પરિશ્રમ એ જ પારસમણિ ગુજરાતી નિબંધ

પરિશ્રમ એ જ પારસમણિ ગુજરાતી નિબંધ નીચે આપેલા મુદ્દા આધારિત આશરે ૨૫૦ શબ્દોમાં  લખો.

પરિશ્રમ એ જ પારસમણિ અથવા

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય અથવા

શ્રમનું ગૌરવ અથવા

કામ કરે એ જીતે અથવા

આજનો યુગમંત્ર – પુરુષાર્થ 

મુદ્દા : પ્રાસ્તાવિક – શ્રમ પ્રત્યે આપણા દેશમાં પ્રવર્તતી સૂગ – મહાપુરુષોના ઉદાહરણો – શ્રમ કરવાના ફાયદા – બદલાતો દૃષ્ટિકોણ – ઉપસંહાર

શ્રમ એ સફળતાની ગુરુચાવી છે. જીવનમાં ડગલે ને પગલે શ્રમની મહત્તાના દર્શન થયા કરે છે. તમામ મહાપુરુષોએ શ્રમ કરવાનો ઉપદેશ આપ્યો છે. બાઇબલમાં કહ્યું છે કે, “તું તારો પરસેવો પાડીને તારી રોટી કમાઈ ખાજે.” પરિશ્રમ કર્યા વિના બીજાએ કરેલા પરિશ્રમનું ફળ પડાવી લેનાર મનુષ્યને ગીતામાં ‘ચોર’ કહ્યો છે.

પરિશ્રમનો અર્થ થાય છે – ‘જાતમહેનત’. એમાં મજૂરી અથવા વૈતરું અભિપ્રેત નથી. માણસે માત્ર એશઆરામ કરવાને બદલે પોતાનાં કામો જાતે કરવા જોઈએ. પોતાનાં કોઈ પણ કામ પ્રત્યે શરમ, ઉપેક્ષા કે ધૃષ્ણા ન રાખીએ તો જ શ્રમનું યથાર્થ ગૌરવ સમજી શકીએ. કમનસીબે આપણો શિક્ષિત સમાજ શ્રમથી વેગળા રહેવાનું વલણ ધરાવે છે.

લોકો કડિયા, સુથાર, દરજી કે ખેડૂત જેવા શ્રમજીવીઓ પ્રત્યે આદરની લાગણી ધરાવતા નથી. કારકુનો અને અન્ય અધિકારીઓ મોટા ભાગનાં કાર્યો બીજા પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે. શ્રીમંત માણસો પોતાનું બધું કામ નોકરો પાસેથી કરાવવામાં ગૌરવ અને આનંદ અનુભવે છે. શારીરિક શ્રમ પ્રત્યેની આવી ઉપેક્ષાવૃત્તિ આપણા સમાજમાં સર્વત્ર જોવા મળે છે.

ધર્મોમાં શ્રમને તપનો દરજ્જો આપવામાં આવ્યો છે. જગતના મહાપુરુષોની મહત્તાના મૂળમાં શ્રમ રહેલો છે. આપણા રાષ્ટ્રપિતાનું જીવન શ્રમના મહાકાવ્ય જેવું હતું. તેમના આશ્રમમાં રહેનારા તમામ લોકો માટે સ્વાવલંબન અને શ્રમ એ બે મુખ્ય શરતો હતી. ‘આરામ હરામ હૈ’નું સૂત્ર આપનાર નેહરુજી શ્રમના અનન્ય ઉપાસક હતા. પશ્ચિમના દેશોમાં નાનામોટા બધા માણસો પોતાના બધા કામો જાતે કરે છે. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ અને સ્વાશ્રય વડે થોડા જ વર્ષોમાં અદ્ભુત પ્રગતિ સાધી છે.

જાતમહેનતથી જ મનુષ્યનું શરીર ઘડાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. શ્રમથી વ્યવસ્થાશક્તિ ખીલે છે અને મનોબળ દઢ બને છે. શ્રમ કરનાર માણસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક અને સમયસર કરી શકે છે. એને કદી ‘પારકી આશ સદા નિરાશ’નો કટુ અનુભવ કરવો પડતો નથી. વળી શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ વધુ પ્રિય લાગે છે. જાતે શ્રમ કરનાર માણસ સમય અને નાણાંની કરકસર કરી શકે છે અને બહોળો અનુભવ મેળવી શકે છે. શ્રમ કરનાર માણસ તેના ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં માન પામે છે.

સખત પરિશ્રમ કરનાર વ્યક્તિ ઉજ્વળ અને નિશ્ચિંત ભાવિનું ઘડતર કરી શકે છે. જે દેશના લોકો પરિશ્રમનું ગૌરવ કરે છે, તે દેશ ઝડપી પ્રગતિ સાધી શકે છે. પરિશ્રમરૂપી પારસમણિ દુઃખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી શકે છે! પરિશ્રમ અને પુરુષાર્થના બળ વડે જ મનુષ્યે વિકાસની ક્ષિતિજો સર કરી છે.

સદનસીબે હવે આપણા દેશવાસીઓને પણ શ્રમનું મહત્વ સમજાવા લાગ્યું છે. આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પણ શ્રમને સાંકળી લેવાની તાતી જરૂરિયાત છે.

એક કવિએ ખરું જ ગાયું છે, ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.” ખરેખર, શ્રમના સાધકો દ્વારા જ નૂતન ભારતનું નિર્માણ થઈ શકશે.


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

 

Plz share this post

Leave a Reply