વાયા વસંતના વાયરા ગુજરતી નિબંધ

વાયા વસંતના વાયરા ગુજરતી નિબંધ વિષય પર નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં નિબંધ લખો.

વાયા વસંતના વાયરા

વસંતનો વૈભવ અથવા ઋતુરાજ વસંત અથવા તાજગીના ઢગલા ઠાલવતી વસંત અથવા વસંત – વનમાં અને જનમાં અથવા બહાવરી વસંત આવી રે અથવા વનાંચલે વસંત 

મુદ્દા : પ્રસ્તાવના – ભારતનો ઋતુક્રમ – વસંતનુ માદક વાતાવરણ – વસંત અને માનવજીવન – ઋતુઓનો રાજા – ઉપસંહાર

“આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના;

ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં”

– મનોજ ખંડેરિયા

કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ છ પેટા-ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે.

શિશિરઋતુ પછી વસંતઋતુનું આગમન થાય છે. વસંતઋતુની શરૂઆતથી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટામાં મંજરીઓ મહોર ઊઠે છે. ખાખરાનાં વૃક્ષો પર કેસૂડાંનાં લાલચટક ફૂલો ખીલી ઊઠે છે.

કમળનાં ફૂલોથી સરોવરો શોભી ઊઠે છે. આમ, વસંતઋતુમાં ભાતભાતનાં પુષ્પો ખીલે છે. તેમનાં મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર, વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઊઠે છે.

વસંતઋતુ માનવહૃદય પર અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવમન આનંદવિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટીના ઉત્સવો ધામધૂમથી ઊજવાય છે. આ તહેવારોમાં ચોમેર ઊછળતાં અબીલ-ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતાં વસંતનાં ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે.

મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ શબ્દચિત્ર આપ્યું છેઃ

“મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લે,

દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના.”

વસંતઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહિ. શરદનું પોતીકું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળએ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે. વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે.

વસંતઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર, વસંત ઋતુરાજ છે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

One Reply to “વાયા વસંતના વાયરા ગુજરતી નિબંધ”

Leave a Reply