Std 10 Social Science Imp Questions Section D

Std 10 Social Science Imp Questions Section D

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન વિષય (વિભાગ D)મા Std 10 Social Science Imp Questions Section D MARCH 2024 બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.

વિભાગ માં આપેલ પ્રશ્ન નં. 47 થી 53 પૈકી 7 પ્રશ્નોમાંથી કોઇપણ 4 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. પ્રશ્નનંબર 54 નકશાપૂર્તિનો છે, જે ફરજિયાત છે. દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે.

પ્ર-5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

(1) પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.

ઉત્તર :→ પ્રાચીન ભારતની સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.

→ 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.→ આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ (શિવ) નું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ (તમિલનાડુ) ના સંગ્રહાલયમાં સંગૃહીત છે.

→ ચેન્નઈ (તમિલનાડુ) ના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.

→ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.→ ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતશિલ્પોમાં મહત્ત્વનાં ગણાય છે.

(2) પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

ઉત્તર :→ પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે.→ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધિઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.→ તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.

→ પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.→ નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.→ રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્યરસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7½ ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધપ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.

→ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ (લોહસ્તંભ) ઊભો કરાવ્યો હતો.→ આજ દિન સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગતો નથી.તે રસાયણવિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે.

(3) વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.

ઉત્તર:→ ભારતીય વૈદકશાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી.→ વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરકસંહિતા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન કર્યુ છે.

→ મહાન વૈદકશાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતહિતા’ નામ ગ્રંથમાં શલ્યચિકિત્સા (વાઢકાપ-વિદ્યા–શસ્ત્રક્રિયા) માટેનાં ચાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને ભાગ કરી શકતાં હતાં.

→ પ્રાચીન ભારતના હિંદુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ, વનસ્પતિજ પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાનું ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમના ઉપયોગ કરવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.

→ ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી, રક્ત પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા.તેઓ પેઢુ અને મૂત્રાશયના ઑપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસ મસા નાબૂદ કરતા.

→ તેઓ ભાંગેલાં અને ઊતરી ગયેલાં હાડકાં બેસાડી દેતાં તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા→ તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક-કાન સાંધવાની ‘પ્લાસ્ટિક સર્જરી’ જાણતા હતા.

→ તેઓ વાઢકાપનાં હથિયારો બનાવતા તેમજ મીણનાં પૂતળાંના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઑપરેશનનું પ્રત્ય જ્ઞાન આપતા.પ્રસૂતિ વેળા જોખમી ઑપરેશનો કરતાં પણ તે અચકાતા નહિ.→ તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.

→ પ્રાચીન ભારતના વૈદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિક્સાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્ય હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે.→ વૈદકશાસ્ત્રના મહાન લેખક વાગ્ભટ્ટે અષ્ટાંગહ્રદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.

(4) પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.

ઉત્તર :પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી.

ભારતે વિશ્વને શૂન્ય (0) ની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય (0) ની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ‘આર્યભટ્ટીયમ્’ ગ્રંથમાં  π(પાઈ)ની કિંમત 22/7(3.14) જેટલી થાય છે એવું જણાવ્યું હતું.

તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલક (ગોળા) ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π (પાઈ) છે.આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ કહેવામાં આવે છે.

આર્યભટ્ટ ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા. ‘આર્યસિદ્ધાંત’ ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો.

‘ગૃત્સમદ’ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.પ્રાચીન ભારતના ગણિશાસ્ત્રીઓએ 1 (એક) ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.

‘મોહેં-જો-દડો’ અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં ‘મેઘાતિથિ’ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો.

ઈ.સ. 1150 માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો.આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા.તેમણે + (સરવાળા) અને –(બાદબાકી) ની શોધો કરી હતી.

ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રો (ઈ.સ. 800 પૂર્વે) માં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.

(5) પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.

ઉત્તર :ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો.

ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું તે આર્યભટ્ટનું ખગોળવિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે.

તેમણે ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે’ તેમ સાબિત કર્યું હતું. જેને વિદ્વાનો ‘અજરભર’ નામથી સંબોધતા હતા.એજ રીતે બ્રહ્મગુપ્તે ‘બ્રહ્મસિદ્ધાંત’ ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે .

જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છેઃ → વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગોમાં વહેંચ્યું હતું.

→ વરાહમિહિરે તેમના ‘બૃહત્સંહિતા’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યનાં લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની માહિતી આપી છે.આમ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે.

Std 10 Social Science Imp Questions Section D

પ્રકરણ -10 ભારત – કૃષિ

(1) કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.

ઉત્તર:-ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છ છે :1.જીવનનિર્વાહ ખેતી, 2. સૂકી (શુષ્ક) ખેતી, 3.આર્દ્ર (ભીની) ખેતી, 4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, 5.બાગાયતી ખેતી, 6. સધન ખેતી

1. જીવનનિર્વાહ ખેતી : જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે ‘આત્મનિર્વાહ ખેતી’ કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.

→ ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે.→ વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.

→ અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે.→ ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

2. સૂકી (શુષ્ક) ખેતી : જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં ‘સૂકી ખેતી’ કરવામાં આવે છે.
→ આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.→ અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.→ ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

3. આર્દ્ર (ભીની) ખેતી: જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં ‘આર્દ્ર ખેતી’ થાય છે.→ વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.→ અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.

4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી: ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.→ તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.
→ બે – ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે; આ પદ્ધતિને ‘સ્થળાંતરિત’ કે ‘ઝૂમ ખેતી’ પણ કહે છે.→ અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે.→ આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

5. બાગાયતી ખેતી :સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા મૂઢ માટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે.→ તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.

→ તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.→ અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.→ આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબુ, ખારેક (ખલેલા) વગેરે ફ્ળોની ખેતી કરવામાં આવે છે.

6. સઘન ખેતી : જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ – ઉત્પાદન કરી શકે છે.
→ તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે.→ આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.

→ તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.→ સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.→ તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને ‘વ્યાપારી ખેતી’ પણ કહે છે.

(2) ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

ઉત્તર:-ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છેઃ

→ જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારને જમીનમાલિકીનો હક આપવામાં આવ્યો છે.→ જમીન ટોચ મર્યાદા દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.

→ ‘જમીન એકત્રીકરણ કાર્યક્રમ’ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે.

→ ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.→ બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે.

→ ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

→ દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ – વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે.

→ સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.

(3) ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

ઉત્તર:-વૈશ્વિકીકરણની કૃષિક્ષેત્રે નીચે પ્રમાણે અસરો થઈ છેઃ

→ ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત – નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.→ તેના પરિણામે ગુજરાતનાં કપાસ, મરચાં, તલ વગેરે ચીનનાં બજારોમાં અને વિશ્વનાં વિવિધ ફળો ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યાં છે.

→ આ સંજોગોમાં ખેતપેદાશોનાં પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયાં છે.→ આપણાં કૃષિ – ઉત્પાદનોને પરદેશથી આવતાં એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઊતરવું પડે છે.

→ વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેતપેદાશોનું ‘પેટન્ટ’ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે.

→ વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતાં મોંઘાં ભાવનાં ‘જીનેટિકલી મૉડિફાઇડ’ બી.ટી. બિયારણો ભારતમાં મળવા લાગ્યાં છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે, એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે.

(4) ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.

ઉત્તર:-ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો ધાન્ય પાક ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે.→ ભારતની ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.

→ તે દેશના ઉત્તર – પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે.→ ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવી પાક છે.

→ તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 ° સે જેટલું અને લણણી વખતે 20 થી 25 ° સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.

→ ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.

→ હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે.→ ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે.→ ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં – ઉત્પાદનનો ²/3 ભાગ આ રાજ્યોનો હોય છે.

→ આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ઘઉંનો કોઠાર’ કહેવાય છે.→ આ ઉપરાંત, ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.

→ ગુજરાતના ભાલ પ્રદેશમાં ‘ભાલિયા ઘઉં’ થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્ત્વોની દૃષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં તત્ત્વો હોય છે.

→ ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને ‘અનાજનો રાજા’ કહેવામાં આવે છે.→ ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે.

(5) ‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો.

ઉત્તર:-ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.

→ આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફ્ળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે.

1. મગફળી : → બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

→ તેના પાને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 સે જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.→ તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.

→ તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. મગફ્ળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.→ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.→ ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાઘતેલ તરીકે વધારે વપરાય છે.

2. તલ : → તેનો પાક વર્ષા આધારિત છે.→ આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.→ તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.

→ તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં થાય છે. બધા તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

Std 10 Social Science Imp Questions Section D

પ્ર – 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી

(1) ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.

ઉત્તર :- ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યૂહરચના (વિવિધ ઉપાયો) અપનાવી હતી :

→ દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો  સુધી વિસ્તરશે એવી આશાએ ‘ગરીબી હટાવો’ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં, દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા !

→ સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેમ કે

(1) ધનિક વર્ગ અને મધ્યમવર્ગ પર કરવેરા નાખ્યા.

(2) ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની, ભોગવિલાસની અને સુખસગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા.

(૩) ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ એ વસ્તુઓ બજારભાવી કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી (PDS) ગોઠવી. ગરીબોને વાજબી ભાવની દુકાનો (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો.

→ જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોતધારો, જમીન ટોચમર્યાદાનો કાયદો, ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીનવિહોણા, ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે.

→ સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિપેદાશો પર આધારિત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની- મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો, કુટિર ઉદ્યોગો વગેરે શ્રમપ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી. આ ઉપરાંત, સરકારે કાયદા ઘડીને કેટલી ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું.

→ (1) સ૨કારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબનિયોજન, સંદેશવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બૅન્ક લોનની સગવડ કરી.

(2) શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમકેન્દ્રો ખોલ્યાં.

(૩) યુવક-યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કૉલરશિપ, ફી-માફી, આશ્રમશાળાઓ વગેરેની સગવડ કરી.

(4) મહિલા સશક્તીકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા.

(2) ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો.

ઉત્તર :- ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારે ‘કૃષિક્ષેત્રે’ અમલમાં મૂકેલી યોજનાઓ નીચે પ્રમાણે છે :

( i ) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિ- ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાના-મોટા ચેકડેમો બાંધવા વગે૨ે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીનાં જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉ૫૨ લાવવાનો પ્રયાસ છે.

( ii ) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના : આ યોજના ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ‘ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ની રચના કરી છે.

(iii) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કૅનાલનાં માળખાં સુધારવાં, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યૂબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વૉટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયત કામ, ચૅકડૅમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

( iv ) ઇ-નામ્ યોજના : આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

(3) ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.

ઉત્તર:- ભારત સરકારે ગરીબીનિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા : 1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, 2. સ્વરોજગારીના કાર્યક્રમો, 3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, 4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને 5. શહેરી ગરીબીનિવારણના કાર્યક્રમો.

1. કૃષિવિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ :

( i ) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિ- ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાના-મોટા ગૅકડેમો બાંધવા વગે૨ે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીનાં જોખમો અને દેવાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉ૫૨ લાવવાનો પ્રયાસ છે.

( ii ) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના : આ યોજના ખેતસુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ‘ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ની રચના કરી છે.

(iii) રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કૅનાલનાં માળખાં સુધારવાં, જમીન-ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યૂબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત, તળાવોનું ખોદકામ, વૉટર શેડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બાગાયત કામ, ચૅકડૅમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

( iv ) ઇ-નામ્ યોજના : આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિપેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઑનલાઇન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

2. ગ્રામોદયથી ભારત ઉદય :-

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતાં તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાનાં કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર (આશ્રયસ્થાન) બાંધવા માટે સહાય, આધુનિક ટેક્નોલૉજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકૉર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.

3. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના :

આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 × 7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઇનો અને નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવાં તથા કૃષિક્ષેત્રનાં વીજળીનાં સાધનો ખરીદવાં તેમજ સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક-સાધનો ખરીદવાં સબસિડીરૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.

4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના’ :

આ યોજના હેઠળ કૃષિવિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પૅકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.

5. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન :

આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેતપેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

6. પ્રધાનમંત્રી સડક યોજના :

આ યોજના હેઠળ ગામડાંને નજીકનાં નાનાં-મોટાં શહેરો સાથે જોડવા ઍપ્રોચ રોડ બનાવવામાં આવે છે.

7. મા અન્નપૂર્ણા યોજના :

આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમવર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 7 2 પ્રતિકિલો, ચોખા હૈં 3 પ્રતિકિલો અને જાડું અનાજ ર્ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

8. સાંસદ આદર્શ ગ્રામ યોજના :

આ યોજના હેઠળ દરેક સંસદ- સભ્યે પોતાના મતવિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને ‘આદર્શ ગામ’ બનાવવાનું હોય છે.

9. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (MGNREGA) :

‘આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે, તો નિયમ મુજબ તેને ‘બેકારી ભથ્થું’ પણ ચૂકવવામાં આવે છે.

10. મિશન મંગલમ્ :

આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી- રેખા નીચે જીવતાં કુટુંબોની મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને, તેમને તાલીમ આપીને, પાપડ-અથાણાં-અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે.

11. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના :

આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બૅન્ક-લોનની સગવડ પૂરી પાડે છે.

12. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના :

ગ્રામ્ય વિસ્તારોમાં  સ્વરોજગારની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા જમીન, યંત્રસામગ્રી, વીજળી વગેરે માટે સબસિડીરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. સરકારનો સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ નામનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે.

13. બાજપાઈ બૅન્કેબલ યોજના :

આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબીનિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે.

14. ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016 :

દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની તેમજ ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.

(4) બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.

ઉત્તર :- ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો નીચે પ્રમાણે છે :

1. ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10 % જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવાં જોઈએ.

→ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ.

→ ગૃહઉદ્યોગો અને કુટિર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ.

2. શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોઘોગો, હુન્નર ઉદ્યોગો વગેરેના વિકાસ ૫૨ ભાર મૂકવો જોઈએ.

3. ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે. એવી ખેતીવિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ.

→ જેમ કે, કૃષિક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી, નવી જમીન ખેડાલ હેઠળ લાવવી, દરેક ખેતરને પાછી અને વીજળી પૂરાં પાડવા, નાની-મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યઉછેર, મરઘાં- બતકાંકેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી,

→ બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે.

4. ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષા, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બૅન્ક, વીમો, ઇન્ટરનેટ, સંદેશવ્યવહાર, વાહનવ્યહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય.

5. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલોનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી.

6. ઉત્પાદનક્ષેત્રે ટેકનોલામાં ફેરફાર થવાથી કૌશલયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે-તે ક્ષેત્રનાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે.

→ આ માટે (1) વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણ નીતિ અપનાવવી. (2) શાળા-કૉલેજના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા. (૩) બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવાં. (4) શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું. (5) કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકને સક્ષમ બનાવી રોજગારી અપાવવી. (6) વિકસિત દેશોની શિક્તની તાનામાં ભારતીય મિકી વૈશ્વિક કક્ષાએ તેમની સમક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી.

7. ભારત સરકારે યુવા બેરોજગારોને માટે મેક ઇન ઇન્ડિયા’, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા’ જેવી પોજના અમલમાં મૂકી છે. આ યૌજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

8. શ્રમશક્તિનું આયોજન : રોજગારીનાં નવાં ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા અને કૉલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.

→ આમ, શ્રમશક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમાં પ્રકારના તાલીમી અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી વિજિત બેરીજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશનાં બધાં રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમી કેન્દ્રો (ITI) તેમજ દરેક રાજ્યમાં એક IIT (આઈ.આઈ.ટી.) અને IIM (આઈ.આઈ.એમ.) જેવી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ સ્થાપી છે.

→ ઉદ્યોગ-સાહસિકોને નવા ધંધા-ઉદ્યોગો શરૂ કરવા માટે ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે, જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

9. ઉદ્યોગસંબંધી વિકાસ : નવા વેપાર-ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ અને યંત્રસામગ્રીની પ્રાપ્તિ, વેચાણ-વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધાં છે.

10. રોજગાર વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આ કેન્દ્રો પોતાનાં કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

→ આજે રોજગાર વિનિમય કેન્દ્રો ‘રોજગાર’, ‘કારકિર્દી’ જેવાં સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે.

→ તે મૉડેલ કેરિયર સેન્ટર’ અને હેલ્પલાઇન નંબર 1800-425- 1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત, સરકાર રોજગાર મેળા પણ યોજે છે.

(5) ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો.

ઉત્તર:- ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે

→ જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર (આરોગ્ય) જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ‘ગરીબી’ કહે છે.

ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો નીચે પ્રમાણે છે:

→ જે લોકોને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય.

→ જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય.

→ જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય.

→ જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.

→ જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય.

→ જેઓ શારીરિક રીતે અશક્ત હોય.

→ જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આય ને આયુષ્યદરથી ઓછું હોય.

→ જેઓ નિરક્ષર હોય.

→ જેઓ સતત અનેક નાના-મોટા રોગોથી પીડાતા હોય.

→ જેમનાં બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય.

→ જેમનાં બાળકોનું મૃત્યુપ્રમાણ ઊંચું હોય.

સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબીરેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.

(6) ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.

ઉત્તર :- સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે તેવી સ્થિતિને ‘વ્યાપક કે દારૂણ ગરીબી’ કહેવાય છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ‘ગરીબ’ ગણવામાં આવે છે.

ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેનાં જવાબદાર કારણો નીચે પ્રમાણે છે:

→ દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતપેદાશોની આવકમાં ઘટાડો થયો.

→ ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.

→ ગામડાંના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી 1 શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ.

→ જ્ઞાતિપ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચ કરવાથી લોકો દેવાદાર બને છે. આમ, બિનઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે.

→ દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી.

→ દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેનાં હિતોની ઉપેક્ષા થવી.

→ ખેતપેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા. ભાવવધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન ન મળ્યું.

→ દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટિર અને લઘુઉદ્યોગો બંધ થયા. રોજી-રોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત, ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાંમાં મજૂરીકામ ઓછું થયું.

→ સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના-મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં વધારો થતો નથી. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી.

→ ટેક્નોલૉજીમાં ફેરફાર થતાં ગામડાંના પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો.

→ જીવનજરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતાં ભાવો વધ્યા. લોકોની ખરીદશક્તિ ઘટી. પરિણામે જીવનધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું.

Std 10 Social Science Imp Questions Section D

પ્રકરણ-21 સામાજિક પરિવર્તન

(1) ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

ઉત્તર :- સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે :

→ જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.

→ માતાપિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહિ.

→ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.

→ દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે.

→ બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે.

→ દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.

→ દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર છે. દા. ત., બાળસંસદ

→ દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે.

→ દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર મેળવવાનો અધિકાર છે.

(2) વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમનાં રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો.

ઉત્તર :- વૃદ્ધોની સમસ્યાઓ : પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કા૨ણે આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવમૂલ્યો ભૂલી ગયાં છે.

→ પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.

→ સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે.

→ સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતાં જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે.

→ સંતાનોની વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણીશૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ‘ઘરડાંઘરો’(વૃદ્ધાશ્રમો)માં રહેવા જવાની ફરજ પડે છે.

→ આમ, ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિઃસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.

વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ – સલામતી માટે સરકારે લીધેલાં પગલાં નીચે પ્રમાણે છે :

→ કેન્દ્ર સરકારે ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1999′ અમલમાં મૂકી છે. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શનરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.

→ સીનિયર સિટિઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બૅન્ક અને પોસ્ટ- ઑફિસમાં મૂકેલી ડિપૉઝિટ ૫૨ વધુ વ્યાજ આપવામાં આવે છે.

→ બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોને ટિકિટના દરમાં 30થી 50 % સુધીની રાહત આપવામાં આવે છે.

→ રાજ્ય સ૨કારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડાંઘર’(વૃદ્ધાશ્રમ) ખોલ્યું છે.

→ વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

→ શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે.

→ ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે ‘માતાપિતા અને સીનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણસંબંધી કાયદો 2007′ અમલમાં મૂક્યો છે. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતાં તેમનાં સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

→ વૃદ્ધોની સારસંભાળની કાયદેસર જવાબદારી તેમનાં કુટુંબીજનો અને સગાંઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમનાં સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.

→ કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.

(3) માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.

ઉત્તર :- માહિતી મેળવવાના અધિકારના હેતુઓ : બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી ‘માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005′ બનાવવામાં આવ્યો છે.

માહિતી મેળવવાની પ્રક્રિયા : માહિતી મેળવવાના અધિકાર અન્વય માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ ₹ 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે પે-ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.

→ અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઇપ કરેલ કાગળમાં કે ઇ મેઇલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે, ગરીબીરેખા હેઠળ(BPL)ના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કર્યા કારણોસર માહિતી માગવામાં આવી છે, તેનાં કારણો જણાવવાનાં હોતા નથી.

→ અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) એ નમૂના ૫૨ અરજીનો ક્રમાંક (ID નંબર) લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્રવ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે.

→ માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી(APIO)એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદારે કોઈ નકલ કે નમૂના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે.

→ જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદમાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.

(4) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.

ઉત્તર :- કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં 6થી 14 વર્ષની વય- જૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012′ અમલમાં મુક્યા હતા.

→ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે :

→ 6થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇન્કાર થઈ શકશે નહિ.

→ 14 વર્ષ પૂરાં થયાં હોય તોપણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફ્ત શિક્ષણ આપવું.

→ શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.

→ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.

→ પ્રવેશ માટે બાળકના માતાપિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહિ.

→ બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઇન્ટરવ્યુ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.

→ 3થી 5 વર્ષની વયજૂથનાં બાળકોના શિક્ષલ માટે પ્રિ-સ્કૂલ(નર્સરી કે બાળમંદિર)નું શિક્ષવ્ર, તેનો અભ્યાસક્રમ, મુલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

→ સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકારમાન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25 %ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો હેશે.

→ શાળાના શિક્ષકો ખાનગી ટ્યૂશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.

→ શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.

→ બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નિહ.

→ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં નબળા વર્ગોનાં પછાત વર્ગોના અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.

→ આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે.

→ આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

(5) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચા.

ઉત્તર:- કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા (RTF) કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે :

→ આ કાયદા મુજબ તથા “મા અન્નપુર્ણા યોજના’ મુજબ રાજ્યનાં શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત, રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.

→ આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં  2 પ્રતિકિલો, ચોખા  ૩ પ્રતિકિલો અને જાડું અનાજ  1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

→ આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાયરૂપે ₹ 6,000 આપવામાં આવશે.

→ આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં ‘અન્ન સુરક્ષા ભથ્થું’ મેળવવા હકદાર બનાવી શકાય છે.

→ આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, આયોડાઇઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહતદરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે.

→ આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રિમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીનાં નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામપંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વૉર્ડસભાઓમાં, ઇ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબ સાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.

→ જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘બાયોમૅટ્રિક ઓળખ’, ‘એપીક કાર્ડ’, ‘બારકોડેડ રેશનકાર્ડ’, ‘અન્ન કૂપન’ અને ‘વેબકૅમેરાથી ઇમેજ’ વગેરે પગલાં ભરવામાં આવ્યાં છે.

→ આ કાયદા મુજબ રાજ્યમાં ‘આંતરિક ફરિયાદ નિવારક તંત્ર’ ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે ‘નોડેલ અધિકારી’ની નિમણૂક કરવામાં આવશે.

→ રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા ‘રાજ્ય અન્ન આયોગ’ની રચના તેમજ ‘ફૂડ કમિશનર’ની નિમણૂક કરવામાં આવશે.


વિભાગ C ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

વિભાગ D ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

 

Plz share this post

2 Replies to “Std 10 Social Science Imp Questions Section D”

Leave a Reply