ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન વિષય (વિભાગ B)મા Std 10 Social Science Imp Questions Section B MARCH 2024 બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો આપવામાં આવ્યા છે.
વિભાગ – C માં આપેલ પ્રશ્ન નં. 25 થી 37 પૈકી 13 પ્રશ્નોમાંથી કોઇપણ 9 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે.
♦2 ગુણના પ્રશ્નોના ઉત્તરોમાં કોઇ પણ 4 મુદ્દા લખવા.♦
પ્રકરણ – 1 ભારતનો વારસો
(1) સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
ઉત્તર :- → સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.→ મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી. મેલિનોવ્સ્કીના મતે , ‘સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ’.
→ સંસ્કૃતિ એટલે માનવસમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. → સંસ્કૃતિ એટલે ‘ગુફાથી ઘર’ સુધીની માનવજાતની વિકાસયાત્રા.
→ ઇતિહાસમાં ‘સંસ્કૃતિ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે.→ સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, ક્લા-કૌશલ્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
→ માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલાં સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિતકલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે.→ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાસમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે.
(2) ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.
ઉત્તર : આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક) માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9) માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
→ આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી.→ દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ – પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.
→ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.→ હિંસાનો ત્યાગ કરવો. → ભારતના પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.
(3) ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો.
ઉત્તર :- ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા. પ્રાચીનકાળમાં હિંદુઓ આર્ય કહેવાતા.તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ‘આર્યાવર્ત’ નામ અપાયું હતું.પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને ‘સપ્તસિંધુ’ નામ આપ્યું.
ઉત્તર વૈદિકકાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા (બિહાર) સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા.આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ ૫૨થી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો.આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા.
તેમણે આ દરેકની સ્તુતિઓ (ઋચાઓ) ની રચના કરી હતી. સમય જતાં વેદપઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ.ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું.સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન-સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી – કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો.
આમ, પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો.ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું ભારતીય કરણ થયું.આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો.
(4) ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો.
ઉત્તર :- દ્રવિડોને મોહેં-જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે.ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યાં. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા.દ્રવિડોએ માતારૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી.
દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે.દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ.
આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી.તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું-વણવું, રંગવું, હોડી-તરાપા જેવાં ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે.આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે .
(5) ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
ઉત્તર :-
સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કાંઈ સર્જન કર્યુ કે મેળવ્યું છે તે ‘સાંસ્કૃતિક વારસો’ કહેવાય છે.
→ ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો,કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલાં સ્થળો તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ સહિતનાં ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન (કોલકાતા), દિલ્લી જેવાં સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.
→ આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ-વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.→ પ્રાગ્ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે.
દા.ત. શિલ્પ સ્થાપત્યની કળા. તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. એ અવશેષોમાંથી મળી આવેલ દેવ-દેવીઓની પ્રતિમાઓ, પશુઓનાં અને માનવ – આકૃતિનાં શિલ્પો, બાળકોને રમવાનાં કેટલાંક રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિ વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા
(1) પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.
ઉત્તર :માનવજીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે.ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ્ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડાં, ઘડા, કુલડી, કોડીયાં, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય.
એ સમયે ઘરોની દીવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું.પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવાં પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતાં. રસોઈનાં વાસણો પણ માટીનાં રહેતાં.લોથલ, મોહેં-જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયનાં માટીનાં લાલ રંગનાં પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.
કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રીમાં ગરબા ( અંદર દીવો હોય તેવો માટીનો કાણાં પાડેલો ઘડો ) જોવા મળે છે.
કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા (ટેરાકૉટા) વાસણો તેમ જ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ (મહેસાણા જિલ્લા) માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે.
(2) “ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.” તે સ્પષ્ટ કરો.
ઉત્તર :પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલાં પશુઓનાં ચામડાંનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.
→ ચામડાંને જૂની પદ્ધતિઓથી કમાવવામાં (Process) આવતાં.→ ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવાં સંગીતનાં સાધનો, લુહારની ધમણો, પગરખાં, પાલતુ પ્રાણીઓને બાંધવાનાં સાધો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતાં.
→ આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાનાં પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાનાં સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.→ પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા.આમ, ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે.
(3) સંગીત રત્નાકરનો પરિચય આપો.
ઉત્તર :→ સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.→ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.→ તેઓ દેવગિરિ (દોલતાબાદ) માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.→ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.→ સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ બેજોડ ગણાય છે.
(4) કથકલી નૃત્ય વિશે સમજ આપો.
ઉત્તર :→ કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.→ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં.→ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.→ તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ) ને સમજવું પડે છે.
→ કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે.→ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકનાં પાત્રોને સજીવ કરે છે.→ ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (સ્થાપિત કલામંડળમાં કથકલી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.
(5) ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
ઉત્તર:શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે. ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું.
મોટે ભાગે પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે), એ ભવાઈની વિશેષતા રહી છે.ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો યોજાય છે.ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.
(6) ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.
ઉત્તર :-ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબનાં નૃત્યો કરે છે.→ તેમનાં મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને ફિઢ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે થતાં હોય છે.→ તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે.
→ આવાં નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવાં પક્ષીઓની નકલ કરે છે.→ ડાંગના આદિવાસીઓ ‘માળીનો ચાળો’ તેમજ ‘ઠાકર્યા ચાળો’ જેવાં નૃત્યો કરે છે.→ ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે.
(7) ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.
ઉત્તર :-→ ગરબો શબ્દ ‘ગર્ભ-દીપ’ પરથી બન્યો છે.→ કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું, તેને ગરબો કહેવામાં આવે છે.→ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 ( ક્યાંક સુદ-૧૦ કે શરદપૂનમ ) દરમિયાન ગરબા રમાય છે.
→ નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે.→ સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી, તેની વર્તુળાકારે ફરતાં ફરતાં તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે.
→ આ ઉપરાંત, ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતાં હોય છે.→ ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્તકવિ દયારામે ગોપીભાને શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય
(1) ધોળાવીરા વિશે માહિતી આપો.
ઉત્તર :→ ધોળાવીરા ભૂજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.→ તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે.
→ ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યારપછી ઈ.સ. 1990 માં પુરાતત્ત્વવિદ રવીન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
→ ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.→ નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઇંટોમાંથી બનાવેલ છે.→ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધીકરણની આ વ્યવસ્થા અદભુત હતી.
આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે.
(2) લોથલ ભારતનું અગત્યનું બંદર હતું.સમજાવો.
ઉત્તર :→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 86 કિલોમીટર દૂર છે.→ લોથલનાં મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલનાં મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયાં હશે.
→ લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંઘરવા માટેનો એક મોટો ધક્કો(ડોક્યાર્ડ) મળી આવ્યો છે.→ આ ધક્કો, વખારો, દુકાનો આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે.આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો-ગોદી, વખારો-ગોદામો, દુકાનો , આયાત-નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.
(3) સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો.
ઉત્તર :-→ મૌર્યસમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા, શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા.→ આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે.→ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલાએ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા.
→ પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય!→ સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો, જેથી ત્યાં લેખ કોતરી શકાય.→ સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલાહાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.
→ અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.→ આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને, એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.→ સારનાથએ ભગવાન બુદ્ધના ઉપદેશ (ધર્મચક્રપ્રવર્તન) નું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંક્તિ કરેલાં છે. આ ઉપરાંત, તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે.
→ 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે.
(4) મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
ઉત્તર :→ મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.→ તે ઈ.સ. 1026 માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.→ આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે.
→ આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.→ આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલાં છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દશ્ય સર્જાય છે.
(5) મોહેં-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો.
ઉત્તર :મોહેં-જો-દડોનો અર્થ ‘મરેલાનો ટેકરો’ એવો થાય છે.
મોહેં-જો-દડો નગરના રસ્તાઓ:અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા હોવાનું મનાય છે.
નગરના રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એક્બીજાને કાટખૂણે છેદતા હતા.
પ્ર-6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો
(1) ઈલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:→ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓમાં 16 નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે.→ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.→ એક જ પત્થરમાંથી કોતરીને બનાવેલું છે જે 50 મી. લાંબું, 33 મી. પહોળું અને 30 મી. ઊંચું છે. → દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે.
(2) એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર :મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે.એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે.આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે.
અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે જેમાં ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નં.1 માં આવેલી છે.
ઈ.સ. 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે.સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે
(3) કુતુબમિનાર વિશે લખો.
ઉત્તર :કુતુબમિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતબુદીન ઐબકે શરૂ કર્યુ જે તેના અવસાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું.
કુતુબમિનાર 72.5 મી ઊંચો છે. એનો ભૂતળનો ઘેરાવો 13.75 મી છે. જે ઊંચાઈ ૫૨ જતાં તે 2.75 મી થાય છે.કુતુબમિના૨ને લાલ પથ્થ૨ અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.કુતુબમનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
(4) ગોવાનાં દેવળો વિશે લખો.
ઉત્તર :પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા.ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી.અહીં બેસાલીકા ઑફ બોમ જીસસ કે બેસાલીકા ઑફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે.અહીં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણાં વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી.
આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ (દેવળ) આવેલાં છે.ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે પણ જાણીતું છે.
(5) અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની યાદી બનાવો.
ઉત્તર:અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સીપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહનાં દેરાં, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
(6) પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.
ઉત્તર:કારણ કે,ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે.ભારતનાં ચાર ધામ યાત્રા અને બાર ર્જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. ચારધામમાં બદ્રીનાથ (ઉતરાખંડ), રામેશ્વરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), અને જગન્નાથપુરી (ઓડિશા) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે. ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-7 આપણા વારસાનું જતન
(1) આપણા વારસાને લોકો કઈ – કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
ઉત્તર:-આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પાડે છે.
→ નદીઓ, ઝરણાં, સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને→ જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને→ જીવજંતુઓ અને વન્ય જીવોને મારી નાખીને
→ શિલ્પો, સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને→ ઐતિહાસિક સ્થળોની આજુબાજુ ગંદકી કરીને→શિલાલેખોના લખાણને ભૂસી નાખીને
(2) પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો.
ઉત્તર:-યુનેસ્કોએ ભારતનાં 32 જેટલાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યાં છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશમાં પ્રવાસ – પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે – તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભ થાય છે.
→ પ્રવાસનને લીધે પ્રવાસનાં સ્થળોની હૉટલો અને રેસ્ટોરન્ટોના માલિકોને, ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે.→ પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે.
→ ટૂર્સ – ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઑપરેટરોને કમાણી થાય છે. જે – તે રાજ્ય સરકારને જુદા જુદા ટૅક્સની આવક થાય છે.→ દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કીમતી વિદેશી હૂંડિયામણની કમાણી થાય છે.
→ પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક ક્લાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે.→ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટનસંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શક (ટુરિઝમ ગાઇડ) નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.
→ વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે.→ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે.
→ પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકાવિહાર જેવી પ્રોત્સાહન મળે છે.→ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે.
(3) આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો.
ઉત્તર:-→ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.→ આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે.→ આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.
→ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે.→ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.
→ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.→ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે.
(4) સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો.
ઉત્તર:-ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876 માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતાં, ખેતર ખેડતાં તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્ત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયોમાં કે જે – તે સ્થળે થઈ શકે.
→ ઈ.સ. 1972 માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે.
→ ગુજરાતમાં અમદાવાદ ખાતે ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’ (એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી) અને ‘ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન’ (ભો.જે.વિદ્યાભવન); કોબા – ગાંધીનગર ખાતે ‘શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર’, પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર (ગ્રંથાલય) વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુ લિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે.
→ આપણા દેશમાં નવી દિલ્લી ખાતે ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, કોલકાતા ખાતે ‘ભારતીય સંગ્રહાલય’, મુંબઈ ખાતે ‘’છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય’ (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), હૈદરાબાદ ખાતે ‘સાલારગંજ સંગ્રહાલય’, ભોપાલ ખાતે ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’,વડોદરા ખાતે ‘વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી’ વગેરે પ્રખ્યાત સંગ્રહાલયો છે.
→ તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. તેમનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે.
(5) ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો.
ઉત્તર:-ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ.
(6) પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
ઉત્તર:-પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેનાં મંતવ્યો:
(1) કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.(2) કચરો ગમે ત્યાં ન ફેંકવો. નાનો – મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ.(૩) ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
(4) ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.(5) પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકવું ન જોઈએ.(6) પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય – સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહિ.(7) ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.
(8) રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફસફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. તેમનાં મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.
(9) દેશ – વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ.(10) કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ.
(7) આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
ઉત્તર:-→ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.→ આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે.→ આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.
→ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. તે આપણા માટે માર્ગદર્શક છે.→ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.
→ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.→ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે.
→ વિદેશી પ્રજાનાં આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ.
(8) પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.
ઉત્તર:-→ ઈ.સ. 1972 માં ભારત સરકારે વન્ય જીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદો રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયાં છે.→ આ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.→ દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યાં છે.
→ ઈ.સ. 1883 માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ’ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે.→ હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે.
→ ભારત સરકાર ઉપરાંત, દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન
(1) અભયારણ્ય એટલે શું?
ઉત્તર:-જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો ‘અભયારણ્યો’ કહેવાય છે.
→ કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે.→ તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ – પ્રવૃત્તિઓ કરી શકાય છે.→ સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે.→ પેરિયાર, ચંદ્રપ્રભા, સેતુરનાગરમ્, સારિસ્કા વગેરે દેશનાં જાણીતાં અભયારણ્યો છે.
(2) રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
ઉત્તર:-કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો ‘રાષ્ટ્રીય ઉદ્યાનો’ કહેવાય છે.
→ તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે.→ તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે.→ તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.→ અહીં સહેલાણીઓના હરવા – ફરવા પર પણ નિયંત્રણ હોય છે.→ તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.
→ તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.→ કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે દેશનાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
(3) નિર્વનીકરણની અસરો જણાવો.
ઉત્તર:-નિર્વનીકરણની – જંગલોના વિનાશની – અસરો નીચે પ્રમાણે છે.
→ વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડની માત્રામાં વધારો થયો છે.→ હરિત ગૃહ પ્રભાવની (ગ્રીન હાઉસ ઇફેક્ટ)ની અસરો વધારે ઘેરી બને છે.→ માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે.
→ દ્વીપકલ્પીય ભારતનાં જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે.
→ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.→ દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે.→ અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે.→ વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે.
→ માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકનાં ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે.→ કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયાં છે.
(4) વન સંરક્ષણના ઉપાયો વર્ણવો.
ઉત્તર:-વન – સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે.
બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌરઊર્જા, પવનઊર્જા, બાયઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં. અથવા જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવાં પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ. અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ .
જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ. ઇકો – ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું.
સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા – કૉલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વન – સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન – સંરક્ષણની જરૂરિયાત સમજાવવી.
ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ (Social Forestry) અને કૃષિ વનીકરણ (Agro Forestry) જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવાં.
વન – સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો . કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી બીજાં તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે. દાવાનળથી જંગલો નાશ પામે છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.
→ જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે.→ પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ.
(5) ભારતમાં કર્યાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?
ઉત્તર:-ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
(6) ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા?
ઉત્તર:-ગુજરાતમાં અગાઉ ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગનાં જંગલોમાં વાઘ જોવા મળતા હતા.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-11 ભારત : જળ સંસાધન
(1) બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.
ઉત્તર :- નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે.
બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :
→ બંધોથી બનેલાં જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત-ઉત્પાદન વધારવું.
→ બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.
→ ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું.
→ નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.
→ જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતિરક જળમાર્ગો વિકસાવવા.
→ બંધોથી રચાયેલાં જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઊભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિકસાવવો.
→ નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.
→ લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.
→ જળાશયોમાંથી આજુબાજુનાં શહેરો અને ગામડાંને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું.
→ બંધો પાસે બાગબગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહનાં રમણીય સ્થળો ઊભાં કરવાં.
(2) સિંચાઈક્ષેત્રના વિતરણ વિશે લખો,
ઉત્તર :- ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.
→ સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે.
→ ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38 % છે. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે.
→ મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8 % છે.
→ કુલ સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.
→ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.
(3) ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
ઉત્તર :- ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘરવપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે.
(4) જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ?
ઉત્તર :- જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
→ બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ઘોવા માટે, નાહવા ધોવા માટે, શૌચાલયોમાં તથા વાશ-બેસિનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી.
→ જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
→ જળાશયોને પ્રદૂષણથી બચાવવાં જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે.
→ ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
→ ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.
→ કૂવા, ટ્યૂબવેલ, ખેત-તલાવડી જેવાં જળ સ્ત્રાવનાં એકમોનો ઉપયોગ વધારવો.
→ પાણી-પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયે તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે.
(5) વૃષ્ટિ જળ સંચયના વિશેની માહિતી આપો.
ઉત્તર :- ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે, તેનાથી ભૂમિમાં જળ-સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે.
‘વૃષ્ટિજળ સંચય’ના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ છે :
→ પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.
→ સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું.
→ સડકમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
→ ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી.
→ ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો.
→ ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પોંહચી વળવું.
→ મોટાં શહેરોમાં બહુમાળી મકાનોનાં ધાબાં (અગાશી) કે છાપરાં પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવાં.
વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું. ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદી, નાની નાની નદીઓ પર બંધારો બાંધવા વગેરેનો સમાવેશ થાય છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-12 ભારત : ખનિજ અને શક્તિ સંસાધનો
(1) ચૂનાના ઉપયોગ જણાવો
ઉત્તર :- ચૂનાના (પથ્થરના) ઉપયોગો નીચે પ્રમાણે છે : → ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં થાય છે. → તે લોખંડને પિગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. → આ ઉપરાંત, તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગોમાં, ખાંડના શુદ્ધીકરણમાં તથા ચૂનો, સોડા બૅશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે.
(2) અબરખ વિશે જણાવો.
ઉત્તર :- અબરખના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છેઃ → અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક (અતિમંદવાહક) છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે.
→ આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેનાં હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુતરોધક (Insulator) તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત, તે અન્ય વીજસાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે.
→ તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે.
→ ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે.
→ ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે.
→ અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.
(3) તાંબાની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:- તાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે :
( 1 ) તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્રધાતુઓ બનાવવા માટે થાય છે. તેમાં જસત ભેળવતાં પિત્તળ અને કલાઈ ભેળવતાં કાંસું બને છે. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે.
( 2 ) તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી ખનીજોમાં સર્વપ્રથમ તાંબું માનવીના ઉપયોગમાં આવ્યું હશે એમ મનાય છે.
(3) તાંબું વિદ્યુતની સુવાહક ધાતુ છે.
( 4 ) ‘તામ્રયુગ’ને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે.
( 5 ) તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનનાં સાધનો, સિક્કા, છાપકામનાં બીબાં, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે.
→ તાંબું એક ઉત્તમ વિદ્યુતવાહક હોવાથી વીજળીના તાર, વીજસાધનો અને રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ઍરકંડિશનર વગેરે સાધનો બનાવવામાં વપરાય છે.
(4) ખનીજોના વર્ગીકરણ વિશે લખો.
ઉત્તર :- ખનીજોનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે પણ કરી શકાય :
( 1 ) ધાતુમય ખનીજો :
( i ) કીમતી ધાતુમય ખનીજો : સોનું, ચાંદી, લૅટિનમ વગેરે.
( ii ) વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજો : મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ (ટાઇટેનિયમ) વગેરે.
( iii ) સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો : લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિલ વગેરે.
( iv ) મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો : મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ (વનેડિયમ) વગેરે.
( 2 ) અધાતુમય ખનીજો :ચૂનાના પથ્થર, ચૉક, ઍસ્બેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), સલ્ફર, હીરા વગેરે.
(૩) સંચાલન શક્તિ માટે વપરાતાં ખનીજો : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.
(5) ‘આધુનિક યુગને ખનીજયુગ કહે છે’ શા માટે ?
ઉત્તર :- માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનીજોમાંથી બનાવાયેલાં સાધનો સંકળાયેલાં છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદનાં યંત્રો, વાહનો વગેરે ખનીજોમાંથી બને છે.
→ ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજનાં તમામ વિકસિત રાષ્ટ્રો ખનીજોનાં વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તનિકી વિકાસના કારણે સમૃદ્ધ થયાં છે. તેથી આધુનિક યુગને ‘ખનીજયુગ’ પણ કહેવામાં આવે છે.
(6) આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે ?
ઉત્તર :- હાલમાં વિશ્વની ઊર્જાની મોટા ભાગની જરૂરિયાત કોલસો, ખનીજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવાં પરંપરાગત ઊર્જાસ્રોતોથી સંતોષાય છે. → આ ઊર્જાસ્રોતોનો જથ્થો મર્યાદિત છે. વળી, તે પુનઃઅપ્રાપ્ય શક્તિ- સંસાધનો છે.
→ પરંપરાગત ઊર્જાસ્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યાં છે, એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે.
→ આ સંજોગોમાં, નજીકના જ ભવિષ્યમાં ઊર્જાના બિનપરંપરાગત સ્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. વળી, તે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.
→ આથી આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ વધ્યો છે.
(7) લોખંડના મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.
ઉત્તર :- ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે.
(8) ભારતમાં મેંગેનીઝ કયાં કયાં રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે ?
ઉત્તર :- ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્રકરણ-13 ઉત્પાદન ઉદ્યોગો
(1) પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
ઉત્તર :- ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના ‘પર્યાવરણીય અતિક્રમણ’ કહેવાય છે.
પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છેઃ
( 1 ) ઔઘોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા : પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને, સારાં યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે.
( 2 ) ઈંધણની યોગ્ય પસંદગી : ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દા. ત., ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે.
(૩) હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.
( 4 ) ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્ધીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે.
( 5 ) ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.
( 6 ) જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્ત્વની છે : (1) વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, (2) પુનઃ ચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને (૩) બાકીના કચરાને જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.
(2) ખાંડ તથા ખાંડસરીનાં કારખાનાં કયાં સ્થપાયાં છે ? શા માટે ?
ઉત્તર:- ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે.
→ શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.
(3) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :- ભારતનો લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના-મોટા ભાગો બનાવવામાં આવે છે.
→ ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સીરિયાના + માસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
→ ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટોનોવા નામના સ્થળે 1890માં સ્થાપવામાં આવ્યું હતું, પણ કેટલાંક કારણોસર તે બંધ પડી ગયું. ત્યારપછી 1864માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે.
→ લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું. ત્યારપછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદનાં કારખાનાં સ્થપાયાં.
→ સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્નમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટાં કારખાનાં સ્થપાયાં.
→ લોખંડ-પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે લોહઅયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે.
→ ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
→ ટાટા સિવાયનાં ભારતનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ’ (Steel Authority of India Limited – SAIL) હસ્તક છે.
→ લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
Std 10 Social Science Imp Questions Section B
પ્ર – 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
(1) સાંપ્રદાયક્તિતા દૂર કરવાના ઉપાયો જણાવો.
ઉત્તર :- સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે :
→ સાંપ્રદાયિક તત્ત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહિ તેમજ સમાધાન કરવું નહિ.
→ શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોનાં સારાં તત્ત્વો દાખલ કરવાં જોઈએ. તદુપરાંત, શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય છે.
→ ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહિ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો.
→ રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં શ્રેષ્ઠ વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મસમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
→ સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ.
→ યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ.
→ સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરેએ સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ.
→ ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્રગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.
(2) આતંકવાદની સામાજિક અસરો જણાવો.
ઉત્તર :- આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે :
→ આતંકવાદ સમાજની એકતાને છિન્નભિન્ન કરે છે.
→ આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
→ આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે.
→ આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી.
→ સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજવ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે.
→ જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી.
→ ગામડાં અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે.
(3) આતંકવાદની આર્થિક અસરો જણાવો.
ઉત્તર :- આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે :
→ આતંકવાદથી જે-તે પ્રદેશના વેપાર-ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપાર-રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે.
→ આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
→ કેટલાંક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી-ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે.
→ આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન-પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી.
→ આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહિ મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે; ક્યારેક ચોરી-લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે.
→ આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસનાં કામો ઓછા પ્રમાણમાં થાય છે.
→ સરકારે બાંધેલાં અનેક બાંધકામો જેવાં કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બૉમ્બવિસ્ફોટોથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામોના પુનર્નિર્માણ કે સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી.
→ આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે.
→ આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે-તે પ્રદેશના ઉદ્યોગ-ધંધા અને વાહનવ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવનજરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવવધારો જોવા મળે છે. લાંચરુશવત અને ભ્રષ્ટાચારની બદી ફેલાય છે.
Std 10 Social Science Imp Questions Section B
વિભાગ – C ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.
વિભાગ – D ના પ્રશ્નો અને તેના ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.