std 9 social science ch 15 ધો.9 સા.વિ. પ્ર -15 જળપરિવહન

ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 15 જળપરિવહન (std 9 social science ch 15) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : std 9 social science ch 15

(1) તફાવત આપો : હિમાલયની નદીઓ – દ્વીપકલ્પીય નદીઓ

ઉત્તર : હિમાલયની નદીઓ

1. હિમાલયની નદીઓનાં બેસિન મોટાં છે.

2. આ નદીઓનાં ઉદ્ગમસ્થાન ઊંચાં હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યાં છે. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે.

૩. આ નદીઓ બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે.

4. તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી ચૈતી અને કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણક્રિયાથી પૂરનાં મેદાનો, તટબંધ વગેરે રચાય છે.

5. મેદાનપ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે.

 દ્વીપકલ્પીય નદીઓ

1. દ્વીપકલ્પીય નદીઓનાં બેસિન નાનાં છે.

2. આ નદીઓનાં ઉદ્ગમસ્થાન પ્રમાણમાં નીચાં હોવાથી તેનો વેગ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે.

૩. આમાંની મોટા ભાગની નદીઓ હંગામી (મોસમી) છે. તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે. તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે.

4. તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું પ્રમાણ ઓછું હોય છે. આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે.

5. નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસર્પણ થતું નથી.

(2) સમજાવો : જળ – પરિવાહ અને જળ વિભાજક

ઉત્તર : ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહમાર્ગમાં તેને નાની – મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓ મુખ્ય નદીની શાખા નદીઓ કહેવાય છે . અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણપ્રદેશને મળે છે. આ રીતે એક નદીતંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર – વિસ્તારમાંથી પસાર થાય છે, તેને ‘નદીનું બેસિન ક્ષેત્ર’ કહે છે. આમ, એક મોટી નદી અને તેની શાખા – પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર ‘જળપરિવાહ પ્રણાલી’ કહેવાય છે. જળપરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે.

જે કોઈ પર્વતધાર કે ઉચ્ચભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતઘાર કે ઉચ્ચભૂમિને ‘જળવિભાજક’ કહેવામાં આવે છે.

(3) સરોવરોની ઉપયોગિતા જણાવો.

ઉત્તર : સરોવરોની ઉપયોગિતા :

(1) ભારતનાં કેટલાંક સરોવરો નદીઓનાં ઉદ્દભવસ્થાન છે; જેમ કે, અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે.

(2) વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલાં સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર – વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે.

(3) સરોવરોનાં પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે.

(4) નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલાં સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે.

(5) ઘણાં સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે કરતાં હોય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. આમ, સરોવરો અનેક રીતે ઉપયોગી છે.

(4) જળ – પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.

ઉત્તર : જળ – પ્રદૂષણ અટકાવવાના ઉપાયો :

(1) જળ – પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું.

(2) રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધીકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો.

(3) ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે, તે માટેના કડક કાયદા બનાવવા.

(4) ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતાં પહેલાં તેની પર જરૂરી શુદ્ધીકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્ત્વો નાબૂદ થાય.

(5) દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો.

(6) બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.

(5) ‘ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે’ – કારણ આપો.

ઉત્તર : ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહમાર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને ‘દક્ષિણની ગંગા’ કહે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો : std 9 social science ch 15

(1) ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો.

ઉત્તર : (1) હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ‘ગંગા’ નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે.

(2) મેદાનપ્રદેશમાં ઘણી નાનીમોટી નદીઓ ઉત્તર તરફથી આવી ગંગાને મળે છે. તેમાં નેપાળથી આવતી ઘાઘરા, ગંડક અને કોસી મુખ્ય છે.

(3) હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ગંગાના જમણા કિનારે પ્રયાગ (અલાહાબાદ) પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને શોણ (સોન) નો સંગમ થાય છે.

(4) પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો દક્ષિણ – પૂર્વ દિશામાં આગળ વધી ‘પદ્મા’ના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરફનો બીજો ફાંટો ‘ભાગીરથી – હુગલી’ નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે.

(5) પદ્મા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહની સાથે ભળી જાય છે, જેને અહીં ” કહે છે. ત્યાંથી બંગાળાની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ ‘મેઘના’ નામે ઓળખાય છે.

(6) ગંગાની લંબાઈ 2500 કિમીથી વધારે છે. ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગાતંત્રમાં વહી બંગાળાની ખાડીમાં જાય છે.

(7) ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે. તે ‘સુંદરવન’ના નામે ઓળખાય છે.

(2) નર્મદા બેસીન વિશે જણાવો.

ઉત્તર : (1) નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્ય પ્રદેશમાં એક ફાટખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે.

(2) નર્મદાનું બેસિન મધ્ય પ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે.

(3) નર્મદા નદી મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર (આરસ) ના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુંઆધાર નામના ધોધની રચના થઈ છે.

(4) નર્મદાની ઘણી શાખા નદીઓ છે, જેમાંની કોઈ 200 કિમીથી વધુ લાંબી નથી. મોટા ભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે.

(5) નર્મદા અને તેની શાખા – પ્રશાખાઓ મધ્ય પ્રદેશમાં આયતાકાર જળપરિવાહ પ્રણાલી બનાવે છે.

(3) કૃષ્ણા અને કાવેરી બેસીનની વિસ્તૃત માહિતી આપો.

ઉત્તર : કૃષ્ણા બેસિન :

(1) કૃષ્ણા નદી પશ્ચિમઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે.

(2) તેની લંબાઈ આશરે 1400 કિમી છે.

(3) કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે તેની શાખાનદીઓ છે.

(4) તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે.

કાવેરી બેસિન :

(1) કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના ફુડલૂરની દક્ષિણે જૂના કાવેરીપટ્નમની પાસે બંગાળાની ખાડીને મળે છે.

(2) તેની લંબાઈ આશરે 760 કિમી છે.

(3) અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખાનદીઓ છે.

(4) તેનું બેસિન ક્ષેત્ર કેરલ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે.

3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો : std 9 social science ch 15

(1) નદીઓના વિસર્પણને કારણે કેવાં સરોવરો રચાય છે ?

(A) લગૂન (B) ઘોડાની નાળ જેવા (C) લંબગોળ (D) ચોરસ

ઉત્તર :  (B) ઘોડાની નાળ જેવા

(2) કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એક બીજાથી અલગ કરે તેને શું કહેવાય ?

(A) જળ રચના (B) જળ વિભાજક (C) નદી પ્રણાલી (D) બેસીન

ઉત્તર : (B) જળ વિભાજક

(3) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ?

(A) ગોદાવરી (B) કૃષ્ણા (C) કોસી (D) કાવેરી

ઉત્તર : (C) કોસી

(4) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?

(A) ઢેબર (B) સાંભર (C) વૂલર (D) નળ

ઉત્તર : (B) સાંભર

(5) ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે ?

(A) યમુના, ઘાઘ્રા, ગંડક અને કોસી  (B) યમુના, ચંબલ, ઘાઘ્રા, કોસી (C) યમુના, ઘાઘ્રા , શરાવતી અને કોસી (D) નર્મદા, ઘાઘ્રા, ગંડક અને કોસી

ઉત્તર : (A) યમુના, ઘાઘ્રા, ગંડક અને કોસી


આ ઉપરાંત બીજા પ્રકરણોની લિંક નીચે આપેલ છે.

પ્ર-1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો


youtube logo

Plz share this post

Leave a Reply