ધો.10 સામાજિક વિજ્ઞાન પ્ર – 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

std10 social science ch18

ધો.10 સામાજિક વિજ્ઞાન ગાઇડ પ્ર – 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ (std10 social science ch18) પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  આપવામા આવ્યા છે.

નીચે આપેલ અનુક્રમણિકામાં જે પ્રશ્ન પર ક્લિક કરશો તે પ્રશ્નનો ઉત્તર જોવા મળશે.std10 social science ch18

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.

std10 social science ch18

(1) ભાવવૃદ્ધિનાં કારણોની વિગતે ચર્ચા કરો.

ઉત્તર :- ભારતમાં ભાવવૃદ્ધિનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે :

1. નાણાંના પુરવઠામાં વધારો : દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતાં તેમની ખરીદશક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. આમ, ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાદ્યપુરવણી દ્વારા નવાં નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે.

→ માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિ કરે છે. આમ, ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે.

2. વસ્તીવૃદ્ધિ : ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્ધિ થાય છે.

3. નિકાસમાં વધારો : વિદેશોનાં બજારોમાં દેશનાં ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે. આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્ધિ થાય છે.

4. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ : ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે.

→ ચીજવસ્તુઓનો ભાવવધારો વેતનવધારાની માગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવવૃદ્ધિમાં પરિણમે છે. આમ, ભાવવૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે.

5. કાળું નાણું : હિસાબી ચોપડે નહિ નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.

→ કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.

→ કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે.

6. સરકાર દ્વારા ભાવવધારો (પ્રશાસિત ભાવો) : સ૨કા૨ વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગૅસ, કોલસો, લોખંડ- પોલાદ, ઍલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે. → સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિપેદાશોના પ્રાપ્તિ ભાવોમા – ટેકાના ભાવોમાં વખતોવખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે.

7. કુદરતી અને માનવીય પરિબળો : અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવાં કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ, માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવવધારો થાય છે.

8. સંગ્રહખોરી અને નફાખોરી : અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે.

→ ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવવધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે.

આમ, સંગ્રહખોરી અને નફાખોરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરે છે.

std10 social science ch18

(2) ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની ચર્ચા કરો?

ઉત્તર :- ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચે પ્રમાણે પગલાં લેવામાં આવે છે :

1. નાણાકીય પગલાં : ભારતની મધ્યસ્થ બૅન્ક – રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતાં તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે.

→ મધ્યસ્થ બૅન્ક – RBI બૅન્ક ધિરાણનીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતાં મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતાં સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી અંકુશિત બને છે.

→ વ્યાપારી બૅન્કો પણ ધિરાણ દર વધારતાં ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતાં સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડીસર્જનનો દર વધે છે. નવા ધંધા-રોજગારના ક્ષેત્રો ખુલે છે.

→ રિઝર્વ બૅન્ક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે.

2 રાજકોષીય પગલાં : સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવાં પગલાં ભરે છે.

→ સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખસગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંથી બનતાં ખરીદી ઘટે છે. આમ, માંગ ઘટતાં ભાવો ઘટે છે.

→ જાહેરણની નીતિ અનુસાર સરકાર ‘ફરિજયાત બચત યોજના’ જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતાં ભાવો ઘટે છે.

૩. મૂડીરોકાણ પર અંકુશ : બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્વતિ અમલમાં મુકે છે અને કૃષિ અને ઉદ્યોગોનાં ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.

4. ભાવનિયમન અને માપબંધી : સમાજના ગરીબીરેખાની નીચે જીવતા લોકો(BPL)ને અને આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો (FPBS) ખોલવામાં આવે છે.

→ ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળાબજાર કરી મનફાવે તેમ ભાવવધારો કરે છે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી (PDS) અંકુશ લાવે છે.

→ ભાવવધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) આશીર્વાદરૂપ બની છે.

5. ભાવનિર્ધારણ તંત્ર : સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.

→ સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો – 1955’ અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.

→ આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.

→ સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટિઝ ઍક્ટ) કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.

→ આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.

→ અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.

6. અન્ય ઉપાયો : બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે

std10 social science ch18

(3) ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.

ઉત્તર :- ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986’ અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે :

1. સલામતીનો અધિકાર : આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાનાં જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે.

2. માહિતી મેળવવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ (સ્તર) વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીતરસમો અને વેચાણની યુક્તિ-પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે.

3. પસંદગી કરવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે.

→ પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે.

→ એકહથ્થુ ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે.

4. રજૂઆત કરવાનો અધિકાર : આ અધિકાર અન્વયે ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.

→ તદુપરાંત, એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે.

5. ફરિયાદ-નિવારણનો અધિકાર : આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે.

6. ગ્રાહક શિક્ષણનો અધિકાર : આ અધિકાર અન્વયે ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે.

ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે :

( 1 ) કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગૅરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગૅરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ. (BSI), આઈ. એસ. આઈ. (ISI) કે એગમાર્ક(Agmark)ના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.

( 2 ) ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામમાહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવાં જોઈએ.

(3) ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદોને ખાતરી કરાવવી જોઈએ.

( 4 ) ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાળાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

( 5 ) ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.

( 6 ) ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.

std10 social science ch18

(4) ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.

ઉત્તર :- સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો – 1986 અનુસાર ‘કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ'(રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ)ની રચના કરી છે એ જ રીતે રાજ્યકક્ષાએ ‘રાજ્ય ઉપભોક્તા આયોગ’ની રચના કરવામાં આવી છે. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા.

→ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે’ જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)ની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)ની રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)ની રચના કરી છે.

1. જિલ્લા ફોરમ (જિલ્લા મંચ) : તે દરેક જિલ્લાની એક મહત્ત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે.

→ તેમાં નિર્ધારિત ફી સાથે ₹ 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે.

→ જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50 % કે ₹ 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપૉઝિટ જમા કરાવવાની હોય છે.

2. રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ) : આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.

→ તેમાં નિર્ધારિત ફી સાથે હૈં 20 લાખથી ₹ 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.

→ જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી ૩0 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50 % અથવા ₹ 35,000 ડિપૉઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.

3. રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ) : તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્લીમાં આવેલી છે.

→ આ અદાલતમાં 5 સભ્યોની એક બૅન્ચ હોય છે.

→ તેમાં નિર્ધારિત ફી સાથે હૈ ₹ 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.

રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી ૩૦ દિવસમાં સુપ્રીમ કોર્ટ(સર્વોચ્ચ અદાલત)માં અપીલ કરી શકે છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50 % અથવા ₹  50,000 બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ડિપૉઝિટ પેટે કોર્ટમાં જમા કરવી ફરજિયાત છે.

→ આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે.

→ ગરીબીરેખા (બી.પી.એલ.) હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટિઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમને જિલ્લા મફત કાનૂની સેવા’ માર્ગદર્શન કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે.

(5) ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો.

ઉત્તર :- ( 1 ) ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ’(BIS)ના નામે ઓળખાય છે.

→ પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.

( 2 ) મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ (Agmark) લગાવવામાં આવે છે.

→ ‘ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો – 1937’ને ઈ. સ. 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે.

→ આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક ‘માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા (ડી.એમ.આઈ.) કરે છે.

→ આ સંસ્થા ઉત્પાદકોને ISI કે Agmark વાપરવાનો પરવાનો (લાઇસન્સ) આપે છે.

→ જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.

(૩) સોનાના દાગીના પર ‘BSI’ માર્કો હોય છે. તેની સાથે 22 કરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો ‘હોલમાર્ક’નો લોગો હોય છે. આ ઉપરાંત, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. દા. ત., ‘J’ નુ ચિહ્ન ઈ. સ. 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે.

→ દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગૅરંટી આપે છે.

(4) ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓ.(FPO)નો માર્કો લગાડવામાં આવે છે.

(5) ટેક્ષ્ટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરે પર આઈ.એસ.આઈ.- (ISI)નો માર્કો લગાડવામાં આવે છે.

(6) ઊનની બનાવટો અને તેના પોશાક પર વુલમાર્ક માર્કો લગાવવામાં આવે છે.

( 7 ) માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓ.(MPO)નો માર્કો લગાડવામાં આવે છે.

(8) યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકની બનાવટો પર એચ.એ.સી.સી.પી (HACCP – હેઝાર્ડ એનાલીસીસ ઍન્ડ ક્રિટીકલ કન્ટ્રોલ પૉઇન્ટ)નો માર્કો લગાડવામાં આવે છે.

(9) સાબુ, ડિટરર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ, પૅકેજિંગ મટીરિયવલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈ.સી.ઓ.(ECO)નો માર્કો લગાડવામાં આવે છે.

→ ઉપર્યુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BIS દ્વારા આપવામાં આવે છે.

ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે :

1. આઈ.એસ.ઓ. (ISO – ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન) : આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈ. સ. 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી હતી.

→ તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના પાટનગર જિનીવા શહેરમાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી.

→ ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે.

→ આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની, વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી, ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવાં નિશાનો છાપવામાં આવે છે.

2. સી.એ.સી. (CAC – કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન) : આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય ‘કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન’ (CAC) નામની સંસ્થા કરે છે.

→ આ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન’ (FAO) અને વિશ્વ-સ્વાસ્થ્ય સંગઠન’ (WHO) દ્વારા કરવામાં આવી છે.

→ આ કમિશનનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમ શહેરમાં છે.

→ તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે.

→ આ ઉપરાંત, તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોનાં ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે.

→ ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે; જ્યારે CAS સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસ’ કરે છે.

std10 social science ch18

(6) ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?

ઉત્તર :- ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે :

( 1 ) કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગૅરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગૅરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ. (BSI), આઈ. એસ. આઈ. (ISI) કે એગમાર્ક(Agmark)ના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.

( 2 ) ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવાં જોઈએ.

(૩) ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદોને ખાતરી કરાવવી જોઈએ.

( 4 ) ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાળાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

( 5 ) ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.

( 6 ) ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.

(7) ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પૅકિંગ, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ- સરનામું વગેરે જોઈ-તપાસીને ચકાસી લેવાં જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીનાં ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજુતી ન કરવી જોઈએ,

(8) ખરીદતી વખતે માલ ભળતો હોય તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ.

(9) ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી  ‘સેલ’માંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઇ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ.

(10) ગ્રાહકે તોલમાપનાં દરેક પ્રકારના સાચી અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવી જોઈએ. વેપારીએ તોલમાપનાં સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી.

(11) ગૅસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટૅક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.

(12) વીજળી, ટેલિફોન, વીમો, બૅન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી સંસ્થાને પહોંચાડવી, સેવાસંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચૅનલોમાં જણાવી બીજાંને શોષણનો ભોગ બનતાં અટકાવવાં જોઈએ.

(13) ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

std10 social science ch18

(1) ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

ઉત્તર :- સામાન્ય રીતે ભાવો વધતાં ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવાં ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે.

→ પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે.

→ ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતાં તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે.

→ આમ, આમજનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદશક્તિ વધે છે. તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમનાં જીવનધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો  આર્થિક વિકાસ વેગ પકડે છે.

→ આમ, સ્થિર ભાવવધારો વિકાસને પોષક બને છે.

લગભગ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની ભાવસપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે (Too much money chasing to few goods leads into inflation) ત્યારે ફુગાવાજનક ભાવવધારો સર્જાય છે.

→ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઊથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનનાં સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવવધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે.

(2) કાળુનાણું ભાવવધારાનું એક કારણ છે – સમજાવો

ઉત્તર :- હિસાબી ચોપડે નહિ નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે.

→ કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.

→ કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.

→ કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે.

→ તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે.

આમ, કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે.

std10 social science ch18

(3) ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.

ઉત્તર :- ભાવવધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલા તરીકે ઈ. સ. 1977થી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અમલમાં આવી છે.

→ સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ(અંત્યોદય)ને, ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબો(BPL)ને તેમજ આર્થિક દૃષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી’ હેઠળ ‘વાજબી ભાવની દુકાનો’ (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પૂરી પાડવામાં આવે છે.

→ આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે.

→ વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડીરૂપે ચૂકવે છે.

→ ભાવવધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે.

→ ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી, કાળાબજાર કરી, મનફાવે તેમ ભાવવધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.

(4) ગ્રાહકનું શોષણ થવાનાં કારણો જણાવો.

ઉત્તર:- ગ્રાહકનું શોષણ થવાનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

1. ગ્રાહક પોતે જવાબદાર : મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી, નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજારસંબંધી જાણકારી હોતી નથી.

→ તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે.

2. મર્યાદિત માહિતી : મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.

→ આ ઉપરાંત, ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવનિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી.

→ આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે.

→ આ પરિસ્થિતિમાં ચીજવસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વૉરંટી કે ગૅરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે.

3. મર્યાદિત પુરવઠો : જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવું પડે છે.

→ મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.

4. મર્યાદિત હરીફાઈ : જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર (ઇજારો) ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડાં થવાની સંભાવના વધી જાય છે.

→ આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવું પડે છે.

(5) ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો

ઉત્તર:- ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકારમાન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યાં છે.

  → તે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલાં હોય છે.

  → તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સ૨કા૨ને સૂચનો કરે છે.

  → તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશરૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે.

  → તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ‘ગ્રાહક સુરક્ષા’, ‘ઇનસાઇડ’, ‘ધી કન્ઝ્યુમર’, ‘ગ્રાહક મંચ’ જેવાં સામયિકો પ્રકાશિત કરે છે.

  → આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે.

  → તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે.

std10 social science ch18

(6) ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો.

ઉત્તર :- ફરિયાદ કોણ કરી શકે? :

(1) ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા

(2) કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર, અથવા

(૩) કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ, અથવા

(4) એક કે તેથી વધુ ગ્રાહકોવતી પ્રતિનિધિરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા

(5) કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્દભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.

ફરિયાદ ક્યાં થઈ શકે ? : અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે-તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહકમંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે.

ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે? : ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઇપ કરીને કે ઇ-મેઇલથી કરી શકાય છે.

  → જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે.

  → ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેનાં કારણો સ્પષ્ટ રીતે દર્શાવવાં.

  → આરોપ અંગે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહિ.

  → અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી, જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવવી.

  → અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ, પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ બીડવી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

std10 social science ch18

(1) ભાવનિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે ?

ઉત્તર :- ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે :

  → ફુગાવાજનક ભાવવધારો મૂડીસાધનના ઉપયોગનું ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે.

  → વધતી જતી ભાવસપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઇચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવવધારાને કારણે વપરાશીખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટે છે.

  → નાણાની ખરીદશક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિનઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો – નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે.

  → ભાવવૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા-રોજગાર શરૂ થઈ શકતા નથી

(2) ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો.

ઉત્તર :- સતત ભાવવધારાની અસરોથી બચવા ભાવનિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવવધારાની અસરો નીચે મુજબ છે :

  → ભાવવધારાને લીધે સરકારના ખર્ચા વધે છે. તેથી તેને ખાધપુરવણીનો આશરો લેવો પડે છે. પરિણામે નાણાંનો પુરવઠો વધતાં ભાવવૃદ્ધિ સર્જાય છે.

  → ભાવવધારાથી લોકોની બચતશક્તિ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે બચતો મળતી નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. મૂડીની તંગીને કારણે નવા ધંધા-ઉદ્યોગો અને રોજગાર શરૂ કરી શકાતા નથી.

  → ભાવવધારાને લીધે વસ્તુઓ મોંઘી બનતાં દેશમાં જ તેનું વેચાણ વધે છે, જેથી નિકાસો ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી હોય તો દેશની આયાતો વધે છે. આમ, દેશની નિકાસ કમાણી ઘટે અને આયાતખર્ચ વધે એ સંજોગોમાં દેશની વેપારતુલામાં ખાધ ઊભી થાય છે.

  → ભાવવધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે.

 → ભાવવધારાને લીધે લોકોની ખરીદશક્તિ ઘટે છે. તેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ કફોડી બને છે. જીવનનિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવનધોરણ નીચું જાય છે.

  → દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થાય છે. તેથી દેશમાં વિદેશી હૂંડિયામણની તંગી સર્જાય છે.

  → ભાવવધારાને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન કથળતાં તેઓ નીતિમત્તાનાં ધોરણો નેવે મૂકીને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહવેપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળાબજાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. સમાજમાં અસામાજિક બદીઓનું પ્રમાણ વધી જાય છે.

std10 social science ch18

(3) ભાવનિર્ધારણ તંત્રની ભાવનિયમનમાં શી ભૂમિકા છે ?

ઉત્તર :- ભાવનિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસાઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.

  → સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો – 1955’ અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.

  → આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.

  → સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટિઝ ઍક્ટ) કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.

  → આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.

  → અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.

અન્ય ઉપાયો : બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે

(4) ગ્રાહક કોને કહેવાય ?

ઉત્તર :- ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમતરૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ‘ગ્રાહક’ કહેવાય.

(5) ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો

ઉત્તર :- ( 1 ) ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ (ISI) નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ’(BIS)ના નામે ઓળખાય છે.

(2) સાબુ, ડિટરર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ, પૅકેજિંગ મટીરિયલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈ.સી.ઓ.(ECO)નો માર્કો લગાડવામાં આવે છે.

(3) ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓ.(FPO)નો માર્કો લગાડવામાં આવે છે.

( 4 ) મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ (Agmark) લગાવવામાં આવે છે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

std10 social science ch18

(1) સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે ?

       (A) શાકભાજી

       (B) દાકતરી સારવાર

       (C) પેટ્રોલ-ડીઝલ

       (D) હોટલમાં જમણ

ઉત્તર :- (C) પેટ્રોલ-ડીઝલ

(2) સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે ?

      (A) ચીજવસ્તુઓ

      (B) અનાજ

     (C) કાચોમાલ

     ( D) નાણાં

ઉત્તર :- ( D) નાણાં

(3) ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે ?

     (A) કાળાબજાર

      (B) નફાખોરી

      (C) સટ્ટાખોરી

      (D) સંગ્રહખોરી

ઉત્તર :- (D) સંગ્રહખોરી

(4) 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે ?

      (A) ગ્રાહક અધિકાર દિન

      (B) વિશ્વ ગ્રાહકદિન

      (C) ગ્રાહક જાગૃતિ દિન

      (D) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન

ઉત્તર :- (B) વિશ્વ ગ્રાહકદિન

(5) કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે ?

     (A) ગ્રાહક તકરાર નિવારણ તંત્ર

     (B) રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ

     (C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન

     (D) ગ્રાહક સુરક્ષા આયોગ

ઉત્તર :- (B) રાષ્ટ્રીય ઉપભોકતા આયોગ

(6) ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે

     (A) ઇનસાઇટ

     (B) ગ્રાહક જાગૃત મંચ

     (C) ગ્રાહક શિક્ષણ

     (D) કન્ઝ્યુમર ઍક્ટ

ઉત્તર :- (A) ઈનસાઈટ

(7) ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે. ?

     (A) BIS

     (B) CAC

     (C) ISO

     (D) FPO

ઉત્તર :- (A) BIS

std10 social science ch18


આ ઉપરાંત બીજા પ્રકરણોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો મેળવવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર-1 ભારતનો વારસો

પ્ર-2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

પ્ર – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

પ્ર – 4 ભારતનો સાહિત્યિક વારસો

પ્ર – 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

પ્ર – 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

પ્રકરણ-7 આપણા વારસાનું જતન

પ્રકરણ – 8 કુદરતી સંસાધનો

પ્રકરણ-9 વન અને વન્યજીવ સંસાધન

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -10 ભારત – કૃષિ


વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની ચકાસણી કરી શકે તે માટે નીચે આપેલ પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1 MCQ-2

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-1 :- જોડકાં જોડો.

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1  સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1MCQ

ધોરણ – 10 સામાજિક વિજ્ઞાન : પ્રકરણ – ૮ કુદરતી સંશાધનો :- સાચુ કે ખોટું

ધો.10 સામાજિક વિજ્ઞાન :- પ્રકરણ-૮ કુદરતી સંશાધનો :- જોડકાં જોડો.જમીન અને તેમા થતા પાક

ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 2
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ- ૮ કુદરતી સંશાધનો MCQ – 1

બોર્ડની વાર્ષિક પરીક્ષાનુ નમૂનાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

માર્ચ-૨૦૨૦ માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનુ પ્રશ્નપત્ર – આદર્શ ઉકેલ સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


STD 10 QUESTIONS PAPER GUJARATI MEDIUM CLICK HERE


ધો.10 ના તમામ વિષયોનુ સ્ટડી મટીરીયલ, પ્રશ્નપત્ર પરિરૂપ,એકમ કસોટી પ્રશ્નપત્ર,ક્વિઝ એક જ ક્લિક માંં

 

 

 

 

Plz share this post

Leave a Reply