ધોરણ ૧૦ ગુજરાતીમાં(Dhoran 10 Gujarati Imp Questions 2 Marks) વિભાગ – B(પદ્ય વિભાગ)માં 2 ગુણના કુલ 3 પ્રશ્નોના ઉત્તરો લખવાના હોય છે. અહીયા પરીક્ષામાં પૂછાય શકે તેવા ખૂબજ અગત્યના પ્રશ્નોના ઉત્તરો આપવામા આવ્યા છે.
પ્રકરણ – 1 વૈષ્ણવજન
કવિનુ નામ :- નરસિંહ મહેતા
કાવ્યપ્રકાર :- પદ
( 1 ) કોનાં દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે ?
ઉત્તર :જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનનાં દર્શન કરવાથી દર્શન કરનાર એકોતેર પેઢી તરી જાય છે.
( 2 ) ‘પર સ્ત્રી જેને માત રે’ પંક્તિ સમજાવો.
ઉત્તર :‘પરસ્ત્રી જેને માત રે’ પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે, તે સૌની તરફ સમભાવ અને સમષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે.
( 3 ) નીચેની કાવ્યપંક્તિ સમજાવો:
“વૈષ્ણવજન તો તેને કહીએ , જે પીડ પરાઈ જાણે રે ,
પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.”
ઉત્તર :પ્રસ્તુત કાવ્યપંક્તિ દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજે છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેના પર ઉપકાર કરીને, ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી.
પ્રકરણ – ૩ શીલવંત સાધુને
કવયિત્રીનુ નામ :- ગંગાસતી
કાવ્યપ્રકાર :- પદ-ભજન
(1) ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?
ઉત્તર :જે સંતનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય; જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય; જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે.
(2) કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?
ઉત્તર :-શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
પ્રકરણ – 5 દીકરી
કવિનુ નામ :- અશોક ચાવડા ‘બેદિલ’
કાવ્યપ્રકાર :- ગઝલ
(1) નીચેની કાવ્યપંક્તિ સમજાવો.
‘સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ – ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી’
ઉત્તર:પ્રસ્તુત કાવ્યપંક્તિઓ ‘દીકરી’નું મહત્ત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એકએક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ-ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે.
પ્રકરણ – 7 હું એવો ગુજરાતી
કવિનુ નામ :- વિનોદ જોશી
કાવ્યપ્રકાર :- ગીત
(1) સત્યના આયુધની કઈ વિશેષતા છે?
ઉત્તર:-કવિએ ગાંધીજીના સત્યને આયુધ (શસ્ત્ર) કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતનાં આયુધોથી લડાયાં છે અને ભવિષ્યમાં પણ લડાશે; પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે.
(2) ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે?
ઉત્તર:-ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીનાં પાણી વહે છે. એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે.
(3) કાવ્યપંક્તિ સમજાવો.
”હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર”
ઉત્તર:-હું મારી માતૃભૂમિનો પુત્ર છું. હું જન્મે ગુજરાતી છું. મારા શિર પર ભારતમાતા સતત આશિષ વરસાવે છે.
પ્રકરણ – 9 માધવને દીઠો છે ક્યાંય?
કવિનુ નામ :- હરીન્દ્ર દવે
કાવ્યપ્રકાર :- ઊર્મિગીત
(1) કાવ્યપંક્તિ સમજાવો.
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક
ઢૂંઢે કદંબની છાંય,
મારગની ધૂળને ઢંઢોળી પૂછે,
મારા માધવને દીઠો છે ક્યાંય?
ઉત્તર:-વાંસળીથી છૂટો પડીને આ એક સૂર કદંબની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને કયાંય જોયો છે.?
પ્રકરણ – 11 શિકારીને
કવિનુ નામ :- કલાપી
કાવ્ય પ્રકાર :- ઊર્મિકાવ્ય
(1) સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્યદૃષ્ટિને આવરી લીધાં છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાંમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતાં પક્ષીઓનાં ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે.
(2) કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે?
ઉત્તર : કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીત (કલરવ) સાંભળવાનાં છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે, અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે.
( 3 ) નીચેની કાવ્યપંક્તિ સમજાવો.
“સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.”
ઉત્તર : સમગ્ર વિશ્વમાં ઠેરઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે.
Dhoran 10 Gujarati Imp Questions 2 Marks
પ્રકરણ – 13 વતનથી વિદાય થતાં
લેખકનુ નામ :- જયંત પાઠક
કાવ્ય પ્રકાર :- સોનેટ
(1) કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે કારણ કે …
ઉત્તર : કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા.
(2) કાવ્યપંક્તિ સમજાવો .
“આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચાં મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી!!”
ઉત્તર : સૉનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિ (કાવ્યનાયક) ને વતન છોડવું ગમતું નથી.તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે. ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતાં અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી? એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય! બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના ઘોતક છે.
પ્રકરણ – 15 બોલીએ ના કાંઇ
લેખકનુ નામ :- રાજેન્દ્ર શાહ
કાવ્ય પ્રકાર :- ગીત
(1) કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે?
ઉત્તર : કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એક્લા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે.
(2) કાવ્યપંક્તિ સમજાવો.
“પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!”
ઉત્તર : આપણુ હૃદય દરેક પળે એકસરખી સ્થિતિમાં હોતું નથી. આપણે બળતરા, દાઝ, ગુસ્સો, ક્રોધ અનુભવીએ છીએ. કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાઝતા હોઈએ તોપણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહિ. ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે. આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે. આપણાં વાણી તેમજ વર્તન વિરોધાભાસી ન હોવાં જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા – પ્રેમની સરવાણી વહેવી જોઈએ.
Dhoran 10 Gujarati Imp Questions 2 Marks
પ્રકરણ – 17 દિવસો જુદાઇના જાય છે
લેખકનુ નામ :- ગની દહીંવાલા
કાવ્ય પ્રકાર :- ગઝલ
(1) કવિ કઇ અરજ કરે છે?
ઉત્તર : કવિ અરજ કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકનાં દર્દનાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેનાં આંસુ લૂછવા રાંકનાં નયન સુધી જાઓ.
(2) પંક્તિઓ સમજાવો.
“ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત એક-મેકના મન સુધી.”
ઉત્તર : કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં (આ પૃથ્વી પર) આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાનાં દિલમાં વસવું હતું.
પ્રકરણ – 19 એક બપોરે
કવિનુ નામ :- રાવજી પટેલ
કાવ્યનો પ્રકાર :- ઊર્મિકાવ્ય
(1) કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે ?
ઉત્તર :- આખું આકાશ ભલે રેલાઈ જાય. તેમના ગળા સુધી ઘાસ ભલે ઊગી જાય, અર્થાત જીવનના અંત સુધી કવિ મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે.
પ્રકરણ – 21 ચાંદલિયો
કવિનુ નામ :- ——-
કાવ્યનો પ્રકાર :- લોકગીત
1.આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો.
ઉત્તર :- શરદપૂનમની રાત છે. સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્યનાયિકાના ચોકમાં જાણે ઊગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. આ રાત્રિએ જ સ્ત્રી-પુરુષો ગરબે રમે છે. ચંદ્રની ચાંદનીમાં શીતળ થયેલા દૂધપૌંઆનો સૌ આસ્વાદ માણે છે.
2.કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ?
ઉત્તર :- કાવ્યનાયિકા સખીને ‘પોતાનો પતિ’ એમ નહિ, પણ ‘પરણ્યો મારો’ એમ કહે છે. એમાં પતિ પ્રત્યેનાં મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. ‘ પરણ્યો મારો સગી નણંદનો વીર જો.’ આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ, આ શબ્દોમાં તેણે ભાઈ-બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે.
પ્રકરણ – 23 લઘુકાવ્યો : દુહા-મુક્તક-હાઈકુ
(1) મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે?
ઉત્તર:- ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.
Vibhag D
Vi bhag d