ધો.10 ગુજરાતી પ્ર – 13 વતનથી વિદાય થતાં

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 13 વતનથી વિદાય થતાં (std 10 gujarati ch13) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 13 વતનથી વિદાય થતાં

લેખકનુ નામ :- જયંત પાઠક

કાવ્ય પ્રકાર :-  સોનેટ

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) કવિને શાની ભ્રમણા થાય છે?

(A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની (B) શહેરની ગીચ વસ્તીની (C) પોતાની પત્નીની (D) પુત્રની

ઉત્તર : (A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની

(2) વતનની વિદાય થતાં કવિ અનુભવે છે …

(A) શહેરી દુનિયાની મજા મસ્તી (B) ઉલ્લાસ અને આનંદ (C) વતન પ્રત્યેનો તિરસ્કાર (D) વતન માટેનો તલસાટ

ઉત્તર : (D) વતન માટેનો તલસાટ

2. નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો :

(1) ‘વતનની વિદાય થતાં’ કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે?

ઉત્તર : વતનના જન, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી

3. નીચેના પ્રશ્નનો બે – ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

(1) કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે કારણ કે …

ઉત્તર : કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા.

4. નીચેના પ્રશ્નનો સાત – આઠ લીટીમાં ઉત્તર આપો :

(1) વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.

ઉત્તર : વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય! વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે, ચાલો જીવ. (પોતાને આશ્વસ્ત કરે છે.) વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે એટલે આંખનાં આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે બે હાથ ઊંચા કરી તેમને કોઇ વારતી હતી, આ રિસાળ બાળકને તેની બા બોલાવતી હતી !!

(2) કાવ્યપંક્તિ સમજાવો .

“આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચાં મને વારતી –

એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી!!”

ઉત્તર : સૉનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિ (કાવ્યનાયક) ને વતન છોડવું ગમતું નથી.તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે. ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતાં અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી? એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય! બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના ઘોતક છે.


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

કોઢાર – ઢોરને બાંધવાની જગા ,

કેડી – સાંકો પગરસ્તો , પગદંડી ;

પાય – પગ ,

તરુ – ઝાડ ;

વેકુર – નદીની કાંકરાવાળી જાડી રેતી ;

ઉપરવાસ – પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા ;

ભૂત – ભૂતકાળ , થઈ ગયેલું :

વેઠિયા – વગર મહેનતાણાથી કામ કરનાર

♦ તળપદા શબ્દો ♦

ભાળવું – જોવું ;

તલખવું – તલસવું , તડપવું :

ભીડવું – બંધ કરવું ;

આઘે – દૂર

લૈ – લઈ

♦ શબ્દસમૂહ માટે એક શબ્દ ♦

ગાયોનો સમૂહ – ગોધણ

 

Plz share this post

Leave a Reply