std 9 social science ch 12 ધો.9 સા.વિ. પ્ર -12 ભારતીય લોકશાહી

std 9 social science ch 12

ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 12 ભારતીય લોકશાહી (std 9 social science ch 12) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : std 9 social science ch 12

(1) કેટલાં વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે ?

ઉત્તર :- 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે.

(2) લોકમત કેળવવા કયાં કયાં માધ્યમોનો ઉપયોગ થાય છે ?

ઉત્તર :- લોકમત કેળવવા મુખ્ય બે માધ્યમોનો ઉપયોગ થાય છે : (1) મુદ્રિત માધ્યમો અને (2) વીજાણુ માધ્યમો.

(3) ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો સક્રિય છે ?

ઉત્તર :- ભારતમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK), આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ્, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને જનતા દળ યુનાઇટેડ (JDU), ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી (SP), જમ્મુ-કશ્મીરનો નૅશનલ કૉન્ફરન્સ, પશ્ચિમ બંગાળનો તૃણમૂલ કૉંગ્રેસ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના વગેરે પ્રાદેશિક પક્ષો છે

2. વિધાનનાં કારણ સમજાવો :

std 9 social science ch 12

(1) મતદાર લોકશાહીને જીવંત રાખે છે.

ઉત્તર :- ચૂંટણી લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્યવહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે. એવું રાજતંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર હે છે. આમ, મતદાર લોકશાહીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે, મતદાર લોકશાહીને જીવંત રાખે છે.

(2) સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વની છે.

ઉત્તર:- ભારતે લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી શાસનપદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જ શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, તો સરકારને રાજીનામું આપવું પડે છે. આમ, સંસદીય શાસનપદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. આમ, સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વની છે.

(3) પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.

ઉત્તર :- મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો લોકમતના ઘડત૨માં ફાળો આપતાં બે મુખ્ય માધ્યમો છે.

દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદાં જુદાં તારણો પર આવે છે,

રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈ ને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ-જાણીને અને સમજીને પોતાનાં મંતવ્યો બાંધે છે.

આમ, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સધન માધ્યમ છે

(4) ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે.

ઉત્તર :- લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહિ તોતેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે.

ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશનો ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે.

આમ, ચુંટણીઓ લોકમતને જાણવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેથી તે ‘લોકશાહીની પારાશીશી’ છે.

3. ટૂંક નોંધ લખો :

std 9 social science ch 12

(1) રાજકીય પક્ષના પ્રકારો

ઉત્તર :- ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે. તેથી દેશમાં અનેક નાના-મોટા રાજકીય પક્ષો છે.

→ ચૂંટણીપંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલાં ધોરણો પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે.

→ આપણા દેશમાં રાજકીય પક્ષોના મુખ્ય બે પ્રકારો છે : (1) રાષ્ટ્રીય પક્ષો અને (2) પ્રાદેશિક પક્ષો.

→ જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે ‘રાષ્ટ્રીય પક્ષો’ કહેવાય છે અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હીય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે.

→ કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણીપંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યાં છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા ચાર ટકા મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે.

→ આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ INC (Congress), ભારતીય જનતા પક્ષ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કેસિસ્ટ) (CPIM), બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે.

→ જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણીપંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે.

→ આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ અને લ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ-કશ્મીરનો નૅશનલ કૉન્ફરન્સ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્લીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક પક્ષો છે.

→ રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્ય પક્ષની માન્યતા મતોના આધારે રદ થઈ શકે છે; જ્યારે પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા મળી શકે છે.

(2) મતદાર અને સરકાર

ઉત્તર :- ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્ત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ મહત્ત્વ ધરાવે છે.

→ ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ છે.

→ 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદારયાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે.

→ આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચનીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્તવયનાં (18 વર્ષ પૂરાં કર્યાં હોય એવાં) તમામ સ્ત્રી-પુરુષોને મતાધિકાર આપ્યો છે.

→ પુખ્તવય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્ત્વની વિશેષતા છે.

→ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ ‘વ્યક્તિદીઠ એક મત’ના સિદ્ધાંત પર આધારિત છે.

→ મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ.

→ ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ.

→ લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે.

→ દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

(3) ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો

ઉત્તર :- 1. ચૂંટણીપંચ : ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે.

→ ભારતમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણીપંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે.

→ચૂંટણીપંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે.

→તે મતદારોની યાદીઓ તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધાવવાની તારીખો જાહેર કરે છે.

→ તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોનાં નામ અને તેમનાં ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે.

→ દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા (નિયમો) પ્રમાણે પ્રચાર અને ચૂંટણીખર્ચ કરે છે કે નહિ તેની તકેદારી ચૂંટણીપંચ રાખે છે.

→ તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોનાં નામ જાહેર કરે છે.

આમ, ચૂંટણીપંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત, તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે.

2. રાજકીય પક્ષો : રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્ત્વનું લક્ષણ છે.

→ કોઈ પણ રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતા હોવું જોઈએ. આ ધ્યેયો ધરાવતા રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધપક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરાં કરવાં જોઈએ.

→ રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિઃસ્વાર્થવૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજામાં રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે.

→ લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં બે-ત્રણ જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુ પક્ષો લોકશાહી માટે હાનિકારક છે.

→ ચૂંટણીપંચ ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે.

4. ખાલી જગ્યા પૂરો :

std 9 social science ch 12

(1) આપણાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં ……. સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

(A) વ્યક્તિ દીઠ બહુમત

(B) વ્યક્તિ દીઠ એકમત

(C) વ્યક્તિ દીઠ વિરોધમત

 (D) વ્યક્તિ દીઠ જાહેરમત

ઉત્તર :- (B) વ્યક્તિ દીઠ એકમત

(2) લોકમત ઘડતર માટે……….. માધ્યમ ઓછું અસરકારક છે.

(A) દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ

(B) દૃશ્ય માધ્યમ

(C) શ્રાવ્ય માધ્યમ

(D) મુદ્રિત માધ્યમ

ઉત્તર :- (D) મુદ્રિત માધ્યમ

(3) EVM સાચું નામ …….. છે.

(A) ઇલેક્ટ્રૉનિક વેલ્યુ મશીન

(B) ઇલેક્ટ્રૉનિક વેઇટ મશીન

(C) ઇલેક્ટ્રૉનિક વોટિંગ મૅથડ

(D) ઇલેક્ટ્રૉનક વોટિંગ મશીન

ઉત્તર :- (D) ઇલેક્ટ્રૉનક વોટિંગ મશીન


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

પ્ર-1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો


youtube logo

Plz share this post

Leave a Reply