ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો (std 9 social science ch 4) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.
નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો : std 9 social science ch 4
(1) બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો.
ઉત્તર : બહિષ્કાર આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં :
1. સ્વદેશી અપનાવવું, 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને 3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
1. સ્વદેશી અપનાવવું :- બંગભંગના આંદોલનને એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ. → આ ચળવળ બહિષ્કારની પૂરક હતી. વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજવસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો.
→ આ ચળવળ બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ. → સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું. દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાનાં કારખાનાં શરૂ થયાં. આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્યચળવળને વેગ મળ્યો.
2. વિદેશી માલનો બહિષ્કાર કરવો :- સ્વદેશીને ઉત્તેજન આપવા ‘વિદેશી માલના બહિષ્કાર’નું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી. → વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું.
→ લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકુ વગેરે ઇંગ્લૅન્ડથી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો. આમ, બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો.
3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું :- રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગનાં આંદોલનનું એક અંગ હતું. બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા – કૉલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા. → આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી.
→ ઈ.સ. 1907 માં બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ → કવિવર રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો.
સ્વદેશી ચળવળનાં પરિણામો :-
→ સ્વદેશી ચળવળને પરિણામે ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. → ઇંગ્લૅન્ડથી આયાત થતાં ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ. → ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું.
→ ભારતમાં બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી. → સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લમેન્ટમાં પડ્યા.
→ બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું.→ તેથી બ્રિટિશ પાર્લમેન્ટે પુનઃવિચારણા કરીને ઈ.સ. 1911 માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીયોની સંગઠનશક્તિનો વિજય થયો. → અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો.
(2) ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદભવ અને વિકાસ વર્ણવો.
ઉત્તર : બંગભંગ આંદોલન, ઈ.સ. 1907 માં સુરતમાં ભરાયેલ કૉંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કૉંગ્રેસના ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગલા; કૉંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી.
→ લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ લાલ – બાલ – પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી કૉંગ્રેસ સહિત હિંદના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી.
→ લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે, “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.” તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયું.
→ ઉદારવાદી (મવાળવાદી) અને ઉગ્રવાદી (જહાલવાદી) વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારીઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઇચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસતે મુખે બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની તમન્ના ધરાવતા હતા.
→ ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થાપેલી ‘મિત્રમેળા સોસાયટી’, ‘અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ’, ‘અંજુમન એ મુહિલ્લાને વતન’, ‘ઇન્ડિયન પેટ્રિઓટ્સ ઍસોસિયેશન (ભારતમાતા)’ વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો.
→ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ તબક્કામાં ‘સંધ્યા’, ‘યુગાંતર’, ‘નવશક્તિ’, ‘વંદે માતરમ્’, ‘કેસરી’, ” વગેરે વર્તમાનપત્રો અને સામયિકોએ સતત ઉત્તેજન આપ્યું. → આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડમાં 34 ક્રાંતિકારીઓ પર ચાલેલો કેસ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ, દિલ્લીમાં વાઇસરૉય હાર્રિજ પર અને 13 નવેમ્બર, 1909 ના રોજ અમદાવાદમાં વાઇસરૉય મિન્ટો પર બૉમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા.
→ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈ.સ 1920 થી 1942 ના દ્વિતીય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવોમાં ‘કાકોરી લૂંટ કેસ’, ‘લાહોર હત્યાકાંડ’ અને દિલ્લીમાં કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી.
(3) અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો.
ઉત્તર : અસહકારના આંદોલનના કાર્યક્રમો : મહાત્મા ગાંધીએ પોતાની ‘કૈસરે હિંદી’ની પદવીનો અને રવીન્દ્રનાથ ટાગોરે ‘નાઇટ હુડ’ના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીઓનો ત્યાગ કર્યો. → વિદ્યાર્થીઓએ શાળા – કૉલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામાં આપ્યાં. ઠેરઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી.
→ નવેમ્બર, 1921 માં ડ્યૂક ઑફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઑફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો.
→ સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા – કૉલેજો (વિદ્યાપીઠો) શરૂ કરવામાં આવી. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા – મિલિયા વિદ્યાપીઠ (દિલ્લી), ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) વગેરે આવી વિદ્યાપીઠો હતી.
→ સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લૅન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેનો પડઘો ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં પડ્યો. ઇંગ્લૅન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઊઠી!
→ ‘ટિળક સ્વરાજ્ય ફંડ’માં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિંદુ – મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. • હિંદુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવા (મલબાર) ને બ્રિટિશ સરકારે સખતાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યો હતો.
→ અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમનનીતિ અપનાવી. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિંદુ – મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો.
ચોરીચૌરાનો બનાવ અને આંદોલનની મોકૂફી :-
→ 5 ફેબ્રુઆરી, 1922 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચૌરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પિકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસોએ ગોળીબાર કર્યો. રાઇલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. પોલીસોના દમનથી ઉશ્કેરાયેલા લોકો હિંસાને માર્ગે વળ્યા.
→ તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. તેમણે જણાવ્યું કે, “અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે.” ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું.
અસહકારના આંદોલનની અસરો :-
→ અસહકારના આંદોલનના હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોએ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગ્રત કર્યા. દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી.
→ સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોના મનમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને બહેનો પણ લડતમાં જોડાયાં. કૉંગ્રેસ લોકસંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ. અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું મર્યાદિત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી પ્રસર્યું.
પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો : std 9 social science ch 4
(1) વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ :
ઉત્તર : ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશોમાં ઇંગ્લૅન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર (બર્મા), મલાયા, સિંગાપુર, કાબુલ (અફઘાનિસ્તાન), રશિયા વગેરે દેશોમાં ફેલાઈ. → શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્રપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મોલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ. મથુરસિંહ, ખુદાબખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા.
→ ઇંગ્લૅન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઇયાની બૅડિંગમાં છૂપી રીતે પિસ્તોલો (શસ્ત્રો) મોકલતા. મદનલાલ ધીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું.
→ અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ઈ.સ. 1907 માં કૅલિફૉર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નામની સંસ્થા સ્થાપવામાં આવી. ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલીને ‘ગદર પાર્ટી’ રાખ્યું અને ચાર ભાષાઓમાં ‘ગદર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયા.
→ જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ ‘હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ની રચના કરી. તેણે ઇરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ફરકાવવામાં આવ્યો.
→ અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્રપ્રતાપના ‘પ્રમુખ’ પદે કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉ. મથુરસિંહ વગેરે જોડાયા. એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા.
→ રાજા મહેન્દ્રપ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના રાજા ઝારને મોકલાવી હતી. તેમાં તેણે રશિયાને ઇંગ્લેન્ડ સાથે સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું.
→ મ્યાનમાર (બર્મા) માં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. → વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાએ પ્રેરકશક્તિ પૂરી પાડી હતી.
(2) રૉલેટ ઍક્ટ
ઉત્તર : ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લૅન્ડના કાયદા પ્રધાન રૉલેટના અધ્યક્ષ પદે ઈ.સ. 1919 માં ‘રૉલેટ ઍક્ટ’ ઘડયો. આ ઍક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રાલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.
→ રૉલેટ ઍક્ટથી ભારતીયોનું વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નેહરુના મતે, આ કાયદાથી ભારતીયોનો ‘દલીલ, અપીલ અને વકીલ’નો અધિકાર પડાવી લેવામાં આવ્યો.
→ ગાંધીજીએ રૉલેટ ઍક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્લીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી અને ઠેરઠેર સભા – સરઘસો, દેખાવો યોજાયાં. નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો.
→ 6 એપ્રિલ, 1919 ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. સેફુદ્દીન ચિલૂની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસો કાઢ્યાં. એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો. રૉલેટ ઍક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધને કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થયાં.
(3) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ઉત્તર : બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલૂની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ, 1919 ના રોજ (વૈશાખી પૂર્ણિમાના દિવસે) અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. → બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દીવાલ હતી. બાગની વચ્ચે અવાવરુ કૂવો હતો. બાગમાં જવા – આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો.
→ સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસવડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. → લશ્કરે માત્ર દસ મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતાં આશરે 379 લોકો મૃત્યુ મ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કૉંગ્રેસે નીમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા.
→ આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીસહી શ્રદ્ધા પણ ડગી ગઈ. → આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી.
(4) સ્વરાજ્ય પક્ષ
ઉત્તર : અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ ઈ.સ. 1923 માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી.
→ સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. → સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ મુસ્લિમ એકતા, રેંટિયાનો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા.
→ સ્વરાજ્ય પક્ષે નવેમ્બર, 1923 ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભાઓમાં બહુમતી મેળવી. → કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુની અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજનદાસની વરણી થઈ. → આ પક્ષે ધારાસભાઓમાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી, સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી.
→ સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને ‘સાયમન કમિશન’ બે વર્ષ વહેલું નીમવાની ફરજ પડી.
→ સ્વરાજ્ય પક્ષે ધારાસભામાં ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ આ પક્ષે બ્રિટિશ સરકારને પ્રતીતિ કરાવી દીધી. → સ્વરાજ્ય પક્ષની સારી કામગીરીને લીધે હિંદનો શિક્ષિત વર્ગ તેની તરફ આકર્ષાયા. દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. → ‘સ્વરાજ્યપ્રાપ્તિ’ને વધુ નજીક લાવવામાં આ પક્ષે મહત્ત્વનો ભાગ ભજવ્યો.
→ આમ, સ્વરાજ્ય પક્ષે બે વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી. જૂન, 1925 માં ચિત્તરંજનદાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષની કામગીરી નબળી પડી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો : std 9 social science ch 4
(1) બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા ? શા માટે ?
ઉત્તર : વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈ.સ. 1905 માં તે સમયના વાઇસરૉય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. આની પાછળ કર્ઝનનો ઇરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગ્રત બંગાળી પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની – કોમી એકતા તોડવાનો હતો.
(2) ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો.
ઉત્તર : (1) શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.
(2) ઈ.સ. 1902 માં બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા.
(3) શ્રી બારીન્દ્રકુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ (ખેડા), અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા.
(4) ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે ‘દેશી વનસ્પતિની દવાઓ’, ‘નાહવાનો સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’, ‘કાયદાનો સંગ્રહ’ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બૉમ્બ બનાવવાની રીત હતી.
(5) નર્મદા નદીના કિનારે ચાંદોદ – કરનાલી પાસે ‘ગંગનાથ વિદ્યાલય’ની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છૂપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી.
(6) ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા.
(3) રૉલેટ ઍક્ટને ગાંધીજીએ ‘કાળો કાયદો’ શા માટે કહ્યો ?
ઉત્તર : ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લૅન્ડના કાયદા પ્રધાન રૉલેટના અધ્યક્ષ પદે ઈ.સ. 1919 માં ‘રૉલેટ ઍક્ટ’ ઘડયો. આ ઍક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રાલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.
(4) અસહકારનું આંદોલન (1920 – 22) શા માટે મોકૂફ રાખવામાં આવ્યું ?
ઉત્તર : (1) ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. (2) 5 ફેબ્રુઆરી, 1922 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચૌરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. (3) તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. (4) આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
(5) ‘સ્વરાજ્ય પક્ષ’ની પ્રતિષ્ઠા કયાં કારણોથી ઓછી થઈ હતી ?
ઉત્તર : ‘ સ્વરાજ્ય પક્ષ’ની પ્રતિષ્ઠા ઓછી થવાનાં કારણો :
(1) ‘સ્વરાજ્ય પક્ષ’ના એક સ્થાપક ચિત્તરંજનદાસ મુનશીનું જૂન, 1925 માં અવસાન થયું.
(2) ‘સ્વરાજ્ય પક્ષ’ના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી.
(3) પક્ષના કેટલાક સભ્યોએ ‘નૅશનલ પાર્ટી‘ નામનો નવો પક્ષ સ્થાપ્યો.
4.નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો : std 9 social science ch 4
(1) બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો ?
(A) રાષ્ટ્રીય શોકદિન (B) બંગભંગદિન (C) સ્વાતંત્ર્યદિન (D) ત્રણમાંથી એક પણ નહિ
ઉત્તર : (A) રાષ્ટ્રીય શોકદિન
(2) કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં ?
(A) મૉન્ટ – ફર્ડ (B) ઇલ્બર્ટ બિલ (C) ઑગસ્ટ ઑફર (D) મોર્લે – મિન્ટો
ઉત્તર : (D) મોર્લે – મિન્ટો
(3) ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી ?
(A) બારીન્દ્રનાથ ઘોષ (B) છોટુભાઈ પુરાણી (C) અંબુભાઈ પુરાણી (D) અરવિંદ ઘોષ
ઉત્તર : (D) અરવિંદ ઘોષ
(4) પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો ?
(A) શ્યામજીકૃષ્ણ વર્મા (B) રાણા સરદારસિંહ (C) મૅડમ ભિખાઈજી કામા (D) મદનલાલ ધીંગરા
ઉત્તર : (C) મૅડમ ભિખાઈજી કામા
આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.
પ્ર-1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો