ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 10 સરકારના અંગો

ધો.9 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 10 સરકારના અંગો (std 9 social science ch 10) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.

1. નીચેના પ્રશ્નોના જવાબ આપો.std 9 social science ch 10

( 1 ) સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે શું ?

ઉત્તર : સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજીથી અલગ રાખવાનો સિદ્ધાંત.

⇒ સરકારનાં કાર્યો એકબીજાથી જુદા હોય છે. તેથી એ કાર્યોને સરકારના ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં છે.

⇒ સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષ કરવું જરૂરી છે.

⇒ આમ છતાં, ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે, પરંતુ તે તેની સત્તાનો બેફામ ઉપયોગ ન કરે એ માટે કારોબારી અને ન્યાયતંત્રને ધારાસભા પર નિયંત્રણ રાખવાની કેટલીક સત્તા મળે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા નિયંત્રણ મુકવામાં આવ્યું છે. પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ – સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.

( 2 ) સાંસદની લાયકાત કઈ છે ?

ઉત્તર : ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતો:- ( 1 ) તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ( 2 ) તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. ( ૩ ) તે સંધસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ. ( 4 ) તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. ( 5 ) તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ.

( 3 ) લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે ?

ઉત્તર : લોકસભાની કાર્યસાધક સંખ્યા 545 અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા 250 છે.

( 4 ) રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે ?

ઉત્તર : ⇒ રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ.

⇒ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્યસંખ્યા 250 ની છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘપ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે.

⇒ બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે.

( 5 ) સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. શાથી ?

ઉત્તર : ⇒ સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માનમરતબો જાળવે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે.

⇒ ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે. તેમના ચુકાદા – નિર્ણયો આખરી અને અંતિમ હોય છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે.

⇒ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે.

( 6 ) રાષ્ટ્રપતિની કટોકટીવેળાની સત્તાઓ જણાવો.

ઉત્તર : ભારતના રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાની અસાધારણ સત્તાઓ નીચે મુજબ છે :

1. બાહ્ય કે આંતરિક અશાંતિ :-

બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.

→ એ જાહેરનામા સાથે ભારતના બંધારણના સમવાયતંત્રની જોગવાઈઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસનનો અમલ શરૂ થાય છે. → કટોકટીમાં સંઘસરકાર ભારતના નાગરિકોના મૂળભૂત હકો મોકૂફ રાખવાની તેમજ સમગ્ર દેશ માટે કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે.

2. બંધારણીય કટોકટી :

રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે એમ નથી ત્યારે તે બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ કારોબારી સત્તા પોતાને હસ્તક લઈ લે છે.

→ તે રાજ્યના કાયદા ઘડવાની સત્તા સંઘસંસદને તેમજ રાજ્યની કારોબારી સત્તા કેન્દ્રના પ્રધાનમંડળને સોંપે છે. → રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ કરે છે. → આ પ્રમાણેનું રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત સુધી અમલમાં રહી શકે છે.

૩. નાણાકીય કટોકટી :

દેશમાં નાણાકીય સ્થિરતા કે શાખ જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે. → એ પરિસ્થિતિ દરમિયાન બધા જ સરકારી કર્મચારીઓ અને ન્યાયાધીશોનાં વેતન – ભથ્થાં ઘટાડવાનો આદેશ આપી શકે છે.

→ નાણાકીય બાબતો અંગે અમુક ચોક્કસ સિદ્ધાંતોનું પાલન કરવા તે રાજ્યોને આદેશ આપી શકે છે. → નાણાકીય કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજ્યોની વિધાન સભાઓએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપ્રમુખની સંમતિ મોકલવામાં આવે છે.

( 7 ) મહાભિયોગની કાર્યવાહી શું છે ?

ઉત્તર : સંસદનાં બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે.

જો બીજું ગૃહ પણ બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે, તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી દૂર કરી શકાય છે. આ પ્રકારની કાર્યવાહીને ‘મહાભિયોગ’ (Impeachment) કહે છે.

( 8 ) સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો.

ઉત્તર : સંસદની સત્તાઓ નીચે મુજબ છે :

1. ધારાકીય સત્તાઓ : સામાન્ય સંજોગોમાં સંસદ સંઘયાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કાયદા ઘડે છે. → કટોકટીના સમયે સંસદ રાજ્યયાદી સહિત કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે. → સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી. → નાણાકીય ખરડા સિવાયનો કોઈ પણ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડાઓની પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં જ થઈ શકે છે.

→ રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે, તો વટહુકમ આપોઆપ રદ થાય છે.

2. કારોબારી સત્તાઓ : લોકસભાને મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત (Vote of no confidence) લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય, તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. → લોકસભા નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.

→ સંસદના સભ્યો મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવાની તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે. → સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદનો કોઈ પણ સભ્ય જાહેર હિતના મહત્ત્વના પ્રશ્ન પરત્વે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. → સંસદ મંત્રીમંડળ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત પસાર કરે તોપણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે.

૩. નાણાકીય સત્તાઓ : નાણામંત્રી અને રેલમંત્રીએ રજૂ કરેલાં અંદાજપત્રો મંજૂર કરવાં, આકસ્મિક ખર્ચનિધિમાંથી સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચનો ઑડિટ કરેલ હિસાબ અને અહેવાલ મંજૂર કરવો વગેરે સંસદની નાણાકીય સત્તાઓ છે.  → અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે.

લોકસભાએ પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા એ ખરડો લોકસભામાં પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગણાય છે.

4. ન્યાયવિષયક સત્તાઓ : સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે.

  → બંધારણના ભંગ બદલ કે દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાના આરોપસર સંસદ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઑડિટર જનરલ કે ઍટર્ની જનરલ પર મહાભિયોગ (Impeachment) ચલાવી શકે છે અને બહુમતીથી આરોપ પુરવાર થયેલો જાહેર કરી તેમને હોદા પરથી દૂર કરી શકે છે.

→ સંસદ પોતાના કોઈ પણ સભ્યને અસભ્ય વર્તણૂક માટે કે સભાગૃહના નિયમોના ભંગ બદલ તેનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોક્લવાની શિક્ષા કરી શકે છે કે ગૃહમાં થોડા દિવસો માટે હાજરી ન આપવાનો આદેશ આપી શકે છે.

( 9 ) સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો.

ઉત્તર :

ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ : પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છેઃ ( 1 ) ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત, ( 2 ) તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને ( 3 ) જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત.

→ ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે. જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે, એ ગામને ‘સમરસગામ ’ કહે છે. → ગામનો સઘળો વહીવટ ‘તલાટી – કમ – મંત્રી’ સંભાળે છે.

→ તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા ‘તાલુકા પંચાયત પ્રમુખ’ કહેવાય છે; જ્યારે તાલુકા પંચાયતના વહીવટી વડા ‘તાલુકા વિકાસ અધિકારી’ (TDO) ના નામે ઓળખાય છે.

→ જિલ્લા પંચાયતની ચુંટાયેલી પાંખના નેતા જિલ્લા પંચાયત પ્રમુખ કહેવાય છે; જ્યારે જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી  (DDO) ના નામે ઓળખાય છે.

શહેરી સ્વશાસનની સંસ્થાઓ : → નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ (મૅગાસિટી) એ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.

→ નગરપાલિકાના વડા ‘પ્રમુખ’ના નામે અને વહીવટી વડા ચીકુ ઑફિસરના નામે ઓળખાય છે.

→ મહાનગરપાલિકા અને મહાનગરનિગમના વડાને ‘મેયર’ કહે છે. આ સંસ્થાઓના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનરના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. મ્યુનિસિપલ કમિશનરના હાથ નીચે ટેક્નિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓનું તંત્ર હોય છે.

→ જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ અને પુલો, દીવાબત્તી, ગટરવ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ, દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો, જન્મ – મરણની નોંધ વગેરે બાબતો અંગેનાં કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓનાં ફરજિયાત કાર્યો છે.

→ રમતગમતનાં મેદાનો, બાગબગીચા, જાહેર જાજરૂ અને પેશાબખાનાં, સ્નાનગૃહ, પુસ્તકાલયો, માધ્યમિક શાળાઓ, વૃક્ષારોપણ, વરસાદી પાણીનો નિકાલ, જાહેર વ્યવહાર, શાકમાર્કેટો કે બજારોની વ્યવસ્થા, પ્રસૂતિગૃહો, સ્મશાનગૃહો, મનોરંજન, ગંદા વસવાટોની નાબૂદી વગેરે બાબતો અંગેનાં કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓનાં મરજિયાત કાર્યો છે.

( 10 ) અમલદારશાહીનાં અનિષ્ટો જણાવો.

ઉત્તર : તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્ર્ષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ વગેરે અમલદારશાહીના અનિષ્ટો છે.

2. નીચેનાં વિધાનોનાં કારણ સમજાવો :std 9 social science ch 10

( 1 ) ભારતીય સંસદ દ્વિગૃહી છે.

ઉત્તર : ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે : 1. નીચલું ગૃહ અને 2. ઉપલું ગૃહ. નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.

( 2 ) રાજ્યસભા કાયમીગૃહ છે.

ઉત્તર : દર બે વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ, રાજ્યસભા કાયમી ગૃહ છે.

( 3 ) ભારતમાં સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે.

ઉત્તર : ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે તે બંધારણ સાથે સુસંગત ન હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે.

અદાલતને ખાતરી થાય કે સંસદે ઘડેલો કાયદો બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે છે, તો તે તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે. આમ, ભારતમાં બંધારણ સર્વોપરી છે, સંસદ નહિ.

( 4 ) સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.

ઉત્તર : ⇒ ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘસરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તે લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે.

⇒ બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરીને તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. આથી કહી શકાય કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.

( 5 ) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે.

ઉત્તર : ⇒ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે. આથી આ સંસ્થાઓ દ્વારા લોકોને લોકશાસનના પ્રત્યક્ષ પાઠ શીખવા મળે છે. આ સંસ્થાઓ દ્વારા લોકોને મતાધિકારનું મહત્ત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યદક્ષ પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે. આ તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્યો તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે.

⇒ સ્થાનિક સ્તરે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્થાનિક કાર્યો કરતાં કરતાં તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાનાં મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકોને ઘરઆંગણે લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્યપદ્ધતિનો અનુભવ મળે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા  છે.

⇒ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નીચલા સ્તરે વહીવટમાં કાયદાની અસ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલી કક્ષાએ હલ કરવામાં પુરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વહીવટ સુધારણાની પ્રયોગશાળા પણ કહે છે.

( 6 ) રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડે છે.

ઉત્તર : ⇒ ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજ્યવહીવટ ચલાવે છે. વિધાનસભા રાજ્યની પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગૃહ છે. તેથી તે પ્રજાને પ્રત્યક્ષ રીતે જવાબદાર છે.

⇒ રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છા – લોકમત – મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાનાં કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો, લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માગણીઓ જાણીને, સમજીને રાજ્યનો વહીવટ કરે છે. આમ, રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પડે છે.

( 7 ) રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે.

ઉત્તર : રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય છે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. આમ, રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા કરે છે.

( 8 ) લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.

ઉત્તર : ⇒ લોકસભા પ્રજા દ્વારા સીધેસીધા ચુંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘસરકાર પોતાનાં બધાં જ કાર્યો માટે લોકસભાને જ જવાબદાર છે. લોક્સભામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે.

⇒ લોકસભામાં પ્રજાના વિચારો, ઇચ્છાઓ, માગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઇચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે. તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે.

⇒ આથી કહી શકાય કે, લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.

( 9 ) રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.

ઉત્તર : ⇒ રાજકીય કારોબારી વહીવટીતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રોની નીતિઓ ઘડે છે અને વહીવટી કારોબારી એ નીતિઓનો કાર્યક્ષમતાથી અમલ કરે છે. વહીવટી કારોબારી રાજકીય કારોબારીને નીતિવિષયક બાબતોમાં સલાહ – સુચનો આપે છે. તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. આ રીતે સરકારની નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠબળ પૂરું પાડે છે.

⇒ વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે. રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતા તથા ચિંતન કરતું મગજ છે; જ્યારે વહીવટી કારોબારી રાજકીય કારોબારીના હાથપગ છે. જેમ મગજની આજ્ઞા પ્રમાણે હાથ – પગ કામ કરે છે. તેમ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે વહીવટી કારોબારી કામ કરે છે.

⇒ સરકારની વિકાસયાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં વહીવટી કારોબારી મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ , રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.

( 10 ) સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.

ઉત્તર : ⇒ નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ઘદૃષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી (મંત્રીમંડળ) એ લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે;

⇒ જ્યારે વહીવટી કારોબારીના સનદી અધિકારીઓ તેના હાથપગ છે. સરકારના કાયદા, નીતિઓ વગેરેનો અમલ સનદી અધિકારીઓ જ કરે છે. તેઓ સરકારને પીઠબળ પૂરું પાડે છે.

⇒ આથી કહી શકાય કે, સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.

3. ટૂંક નોંધ લખો : std 9 social science ch 10

( 1 ) રાજ્યપાલનું સ્થાન અને કાર્યો

ઉત્તર : રાજ્યપાલની નિમણૂક સંઘના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે . → 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને રાષ્ટ્રપ્રમુખ એક કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નીમી નું રાજ્યપાલના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે. પરંતુ એ મુદત પૂર્ણ થાય એ પહેલાં રાષ્ટ્રપ્રમુખ તેમને હોદા પરથી દૂર કરી શકે છે અથવા રાજ્યપાલ સ્વેચ્છાથી રાજીનામું આપી શકે છે.

→ રાષ્ટ્રપ્રમુખ તેમના હોદાની મુદત વધારી પણ શકે છે. તે તેમની બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકે છે.  રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. → તે રાજ્યની બધી કારોબારી સત્તાઓ ધરાવે છે.  રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલને નામે ચાલે છે. → તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર પ્રધાનમંડળની રચના કરે છે. 

રાજ્યપાલ રાજ્યના ઍડવોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. → રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સાથે મંત્રણા કરીને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. → રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની, તેને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની, વટહુકમો બહાર પાડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે.

→ રાજ્યની બધી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ રાજ્યપાલ કુલાધિપતિ (ચાન્સેલર) હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે.

→ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે. → રાજ્યમાં સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પક્ષના નેતાની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.

→ જો વિધાનસભામાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોય, તો જુદા જુદા પક્ષોએ સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાની કે અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કરી શકે છે.

→ રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે. પરંતુ વાસ્તવમાં, રાજ્યપાલની લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.

( 2 ) રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ

ઉત્તર :

→ વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછી શકે છે. → તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભામોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. → તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. → વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા (સંસદનું નીચલું ગૃહ) તેના પર અંકુશ મૂકી શકે છે.

( 3 ) વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ

ઉત્તર : વડા પ્રધાનનું સ્થાન : પ્રધાનમંડળમાં વડા પ્રધાનનું સ્થાન અજોડ છે. તે પ્રધાનમંડળના વડા છે. → લોકસભામાં સરકારી નીતિઓની તે પ્રધાનમંડળ વતી જાહેરાતો કરે છે.

→ પ્રખ્યાત બંધારણશાસ્ત્રી ડૉ.જેનિંગના શબ્દોમાં કહીએ તો, “પ્રધાનમંડળમાં તે સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ છે. પ્રધાનમંડળની રચના, પ્રધાનમંડળ અને સંઘ, પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ તથા રાજ્યવહીવટ સાથે વડા પ્રધાનનો ગાઢ સંબંધ હોય છે.”

→ પ્રધાનમંડળની બેઠકોમાં તે પ્રમુખસ્થાન લે છે. તે દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે. → બીજા પ્રધાનો તેમની ઇચ્છા અને લાગણીને માન આપે છે. → તે ગમે તે પ્રધાનને રાજીનામું આપવાનું જણાવી શકે છે.

→ રાષ્ટ્રપ્રમુખ સાથે તે સતત સંપર્કમાં રહે છે. → પ્રધાનમંડળના અગત્યના નિર્ણયોની તે રાષ્ટ્રપ્રમુખને તાત્કાલિક જાણ કરે છે. → રાષ્ટ્રપ્રમુખનો અભિપ્રાય તે પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરે છે. તે દેશની ગૃહનીતિ અને વિદેશનીતિ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. → રાષ્ટ્રની પ્રગતિ અને તેના ભાવિનો આધાર મોટા ભાગે વડા પ્રધાનના નેતૃત્વ પર રહેલો છે.

→ પ્રોફેસર શેટ્ટી અને મહાજનના મત પ્રમાણે, “વડા પ્રધાન પ્રધાનમંડળમાં સુકાનીરૂપ અને ચાવીરૂપ વ્યક્તિ (key – man) છે.”

વડા પ્રધાનની કારોબારી સત્તાઓ : ભારતના વડા પ્રધાનનાં મુખ્ય કાર્યો અને સત્તાઓ નીચે મુજબ છેઃ

→ વડા પ્રધાન રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતાનો વહીવટ સોંપે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાંનો વહીવટ સંભાળે છે. → તેઓ પ્રધાનોને પદભ્રષ્ટ કરવાનો, તેમનાં ખાતાં બદલવાનો અને સમગ્ર પ્રધાનમંડળની પુનરરચના કરવાનો અધિકાર ધરાવે છે.

→ વડા પ્રધાન જ દેશની કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશનીતિ ઘડે છે તેમજ એ નીતિ અનુસાર કાર્ય કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે. → વડા પ્રધાન પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષસ્થાન સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નિર્ણયો લે છે.

→ તેઓ લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે તેમજ નીતિવિષયક નિર્ણયો લે છે.

→ વડા પ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. → હોદાની રૂએ વડાપ્રધાન નીતિપંચ (આયોજનપંચ) નું અધ્યક્ષપદ સંભાળે છે.

( 4 ) રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ

ધારાકીય સત્તાઓ : રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે. → તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરે છે.

→ લોકસભામાં એંગ્લો – ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના બે પ્રતિનિધિઓ નીમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે. → સામાન્ય ચૂંટણીઓ પછી સંસદનાં બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ ‘અભિભાષણ’ (પ્રવચન) કરે છે.

→ સંસદગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શક્તા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે.

→ અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોક્સભામાં દાખલ થઈ શકે છે.  કોઈ પણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. → સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. 

કારોબારી ( વહીવટી ) સત્તાઓ : ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નીમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડા પ્રધાનની સલાહથી કરે છે.

કારોબારીનાં બધાં જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે. → રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.

→ ભારતના એટર્ની જનરલ, ક્રૉસ્ટ્રોલર, ઑડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.

→ તે ચૂંટણીપંચ, નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે. → તે વિદેશોમાં ભારતના રાજદૂતો – એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે.

( 5 ) ખરડો કાયદો ક્યારે બને ? પ્રક્રિયા વર્ણવો.

ઉત્તર : કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકારો છે : 1. સામાન્ય ખરડો અને 2. નાણાકીય ખરડો.

1. સામાન્ય ખરડામાંથી કાયદાની રચના : સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે. → સામાન્ય ખરડો સંસદનાં બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે.

→ તે પ્રધાનમંડળના કોઈ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. → સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં ત્રણ વાચનમાંથી પસાર થવું પડે છે.

(i) પ્રથમ વાચન :-  ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદસભ્ય ગૃહમાં ખરડાનું વાચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્ત્વની બાબતો ગૃહના ધ્યાન પર લાવે છે. ત્યારપછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાચનમાં આવે છે.

(ii) બીજું વાચન :- બીજા વાચન દરમિયાન ખરડાની દરેક ક્લમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજુ કરી શકે છે. કોઈ મહત્ત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય, તો વધુ વિચારણા માટે ખરડાને સંસદસભ્યોમાંથી જે – તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને સોંપવામાં આવે છે.

(iii) ત્રીજું વાચન :- પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાચન શરૂ થાય છે. ત્રીજા વાચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોક્લવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડાને ત્રણ વાચનમાંથી પસાર થવું પડે છે.

આમ, બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે.

સહી કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે, કે સંસદમાં પુનઃવિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બંને ગૃહોમાં પસાર થાય રાષ્ટ્રપ્રમુખને સહી કરવી પડે છે.

રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યારપછી તેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

2. નાણાકીય ખરડામાંથી કાયદાની રચના :-  નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે.

→ કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. → લોકસભાએ પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.

→ રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી, તેની ભલામણો સાથે કે ભલામણો વિના, 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. → આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગણાય છે.

→ એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે, રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે.

( 6 ) નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ

ઉત્તર : કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. → અંદાજપત્ર તેમજ નાણાકીય બાબતોને લગતો ખરડો નાણાકીય ખરડો કહેવાય છે.

→ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. → લોકસભામાં નાણાકીય ખરડો (અંદાજપત્ર) નીચેના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે :

( 1 ) ખરડા પર બે – ત્રણ દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે.

( 2 ) અંદાજપત્રમાં દર્શાવેલા વાર્ષિક ખર્ચની માગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. નાણામંત્રી ગૃહમાં આંકડાકીય માહિતી રજૂ કરે છે.

( 3 ) કેન્દ્રના પ્રધાનમંડળના પ્રધાનો પોતાના ખાતાની માગણીઓ ગૃહમાં ચર્ચા – વિચારણા માટે રજૂ કરે છે. ગૃહમાં હાજર રહેલા સભ્યોના મતદાનથી તે મંજૂર થાય છે.

( 4 ) અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્રોતો અને કરવેરાના પ્રસ્તાવો ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. → લોકસભાએ પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.

→ રાજ્યસભાએ તેની પર માત્ર ચર્ચા કરી, તેની ભલામણો સાથે કે ભલામણો વિના, 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભાને પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગણાય છે.

→ રાજ્યસભાએ સૂચવેલી ભલામણો લોકસભા સ્વીકારે કે ન સ્વીકારે તોપણ નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાય છે. → ત્યારપછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે.

( 7 ) રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા

ઉત્તર : રાજ્યસભાની ઉપયોગિતા : ભારત 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ – દિલ્લી સહિત 7 સંધશાસિત પ્રદેશોનું બનેલું સંધરાજ્ય ( Union of States ) છે.

→ ભારતની સંસદ દ્વિગૃહી છે. → રાજ્યસભા ભારતસંઘનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે.

→ રાજ્યસભાના સભ્યો જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા હોય છે. તેઓ તેમનાં રાજ્યોના લોકોની ઇચ્છાઓ, માગણીઓ, પ્રશ્નો, સમસ્યાઓ વગેરેને સારી રીતે સમજી શકે છે અને ગૃહમાં તેની સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય અપાવી શકે છે, જે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે.

→ આમ, સંઘના દરેક રાજ્યને સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તકો મળે એ હેતુથી રાજ્યસભાની રચના કરવામાં આવી છે.

રાજ્યસભાની મર્યાદા :- લોકસભાએ પ્રથમ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે.

લોકસભા, રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે; પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર કરેલો ગણાય છે. આમ, નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે.

4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. std 9 social science ch 10

( 1 ) વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે :

( A ) 25 વર્ષ ( B ) 30 વર્ષ ( C ) 35 વર્ષ ( D ) 18 વર્ષ

ઉત્તર : ( A ) 25 વર્ષ

( 2 ) લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે.?

( A ) 545 ; 250 ( B ) 455 ; 350 ( C ) 182 ; 11 ( D ) 543 : 238  

ઉત્તર : ( A ) 545 ; 250

( 3 ) નીચેના ક્યા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે ?

( A ) કર્ણાટક ( B ) આંધ્રપ્રદેશ ( C ) તમિલનાડુ ( D ) રાજસ્થાન 

ઉત્તર : ( B ) આંધ્રપ્રદેશ

( 4 ) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે ?

( A ) વડાપ્રધાન ( B ) રાજ્યપાલ ( C ) રાષ્ટ્રપતિ ( D ) ઉપરાષ્ટ્રપતિ

ઉત્તર : ( C ) રાષ્ટ્રપતિ

( 5 ) લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલાં વર્ષની છે ?

( A ) 4 વર્ષ ( B ) 6 વર્ષ ( C ) 2 વર્ષ ( D ) 5 વર્ષ

ઉત્તર : ( D ) 5 વર્ષ

( 6 ) રાષ્ટ્રપતિ કયા ગૃહમાં બે એંગ્લો – ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે ?

( A ) રાજ્યસભા ( B ) લોકસભા ( C ) ગોવા વિધાનસભા ( D ) આયોજનપંચ

ઉત્તર : ( B ) લોકસભા

( 7 ) વડાપ્રધાનને હોદા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?

( A ) ઉપરાષ્ટ્રપતિ ( B ) રાષ્ટ્રપતિ ( C ) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ( D ) લોકસભાના પ્રોટેમ સ્પીકર  

ઉત્તર : ( B ) રાષ્ટ્રપતિ

( 8 ) સાચાં જોડકાં જોડી :

વહીવટી સંસ્થાઓ            વહીવટી વડાઓ
( 1 ) જિલ્લા સેવાસદન    ( A ) મેયર
( 2 ) મહાનગરપાલિકા    ( B ) ડીડીઓ
( 3 ) જિલ્લા પંચાયત      ( C ) કલેક્ટર
                                       ( D ) કમિશનર
( A ) 1 – A , 2 – C , 3 – D  ( B ) 1 – C , 2 – D , 3 – B
( C ) 1 – B , 2 – C , 3 – D ( D ) 1 – C , 2 – A , 3 – B 

ઉત્તર : ( B ) 1 – C , 2 – D , 3 – B

( 9 ) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?

( A ) 238 ( B ) 12 ( C ) 2 ( D ) 14

ઉત્તર : ( B ) 12

( 10 ) સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?

( A ) વડાપ્રધાન ( B ) ગૃહપ્રધાન ( C ) નાણાં પ્રધાન ( D ) સંસદ સભ્ય      

ઉત્તર : ( C ) નાણાં પ્રધાન


ધોરણ 9 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.( STD 9 TEXTBOOK GSEB )


ધોરણ 9 તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)


ધોરણ – 9 :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.


નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે (એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)


ધો.9 ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ (વર્ષ 2020 – 21 માટે )


ધો.9 જ્ઞાનસેતુ(બ્રીજ કોર્ષ કલાસ રેડીનેશ) વિષય:- ગણિત,ગુજરાતી,અંગ્રેજી

Plz share this post

Leave a Reply