ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -15 આર્થિક વિકાસ

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 15 આર્થિક વિકાસ (std10 social science ch15) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

( 1 ) વિકાસશીલ અર્થતંત્રનાં કોઈ પણ પાંચ લક્ષણો ચર્ચો.

ઉત્તર : વિકાસશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે.

1. નીચી માથાદીઠ આવક : વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તીવૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે. પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહે છે.

2. વસ્તીવૃદ્ધિ : આ દેશોમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 2 % કે તેથી વધારે હોય છે.

3. કૃષિક્ષેત્ર પર અવલંબન : આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60 % કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25 % ની આસપાસ હોય છે.

4. આવકની વહેંચણીની અસમાનતા : આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનનાં સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે. → આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે.

→ આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું હોય છે. → આ દેશોમાં દેશના ટોચના 20 % ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40 % હિસ્સો ધરાવતા હોય છે; જ્યારે તળિયાના 20 % ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10 % હિસ્સો ધરાવતા હોય છે.

5. બેરોજગારી : આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના ૩ % કરતાં વધારે હોય છે. → આ દેશોમાં મોસમી, છૂપી (પ્રચ્છન્ન), ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે. વળી, બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે.

6. ગરીબી : આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું હોય છે. → આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે.

7. દ્વિમુખી અર્થતંત્ર: આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે. આ દેશોના ગ્રામવિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે; જ્યારે શહેરી વિસ્તારોમાં અદ્યતન ઉદ્યોગો, મૂડી – પ્રધાન ઉત્પાદન – પદ્ધતિ, નવાં નવાં યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે.

( 2 ) જરૂરિયાતો અમર્યાદિત હોય છે. સમજાવો.

ઉત્તર : →માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે. → એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે. → ઘણી વાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે.

→ કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. → દા. ત.  જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાઇકલની જરૂરિયાત જણાય છે; પરંતુ સાઇકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઇચ્છા સેવે છે. → જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી.

→ માનવ – જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહિ, પરંતુ ગુણાકાર થાય છે. → માનવજીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે. → આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.

( 3 ) બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો.

ઉત્તર : બજાર પદ્ધતિની – મૂડીવાદની – મર્યાદાઓ (ખામીઓ) નીચે પ્રમાણે છે : → આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે, તેથી દેશમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. → તેમાં બજારતંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે.

→ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે. → બજાર પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિરતા સર્જાય છે. → આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે. તે ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરે છે.

( 4 ) મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો.

ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી નીચે પ્રમાણે છે :→ મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે.

જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીરોકાણ માગી લેતા પાયાના ચાવીરૂપ મૂડીસર્જક ભારે ઉદ્યોગો; રેલવે, વિમાનવ્યવહાર જેવી વાહનવ્યવહારની સેવાઓ; તાર – ટપાલ અને ટેલિફોન જેવી સંદેશવ્યવહારની સેવાઓ; રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવનવીમો, બૅન્કિંગ, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે.

→ એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિવ્યાપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે. → એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દા. ત. માર્ગ – પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓનાં ક્ષેત્રો.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.

( 1 ) સમજાવો : ઉત્પાદનના સાધન તરીકે જમીન

ઉત્તર : અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને ‘જમીન’ કહેવામાં આવે છે. આ દૃષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંની ખનીજસંપત્તિ વગેરે ‘જમીન’ કહેવાય છે.

→ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તે કુદરતી બક્ષિસ છે. મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી. તેથી તેનું ઉત્પાદનખર્ચ શૂન્ય છે. → જમીન માનવસર્જિત સાધન નથી, તેથી તેનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. આથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેક્નોલૉજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે.

→ જમીનની ગતિશીલતા મર્યાદિત છે. જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી. → જમીનમાં વિવિધતા છે. ફળદ્રુપતા અને ઉપયોગિતાની દૃષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. જમીનની ગુણવત્તા પણ એકસરખી હોતી નથી.

( 2 ) સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો.

ઉત્તર : સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ – ખામીઓ – નીચે પ્રમાણે છે. → આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોય છે, તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. → તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્ત્વનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. → આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. → તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી અમલદાર શાહીનો ભય પ્રવર્તે છે.

( 3 ) આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો.

ઉત્તર : આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે.

1. વિકાસની પ્રક્રિયાના આધારે : આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફારો સૂચવે છે; જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે; જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે.

2. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે: ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેત – ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે; જ્યારે અર્થતંત્રમાં થતાં નવાં સંશોધનોના આધારે ખેત – ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. દા.ત. ઘઉં, ડાંગર જેવા પાકોનાં નવાં બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેકગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે.

3. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં : યૂ.એસ.એ., રશિયા, જાપાન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય; જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય.

( 4 ) પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો.

ઉત્તર : ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલન અને પશુસંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘાં બતકાં ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. → સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.

→ રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. → પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે. તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવાક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઓછું થતું જાય છે. → પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવાક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે.

( 5 ) તફાવત સ્પષ્ટ કરો: આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ

ઉત્તર : આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે :

આર્થિક પ્રવૃત્તિ :-  → ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દા.ત. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, વકીલ, ડૉક્ટર, ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. → તેઓ આવક મેળવીને અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.

બિનઆર્થિક પ્રવૃત્તિ :- → જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દા.ત. ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, માતા બાળકને ઉછેરે, વ્યક્તિ અંગત શોખ માટે છોડ કે વૃક્ષ ઉગાડે, વ્યક્તિ સમાજસેવાનાં કામો કરે.  → તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

( 1 ) ઉત્પાદનનાં મુખ્ય સાધનો ક્યાં છે? જણાવો.

ઉત્તર : ઉત્પાદનનાં મુખ્ય સાધનો : ( 1 ) જમીન  ( 2 ) શ્રમ  ( 3 ) મૂડી અને ( 4 ) નિયોજન છે.

( 2) આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો.

ઉત્તર : ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દા.ત. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.

( 3 ) આર્થિક વિકાસ એટલે શું?

ઉત્તર: આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.

( 4 ) ભારતે કઇ આર્થિક પદ્વતિ અપનાવી છે?

ઉત્તર: ભારતે મિશ્ર અર્થતંત્ર પ્રકારની આર્થિક પદ્વતિ અપનાવી છે.

( 5 ) સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું?

ઉત્તર: ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય, તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે, જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મગફળી, મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

(1) આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

(A) વિકસિત (B) પછાત (C) વિકાસશીલ (D) ગરીબ

ઉત્તર:- (C) વિકાસશીલ

(2) વિશ્વબેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય?

(A) 480$ (B) 520$ (C) 735$ (D) 250$

ઉત્તર:- (C) 735$

(3) કઇ પદ્વતિને મુકત અર્થતંત્ર કહે છે? 

(A) સમાજવાદી પદ્વતિ (B) મિશ્ર અર્થતંત્ર (C) બજાર પદ્વતિ (D) એક પણ નહિ

ઉત્તર:- (C) બજાર પદ્વતિ

(4) પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે.? 

(A) માધ્યમિક (B) પ્રાથમિક (C) સેવા ક્ષેત્ર (D) આપેલ ત્રણેય

ઉત્તર:- (B) પ્રાથમિક


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2
ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 સાચુ કે ખોટું
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ
ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું
ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં


Plz share this post

Leave a Reply