કોરોના વેકસીન વિશે સંપૂર્ણ માહિતી

(૧.) વેક્સીન શું છે.?

– સરળ શબ્દોમાં કહું તો કોઈ વાઇરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત અવતાર એટલે વેક્સીન. જી હા… હાલમાં કોરોનાની વેક્સીન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે જે રોગ અને હાનિ ફેલાવે છે. જ્યારે વેક્સીનમાં રહેલા કોરોનાની રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ / નિષ્ક્રિય કરી દેવામાં આવી છે માટે વેકસીનમાં જે કોરોના જીવાણુંના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે.

– એ કઈ રીતે બને છે.?

જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેક્શનમાંથી આવા વાઇરસને અલગ તારવવામાં ( આઇસોલેટ ) આવે છે. બાદમાં નિયત તાપમાને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે તે વાઇરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઈન્જેક્શનમાં લેવામાં આવે છે. આ થઈ વેક્સીન.

(૨) વેક્સીન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે.?

– આપણાં શરીરમાં મુખ્ય છે રક્ત / લોહી. આ લોહીમાં આપણાં ત્રણ સૈનિકો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, (RBC જે ફેફસાને ઑક્સિજન પૂરું પાડે છે) બીજા છે શ્વેતકણો (WBC જે રોગો સામે રક્ષણ કરે છે.) અને ત્રીજા છે ત્રાકકણો ( Pletellets જે લોહી જામવાની ક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે.)

હવે સંપૂર્ણ ખેલ રોગપ્રતિકારક શક્તિ નો છે. આ રોગપ્રતિકારક શક્તિને આપણે ભારતીય સેના સાથે સરખાવીએ.! સેનામાં જેમ એરફોર્સ, નેવી અને આર્મી છે બસ એવું જ.!

જેમ દેશમાં આતંકવાદી ઘૂસપેઠ કરે ત્યારે સૈનિકો એમને મારીને તગેડી મૂકે બસ એવું જ કામ આપણાં શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણાં શરીરના ખરા સૈનિકો છે.

શરીરમાં જ્યારે વાઇરસનો ચેપ લાગે ત્યારે આપણાં સૈનિક એવા શ્વેતકણો લડવા પહોંચી જાય છે. આપણાં શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા/ વાઇરસ / વેક્સીનમાં રહેલો મૃત જીવાણું બધું જ એક આતંકવાદી માફક છે. જેની સામે લડવા શ્વેતકણો પહોંચી જાય છે.

જ્યારે કોઈપણ વાઇરસનો ચેપ લાગે ત્યારે એ અજાણ્યા શત્રુને આપણાં શ્વેતકણો પડકાર આપે છે. એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે. આપણાં આ શ્વેત-સૈનિકો ખૂબ જ ઇન્ટેલીજન્ટ છે! એ લડતા લડતા શત્રુને (વાઇરસને) મેમરીમાં યાદ રાખી લે છે. એની વર્તણુક , એણે કરેલ નુકસાન , એની લડત બધી જ માહિતી એ ભેગી કરીને આપણાં ડિફેન્સ સિસ્ટમ એટલે કે રોગો સામે લડતા રોગપ્રતિકારક તંત્રને આપે છે. પરિણામે આપણું શરીર રોગને અનુરૂપ એન્ટિબૉડી તૈયાર કરે છે.

(૩.) શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે.?

~ જવાબ છે હા.! પણ હકીકતમાં એ વેક્સીનની આડઅસર છે જ નહીં.

ઉપર વર્ણવ્યું એમ જ્યારે વેક્સીનમાં રહેલ મૃત વાઇરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર- શ્વેતકણો એને દુશ્મન સમજી પડકારે છે. આ પડકારનું પરિણામ છે તાવ / કળતર / દુઃખાવો.

વાસ્તવમાં વેક્સીન લીધા બાદ તાવ આવવો એ આડઅસર નથી પણ આવકાર્ય પ્રક્રિયા છે જે સૂચવે છે કે વેક્સીન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય રિસ્પોન્સ / પ્રતિભાવ આપ્યો છે.

વેક્સીન લીધાના ચાર છ કલાક બાદ આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં? કળતર થશે કે નહીં? આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સીનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સીન લીધા બાદ એકાદ દિવસ આવું થાય તો ગભરાવવું નહિ. એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે.

(૪.) શું વેક્સીન લેવી જોઈએ.?

~ જવાબ છે સ્પષ્ટ ‘હા’.

જો ગંભીર બીમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સીન લઈ શકે છે. જેમને હાઇ બ્લડ પ્રેશર , ડાયાબીટીસ, થાઈરોઈડ હોય એમણે ડોક્ટરને બતાવી એમની દેખરેખ અને સૂચન હેઠળ ખાસ વેક્સીન લઈ લેવાય જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સીન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી અને સર્વાઇવલ સહેલું રહે છે. હેરાન ઓછું થવું પડે.

(૫.) શું વેક્સીન લીધા બાદ પણ કોરોના થઈ શકે.?

~ જવાબ છે “હા”.

આ વેક્સીન છે, અમરત્વનું વરદાન નથી! સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજવ વેક્સીનના પહેલા અને બીજા ડોઝ બાદ અમુક અઠવાડિયામાં શરીરમાં રોગ સામે લડતા એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે. આજ વેક્સીન લીધી અને આજ જ એન્ટીબોડી બની જાય એવું ન થઈ શકે. વેક્સીન લીધા બાદ શરીરમાં એન્ટીબોડી બનતા આશરે પંદર થી પચાસ દિવસ લાગી શકે. માટે વેક્સીન લીધા બાદ પણ જો સાવચેતી ન રાખીએ દોઢ-બે મહિનામાં કોરોના થઈ શકે.

વેક્સીનનો મજબૂત ફાયદો એ કે જો એ લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય છે. એ ઉપરાંત નાનપણથી ઓરી અછબડા, હડકવા વગેરે જેવી કેટલીય વેક્સીન આપણે લઈને હાલમા સામાન્ય જીવન જીવીએ છીએ. વેક્સીનનો ફાયદો છે, નુકસાની નથી.

બીજું કે હાલમાં વેક્સીન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જરૂર કોરોના સામે વધુ અસરકારક વેક્સીન અને ટેબ્લેટ ફોર્મમાં મેડિસિન આવશે. ત્યા સુધીમાં કોરોના જોડે જીવવું એટલું સામાન્ય લાગશે કે એકસમયે કરેલું લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે છતાં દવાના અભાવે જે તે સમયે એ નાખવું જરૂરી હતું. હાલમાં કોઈ અન્ય દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સીન થકી જ બચી શકાય એમ છે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.

http://gujhealth.gujarat.gov.in/

https://www.mohfw.gov.in/

Plz share this post

Leave a Reply