મારો યાદગાર પ્રવાસ ગુજરાતી નિબંધ

મારો યાદગાર પ્રવાસ અથવા મારો પગપાળા પ્રવાસ ગુજરાતી નિબંધ આશરે 250 શબ્દોમાં લખો.

મારો પગપાળા પ્રવાસ અથવા

મારો યાદગાર પ્રવાસ

મુદ્દા : પ્રસ્તાવિક – પાવાગઢ પ્રતિ પ્રયાણ – પાવાગઢના માર્ગે –  પાવાગઢનું વર્ણન – પાછા વળતા – ઉપસંહાર

આજના યુગમાં પગપાળા પ્રવાસ કરવાની વાત જરા નવાઈ ભરેલી જરૂર લાગે, પણ આવા પ્રવાસનો પ્રત્યક્ષ અનુભવ કર્યા વિના એના આનંદની કલ્પના ન આવી શકે.

પગપાળા પ્રવાસ કરવાનો મને પહેલેથી જ શોખ છે. એમાં પણ કાકાસાહેબ કાલેલકરનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો વાંચ્યા પછી પગપાળા પ્રવાસ કરવાની મને બરાબરની ચાનક ચડી હતી. આથી શરદઋતુની એક સુંદર સવારે મેં બગલથેલો અને એક લાકડી લઈને પાવાગઢ તરફ પ્રયાણ કર્યું. તે વખતે સર્વત્ર આનંદમય અને તાજગીભર્યું વાતાવરણ હતું. પક્ષીઓ મધુર ક્લરવ કરતાં હતાં, વૃક્ષો અને લતાઓ પવનમાં ડોલી રહ્યાં હતાં.

“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.”

એ પંક્તિઓ ગાતાં ગાતાં હું મારો પંથ કાપી રહ્યો હતો. ચારે બાજુ ઘટાદાર વનશ્રી છવાયેલી હતી. પુષ્પોના પમરાટથી વાતાવરણ મઘમઘી રહ્યું હતું. માર્ગમાં મારી જેમ બીજા અનેક પ્રવાસીઓ પગપાળા ચાલી રહ્યા હતા. “પ્રાણિયા ભજી લેને કિરતાર, આ તો સપનું છે સંસાર” જેવાં ભજનો, ગીતો અને દુહાઓની રમઝટ વચ્ચે પાવાગઢનો ખડકાળ માર્ગ ઝડપથી કપાઈ રહ્યો હતો.

“મા તું પાવાની પટરાણી , ભવાની મા , કાળકા રે લોલ.”

આ ગરબો મેં નવરાત્રિમાં સાભળ્યો હતો, પણ આજે તો હું માતાજીની એ મૂર્તિના દર્શન કરવા જઈ રહ્યો હતો. પાવાગઢ દૂરથી જાણે અમારું સ્વાગત કરી રહ્યો હતો. કોઈ વાર મોરનું નૃત્ય જોવા મળતું તો ક્યારેક કોયલનો ટહૂકો સાંભળવા મળતો. એક જગ્યાએ થોડો વિશ્રામ કરવા રોકાયો. તાજા ફળ ખાઈ એક ઝરણાનું પાણી પી હું આગળ ચાલ્યો.

પાવાગઢની તળેટીમાં મેં ચાંપાનેરનાં ખંડેરો જોયાં. ઐતિહાસિક નવલકથાઓમાં વાંચેલી ચાર ચોટા અને બાવન બજારની ભૂતકાલીન ભવ્યતા માટે મનઃચક્ષુ સામે તરવી રહી. ત્યાર પછી મેં પાવાગઢના પહાડ પર ચડવાનું શરૂ કર્યું. રસ્તે ‘માચી’ પર થોડો આરામ કરી હું આગળ વધ્યો. પાવાગઢની આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને જોઈને હું ધન્ય થઈ ગયો. પ્રાચીન ગઢ અને વિશાળ દરવાજો પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા હતા. પછી આવ્યું દૂધિયું તળાવ. તેનું પાણી ખરેખર, દૂધ જેવું જ સફેદ છે. ત્યાં નાહવાનું ખૂબ મહાત્મ્ય હોવાથી મેં એમાં સ્નાન કર્યું .સ્નાન કર્યા પછી મારા શરીરમાં અજબ સ્ફૂર્તિ આવી ગઈ. હું સડસડાટ પગથિયાં ચડી, મહાકાળી માતાના મંદિરે પહોંચ્યો. ત્યાંના  પવિત્ર વાતાવરણમાં મને અપૂર્વ શાંતિનો અનુભવ થયો.

પર્વત ઉપર પવનના ભારે સુસવાટાનો અનુભવ થઈ રહ્યો હતો. મને થયું કે પાવાગઢ નામ કદાચ ‘પવનગઢ’ ઉપરથી જ પડ્યું હશે. ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો હતો. માતાજીની પૂજાઅર્ચના કર્યા પછી પ્રકૃતિના સૌંદર્યને ધરાઈને જોતાં જોતાં હું નીચે ઊતર્યો.

આજે પણ પાવાગઢના એ પગપાળા પ્રવાસની સ્મૃતિથી મારું મન પ્રસન્ન થઈ જાય છે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

Leave a Reply