ધો.10 ગુજરાતી પ્ર – 14 જન્મોત્સવ

ધોરણ 10 ગુજરાતીમાં પ્રકરણ – 14 જન્મોત્સવ (std 10 gujarati ch14) સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો અને વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામા આવ્યા છે.

પ્રકરણ – 14 જન્મોત્સવ

લેખકનુ નામ :- સુરેશ જોષી

સાહિત્ય પ્રકાર :-  નવલિકા

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર મળશે.

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

(1) લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઇ રહ્યા હતા, કારણ કે …

(A) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય ઊભું થવાનું હતું.(B) માણકી બાળકને જન્મ આપવાની હતી.(C) કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો. (D) નાટક રજૂ થઇ રહ્યું હતું.

ઉત્તર :- (A) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય ઊભું થવાનું હતું.

(2) આ પાઠમાં લેખક શું કહેવા માગે છે.?

(A) લેખક કશું જ કહેવા માગતા નથી.(B) કૃષ્ણજન્મનું મહત્ત્વ સમજાવવા માગે છે.(C) સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.(D) પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે.

ઉત્તર :- (C) સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

(1) “હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે?” – આ વાક્ય કોણ બોલે છે?

ઉત્તર :- વેલજી ડોસા

(2) ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઇ ઘટના બની?

ઉત્તર :- બાળકનુ રુદન ગાજી ઊઠ્યું.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

(1) અસિતે કૃષ્ણજન્મની કઇ તરકીબ રચી હતી તે જણાવો.

ઉત્તર : અસિતે વીજળીની મદદથી કૃષ્ણજન્મની તરકીબ રચી હતી. રાત્રીના બાર વાગ્યે કિનખાબનો પડદો ખૂલે, આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય. ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. સાથે જ ઝાલર, મંજીરાં, કાંસા ને શંખનો ધ્વનિ સંભળાય, બિભાસના સૂર વાતાવરણને વધુ આહ્લાદક બનાવે એવી તરકીબ અસિતે રચી.

(2) કાનજી અને દેવજી બાળકને લઇને ક્યાં જતા હતા? શા માટે?

ઉત્તર : કાનજી અને દેવજી બાળકને લઈને, ઘૂંટણસમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા.

4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો :

(1) નિજમંદિરમાં ઊભું કરેલું કૃષ્ણજન્મોત્સવનું દશ્ય વર્ણવો.

ઉત્તર : અસિતે પોતાના ટેક્નોલૉજિકલ જ્ઞાનના આધારે વીજળીની તરકીબથી કૃષ્ણજન્મોત્સવનું દૃશ્ય નિજમંદિરમાં ખડું કર્યું હતું. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો, દેવકીના ખોળામાં, બાળકરૂપે ઝૂલવા લાગ્યો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા સમદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિભાસ સૂર છેડ્યા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઈપૂર્વક કરી હતી. વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળતાં દેવકી કરગરવા લાગી. આખરે વસુદેવે કૃષ્ણને હળવેકથી છાબમાં મૂક્યા. અંગૂઠો ધાવતા, વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવનમોહક હાસ્ય હતું. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતાં જ કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો, જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. ગોપબાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી, સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો, શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.

(2) નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો.

ઉત્તર : ‘જન્મોત્સવ’ વાર્તામાં સમયના એક જ બિંદુ પર, કૃષ્ણ અને કિસનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણજન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, કિસનના જન્મ વખતે કરુણા ને મજબૂરી છે. કિસનને લઈને કાનજી અને દેવજી વરસાદનાં પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો, કિસનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિસનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતાં નથી. કિસનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારુણ ગરીબી છે, ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણજન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિસનનો જન્મ છે, બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા!


♦ વ્યાકરણ વિભાગ ♦

♦ સમાનાર્થી / શબ્દાર્થ ♦

કિનખાબ – જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ ;

તરકીબ – યુક્તિ ;

સૂમસામ – એકદમ શાંત ;

આશ્રય – આશરો ;

ફગ ગિયો દીવો – જેની જ્યોત હાલકડોલક થતી હોય તેવો દીવો ;

કણસવું – દુઃખને લીધે ઊંહકારા કરવા ;

તુમુલ – દારુણ , ભયાનક ;

પ્રભાત – સવા૨ ;

લિબાસ – પોશાક , પહેરવેશ ;

પર્વ – તહેવાર , ઉત્સવ :

કરામત – કારીગરી ;

ભોર – પરોઢિયું ;

અક્કરમી – અભાગિયું

♦ તળપદા શબ્દો ♦

થિયો – થયો ;

ભઈ – ભાઈ ;

નો – ના ;

બચાડી – બિચારી ;

નોં’તુ – ન હતું, નહોતું ;

મેલો – મૂકો ;

ડોહા – ડોસા ,

મોરે – મોખરે , આગળ ;

ભાળ – પત્તો , ખબર ,

આઈ – અહીં ;

ઈમાં – એમા ;

કાઢ્ય – કાઢ ;

હાંભળહે – સાંભળશે ;

કુણ – કોણ ;

હોનાના – સોનાના :

દખી – દુઃખી ;

ભાળ્યું – જોયું ;

હારે – સાથે ;

કાલ્ય – કાલ ;

હાવ – સાથે

♦ વિરુદ્ધાર્થી શબ્દો ♦

સવાર x સાંજ ;

આનંદ x શોક

 

Plz share this post

Leave a Reply