વર્ષાઋતુનો વૈભવ ગુજરાતી નિબંધ

વર્ષાઋતુનો વૈભવ વિષય પર નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં નિબંધ લખો.

વર્ષાઋતુનો વૈભવ

મુદ્દા : વર્ષા – ઋતુઓની મહારાણી – વર્ષાઋતુનું આગમન – પ્રકૃતિ પર તેની અસર – આકાશની શોભા – માનવજીવનનો ઉલ્લાસ – અતિવૃષ્ટિથી થતી હાનિ – ઉપસંહાર

“આમ પણ વરસાદમાં ને તેમ પણ વરસાદમાં,

જિંદગી ભીંજાય જાણે કોઈ ભીની થાદમાં.”

– કુમારજૈમિનિ શાસ્ત્રી

કવિઓએ ભલે વસંતને ‘ઋતુરાજ’ની પદવી આપી હોય, પરંતુ વર્ષાઋતુ જીવનદાત્રી ઋતુ છે. વસંત ‘ઋતુરાજ’ છે, તો વર્ષા ‘ઋતુઓની મહારાણી’ છે. વસંત વનસ્પતિમાં નવું ચેતન રેડે છે તો વર્ષા વનસ્પતિમાં સંજીવની સીંચે છે. વર્ષાઋતુ કેવળ ઋતુઓની મહારાણી જ નથી, એ તો સાક્ષાત્ દેવી અન્નપૂર્ણા છે, પ્રાણીમાત્રની જીવનદાયિની છે. આપણા દેશમાં કદાચ સર્વત્ર વસંતનો વૈભવ જોવા ન મળે પણ વર્ષાનો વૈભવ તો સર્વત્ર જોવા મળે જ છે.

ગ્રીષ્મના પ્રખર તાપથી ધરતીનું હીર શોષાઈ જાય છે. નદી – નાળાં અને તળાવોનાં પાણી સુકાઈ જાય છે. વનસ્પતિ મૃતપ્રાયઃ બની જાય છે. પ્રાણીમાત્ર અસહ્ય ઉકળાટથી ત્રાસી જાય છે. ખેડૂતો વ્યાકુળ ચિત્તે વર્ષાની રાહ જોતા હોય છે. ગ્રીષ્મની આવી આકરી અગ્નિપરીક્ષામાંથી પ્રકૃતિ તેમજ જીવસૃષ્ટિને ઉગારવા માટે જ એકાએક પવનના સૂસવાટા, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વર્ષાનું ભવ્ય આગમન થાય છે. વર્ષાની જળધારાઓ સમગ્ર સૃષ્ટિમાં નવચેતન રેડે છે. વર્ષાનું આગમન થતાં જ ઉકળાટ, વ્યાકુળતા અને ઉદાસીનતાના સ્થાને શીતળતા અને હર્ષોલ્લાસ પ્રસરી જાય છે.

ધીમે ધીમે વર્ષાઋતુ બરાબર જામે છે. નદી – નાળાં અને જળાશયો પાણીથી છલકાઈ જાય છે. પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઊઠે છે. વૃક્ષો લીલાંછમ બની જાય છે. ખેતરોમાં લીલોછમ મોલ લહેરાય છે. લીલા ઘાસથી છવાયેલાં હરિયાળાં મેદાનો જાણે ધરતી પર લીલા રંગના ગાલીચા પથરાયા હોય એવું મનોહર દશ્ય રચે છે. સર્વત્ર લહેરાતી હરિયાળી આપણી આંખોને ઠારે છે. મોર, દેડકાં, બપૈયા વગેરેના ચિત્રવિચિત્ર સ્વરોની રમઝટથી વાતાવરણ ગૂંજી ઊઠે છે.

વર્ષાઋતુમાં આકાશની શોભા અદ્ભુત લાગે છે. સ્વચ્છ આકાશ તો ભાગ્યે જ નજરે પડે છે. કાળાડિબાંગ વાદળાં આકાશના વિરાટ ફલક પર અનેકવિધ આકારો રચતાં રહે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એ વાદળાં પર જ્યારે રંગોની મહેફિલ રચાય છે, ત્યારે કુદરતની કલા પર આફરીન થઈ જવાય છે.

વરસાદ ઝરમર ઝરમર વરસતો હોય કે વરસાદની ધોધમાર ઝડી ઝીંકાતી હોય, ધરતી અને આકાશને વર્ષાના એ રમ્ય કે રોદ્ર સ્વરૂપ સાથે ઓતપ્રોત થતાં જોવાની મજા અનોખી છે. નદી, તળાવ કે સાગર પર તાલબદ્ધ રીતે વરસતી વર્ષાની ધારાઓ અત્યંત કર્ણપ્રિય અને આહલાદક  લાગે છે.

વર્ષાઋતુ માનવજીવનમાં અનેરો ઉત્સાહ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે. ખેડૂતો નવા ઉલ્લાસ અને નવી શક્તિથી પોતાના કામમાં મચી પડે છે. જન્માષ્ટમી, રક્ષાબંધન અને નવરાત્રિ જેવા તહેવારોની ઉલ્લાસભરી ઉજવણીમાં પણ વર્ષાઋતુના માદક વાતાવરણની અસર અનુભવાય છે.

પાણી અને અનાજ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો માટે માનવી વર્ષાઋતુ પર આધાર રાખે છે. ખરેખર, વર્ષાઋતુ જીવનદાત્રી છે. પરંતુ અતિવૃષ્ટિ થાય ત્યારે એ પ્રલયકારી બની રહે છે. વળી, દુકાળ પડે કે વરસાદ સમયસર અને પૂરતા પ્રમાણમાં ન આવે ત્યારે પણ મનુષ્ય પારાવાર મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. વર્ષાઋતુની આ વિલક્ષણતા જોઈને કવિ ક્લાપીએ રચેલી આ પંક્તિ આપણને અચૂક યાદ આવી જાય છે :

“જે પોષતું તે મારતું , એવો દીસે ક્રમ કુદરતી.”

ખરેખર, વર્ષાઋતુ પ્રાણીમાત્રનો પ્રાણ છે અને સૃષ્ટિનું સૌભાગ્ય છે. એની કૃપા માનવજાત માટે વરદાન બની જાય છે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

Leave a Reply