધૂળથી માથું ભરી દઉં ‘આદિલ’,

ફરી આ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

Leave a Reply